Prerit Anjaria

Children Stories Inspirational

4.7  

Prerit Anjaria

Children Stories Inspirational

જલધિનું હરિયાળું શહેર

જલધિનું હરિયાળું શહેર

3 mins
278


મિત્રો, આજે આપણે વાત કરીશું એક એવા શહેરની જેને જંગલના રાજા સિંહ અને બીજા ધોરણમાં અભ્યાસ કરતી નાનકડી જલધિ તથા ડોરેમોનએ હરિયાળા શહેરમાં ફેરવી દીધું....તો ચાલો થઈ જાવ તૈયાર જલધિ, ડોરેમોન અને સિંહરાજાની વાર્તા માણવા.

એક વખત જલધિને ઘેર પુનિત, ધરવ, આનંદી, ખુશાલી અને માનદ જલધિના મમ્મીના જન્મદિવસની ઉજવણીમાં સાંજનું ભોજન કરવા એકઠા થયા હતા. કૃતિબહેને ખૂબ સરસ પાંવભાજી અને ગુલાબજાંબુ બનાવ્યા હતા. સૌએ ખુબ મોજ કરી અને બધા ઘેર જવા નીકળ્યા. બધા એક પછી એક ઘેર ચાલ્યાં. ધરવ ભાઈ પણ સાયકલ લઈને ચાલ્યો અને રસ્તામાં એણે એક કૌતુક જોયું: રસ્તાની બરાબર વચ્ચે એક ગોળ આકાર સ્થિર થઈ ને ઉભેલો ! બિલકુલ સ્નોમેન જેવો. ડિસેમ્બરનો મહિનો હતો. અંધારામાં કઈ દેખાતું ન હતું. ધરવ ભાઈ એ તો લગાવ્યો ફોન એના પપ્પા દેવાંગભાઈને. દેવાંગભાઈ એમની કાર લઈને આવ્યા અને જોયું તો એ ભાઈ બીજું કોઈ નહિ પણ ખુદ ડોરેમોન.

દેવાંગભાઈએ ડોરેમોનને ઉંચકીને તપાસ્યો તો ખબર પડી કે એની તો બેટરી ખતમ હતી. ધરવે જલધિને બોલાવી અને બધી વાત કરી, જલધિએ ડોરેમીને ફોન કર્યો. ડોરેમી નવી બેટરી લાવી અને ડોરેમોનના જીવમાં જીવ આવ્યો. ડોરેમોને ધરવનો આભાર માન્યો. પછી તો સૌ કારમાં બેસીને ધરવને ઘેર ગયાં અને ડોરેમોને કહ્યું કે મારી બેટરી તો વાતાવરણમાં વધતા પ્રદૂષણ ને કારણે વધારે ખરાબ થઈ ગયેલી. આથી જલધિએ નક્કી કર્યું કે મારા મિત્ર સિંહરાજાની મદદ લઈને કૈક કરવું !

જલધિના ઘરની બાજુમાંજ એક મોટું જંગલ હતું, તેનો વિસ્તાર પહેલાં તો થોડાએક એકરનો જ હતો, પરંતુ ત્યાં રહેતા સિંહરાજાએ વિવિધ જાતના વૃક્ષો વાવીને જંગલનો ફેલાવો કરતાં તે છેક શહેરને અડીને આવી ગયું હતું. જલધિ નું ઘર એ જંગલની સાવ પાસે હતું. હોમવર્ક કરીને જલધિ તો રોજ સાયકલ લઈને સિંહરાજાને મળવા જાય અને અલક મલક ની વાતો કરે. જંગલમાં રહેતા ત્રણ ગેંડા પણ જલધિના પાક્કા ફ્રેન્ડ. જલધિએ સિંહરાજાને ડોરેમોનની બધી વાત કરી. સિંહરાજાએ કહ્યું કે એનો ઉપાય મારી પાસે છે, ચાલો શહેરના બધા રસ્તાઓની આજુબાજુ ઘટાદાર વૃક્ષો વાવી દઈએ, મારી પાસે તો દુનિયાના બધા પ્રકારના વૃક્ષોના બીજની બેન્ક છે, મારા મંત્રીઓ શિયાળભાઈ અને વાંદરાભાઈ તથા ગેંડા ભાઈઓ તમને બધી મદદ કરશે, તો શુભારંભ કરી દો વૃક્ષો વાવવાનો.

