Biren Patel

Children Stories

4.3  

Biren Patel

Children Stories

હોળી પગલાં

હોળી પગલાં

2 mins
231


    જીવનમાંથી જડેલ વાર્તા ......મારા  જીવનમાં સંસ્મરણોની અમીટ છાપ એટલે હું મારા દાદાની આંગળી પકડી અને ખેતરે જતો એ સમય. આ માત્ર ખેતરે જવું જ નહીં, પણ દાદા ની આંગળીનાં સથવારે પ્રકૃતિની નજીક જવાની ઘટના. ખેતરે જતા રસ્તામાં કેસુડો, સીમડો, ઉમરડો, ગુલમોહર અને ગરમાળા ના ઝાડ આવે. આ વૃક્ષો પુરબહારમાં ખડખડાટ હસતા ઊભા હોય. મને બોલાવતા હોય તેમ લાગે. ફાગણ માસ આવે તે પહેલા અનેક  વૃક્ષોની કાયાપલટ થાય. કેસુડો,સીમડો, ઉમરડો, ગુલમોહર અને ગરમાળો નવાં વસ્ત્રો ધારણ કરતાં હોય તેવા લાગે. હોળી પર્વની ઉજવણી માટે સંપૂર્ણ રંગ અમને કેસુડાના ફૂલોમાંથી મળતો. ખેતરથી પાછા ફરતાં હું  કેસુડાના ફૂલો તોડી આવતો. તેને સૂકવવામાં આવે અને હોળી આવે ત્યારે પલાળીને રંગ કરતાં. સીમડા અને ઉમરડાના ફૂલ અમે એકઠા કરતા. ઘર ઘરની રમત રમતા એ કામ લાગતાં. દાદાની આંગળી પકડીને ખેતરે જવું એ મારા જીવનમાં સુંદર પ્રસંગોની યાદીમાં સમાવેશ કરી શકાય.

       ખેતરથી પાછા ફરતા અમે ગાય ભેંસના છાણને એકઠું કરી લાવતાં. હોળી પૂર્વેની તૈયારીમાં એમાંથી અમે હોરૈયા બનાવતાં. હોરૈયામાં ઘૂઘરો, કૂતરાની જીભ, નાગરવેલનું પાન, રસોઈનાં જુદાં જુદાં વાસણો થાપતા. સૂકાય એટલે તેનો હાર બનાવી હોળીકા દહન વખતે લઇને જતાં. હોળીકા દહનમાં ખેતરથી અમે બીલીનાં ઝાડનું ફળ બિલ્લુ ખાસ લાવતાં અને હોળીમાં મૂકતા. હોળીમાં નારિયેળ મૂકાતું. આ નારિયેળને બહાર કાઢવાની પરંપરા ચાલતી. હોળીનો બીજો દિવસ અનેરા આનંદનો ફૂવારો લઈને આવતો.

                    રંગભરી પીચકારી છૂટે,

             અબાલ વૃદ્ધ સૌ આનંદ લૂટે.

               આ ફળીમાંથી પેલી ફળીમાં કિલકારી સાથે આને રંગો... પેલાને રંગો... પેલો બાકી ...જેવા અવાજો સાથે આખો દિવસ ધમાચકડી અને રંગ ભરી પીચકારી છોડતાં. ખજૂર, ચવાણું, ચણા અને ધાણી એ દિવસની મુખ્ય માગણી રહેતી. આ ધમાલ મસ્તી અને આંનદ હવે બચ્યો નથી. મોબાઇલ, ટેબલેટ જેવાં સાધનો માણસ માણસ વચ્ચેની દૂરી દૂર કરવાને બદલે ખાઈ વધુ ઊંડી કરતાં ગયા. આધુનિકતામાં પર્વોની મજા હવે પહેલાં જેવી રહી નથી. હશે ! પણ આ વર્ષ બાળક બની આપણે આપણી હોળી ઉજવીએ.

          કંકુ પગલે ધીમે ધીમે આવી પહોંચી હોળી.


Rate this content
Log in