જીગ્નેશ
જીગ્નેશ
’દાદી, તમે બધા નીચે ઊભા રહીને ઝીલશો ને હું છાપરાં પર ઊભો રહીને રૂપિયા ઉડાવીશ.’ દસ-બાર વર્ષના એ છોકરાએ કોઈ બડાઈ હાંકવા નહોતું કહયું. એના સપનાં જ એટલા મોટા હતા કે એની આંખોમાં સચવાતાં નહોતાં. દાદી બિચારા હસતાં અને ડોકું હલાવી કહેતા, ’સારું ભાઈ, એક તપેલું લઈને હું પણ ઊભી રહીશ.’
દાદી અમુક મુસ્લિમ પરિવારના ઘરમાં કામ કરતા. વાસણ માંજે, કપડાં ધુએ, ઝાડું-પોતા કરે અને એવા જ ઘણાં પરચુરણ કામ કરતાં. દાદીને કોઈએ સૂઝાડ્યું કે પાનનો ગલ્લો કર્યો હોય તો આ કામ કરતા સારી આવક થઈ શકે. ’શાંતા, મને બે હજાર રૂપિયા જોઈએ છે.’ દાદીએ પોતાની ઘરની લક્ષ્મી પાસે નવા સાહસ માટે મૂડી માંગી.’
‘’ફુઈ, તમને તો ખબર છે તમારા દીકરાની દવામાં કઈ બચતું નથી. એમાં આ ત્રણ છોકરાની ફી. ઘરનો ખર્ચો માંડ નીકળે છે.’’
પતરીભાઈ ગલ્લો વેચવાનું કે’છે. તું હમણાં કંઈક થાય તો મેળ કર. રોજ પચાસ રૂપિયા તને આપીશ.’ રોજના પચાસની આવકની આશાએ કરજ લેવાનું સાહસ આપ્યું. સાસુ-વહુની જોડીએ વ્યાજે મૂડી મેળવીને પાનનો ગલ્લો ચાલુ કર્યો. વહુ કપડાં સીવે. દાદી પાનનો ગલ્લો ચલાવે. ઘરના બાકીના સભ્યો શું કરતા હશે? અને એમાં પેલો રૂપિયાના વરસાદના સપનાં જોતો મારો હીરો ક્યાં ખોવાઈ ગયો? ઘરમાં બધા મળીને સાત સભ્યો હતા.
દાદા-દાદી, મમ્મી-પાપા અને ત્રણ બાળકો. બે મોટી બહેન અને ત્રીજો તે આ વાર્તાનો હીરો. પાનનો ગલ્લો ચાલુ થયો એ સમયે આ ભાઈ પાંચમું-છઠ્ઠું ભણતાં હતા.
અભ્યાસ જેનાં માટે એક બિહામણું સ્વપ્ન હોય એ શાળાએ જઇને શું કરે! આવું જ કાંઈક ઘણાં વર્ષો ચાલ્યું. ઘડિયા મોઢે થાય નહીં. રોજ જ અક્ષર સુધારોની નોંધ આવે. પાઠ્ય-પુસ્તકનાં શરૂઆતનાં ત્રણ-ચાર પાઠ ગાયબ હોય. મોટેભાગે વર્ગની છેલ્લી પાટલીએ મોઢામાં અંગુઠો લઇને સૂતો હોય! ઘરે આવવાનો સમય થાય ત્યારે રસ્તામાં મળે એટલાં કૂતરાં-બિલાડાં રમાડી લેવાનાં. ક્રિકેટ રમવું ગમે પણ જો ઝીરો પર આઉટ થાય તો બેટ તૂટી જાય એટલા જોરથી પછાડવાનું. આવુ વાંચીને થાય કે શું થશે આવા છોકરાનું? એ છોકરાએ અભ્યાસને ક્યારેય મહત્વ આપ્યું જ નહીં. પાસિંગ માર્ક્સ મેળવતો એ માંડ નવમા ધોરણ સુધી પહોંચ્યો. અર્ધ-વાર્ષિક પરીક્ષામાં રિઝલ્ટ નબળું આવ્યું. તેણે જાહેરાત કરી કે 'મારે ભણવું જ નથી હવે'. નથી ભણવું તો ચૌદ વર્ષનો દીકરો કરશે શું? દાદી પાનનો ગલ્લો ચલાવતાં. મોમ દરજી કામ કરે અને પાપા તો બીમાર હતા. લગભગ બધાએ સમજાવી જોયો, પણ અભ્યાસ ત્યાં જ અટકી ગયો. દાદીના ગલ્લાની બાજુમાં કોઇએ ઈંડાની લારી ચાલુ કરી હતી. જે કોઇક કારણસર બંધ પડી ગઇ.
