ઘાત
ઘાત
મનને તુરંત જચી જાય તેવું સુંદર ઘર હતું. મેં રવિને કહ્યું, "લઈ લેને પ્લીઝ. આ જ છે મારું, સપનાનું ઘર." શહેરના ઘોંઘાટથી દૂર, ગીચ વસ્તીથી પરે, શાંત, રમણીય વાતાવરણ અને ચારે તરફ લીલીછમ વનરાજી. સમીપે ખળખળ વહેતી નદી. આમલી, આંબો, ચીકુ, વડ, પીપળાના ઘટાદાર વૃક્ષોથી ઘેરાયેલું એ નાનકડું મજાનું ઘર. જાણે મને, સાદ દઈ બોલાવતું હતું. જોતાંવેંત મનમાં વસી ગયું. મારું અંતરમન મારી જાત સાથે સ્વગત બોલ્યું, "તારા જેવી સ્વરૂપવાન, મહત્વાકાંક્ષી યુવતી, આવા સુંદર આવાસમાં વસવા સર્જાયેલી છે, એક બેડરૂમના સામાન્ય ઘરમાં નહીં." રવિને પરણીને હું મારી જાતને નસીબદાર માનતી હતી.
"બસ, તારી ઈચ્છા પૂરી કરવી તે જ મારી ખુશી. ઘર લઈ લઈએ. કિંમત પણ ઓછી છે." રવિએ મારી આંખોમાં આંખો પરોવતાં કહ્યું. તેની કીકીઓ તારાની માફક ચમકી. સોદો પાર પડતાં, દલાલ પણ ખુશ હતો. અભિનંદન આપતા તેના હાથોએ, ઘરની ચાવી સુપ્રત કરી.
અમે તાજા પરણેલા. નવું શહેર, નવું ઘર, નવી ગૃહસ્થી. ઉત્સાહથી થનગનતી હું, રાચરચીલું ગોઠવવામાં વ્યસ્ત થઈ ગઈ.
ઘણા સમયથી બંગલો બંધ રહેલો હોવાથી, એક મજૂર બોલાવી, સાફસફાઈ કરાવવા માંડી. વિચિત્ર નજરે મારી સામું જોઈ તેણે પૂછયું, "તમે અહીં રહેશો?" તેના આવા મૂર્ખામીભર્યા સવાલથી મને હસવું આવ્યું.
"મેડમ, આ ઘર તો..." તે આગળ બોલે એ પહેલાં તેને અટકાવતા મેં કહ્યું, "બહુ બોલે છે, ઘણું કામ બાકી છે, તે પૂરું કર." તે મને ચુપચાપ તાકી રહ્યો.
કાટ ખાઈ ગયેલા કીચૂડાટ કરતા મિજાગરાઓમાં તેલ પુરાવ્યું. બધી બારીઓ ખોલી નાખતાં, તાજી નવી હવાએ ઘરમાં પગપેસારો કર્યો અને પૂરાએલી બંધિયાર હવા બહાર નીકળી. સુકાઈને ભોંયપર ચાદર પાથરી બેઠેલા પર્ણો ફરફરાટ કરતાં ઊડ્યાં.
મારું ઘર, અમારી દુનિયા. ફક્ત હું અને મારો રવિ. મનમાં ગજબનો ઊત્સાહ હતો. ઉતાવળમાં શાક સમારતાં, ચપ્પુની ધાર વાગી અને રસોડાનું પ્લેટફોર્મ લોહીથી ખરડાયું. રવિએ આવી, તરત મારી આંગળી મોઢામાં મૂકી, વહેતું લોહી ચૂસી લીધું. ઘા ઉપર પાટો બાંધી દીધો.
રવિને લખવાનો શોખ. તે વાર્તા લખવા બેઠો ત્યારે હું તો થાકીને ઘસઘસાટ ઊંઘી ગઈ. કોણ જાણે કેટલા વાગેલા, અડધી રાત ઉપર થઈ હશે. પવનને કારણે બારણાં ખખડવાના અવાજથી હું ઝબકીને જાગી, જોયું તો પડખે રવિ નહોતો.
હજુ લખતો હશે, વિચારી મેં અર્ધ-જાગૃત અવસ્થામાં બૂમ પાડી, "ઊંઘી જા હવે." તે હસ્યો.
પિશાચી હાસ્યનો અવાજ સાંભળી, મને અજુગતુ લાગ્યું. પૂર્ણ જાગૃત થતાં જોયું તો, તે અગાશીમાં ઉભો હતો. મારી તરફ તેની પીઠ હોવાથી, કદાચ સંભળાયું નહીં હોય માની મેં, મોટેથી બૂમ પાડી, "રવિ..."
આછા ઉજાસમાં મેં જોયું કે, તેણે માથું એકસો ને એંસી ડિગ્રી, મારી તરફ ફેરવ્યું પણ તેનું ધડ ઊંધું ઊભેલું હતું. શું તે મારો વ્હેમ હતો? મેં આંખો ચોળી ફરી એ બાજુ નજર કરી. સર્વત્ર અંધકાર અનુભવાયો. ઓહ! ધીમો પગરવ મારી તરફ આવતો મારાં કાને, સાંભળ્યો. પલંગની ગાદીની સ્પ્રિંગ દબાઈ. હું નિરાંતે આંખો મીંચી ઊંઘી ગઈ.
