STORYMIRROR

Dipak Makwana

Others

3  

Dipak Makwana

Others

“એ.... ઘર”

“એ.... ઘર”

3 mins
14.7K


આંગણામાં પગ મૂકતા જ પોતાના નવા મકાનને જોઇ મંગળાના ઉરે આનંદ છલકાઈ ગયો. ઘડીભર આંગણામાં જ ઉભી રહી. નવા મકાનનું કામ ચાલુ કર્યું હતું ને પોતે સુવાવડ માટે પિયર ગઈ હતી. લગભગ છ મહીને પાછી ફરી હતી. સઘળું બદલાઈ ગયું હતું. અચાનક જ એની આંખમાં ભેજ છવાયો મંગળાની આંખોમાં આંસું જોઇ દેવું બોલ્યો.

“લે,વળી પાછું શું થ્યું ?

ત્યારે ખરેખર મંગળા ચમકી, વિચારભારને ખંખેરી દેવું સામે જોઇ બોલી.

“ના,એ તો ઈમજ”

પણ ના, મંગળાના હૈયામાં જાણે કેમ શૂળ જેવું કઈક ભોંકાઈ રહ્યું હતું. મકાન બનાવવાની પોતાની જીદને પતિએ પૂરી કરી હતી. એનો આનંદ હદયમાં ઉછાળા લઇ રહ્યો છે છતાં હદયના એક ખૂણામાં વિષાદ જાણે કે અડીંગો જમાવી બેઠો હોય એમ લાગ્યા કરે છે. એ આંસું એ વિષાદને દેવુંએ પારખ્યા.

“આ તમારા બૈરાનુંય જબરું ! અતાર લગણ ઘર ઘર કરતી’તી ન, હવ નવું મકાંન બનાયું તોય રોવાનું ? દેવુંએ સ્મિતસહ મીઠો છણકો કર્યો.

“એ, તમને નૈ હમજાય”

“આ તાંરુ મન હાળું કદીના હમજાયું”

દેવુંના હાથમાંથી બાબાને તેડી લેતાં મર્માળું હસતાં બોલી “હંધુય હમજાય મારી નજરથી જોવો તો”

આંખોમાં ભેજ સાથેનું મંગળાનું સ્મિત દેવુંને અકળ લાગ્યું મંગળાના આંસુંથી એ દાઝ્યો હતો સાથે એના સ્મિતથી – હળવાશેય અનુભવી. છતાં દેવું મંગળાના આવા અકળ, વ્યથિત વ્યવહારથી થોડો ગુંચવાયો

ભોંય પર બેસી રડતા બાબાને સ્તનપાન કરાવતાં વળી પાછી એની નજર ઘરના ખૂણે ખૂણે ફરી વળી. ઘડીક નજર આંગણમાં દોટ મૂકતી તો ઘડીક ઘરમાં. દેવુંને ટહુંકો કરી ઘરમાં બોલાવ્યો,

“હાંભળોશો ? હું કવશું ક તમન ઘરમાં કાંય...?

પણ, મંગળાને પુરું બોલવા દીધા વિના જ દેવું બોલ્યો.

“લે,કર વાત, નવા ઘરનું વળી હું ? હાળું ચોમાસામાં તો ઊંઘી જ ના હકાય, ને એય હવતો ચંત્યા જ નૈ”

મંગળા પતિને લહેરથી બોલતા સાંભળી રહી. મંગળાને પતિનો આવો રૂડો સ્વભાવ ગમતો. એના છણકામાં પણ અનહદ પ્રેમ છલોછલ રહેતો. જયારે મંગળા દેવુંને લાડમાં ક્યારેક ‘ભોળાનાથ’ કહેતી ત્યારે મંગળા સાક્ષાત પાર્વતી હોય એવો ભાવ અચૂક એના વદન પર છવાતો.

મંગળાને મૂંગી જોઇ બોલ્યો.

“બોલ જે આ મકાંનમાં કાંઇ ખોટ વરતાય શ ?

“ના રે ના”

“તો પછી આ રોવાનું ન એ બધું ?

“લ્યો, રાજી બસ ?

“તુ તો પરાંણે રાજી થતી હો ઈમ લાગ્યું”

“ના ના રાજી ......રાજી બસ, હવ કાંય ?

“ લે હેંડ તાણ આ સેતરે આંટો દઈ આવું” કહેતા દેવુંએ બાબાના કુમળાં ગાલ પર હળવી ટપલી મારતાં હળવા હૈયે આંગણું વટાવી ગયો. મંગળાને વળી પાછો એ જ ભાર હૈયે વળગ્યો. ચેતન થયેલી એ સ્મૃતિઓ...વળી પાછી ઉછળતી કુદતી સળવળી...હા...

જુના ઘરમાં પૈણીને પગ માંડ્યો તાં લગણથી અતાર લગણની હંધી યાદો...એ પાણીયારું, એ લેંપણની ઓકળી, નળિયામાંથી ચળાઈને આવતું આછું અજવાળું ને, વળી પેલી લાલ. ચટ્ટક ફૂલોવાળી વેલ ...શું નાંમ ઈનું ? હં.....પેલા નેહાળના બેન કે’ તા તા હા...હા...યાદ આયું બોગનવેલ... ને પેલો તળશાનો છોડ.... એ સિવાય પોટલું બંધાય એટલી બધી યાદો. હંધુંય ગાયબ વળી પાછું મંગળાના વદન પર સ્મિત છવાયું. મનમાં જ લવી...

“આ હૈયે બધુ કોતરઈ જ્યું શ પછ શી ચંત્યા ?" કહી ખુશખુશાલ થઇ બાબાને બચીઓથી નવડાવી દીધો.


Rate this content
Log in

More gujarati story from Dipak Makwana