'એ લારી જો આપણે ચાલુ કરીએ તો?' દાદીનો પ્રસ્તાવ.
'પણ, સાચવશે કોણ.?' મોમની મૂંઝવણ.
'કાંદા કાપતા નથી આવડતું મને,બાકી હુ સંભાળી લઈશ.' આ કથાનો નાયક બોલ્યો.
તેલનો ડબ્બો ખાલી થાય અને ઉપર પતરાંનું ઢાંકણ બેસાડીને ફરી ઉપયોગમાં લેવાય, એવા પતરાંના ડબ્બામાં બધો સરંજામ ભેગો થતો. એક ગોળ ડબ્બો હોય પ્લાસ્ટિકનો, જેમાં જુદાં-જુદાં મસાલા ભર્યા હોય. લીલાં મરચાં, આદું, લસણ વાટીને જૂદી બોટલમાં ભરાય. તેલ, છરી, છીણી, તવો વગેરે પેલા પતરાંના ડબ્બામાં ભરીને ખભે ઉપાડે અને ઉપડે સાહેબ કમાણી કરવા. ઘરથી લારી સુધી પહોંચતા માંડ પાંચ-સાત મિનિટ થાય, પણ ત્યાં સુધી પહોંચતા એ આખો લાલ થઈ જાય. આંખોમાં પાણી તો હોય જ, સાથે હોય પારાવાર રોષ. જ્યાંથી પસાર થવાનું હોય એ રસ્તે તેની ઉંમરના બીજા બાળકો એને ચીડવે.
'એ, પાવ' 'બાઠીયો' 'જાડીયો' ગોળ મોઢું, બેઠી દડીનું સ્થૂળ શરીર અને શ્યામ ત્વચા, ઢીલા કપડાં પહેરે અને ધમ-ધમ કરતો ચાલે. ઈંડાની લારી પર પહોંચીને સૌથી પહેલાં આસપાસનાં કૂતરાં રમાડવાનાં. ધીમે ધીમે કામ શીખાતું ગયું. શરૂઆતમાં દાદી મદદ કરતાં, પછી સારી હથોટી બેસી ગઇ. ઈંડાની લારીથી કેરિયરની શરૂઆત થાય તેને ભવ્ય તો કેમ કહેવાય, પણ બસ એક શરૂઆત તો હતી. પાનનો ગલ્લો, ઈંડાની લારી અને મોમનું સિલાઇ મશીન એકસાથે ધમધમવા લાગ્યા. આવક કાંઈ એટલી માતબર નહોતી કે પરિવાર બહુ સમૃદ્ધ થઈ જાય, પણ જીવન થોડું સરળ તો બન્યું જ હતું. થોડી બચત પણ થવા લાગી. બે વરસની જમા થયેલી બચતે મોમને વળી એક નવા 'સાહસ' માટે પ્રેરણા આપી. એમણે સેકન્ડ હેન્ડ રિક્ષા ખરીદી. એટલે શું હવે કથા-નાયક રિક્ષા ચલાવશે? એમાં એ પોતાના સપનાં પૂરાં કરશે? એ રિક્ષા ચલાવતાં શીખ્યો. લારી પર કામ તો સાંજે કરવાનું હોય દિવસે તો એ આ રિક્ષામાં એનાં જેવડા થોડા દોસ્તાર ભરીને રમવા ઉપડી જતો. મોમ કોઇકને શોધી લાવ્યા, જે રિક્ષા ભાડે ફેરવી શકે. શરૂઆત ઠીક થઈ. રિક્ષા-ડ્રાઇવર નક્કી કરેલી રકમ જમા કરાવી જતો. રિક્ષાની આવક