કલ્યાણી
કલ્યાણી
"તું તો કાળી ને કલ્યાણી રે માં....." હવેલીના અધખુલા કમાડપારથી ચળાઈને આવતો ગરબાનો ઘૂંટાયેલો ધીરો અવાજ, તાલીઓનો તાલ અને ઢોલનો ધ્રુબાંગ.... ધ્રુબાંગ અવાજ આઠ દાયકાની અડીખમ સફર વટાવી ચૂકેલા કાળીમા ઉર્ફે કલ્યાણીદેવીને શારીરિક અને માનસિક રીતે વિચલિત કરી રહ્યો હતો.
સાડા સાત દાયકાનો અડીખમ અતીત એમની ઝીણી આંખોમાં ઉપસી આવ્યો હતો. બાર-તેર વર્ષની કાચી, અબુધ ઉંમરે કીર્તિસિંહને પરણીને આ ઇમારતમાં જ્યારે કંકુ પગલાં કર્યા હતા એની અમીટ, લાલ કંકુવરણી છાપ હજીય એમના દિલના દરવાજે એવીજ તરોતાજા હતી.
ચોત્રીસ જણનો બહોળો પરિવાર, દાદાસસરા, દાદીસાસુ, કાકાજી સસરા, કાકીજીસાસુ, એમના પુત્રો-પુત્રવધુઓ, પૌત્રો-પૌત્રીઓ, સાસુ-સસરા, પોતાનાથી નાના રમતિયાળ દિયર અને નણંદોથી ભર્યો ભર્યો સુખી સંસાર. પરણીને આવ્યા પછી કલ્યાણીમાંથી કાળી ક્યારે બની ગઈ એની સમયને પણ જાણ ન થઈ. લહેરિયાળા પાલવમાં છૂપાયેલો એમનો જાજવલ્યમાન ચહેરો જાણે વાદળોની ઓથે સંતાયેલો પૂનમનો ચાંદ. પણ....એ ચાંદ પર લાગેલા કાળા કલંકનુમા ગ્રહણની છાયા હજી સુધી એમને દઝાડી રહી હતી.
પોતાના કંકુપગલા જ્યારે આ હવેલીનુમા ઇમારતનો ઉંબર ઓળંગીને અંદર પડ્યા હતા ત્યારે આ ખોરડાના ઓરડા ભલે નાના હતા પણ એમાં રહેનારા આત્મીયજનોના મન અને માણસાઈ બહુ મોટા હતા. યથા નામ તથા ગુણ ધરાવતી કલ્યાણી પરિવાર માટે ખરેખર શુકનવંતી પુરવાર થઈ હતી.
"પણ... મને બધાય કાળી કેમ કે'છે ?" એક રાત્રે એની આંખોમાં રોષિલો પ્રશ્ન ઉઠ્યો.
"કેમ કે તું અતિ રૂપાળી છે... તને કોઈની મીઠી નજર ન લાગે એટલે બાએ તારું નામ જ કાળી રાખી દીધું." કીર્તિસિંહે પોતાના તરુણસહજ વિશ્લેષણને આધારે ઉત્તર વાળ્યો.
"કેમ, રૂપાળા હોવું એ કોઈ ગુનો છે... ?"
"રૂપાળા હોવું એ ગુનો નથ પણ અતિ રૂપાળા હોવું એ જરૂર ગુનો છે." કીર્તિસિંહે કાળીને બાથમાં ભરી લીધી.
"હું રૂપાળી છું એટલે જ મને પસંદ કરવામાં આવી હતી ને...? મધ્યમ ખોરડાના માતા-પિતા પાસે એમના ઉજળા સંસ્કાર અને એથીય ઉજળી હું, એટલી જ તો મૂડી હતી અને તેમ છતાંય રજવાડાંનું માંગુ આવ્યું ને હું અબુધ, અસમજુ, અપરિપક્વ પણ અનેક આશાઓ આંખોમાં ભરી આ ઘરમાં આવી." પોતાની જાતને બાથમાંથી છોડાવતી કાળીની આંખોમાં નીર ધસમસી આવ્યા, " સાવ અજાણી જગ્યા, અજાણ્યા લોકોને પોતીકા બનાવવામાં મારા અસ્તિત્વનો કોઈ અવકાશ જ ન રહ્યો. આ ઇમારતના દરેક ખૂણા, દરેક દિવાલ સાથે મારા સંભારણા સચવાયેલા છે. કમાડની બાજુમાં કંકુ થાપા, ઉંબરે અટવાયેલા મારા આડાઅવળા પગલાંની છાપ, ક્યારેક નાની-નાની વાતોના રિસામણાં-મનામણાં, નવી સહેલીઓ સાથે ગાઉ છેટેથી બેડલાં ભરી પાછા ફરતાં થતી અલ્લડ મશ્કરી, ગાયોના દુઝણા, પાંચીકે રમવું, ઘૂઘરીઓના તાલે ઘુમવું, આ ઘરના સભ્યોને સાચવતા સાચવતા હું જાત સાચવવાનું જ વિસરી ગઈ...મારું વજૂદ આ ઘરની ઈંટો હેઠળ દબાઈ ને દટાઈ ગયું....ઇમારત મોટી થતી ગઈ અને માણસોની સંખ્યા ઓછી થતી ગઈ...બે માળના મેડીબંધ મકાનની દીવાલો તો રહી પણ પારિવારિક પ્રેમ, સંપ, સમર્પણનું બાષ્પીભવન થઈ ગયું... દેહ રહ્યો પણ આત્મા ઊડી ગયો... " કાળીમાં હજીય ભૂતકાળની ભૂલભુલૈયામાં અટવાયેલા હતા અને એમાંય એમના માનસપટ પર એ કાજળઘેરી ઘોર અંધારી રાતની ઘેરી છાયા છવાઈ ગઈ.
