ક્વાર્ટર D 1
ક્વાર્ટર D 1


ક્વાર્ટર D-1
* * * * * * * *
આ શબ્દ સાથે છેલ્લા થોડા મહિનાથી અજીબોગરીબ નાતો બંધાઈ ગયો છે.. આહવા આકાશવાણી સરકારી ક્વાર્ટર કોલોનીનું ડાબી બાજુ ખૂણામાં આવેલ - ક્વાર્ટર D 1, મારુ હમદર્દ, સાથીને મિત્ર બની ગયું છે.ક્વાર્ટરની બાજુમાં જ નાનકડો પડતર એવો બગીચો ને પાછળ જ ઓફિસની દિવાલ. ઘર પાસે જ ઉગેલ કેસર આંબો. સતત આંખ સામે જ રહે. ખૂણામાં આવેલ આંબલીનું ઝાડ, આસોપાલવ ને બીજા નાના મોટા વૃક્ષો ! આ બધા પર સવાર સાંજ કાગડા, કાબર, ચકલી ને અન્ય પક્ષીઓનો કલરવ સવાર બપોર સાંજ કે પછી રાત. બધું જ જાણે કોઈ ધ્યાનગ્રસ્ત મુનિ જેવું શાંત, સ્થિર, અચળ ! થોડા જુના , થોડા અસ્ત વ્યસ્તને બિસ્માર હાલતમાં રહેલ A,B,C ને D ટાઈપ ક્વાર્ટરની કોલોનીમાં અંદાજે 3 થી 4 પરિવારોને બાકી એકલ દોકલ 3..4..અધિકારીઓ કર્મચારીઓ. મોટે ભાગે બધા આઉટ સાઈડર જેમાંથી 50 % લોકો પોતાના વતન જતા હોય છે ને અહીંના સ્થાનીય નિવાસી 2..3..જ ! એટલે બહુધા નીરવ શાંતિ ને એક શાંત ચુપકીદીનું સષુપ્ત વાતાવરણ ! થોડું પૂર્વકાલમાં સરકીએ.
જાન્યુ.5, 2018 , સવારે જાણકારી મળી કે આહવા કેન્દ્ર ખાતે બદલી થઈ છે. સ્વાભાવિક જ શોક લાગ્યો. ઘરે બપોરે હળવેકથી જમ્યા બાદ પરિવારને વાત કરી. મનમાં ભવિષ્યની તૈયારીઓ, રાજકોટનું નાનું મોટું વાઇન્ડિંગ અપ, થોડા પથારા જે આપણે ખુદ જ પાથરેલા હોય એના સંકેલા, બદલીના અન્ય સ્થળ ચેન્જ માટેની ઓફિશિયલ ગતિવિધિઓનો ધમધમાટ, આ બધાની ગડમથલ વચ્ચે.. " ચાલો રીપ્રેઝન્ટ તો કરીએ " એવું વિચારીને મુંબઈ રૂબરૂ ઝોનલ ઓફિસ તાત્કાલિક ઉપડ્યો.
જેમ ધારેલું તેમ જ ત્યાં સરકારી જવાબો મળ્યા.. પણ 1 મહિનાનું મામુલી એક્સટેન્શન ય મળ્યું. બસ પછી માનસિક તૈયારીઓ શરૂ કરી, મિત્ર વર્તુળ, સગા સ્નેહીઓને જાણે કોઈ અજુગતું બન્યું હોય તેવા ભાવ સાથે સમાચાર પ્રસરાવ્યાં.
ને અંતે 11 ફેબ્રુ. રાતની ગોંડલ નાશીક બસમાં જવાની તૈયારી થઈ ગઈ. 12 ફેબ્રુ.2018 આહવા હાજર થવાનું હતું. થોડા મિત્રોને સગાસંબંધીઓ ડેપોએ મુકવા આવ્યા.બધા વચ્ચેથી ભારે હૈયે.. વિદાય લીધી.
હવે કઈક નવી દુનિયા, નવું જગત. સાવ એકલાજ આટલા વર્ષે પરિવાર છોડીને જવાનું થયું. આમ તો આહવા ડીફીકલ્ટ કેન્દ્ર હોવાથી માત્ર 2 વર્ષ પસાર કરવાના છે. પણ આ 2 વર્ષ ??? ઉફ..વિચારવું જ મુશ્કેલ.
12 ફેબ્રુ. આહવા કેન્દ્ર પહોંચ્યો. ક્વાર્ટરની ચાવી લીધી. 1997માં અહીં વરસાદી મોસમમાં 15 દિવસ વિતાવેલ એ કઠિન દિવસો યાદ આવ્યાં. આહવા ગામથી થોડું દૂરનું કેન્દ્ર અને પાછળ જ તેના ક્વાર્ટર. જર્જરિત, સરકારી બિલ્ડીંગ. ઘણી અસુવિધાઓ. ફડક, ચિંતા, એકલતા આ બધાની વચ્ચે એક જ વિચાર કે અહીંના ટૂંકા આયોજન જ કરવા.
વરસાદમાં તો અહીં.અનેક જીવાતો, સાપ વગેરેનાં ભયો અને બીજા પણ અનેક કાલ્પનિક વિચારો. આ બધા વચ્ચે આહવા સ્ટાફના સહયોગમાં અડિંગો જમાવવાની તૈયારી શરૂ કરી. કદાચ પ્રભુની જ કોઈ શુભ ઈચ્છા હશે એવું માનસિક સાંત્વન પણ જાતેજ આપ્યું !
જેમ અતિ ગરદી વાળી બસમાં બે પગ રાખવાની જગ્યા મળે ને પછી ધીમે ધીમે શરીર ગોઠવાતું જાય એમ મન આ અસુવિધાઓ ને અસંગતતાની વચ્ચે ગોઠવાતું..ગયું. આહવાના અવનવા, અનોખા, અભિનવ અનુભવોની વધુ રસપ્રદ વાતો અહીં અવાર નવાર મૂકી છે..જેને આપ સહુએ વધાવી છે. વધુ ખટમીઠાં અનુભવો ક્યારેક ફરી ! પણ એક વર્ષ પૂર્ણ થયું. સમય તો એની ગતિએ પસાર થતો જ હોય છે.
સંસ્કૃતમાં મુક્તકાવ્યોની પરંપરા શરૂ કરનાર રાજા ભર્તુહરીએ નીતિશતક, શૃંગાર શતક વગેરે કાવ્ય શ્રેણી બાદ વૈરાગ્ય શતક લખ્યું. જેના એક શ્લોકમાં કહ્યું કે,
भोगा न भुक्ता वयमेव भुक्ताः
तपो न तप्तं वयमेव तप्ताः ।
कालो न यातो वयमेव याताः
तृष्णा न जीर्णा वयमेव जीर्णाः ॥
हमने भोग नहीं भुगते, बल्कि भोगने ही हमें भुगता है; हमने तप नहीं किया, बल्कि हम स्वयं ही तप्त हो गये हैं; काल पसार नहीं हुआ, हम ही पसार हुए हैं; तृष्णा जीर्ण नहीं हुई, पर हम ही जीर्ण हुए हैं !
( भर्तुहरी - वैराग्य शतक )
એટલે સમય તો ત્યાંજ સ્થિર છે માત્ર આપણે પસાર થઈએ છીએ !