હોળી અનુપમની
હોળી અનુપમની
ગુજરાતનું એક નાનકડું ગામ હતું. એ ગામમાં લોકો ખેતી કરે અને પોતાના ઘરનું પાલનપોષણ કરે. ગામમાં એક મોટું કુટુંબ હતું. એ કુટુંબમાં નાના - મોટા સૌ સભ્યોને ગણતા ૨૬ લોકો રહેતા. બાળકોના કોલાહલથી ઘરમાં નીરવતા ભાગ્યે જ રહેતી. બાળકો સૌને ગમતાં. ક્યારેક એક બીજા સાથે ઝઘડી પણ લેતા તો ક્યારેક એક થાળીમાં જમતા. બાળકો એટલે નિર્દોષ જીવો.
એ ઘરમાં એક સ્ત્રી રહેતી એનું નામ રેવતી. લોકો એને રેવી કહીને જ બોલાવતાં. એકદમ ભોળા સ્વભાવની. બે વર્ષ પહેલાં જ એનો પતિ માણેક કોવીડ રોગના કારણે પ્રભુધામ ચાલ્યો ગયો. બીજા બધા લોકો તો એ પ્રસંગને ભૂલી ચૂક્યા હતાં. પણ રેવતીની દરેક ક્ષણ માણેકની યાદમાં પસાર થતી. માણેકના જવાની સાથે જ ચહેરા પરનું તેજ પણ ખોવાઇ ગયું હતું. ઘરનાં દરેક કામો કરતી રહેતી પણ મનમાં છુપાયેલી નિરાશાની રેખા એના મુખ ઉપર દેખાઈ આવતી.
એનો એકનો એક દીકરો હતો. તે પાંચમા ધોરણમાં ભણતો હતો. ૨૧ વર્ષની વયે રેવીનાં લગ્ન થયા હતા. બીજા જ વર્ષે પ્રભુએ અનુપમને એના જીવનમાં મોકલ્યો. અનુપમ આઠ વર્ષનો હતો ત્યારથી જ પિતાની છત્રછાયા ઘુમાવી બેઠો. એ પોતાની માતાનું દુઃખ જોઈ શકતો ન હતો. માતાનું મન બદલાય એ માટે એ ધાર્મિક સ્થળોએ ફરવા માટેની જીદ કરતો. માતાનો એક નો એક દીકરો હોવાથી માતા એની ખુશી માટે તૈયાર થઈ જતી.
વર્ષોના વર્ષો પસાર થઈ ગયા. રેવતીનું જીવન ફિક્કું લાગતું હતું. માણેક હતા ત્યારે તો એ ખીલેલી વસંત જેવી લાગતી પરંતુ એ વસંત ગઈને વર્ષો થઈ ગયા પરંતુ એના જીવનની પાનખર ઋતુ બદલાઇ જ નહિ. હોળીનો તહેવાર આવ્યો. અનુપમ બાળકો સાથે ફળિયામાં હોળી રમી રહ્યો હતો. એકાએક એ મા પાસે આવીને બોલ્યો,
"બા, મારે તારા ગાલ ઉપર રંગ ચોપડવો છે".
રેવીની આંખમાંથી ચોધાર આંસુઓ વહેવા લાગ્યા. તે બોલી, "જા અહીંથી."
અનુપમ બોલ્યો,
"બા, ફળિયાની બધી સ્ત્રીઓ રંગોથી હોળી રમી રહી છે. તમે જ રંગાયા વિનાના છો. ચાલ આપણે બે હોળી રમીએ."
રેવી બોલી,"તારા પપ્પા ભગવાનને પ્યારા થઈ ગયા પછી મારા જીવનમાં કશું જ રહ્યું નથી. હું તો તારા ખાતર જીવી રહી છું."
આ શબ્દો સાંભળીને હૃદય ઉપર પથ્થર મૂકી અનુપમ બોલ્યો, "બા, હું એટલે જ તો તને રંગ લગાવવા કહું છું." નાનકડો અનુપમ પોતાના નાનકડા મુખે જીવનની ઘણી મોટી વાતો કરી રહ્યો હતો.
તે બોલ્યો, "બા, જીવન પ્રભુએ આપેલ અણમોલ ભેટ છે. જીવનમાં સુખ અને દુઃખ તો આવતા જ રે'વાના. અને તું એકલી થોડી છે. તારો અનુપમ તારી સાથે છે."
બા એ આ શબ્દો સાંભળી એને છાતીએ ચાંપી લીધો. બંનેની આંખોમાંથી અશ્રુવર્ષા થઈ રહી હતી. પછી હળવેથી અનુપમે બાના ગાલ ઉપર ગુલાબી રંગ લગાવ્યો. આજના દિવસે બાનો ચહેરો વર્ષો પહેલા જેવો આનંદિત દેખાઈ રહ્યો હતો. અનુપમ માતાના ગળે વળગીને રડતો રહ્યો.