આવતા મોમને લાગ્યું કે હવે ઈંડાની લારી બંધ કરી દઈએ તો ચાલશે. વળી, છોકરો પણ થોડો થાક્યો હતો. એમ લારી બંધ થઈ. સુરતમાં ઓછું ભણ્યા હોય એની પ્રગતિ મોટે ભાગે 'હીરા-ઉદ્યોગ' દ્વારા જ નિર્મિત હોય. એટલે આ ભાઈ પણ ૨૨૦૦ રૂપિયાના ભવ્ય પગારે એક હીરાની ઓફીસમાં કામે લાગ્યા. એક નવી નોકરી અને હજારો નવા અનુભવો મેળવતા એ માંડ સેટ થાય એ પહેલા પાપાએ સાથ છોડવાની ઉતાવળ કરી. બીમાર હતા, પણ હવે નહોતા. મુંડન કરાવીને સફેદ ધોતીયું પહેરીને પીંડદાન કરી રહેલો એ આખો ધ્રૂજતો હતો. તેને રડવું હતું, પણ અચાનક આવી પડેલી જવાબદારી એ સમજી નહોતો શક્તો. મોમનો મોટો ચાંદલો એને ગમતો, પણ હવે એ કપાળ કાયમ ચાંદલા વીહોણું જ રહેવાનું છે એવી સમજ આવતાં જ એ અચાનક સુન્ન થઈ ગયો. ગળામાંથી કોઈ અવાજ નહોતો નીકળતો, પણ એ ઝભ્ભાથી થોડી થોડી વારે આંખો લૂંછ્યા કરતો હતો. પાપાની વિદાય એને થોડો મોટો કરતી ગઈ. એ સભાન હતો કે મારા હોવાથી મારા મોમ ખુશ હોય છે. રમત થોડી ઓછી થઈ, પણ સપનાં કાંઇ ઓછા થાય? એની નોકરી બદલાતી રહેતી. પગાર માંડ વધીને ૬ હજાર થયો હતો અને એ પગાર મળતો દર દોઢ મહિને. ક્યારેક બે મહિના પણ નીકળી જાય. એવામાં કોઈ જાહેરાત આવી કે પાર્ટ-ટાઈમ 'યોગ-ટીચર' જોઈએ છે.
વારસાગત સ્થૂળ શરીર, દસ કલાકની બંધિયાર જોબ અને પારાવાર અસલામતી સાથે લઈને તેણે આ યોગ-ટીચરવાળી પાર્ટ-ટાઈમ જોબ માટે મળવા જવાનું નક્કી કર્યું. યોગ-ટીચર' માટેની એક પણ લાયકાત તો હતી જ નહીં, છતાં એવું શું હતુ કે આ જોબ માટે તેણે તૈયારી બતાવી? સૌથી મોટી લાલચ વધારાની આવક જ હતી. એ સિવાય જાહેરાતકર્તાએ 'બીનઅનુભવી ઉમેદવાર પણ ચાલશે-ટ્રેનિંગ આપવામા આવશે' એવી 'પ્રેરણાત્મક' ઓફર આપી હતી. શહેરના પોશ એરિયામાં એક સામાન્ય કહેવાય એવું 'જિમ' હતું, જ્યાં આપણો 'હીરો' પોતાની લાઈફની નવી ઇનિંગ રમવા પહોંચ્યો. સમૃદ્ધિ છલકાતી હોય તેવા વિસ્તારોમાં સ