બધાને આ સૂચન ખુબ જ પસંદ પડ્યું. વહેલી સવારે ત્રણેય ગેંડા અને શિયાળ અને વાંદરાભાઈ પીઠ ઉપર બીજની થેલીઓ અને કાંપ લઈને જંગલમાંથી નીકળ્યા તથા જલધિ, ડોરેમોન અને એમનું મિત્રમંડળ પાવડા -કોદાળી લઈને એકઠા થયા. શહેરના લોકો ગભરાઈ ના જાય એ માટે ગેંડાઓએ ગાયનું મહોરું પહેરેલું હતું, વાંદરાભાઈ તો હૂપાહૂપ કરતા હતા અને શિયાળભાઈએ તો કૂતરાનું મહોરું પહેર્યું હતું.. સહુથી પહેલાં જે રસ્તો જલધિએ પસંદ કર્યો એ હતો જલધિના ઘરથી તેની શાળા સુધીનો. સિંહરાજાએ જે મુજબ સૂચના આપેલી હતી, તે મુજબ સહુ પ્રાણીઓ અને છોકરાંઓ ખાડો ખોદતાં જાય, કાંપ પાથરતા જાય, બીજ વાવતા જાય અને આજુબાજુ રહેનારા લોકોને તથા દુકાનદારોને સૂચના આપતા જાય, "ભાઈઓ અને બહેનો, આ વૃક્ષો આપણા સહુ માટે છે, ઝાડ છાંયો આપશે, ફળફૂલ આપશે અને ઠંડક આપશે, પ્રદુષણ ઘટશે તે તો નફામાં. માટે રોજ પાણી પાજો અને ઢોરને દૂર રાખજો." સિંહરાજાએ બીજ પણ વિવિધ પ્રકારના આપેલા હતા, શીમળો, લીમડો, ગરમાળો, ગુલમહોર, પીપળો ને વડ. વાહ ભાઈ વાહ.

સહુને બાળકોના આ પ્રયાસ ખુબ ગમ્યા. શહેરના મેયરએ આ બાળકો માટે ઈનામની જાહેરાત કરી. બાળકો અને પ્રાણીઓ તો ખુશ ખુશ. બાળકોનું આ કામ તો પછી મેયરની સૂચનાથી સેવા સદનના કર્મચારીઓને સોંપાયું ને જોતજોતામાં આખું શહેર નાનાનાના છોડવાથી શોભવા લાગ્યું. જલધિના ક્લાસટીચર તથા પ્રિન્સિપાલે પણ પ્રાર્થનાસભામાં જલધિનું બહુમાન કર્યું અને બીજા બાળકોને પર્યાવરણ માટે કૈક કરવાની અને સાદી જીવનશૈલી અપનાવવા માટે કહ્યું. 

ધીરે ધીરે હરિયાળા શહેરની સૂરત જ બદલાઈ ગઈ. જ્યાં જુઓ ત્યાં હરિયાળી જ હરિયાળી. ડોરેમોને જાપાન જઈને તેના મિત્રોને પણ આ વાત કરી. ધીરે ધીરે આ વાત ભારત અને જાપાનના વડાપ્રધાન સુધી પહોંચી. જાપાનના વડા પ્રધાને ગુજરાતના મુખ્યમંત્રી અને વડાપ્રધાનને પણ અભિનંદન આપ્યા. જલધિ અને ડોરેમોનને આ મહાનુભાવો તરફથી ઈનામ પણ મળ્યું.

બધા ખૂબ ખુશ થયા. જલધિએ સિંહરાજાને બધી વિગત જણાવી તો સિંહરાજાએ શું કહ્યું, જાણો છો? "જય જય ગરવી ગુજરાત, પહેલા વાવો વૃક્ષો, પછી બીજી વાત."


Rate this content
Log in