હા. હું સ્ત્રી છું...
હા. હું સ્ત્રી છું...
હા. હું સ્ત્રી છું.
પ્રથમ દીકરી બનીને જન્મી, તો હસતાં હસતાં સ્વીકાર થાય છે. પણ જો બીજી દીકરી થઈને અવતરી, તો આખું કુટુંબ ઉદાસ થઈ જાય છે. ધીરે ધીરે મારો સહજ સ્વીકાર થાય છે. પણ... પણ અચાનક બાળપણથી આગળ વધી તરુણાવસ્થા આવે છે. પ્રથમ પિરિયડ, જે ઈશ્વરની દરરોજ ધૂપ-દિવા કરી પ્રેમથી પૂજા કરતી, આજે એમ કહેવામાં આવે છે કે એ તારાથી અભળાઈ જશે. દૂર રહેજે.
હું અચાનક "આ દિવસો"માં અપવિત્ર ઘોષિત થઈ જાઉં છું. "હશે. વાંધો નહીં." કહી ને જતું કરી દઉં છું.
કેમ ? સ્ત્રી છું ને! આજ તો શીખવવામાં આવે છે મને નાનપણથી. જેમ જેમ યુવાનીની નજીક પહોંચું,
જેમ જેમ મારી પાંખો ફૂટે, તેમતેમ પગની બેડીઓ વધુ કડક બની જાય છે. પાંખ ફડફળે ઉડવા, બેડીઓ વધુ જકડે બાંધવા. આમને આમ મારો શ્વાસ મુંજાય છે. પણ... "હશે. આમાં જ મારું સારું હશે." આવું વિચારી બધું સ્વીકારી લઉં છું. કેમ ? સ્ત્રી છું ને !
કેટકેટલા
સ્વપ્નો એક ઝટકા સાથે તૂટી જાય છે, જ્યારે લગ્ન નામની નવી પળોજણ માથે આવે છે. ના પાડું તો કહેવાય છે,"સમાજ શુ કહેશે ? દીકરી તો સાસરેજ શોભે. મા બાપનું ઋણ ચુકાવ. સપના જોવાનો હક નથી હવે." પછી ? પછી શું ? હું સ્વીકારી લાઉ છું. કેમ ? સ્ત્રી છું ને ?
લગ્ન પછી જો પતિ સારો હોય, તો ઘરમાં જ સ્વર્ગ મળી જાય છે. પણ... જો પતિ સારો ન હોય ? જો એ હાથ ઉપાડે તો ? બીજી સ્ત્રી સાથે સંબંધો હોય તો ? અવગણના કરતો હોય તો ? અથવા આ બધુજ એક સાથે હોય તો ? તો શું કહેવામાં આવે છે ખબર છે ? "સહન કરી લેવાય. લગ્ન પછી સ્ત્રીએ બધું સ્વીકારી લેવાય. ચૂપ રહેવાય. ફરિયાદ નહીં કરવી." કેમ ? શું કેમ ? સ્ત્રી છું ને ? સ્ત્રીને તો આવુંજ શીખવવામાં આવે.
અંતે.. સહન કરતાં કરતાં આત્મા ધિક્કારવા લાગે છે. સ્વાભિમાન ખતમ થઈ જાય છે. પણ... "હશે. ચાલ્યા કરે." કેમ ? સ્ત્રી છું ને ? સ્ત્રીએ તો આમજ જીવવાનું હોય.