્વાસ્થ્યની ઘણી અછત હોય એવું સામાન્યપણે જોવા મળતું હોય છે. જે જિમમાં 'ટ્રેઈનર'નો ખપ હતો તેમણે હીરોને જોઈને જ શંકા દર્શાવી કે - 'તમે આ ફિલ્ડમાં કામ કરી શકશો?' આ કોઈ ફિલ્મ નહોતી કે ડાયલોગ સાંભળીને લોકો સીટી મારે! તો યે ડાયલોગ તો આવ્યો જ, 'એકવાર શીખવી દો, પછી બધા કામ કરી શકીશ.' આત્મવિશ્વાસ હતો કે અહંકાર? બેમાંથી કંઈ જ નહોતું. તેને એક આછી પાતળી આશા હતી કે હું જ્યાં છું ત્યાંથી થોડો આગળ વધું. એક તક દેખાઈ જ્યાં અભ્યાસ વિષે કોઈ પડપૂછ નહોતી, છતાં 'ટીચર' બની શકાય એમ હતુ. ખેર, ટ્રેનિંગની શરૂઆત થઈ. સામાન્ય આસનો અને પ્રાણાયામના સાવ જ અલ્પજ્ઞાનથી સજ્જ તે હવે ‘યોગ-ટીચર’ બન્યો. મહત્વની વાત એ હતી કે તે પોતે પોતાના મર્યાદિત જ્ઞાનને બહુ જ પ્રભાવી રીતે વહેચતાં શીખ્યો. એથી કઈ સવારનો સૂરજ વધુ સોનેરી નહોતો બન્યો ઉલટાનું સૂર્યોદય જોવા જ ના મળે એટલી વહેલી સવારે ઘરેથી નીકળી જવું પડતું. વહેલી સવારે લોકો હજુ ઊંઘમાં હોય ત્યારે એ ટીફીન લઈને નીકળતો. જીમનો માલિક પોતે પણ આ વિષયમાં એટલો ‘જ્ઞાની’ નહોતો, છતાં તેને એવા લોકો જોઈતા હતા જેઓ કોઈકને ઘરે જઈને ‘કસરત’ કરાવી શકે. મોટાભાગના ક્લાયન્ટ ઘરડાં અને પથારીવશ હતા. તેમને ત્યાં કલાક જેટલો સમય જવાનું અને હળવી કસરતો કરાવવાની. એક કલાકના ત્રણસો રૂપિયાથી શરૂઆત થઈ. સવારે ત્રણ અને સાંજે બે એક વધારાના પાંચ કલાક તેણે આપવાના હતા. ઘરથી બાર કિલોમીટર દૂર પહોચવાનું ત્યાં ‘ક્લાસ’ પતાવીને બીજા દસ કિલોમીટર બાઈક ચલાવવાની એક ‘ફિક્સ’ પગારની કંટાળાજનક નોકરી કરવાની અને ફરી પાછુ એટલું જ રખડીને સાંજે ‘ક્લાસ’ લેવાના. એ આ કામમાં ટકી ગયો એનું કારણ ‘રૂપિયા’ નહોતું. આ કામની સરખામણીએ ઓછી મહેનત હોય અને વધુ આવક મળે એવા કેટલાક ઓપ્શન હતા. તોયે અહીં ટક્યો કેમ? કારણ હતું કે અહીં ‘સન્માન’ મળતું હતું. નવમું ધોરણ પણ ‘પાસ’ ના કર્યું હોય તેવા ‘સર’ને લોકો માન આપતા હતા. માન એક એવી વાનગી છે જેનો સ્વાદ ખરેખર અદભૂત હોય છે. બસ એક જ તકલીફ છે આપણે જાતે તેને પોતાના માટે રાંધી નથી શકતા. કોઈ બીજુ પીરસે ત્યારે જ ચાખવા મળે છે. ઊગતા કે આથમતા એકેય સૂરજને તે જોવા નહોતો પામતો. માંડ ચારેક કલાક ઊંઘી શકતો, છતાં તે આ કામમાં ટકી ગયો. ટક્યો પણ અટક્યો નહિ, તેને સમજાયું કે આ વિષય માત્ર થોડાંક આસનો પૂરતો મર્યાદિત નથી. વળી પોતે જે કામ કરે છે તે કાયદેસર પણ નથી એવી પણ સભાનતા હતી. પોતે કોઈ જ સર્ટીફીકેટ વિના લોકોને સ્વસ્થ રહેવાની ‘ટ્રેઇનીંગ’ આપી રહ્યો હતો અને આ યોગ્ય નથી તેવી સમજ પણ હતી. તેણે પધ્ધતિસરનું જ્ઞાન મેળવવાનું નક્કી કર્યું. યોગ અને જિમ-કલ્ચરમાં સૌથી ખ્યાતનામ હોય એવી સંસ્થાઓમાં જઈને તે આ વિષયના પદ્ધતિસરના અભ્યાસક્રમ વિષે જાણી લાવ્યો. ધોરણ-૧૦થી ઓછો અભ્યાસ હોય તેમને ક્યાંય પ્રવેશ મળે તેમ નહોતો. એને સંઘર્ષ કહેવાય કે કેમ પણ સરળ તો જરાયે નહોતું. માંડ કોઈ એક કામ એવું હતું જે કરવા માટે જાતને ધક્કા નહોતા મારવા પડતા. સહજતાથી એ કામ અપનાવી લીધું, બહુ ગમતું કામ, સારી આવક બધું ખરું; પણ સફળતાની ધારેલી ‘ટોચ’ દૂર દૂર જ દેખાતી હતી. આખરે અભ્યાસ છોડ્યાના લગભગ બારેક વર્ષ પછી ફરી સ્કૂલમાં પગ મૂક્યો. આટલા વર્ષોથી જે તેને ઓળખતા હતા તેમણે તો આગોતરી જ ભવિષ્યવાણી સંભળાવી હતી, ‘હવે શું ભણવાનો? કરવાનું હતું ત્યારે કર્યું નહિ. દસમું પાસ કરવું કઈ ખાવાના ખેલ છે?’ ૧૯૯૮/૯૯માં અભ્યાસ છોડ્યો. ઈંડાની લારીથી શરૂઆત થઈ હતી એવી કારકિર્દીની ‘ઠેલણ-ગાડી’ ડચકાં ખાતી હીરા-ઉદ્યોગની ‘શાનદાર’ જોબ સુધી આવી અને વચ્ચે ‘યોગ-ટીચર’ તરીકેની પાર્ટ-ટાઇમ જોબનું એક એવું ‘સ્ટેશન’ આવ્યું જ્યાં રોકાઈ જવું હતું. જેનો સૌથી વધુ વિરોધ ઘરમાંથી થયો હતો! કારણ શું? મોમને ચિંતા હતી કે હવે અભ્યાસ પાછળ સમય ‘બગાડવા’નો કોઈ અર્થ નથી. પરિવાર વિસ્તરી ચૂક્યો હતો. એક વાત તો રહી ગઈ. હવે તેના પરિવારમાં પત્ની અને બે બાળકોનો પણ ઉમેરો થયો હતો. મોમનો ચોખ્ખો વિરોધ હતો, ‘જે કરે છે તે કર. હવે કોઈ અખતરા નથી કરવા. તારે ભણવાનો સમય વીતી ગયો. તારા બાળકો પર ધ્યાન આપ.’
