ખુશીનું ઘોડાપૂર
ખુશીનું ઘોડાપૂર
રામજીકાકા એટલે ભગવાનનાં માણસ. ખુબજ માયાળું અને પ્રેમાળ સ્વભાવ. બાળકો એમને બહુ વ્હાલાં. ગામમાંથી આવે એટલે પહેરણના ખિસ્સામાં ચોકલેટ ભરીને લાવે. ફળિયાના બાળકોને ચૉકલેટ વહેંચે અને ખુશ થાય. આ એમનો રોજનો નિયમ.
બાળકો પણ એમને ચૉકલેટવાળા કાકા કહીને બોલાવતાં. કાકાને જોતાં વેંતજ બાળકો દોડીને કાકાને ઘેરી વળતાં. એક દિવસ રામજીકાકા આવ્યાં નહીં. બાળકો કાકાની રાહ જોઈને બેઠાં હતાં કોઈએ આવીને કહ્યું કે રામજીકાકાને કૉરોના થયો છે એટલે દવાખાનામાં આઈ.સી.યુ.માં છે. બાળકોને જાણીને બહુ દુઃખ થયું. બધાં બાળકો મંદિરમાં ગયાં અને રામજીકાકા જલ્દી સાજા થાય એટલાં માટે પ્રાર્થના કરવા લાગ્યાં.
બાળકોની પાર્થના ફળી રામજીકાકા સાજા થઈ ગયાં અને બાળકો માટે ચૉકલેટ લઈ આવ્યાં. બાળકો રામજીકાકાને ગળે ભેટી પડ્યાં. રામજીકાકાની આંખોમાં ખુશીનું ઘોડાપૂર ઉમટી પડ્યું.