ખુશનુમા સવારે ઊઠી ત્યારે બાજુમાં તે નસકોરાં બોલાવતો ઊંઘતો હતો. રાતની વાત પૂછી ત્યારે, "તેં સપનું જોયું લાગે છે." કહેતો મારી આંખમાં આંખ પરોવતો હસી પડ્યો.
રસોડામાં કોફી બનાવવા ગઈ ત્યારે આગલી સાંજના નીકળેલા લોહીના ડાઘ હજુ તાજા જ હોય તેવા લાગ્યા. મને નવાઈ લાગી. સાફ કરી, રસોઈમાં મન પરોવ્યું.
રવિ તૈયાર થઈ ઓફિસ જવા નીકળ્યો અને હું કામે વળગી. રૂમ સાફ કરવા ગઈ ત્યારે જોયું, સાહેબ તેમની લખેલી ચોપડી બંધ કરવાનું જ ભૂલી ગયેલા. રવિની ખુલ્લી ચોપડીપર દ્રષ્ટિ ગઈ. અનાયાસ વંચાયું, 'બેવફા, મેં તને ચાહી, તે પ્રેમનું નાટક કર્યું? પૈસા ખાતર, ગાડી-બંગલા ખાતર તું તેને પરણી? મારો વિશ્વાસઘાત કરવાનું શું કારણ? શા માટે? શા માટે મને આપઘાત કરવા મજબૂર કર્યો?"
વાંચીને હું, આખી હચમચી ગઈ. મારો કોલેજકાળનો પ્રેમી, રાજ મારી નજર સમક્ષ તરવર્યો. હું તેને પરણી નહોતી શકી અને ભુલાવી પણ નહોતી શકી. પરંતુ રવિની વાર્તા સાથે તેને શી નિસબત? ચોપડી બંધ કરી, હું બાથરુમમાં ન્હાવા ગઈ.
ગરમ પાણીમાં ન્હાવાથી શરીરમાં સ્ફુર્તી પ્રસરી ગઈ. બધો થાક ઉતરી ગયો. બાથરૂમના મોટા અરીસાપર ગરમ પાણીની વરાળ બાઝી ગયેલી. બાષ્પથી આચ્છાદિત અરીસામાં મોઢું નીરખવા માટે, હું તે લૂંછવા ગઈ તો ચમકી ગઈ! તેમાં મોટા અક્ષરો ઊપસી આવેલા. લખેલું હતું, 'બેવફા' ઓફફ...! રવિની મજાક કરવાની આદત ક્યારે સુધરશે? લેખક મહાશયે તેમની વાર્તાનું શીર્ષક અહીં કોતરેલું. અક્ષરો નીચે પાણીનો રેલો હજુયે દદડતો હતો.
ઝાંખા અરીસામાં મારી પાછળ કોઈ ઊભેલું હતું. પ્રતિબિંબ જોતાં, મેં ચમકીને પાછળ જોયું. મારા ઊપરાંત જરુર કોઈ છે તેવો મને ભાસ થતાં, મેં રાડ પાડી, "કોણ છે?"
એક મોઢેથી વાગતી સીટી સંભળાઈ, તેવી જ જેવી, રાજ હંમેશ વગાડતો. આ રાજ કેમ દિલોદિમાગપર છવાયેલો રહે છે! તેની સીટી અવારનવાર મારાં કાનમાં ગુંજ્યા કરતી.
નગ્ન શરીરપર ટુવાલ લપેટી, હું કપડા પહેરવા બહાર કબાટ ખોલવા ગઈ ત્યારે ખ્યાલ આવ્યો, કબાટ લૉક હતો. હુંય કેવી ભુલકણી, પહેરવાના વસ્ત્રો મેં બાથરૂમની ખીંટીએ લટકાવેલા. પણ કબાટ મેં બંધ નહોતો કર્યો તેની મને ખાતરી હતી. કદાચ રવિએ કર્યો હશે.
હું તૈયાર થવા ફરી, બાથરૂમમાં ગઈ. એક વિચિત્ર વાસ નાકમાં ઘુસી ગઈ. મરેલા ઊંદરની. હા, બાથરૂમ ઘણા સમયથી નહોતું વપરાયુંને! મને લાગ્યા કરતું હતું કે કોઈક મને જોઈ રહ્યું છે. ખાતરી કરવા હું, બોલી પડી, " રવિ પ્લીઝ મસ્તી ન કર. મને ડર લાગે છે." મારો અવાજ કાંપતો હતો. ત્યાં રવિ તો શું, મારા સિવાય કોઈ જ નહોતું. હું બહાર નીકળી તે પછી દરવાજો મારી પાછળ જાતે બંધ થયો.