એક અષાઢી મેઘલ રાતે કાળી એના ઓરડામાં સૂતી હતી, કીર્તિસિંહ જમીનના કામે શહેરમાં ગયા હતા અને મુશળધાર વરસાદે એમનો પાછા ફરવાનો મારગ બંધ કરી નાખ્યો હતો. કાળી રાહ જોતી પોતાના ઓરડાની બારીએ માથું ટેકવી બેઠી હતી. લાઈટ પણ જતી રહી હતી, કાળમીંઢ અંધારામાં સામે કોઈ ઉભું હોય તોય જોઈ શકાય એમ નહોતું. વાયરા સામે બાથ ભીડતો ટમટમી રહેલો ફાનસ પણ ધીમેધીમે વાટ સંકોરી રહ્યો હતો...
"સિંહ ક્યાં અટવાઈ ગયા છો ? હજી નથી પોગ્યા તમે ?" મારું મન વિચારોના વલોપાતમાં વલોવાઈ રહ્યું છે.. અમંગળ આશંકાના વાદળો વચ્ચે ચિંતાનો સૂરજ ડોકિયું કરી જાય છે. ઝટ આવી જાઓ" મનોમન મણમણના નિસાસા નાખતી કાળી બારીની પાળીએ બંને હાથ પર માથું મૂકી આંખ બંધ કરી ચહેરા પર છવાયેલા અણગમાના ભાવને પોતાની લહેરાતી લટો વળે છુપાડવા મથી રહી હતી.
"કોણ....કોણ છે ન્યા?" ગરમ શ્વાસ ચહેરે અથડાતાં કાળીએ હવામાં હાથ વીંઝ્યો, "સિંહ.... આવી ગ્યા તમે ? ક્યારની વાટ જોતી બેઠી'તી. બહુ મોડું કર્યું આજે ?" એના રોષમાં પણ પ્રેમની છાલક છલકી રહી હતી.
"ક્યાં ખેંચી જાઓ છો..... છોડો મને... તમે...તમે સિંહ નથી.... છોડો... કહું છું છોડી દ્યો મને નહિતર જોવા જેવી થાહે..." એનું શરીર પલંગ પર ફંગોળાયું. હજુ પોતાની જાતને બચાવવા ઊભી થાય ત્યાં જ એના મોઢે કોઈનો વજનદાર હાથ દબાયો અને એના કોમળ ગુલાબી શરીર પર હવસખોર પુરુષનું ભારેખમ શરીર પછડાયું.
ગુલાબની એક એક કોમળ પાંખડીને તોડતો હોય એમ એ નરાધમ કાળીના એક પછી એક આવરણ ઉતારવા મથી રહ્યો હતો અને મહદઅંશે એમાં સફળ પણ થયો. અંધારામાં શરીર પર ફરતો એનો હાથ અત્યારે સેંકડો સર્પોના સળવળાટ જેવો ભાસતો હતો.
ડઘાઈને અવાચક બની ગયેલી કાળીએ મન પર કાબુ મેળવી એ હવસીના બેય પગ વચ્ચે કસકસાવીને જોશભેર લાત ફટકારી જેથી એ ગડથોલું ખાઈ ગયો અને એનો લાભ લઈ પલંગ પાસેના ટેબલ પર મુકેલા ફાનસની વાટ ઊંચી કરી અને એ ફાનસ એણે પરપુરુષના મોઢે મારતા પહેલાં આછા અજવાળામાં એનો અછડતો ચહેરો જોઈ લીધો.
"સિંહનો પિતરાઈ હોવાને લીધે આજે તો તને જીવતો જવા દઉં છું પણ ફરીવાર જો આવી નીચ હરકત કરવાની તો શું વિચારવાનીય કોશિશ કરી તો તારો જીવ લેતાંય નહિ અચકાય આ કાળી." ફરી હાથમાં ઝાલેલું ફાનસ એના બેય પગ વચ્ચે જોરથી ફટકાર્યું. ફાનસ તૂટીને કાચ વેરાઈ ગયા અને એ નરાધમના ભાગી છૂટવાની સાથે અકલ્પિત છીછરી ઘટના પણ વેરાઈ-વિખેરાઈને સમયગર્તામાં સમાઈ ગઈ.
