ગણતર વગરનું ભણતર
ગણતર વગરનું ભણતર
એક નાનકડું ગામ હતું. તે ગામમાં એક નાનકડું માર્કેટ હતું. ગામની બહેનો રોજ સાંજના સમયે ત્યાં શાકભાજી લેવા માટે આવતી હતી. તે ગામમાં એક નવી વહૂ લગ્ન કરીને આવી. તે શહેરમાં ઉછરેલી હતી. વળી ભણેલી હતી. તે વહુને પોતાના ભણતર પર ખુબ અભિમાન હતું. વળી પછી શહેરમાં રહેલા એટલે પોતાની જાતને ગામડાના લોકો કરતાં વધારે બુદ્ધિશાળી માનતી હતી.
એક વખત તે બજારમાં શાક લેવા માટે ગઈ. તેણે પહેલાં ટામેટા લીધા. અને પછી તરબૂચ પણ લીધું. પછી બધું થેલીમાં ભર્યું. પણ તેમણે થેલીમાં નીચે ટામેટા નાંખ્યા અને પછી ઉપર તરબૂચ મુક્યું. આ જોઈને પેલા શાકવાળા ભાઈએ કહ્યું, ‘બહેન પહેલાં તરબૂચ મૂકો પછી ટામેટા મૂકો. નહીતર ટામેટા ચગદાઈ જશે.’ પણ અભિમાની બહેન તો માને નહિ. તેમણે શાકવાળાને કહ્યું, ‘તારે મને સમજાવવાની જરૂર નથી હું તારા કરતાં વધારે ભણેલી છું. અને શહેરમાં રહેલી છું.’ શાકવાળોભાઈ તો બિચારો ચૂપ થઈ ગયો.
બહેન શાકભાજી લઈને ચાલ્યાં. પણ થોડાક જ દૂર ગયા અને થેલીમાં વજનથી બધા ટામેટા ચગદાઈ ગયા અને તૂટી ગયા. થેલીમાંથી ટામેટાનો રસ નીતરવા લાગ્યો. આ જોઈ શાકભાજીવાળા ભાઈઓ અંદર અંદર વાતો કરવા લાગ્યા. આ શહેરના લોકો. ‘ભણ્યા પણ ગણ્યા નહિ.’
