એક સસલો,એક કાચબો
એક સસલો,એક કાચબો
એક સસલો,એક કાચબો,બંને મિત્ર.
સસલો ચંચળ,ઊછળકૂદ સ્વભાવી...એક જગ્યાએ બેસે નહીં.
કાચબો ગંભીર,ઠાવકો,શાંત.
બંને વચ્ચે ખાસ મિત્રતા,એકબીજા માટે મરી પડવા તૈયાર.એટલે એમની વચ્ચે સ્પર્ધા તો આવે જ નહીં.પણ તેઓનાં કેટલાંક અદેખા મિત્રો એ બંનેને સ્પર્ધા કરવા ઉકસાવ્યા.ને બંને વચ્ચે અંતર કાપવાની, દૌડવાની સ્પર્ધા કરાવી ને જ રહ્યાં.
દૌડ શરૂ થઈ.
બંને એવું ઈચ્છે કે પોતે હારે અને સામેનો મિત્ર જીતે.
સસલો સૂઇ ગયો,કાચબા ની જીત માટે.
ને કાચબાને ખબર કે સસલો રમતિયાળ છે,હમણાં દૌડવા માંડશે અને જીતી જશે,માટે હું ધીમે-ધીમે ચાલું.
બંને મિત્રો અન્યની જીત માટે કટિબદ્ધ.
કાચબો ધીમે-ધીમે ચાલે,તેનું ધ્યાન પાછળ. પાછળ પાછળ જોતો જોતો જાય.થાય કે...સસલા દૌડવા માંડ,મારી આગળ થઈ જા.
સસલો જાગે,પણ ઊંઘવાનો ડોળ કરી દૌડે નહીં.
કાચબો અદેખા મિત્રોને દેખાડવા પાછળ જોતાં જોતાં ધીમે-ધીમે ચાલે.પણ એનું સમગ્ર ધ્યાન પાછળ સસલા તરફ...કે એણે દૌડવાનું શરૂ કર્યું કે નહીં?અચાનક સ્પર્ધા પૂરી થઇ ગઇ...સ્પર્ધા ની લીટી કાચબાએ ભૂલ થી ઓળંગી નાંખી,........ને કાચબો જીતી ગયો.
અદેખા મિત્રોએ કાચબાનું સ્વાગત કર્યું,હારતોરા કર્યાં, ભેટ-સોગાદો આપી.
આ બધું જોઈ કાચબો રાજી થઈ ગયો,એણે અદેખા મિત્રો સાથે જીત ની ઉજવણી કરી....ધીમે-ધીમે તે અદેખા મિત્રો સાથે આગળ ને આગળ ચાલવા લાગ્યો.
ને સસલો આજે પણ પોતાનાં મિત્ર કાચબા ની રાહ જોઈ ત્યાં જ બેઠો છે,કે મિત્ર પાછો આવે.
સફળતા ને વરી,સફળતા નાં દિવાના બની ગયેલ મિત્ર થોડો પાછો આવતો હશે?
કાચબો કદી પરત આવ્યો નથી.
સસલો સદાય મિત્રની રાહ જોતો ત્યાં જ બેઠો છે...