સમયનું વહેણ વધતું ગયું અને કીર્તિસિંહના મૃત્યુ બાદ કાળીના સતરંગી લહેરિયાળા પાલવના રંગો પણ કરમાતા ગયા. સંબંધોની ગાંઠો છૂટતી ગઈ ને પરિવારજનોની સંખ્યા ઘટતી ગઈ..... યાદોના ઓછાયામાં વધતી ઉંમર સાથે રહી ગયા કાળી અને જર્જરિત થઈ રહેલી ઇમારત....
કેટલાંક વર્ષો બાદ.....
"કેટલીય વાર તમને સમજાવ્યું છે કે આ હવેલી વેચીને કે એને હોટલમાં ફેરવીને પૈસા કમાવાનો વિચાર સુધ્ધાં મનમાં ન આણતા જ્યાં લગી આ કાળી જીવે છે ત્યાં લગી આ ઈમારતની એકેય કાંકરીય ખરવા નહિ દઉં."
"માડી.... હવે રહ્યું છે શું આ હાડપિંજર જેવા ખવાઈ ગયેલા જર્જરિત મકાનમાં ?" વિદેશથી આવેલા પુત્રે પરિવારની સામે કાળીમાંને પોતાના ભવિષ્યની રજુઆત સાથે લાવેલી બ્લ્યુ પ્રિન્ટ અને લેપટોપમાં સેવ કરેલ પ્રોજેકટનું પ્રેઝન્ટેશન બતાવતા કહ્યું.
"મકાન નથી આ.... ઘર છે મારું, હૈયું છે મારું...મારી નસેનસમાં લોહી બનીને વહે છે આ ઘર, મારા સમણાંનું ઘર...મારો જીવ છે આ ઘર, જ્યાં સુધી આ ખોળિયામાં જીવ છે ત્યાં સુધી તમારા લાલચુ સપના ક્યારેય પુરા નહિ થવા દઉં." ધ્રુજતા હાથે ને ધ્રુજતા હોઠે કાળીએ ચેતવણીના સૂર ઉચ્ચાર્યા.
"આ ડોશી એમ નહિ માને.... આપણે બળથી કામ લેવું પડશે." મોટી વહુએ પોતાના મનની વાત વહેતી કરી એટલે બીજા સભ્યોએ એમાં સૂર પુરાવ્યો...."
"તમારાથી થાય એ કરી લેજો. આ કાળી તમને જનમ આપીને મોટા કરી શકે છે તો તમને ઊભાઊભ વેતરીય શકે છે. હાલ્યા જાઓ અહીંથી બધાય. મારા ઘરપર તમારો કાળ પડછાયો ય નહિ પડવા દઉં હું ," કાળીના શબ્દોની ત્રાડનો પડઘો સંભળાતા બધાય ત્યાંથી ચાલ્યા જવાનું મુનાસિબ માન્યું.
આઠ-દસ દિવસના આંતરે કોર્ટે કાળીને ઘર ખાલી કરવાની નોટિસ મોકલી..
"મારા હાળા હંધાય સાંઠગાંઠ કરીને એકબીજા હારે ભળી ગ્યા છે... કંઈ નહીં, મારો રામ, મારો ઉપરવાળો હજી મારી હારે છે. મારા જીવતેજીવ તો આ જમીન એમનેએમ કોઈના હાથમાં નહીં જવા દઉં."
કેટલાક દિવસો પછી....
કોર્ટે કાળીને ચોવીસ કલાકમાં ઇમારત ખાલી કરી આપવાની અંતિમ નોટિસ મોકલી હતી. સમય બહુ ઓછો હતો... બીજા દિવસે સવારે ઇમારત પર બુલડોઝર ફેરવી એને ધરાશાયી કરવાનું કોર્ટનું ફરમાન બહાર પડ્યું હતું.
બીજા દિવસે સવારે જ્યારે બુલડોઝર લઈને સરકારી કર્મચારીઓ સાથે કાળીના પરિવારના સભ્યો પણ પહોંચી આવ્યા હતા.
બુલડોઝરે ઇમારત પાડવાની શરૂઆત કરી. કાળીમાંના ખખડી ગયેલા દેહ જેવી ખખડધજ ઇમારતને પત્તાના મહેલની જેમ કડડભૂસ થતા જરાય વાર ન લાગી. આટઆટલા કોલાહલ વચ્ચેય કાળીમા બહાર ન નીકળતા એ ઇમારત છોડી ચાલ્યા ગયા હોવાનું બધાએ અનુમાન લગાડ્યું. બુલડોઝર પાછળ બધા સભ્યો હૈયામાં લોભી આનંદ સાથે તૂટી પડેલી ઇમારતના ઢગલા પાસે આવ્યા ત્યારે એમણે જોયું કે એ ઢગલા વચ્ચેથી કાળીમાની ખુલ્લી અને ખાલી હથેળી ડોકાઈ રહી હતી અને એની બાજુમાં વર્ષો પહેલાં પરિવાર સાથે પડાવેલ ફોટો મઢેલ ફ્રેમનો કાચ વિખરાયેલો પડ્યો હતો.