એમ રોકાઈ જાય તો એ ‘નાયક’ શાનો? આ બધા જ વિરોધ વચ્ચે તેણે દસમું ધોરણ પહેલા જ પ્રયત્ને પાસ કર્યું. એ વરસે તેણે ચાર કલાકની ઊંઘમાંથી બીજા બે કલાક ઓછા કર્યા અને અભ્યાસને સમય આપ્યો. પરિણામ હાથમાં આવ્યું ત્યારે તે બોલ્યો હતો, ‘ મારે બધા જ વિદ્યાર્થીઓને કહેવું છે કે જયારે ભણવું હોય ત્યારે ભણો. આખું વરસ વાંચીને બે કલાકમાં જવાબ આપો છો તો કોઈ ધાડ નથી મારતા.’ દરેક મહેણાંનો જવાબ આપવામાં તેણે હવે પોતાના ‘કાર્ય’ને આગળ કર્યા. ‘જાડીયો’ હવે ક્વોલિફાઈડ જિમ-ટ્રેઈનર હતો. હવે તે સ્કૂલ ડ્રોપ આઉટ નહોતો. તેણે અભ્યાસ ચાલુ રાખ્યો. યોગ, રેકી, સુજોક અને વૈકલ્પિક ચિકિત્સાના જુદાં-જુદાં વિષયોના અભ્યાસને સૂક્ષ્મતાથી સમજવા માટેની કવાયત આદરી. આવકના એક વધારાના સ્ત્રોત તરીકે જે કામ કરવા ધારેલું તે જ કામ જીવન-ધ્યેય સમું બની ગયું. ક્યારેક આવકના પ્રશ્નો પણ ઊભા થતાં, પણ હવે માત્ર કામને આવકને ત્રાજવે તોળવાની દૃષ્ટિ બદલાઈ ચૂકી હતી. સમજવામાં વાર લાગી કે ટૂંકી આવક એટલો મોટો અવરોધ નથી જેને ઓળંગી ના શકાય. રૂપિયાનાં ઢગલા પર આળોટતું શરીર બીમાર પડે ત્યારે ‘મફત’ મળેલા માનવ-શરીરની ખરી કિંમત સમજાય છે. સ્વાસ્થ્ય સૌથી મોટી સંપતિ છે તે જાણતા હોય છતાં તેની દરકાર લેવાનું સૌથી છેલ્લે યાદ આવે છે. સ્વાસ્થ્ય ગુમાવ્યા બાદ અચાનક ભાનમાં આવેલો માણસ તેને પરત મેળવવાની લ્હાયમાં હવાતિયાં મારવાનું ચાલુ કરી દે છે. જેમાં બની બેઠેલા ‘ચિકિત્સકો’ને તગડો ધનલાભ થાય છે. આપણો કથા-નાયક જેમ જેમ ‘સમજણો’ થતો ગયો તેણે આવા ‘લૂંટી’ લેવાતા ધનિકોને માર્ગદર્શન આપવાનું નક્કી કર્યું. હવે તેનો ધ્યેય માત્ર રૂપિયા નહોતા. આહારના સામાન્ય નિયમોના પાલનથી પણ તમે લાખો રૂપિયા પાણી થતા બચાવી શકો છો. પ્રાણાયામની યોગ્ય પદ્ધતિ તમને બ્લડ પ્રેશર મુક્ત રાખી શકે છે. આહાર, પાણી અને વ્યાયામના યોગ્ય અભ્યાસથી તમે ‘તંદુરસ્ત’ રહી જ શકો છો. આમાં સાવ નવું કઈ જ નહોતું. છતાં તે ‘ધંધાદારી’ મતલબથી ખદબદ ‘વેલનેસ ઇન્ડસ્ટ્રી’માં એક અલગ ‘અલગારી’ ઓળખ બનાવી શક્યો. ધીમે ધીમે તે એક એવા ‘પદ’ પર પહોંચ્યો જ્યાં લોકો તેને સાચુકલા જ્ઞાન બદલ માન-સન્માન આપતા થયા.
પોતાના પરિવારની લગભગ બધી જ જવાબદારી સાથે તેણે વ્યક્તિગત ‘ગોલ’ પણ સિદ્ધ કર્યા. આજે તે શહેરના સૌથી પોશ એરિયામાં પોતાનો ‘વેલનેસ’ વેપાર ચલાવે છે. લોકોને સ્વસ્થ રહેવાની જીવન–ચાવી શોધવામાં મદદ કરે છે. તેના ઘણાંખરાં સપનાં હવે હકીકતનું સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે બટ ‘મંઝીલે અભી ઔર ભી હૈ.