હશે! બધું ભૂલી મેં કામકાજમાં ધ્યાન પરોવ્યું. ટેબલપર અેશ-ટ્રેમાં બુજાયેલી સિગરેટના ઠૂંઠાં પડેલાં હતાં. રવિ ક્યારેય સિગરેટ નહોતો પીતો તેથી મને અચરજ થયું. બહાર સૂકા પર્ણોપર કોઈનો ચાલવાનો, ભારે પગરવ સંભળાયો.
અચાનક કડાકાભેર વરસાદ શરૂ થયો. પહેલા વરસાદના ટીપા ઝીલી લેવા, મેં હથેળી આભનીચે ધરી. ટીપાંઓનો રંગ લાલ હતો! મેં હાથ પાછો ખેંચી લીધો. મને ઠંડકમાંય પરસેવો વળી ગયો. મારા જ હૃદયના તીવ્ર ધબકારા મને ચોખ્ખા સંભળાતા હતાં.
મેં ધ્રુજતા હાથે, રવિને ફોન જોડ્યો. ઘરમાં જ ક્યાંક મોબાઈલની રિંગ રણકી. એટલેકે રવિ તેનો ફોન ઘરે ભૂલી ગયો હતો. આમતેમ ફરી મેં તેનો ફોન શોધી કાઢયો. જોયું તો સ્ક્રીનપર નામ ચમકતું હતું, ' બેવફા'.
ઘડીકમાં સાંજના ઓળા ઊતરી આવ્યા. મને ઘરમાં ગભરામણ થતાં, હું બહાર વરંડામાં આવી. આંબાડાળે બાંધેલો હીંચકો કોઈના બેઠા વગર એકલો હીંચકી રહ્યો હતો! ધીમે ધીમે સર્વત્ર અમાસનું અંધારું ફેલાવવા માંડ્યું. લાઈટની સ્વિચ ચાલુ કરવા હાથ લંબાવ્યો. મારો હાથ ખેંચાતો અનુભવ્યો. શું તે મારી ભ્રમણા હતી?
અરે! અધૂરામાં પૂરું. વીજળી ડૂલ થઈ ગઈ. મેં મીણબત્તી લાવી, પ્રગટાવી. તે ઓલવાઈ ગઈ. ફરી પ્રગટાવી, ફરી ઓલવાઈ ગઈ.
મેં ખાનામાંથી ટોર્ચ શોધી. ચાલુ કરું, તે પહેલાં, અંધારામાં કોઈક મને અથડાયું. "કોણ?..." મારા ગળામાંથી માંડ મરેલો અવાજ નીકળ્યો. એક કૂતરું પોક મૂકતું હોય તેમ રડયું. મારું ગળું સુકાતું હતું અને હાથપગ પાણીપાણી થવા માંડ્યા. ચક્કર આવી જશે કે હાર્ટ અટેક આવશે તેવી આશંકાએ, મારી બધી જ વિચારશક્તિ હણી લીધી હતી.
હું ટોર્ચના સહારે બહાર વરંડામાં આવી. આછા પ્રકાશમાં, સામે પીપળાના વૃક્ષ નીચે બે ઓળા દેખાયા, અને પલક ઝપકતાં, એકબીજાનાં ભળી ગયા.
હું કાગડોળે અને ધડકતા દિલે રવિની પ્રતીક્ષા કરતી બેસી રહી. આજે તેણે ખૂબ મોડું કર્યું. ત્યાં જ ગાડી પાર્ક થઈ, ગેટ ખુલવાનો અવાજ સાંભળતા મારા જીવમાં જીવ આવ્યો.
દોડતી જઈ હું તેને ભેટી પડી, "કેમ આટલું મોડું કર્યું? હું અહીં એકલી તારા વગર નહીં રહું." બોલતાં મારા ગળે ડૂમો બાઝી ગયો. તેણે મને એકદમ ભીંસી નાખી પછી અળગી કરતાં, આંખોમાં આંખો પરોવી. એની કીકીઓ તારાની માફક ચમકતી હતી.
"હું રાજ છું. મારેય તારા વગર નથી રહેવું. તને લઈ જવા આવ્યો છું." તે શરીર રવિનું હતું પણ અવાજ રાજનો! મને ફરી પેલી સીટી સંભળાઈ.
"પ્લીઝ, રવિ મસ્તી ન કર, મને ગભરામણ થાય છે."
"રવિ તો આજે સવારે કાર અકસ્માતમાં મરી ગયો, હું તારો રાજ, ગાંડી. મને ભૂલી ગઈ?"
"પણ તેં તો નદીમાં કૂદી આપઘાત કરેલો.. "
વાક્ય પૂરું કરતા પહેલાં હું, ફસડાઈ પડી. કાળી, ઠંડી, મેઘલી હવામાં પિશાચી હાસ્ય પડઘાયું. ઝાડપર બેઠેલા ઘુવડે ડોકું ફેરવ્યું. ઘડિળયાળમાં બાર ટકોરા પડ્યા અને બે કાંટા એક થયા.
"તેં જ જાણીબુજીને પાછળથી ધક્કો મારેલોને?" એના સવાલનો જવાબ આપવા હું કયાં જીવતી હતી?
