ધનનો સાચો ઉપયોગ
ધનનો સાચો ઉપયોગ
એક જંગલ હતું. તે જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતાં. એ જંગલની બાજુમાં જ એક નાનકડું ગામ હતું. આ ગામના લોકો ખુબ જ ગરીબ હતાં. તેઓ જંગલમાંથી લાકડા વીણીને તે વેચીને પોતાનું ગુજરાન ચલાવતા હતાં. તે ગામમાં અજય અને વિજય નામના બે મિત્રો રહેતા હતાં. આ બંને મિત્રો પાકા દોસ્ત હતાં. અને દયાળુ સ્વભાવના હતાં. આ બંને મિત્રો જંગલની ખુબ જ કાળજી રાખતા. જંગલમાં કોઈને ઝાડ કાપવા દેતા નહીં, કે કોઈને પ્રાણીઓનો શિકાર કરવા દેતા નહીં. જંગલનું કોઈ પ્રાણી બિમાર પડે કે ઘાયલ થાય તો તેઓ તેની દવા અને સારવાર કરતા.
આ જ જંગલમાં એક વિશાળ ગુફા હતી. તે ગુફામાં એક વાઘ રહેતો હતો. એટલે એ ગુફા બાજુ કોઈ જતું નહીં. બધા એવું કહેતા કે એ વાઘ વરસોથી ત્યાં જ રહે છે. અને જો કોઈ એ ગુફા બાજુ જવાનો પ્રયત્ન કરે તો એ વાઘ તેમની પર હુમલો કરતો હતો. એટલે કોઈ માણસ એ ગુફા બાજુ જતું નહીં. હવે એક વખત અજય અને વિજય જંગલમાં પશુ પંખીઓની દેખભાળ કરવા માટે નીકળ્યા હતાં. એટલામાં જ તેમના રસ્તામાં સામેથી એક ખૂંખાર વાઘ આવતો દેખાયો. વાઘને જોઈને અજય-વિજયને લોકોની વાત યાદ આવી. તે બંને ખુબ જ ગભરાઈ ગયા. ડરના માર્યા એ લોકો ત્યાંજ ઉભા રહી ગયાં.
વાઘ ધીમે ધીમે તેમની નજીક આવ્યો. અને બોલ્યો, 'તમે ગભારશો નહીં, હું તમને કોઈ નુકસાન નહીં પહોંચાડું.’ વાઘને આમ માણસની જેમ બોલતો જોઈને અજય-વિજયને ખુબ જ નવાઈ લાગી. હવે તેમનો ડર પણ થોડો ઓછો થયો. વાઘ આગળ બોલ્યો. ‘અજય-વિજય હું તમને બંનેને બરાબર ઓળખું છું. તમે બંને ખુબજ દયાળુ અને સેવાભાવી બાળકો છો. તમે જંગલનું અને જંગલના પશુ-પંખીઓનું રક્ષણ કરો છો. એટલા માટે હું તમને ઇનામ આપવા માંગું છું. તમે બંને જણા ગભરાયા વગર મારી સાથે ચાલો.
વાઘના આટલા આશ્વાસન પછી પણ વિજય અને અજય થોડો થોડો ડર તો અનુભવતા જ હતાં. એમ છતાં તેઓ વાઘની પાછળ પાછળ તેની ગુફા સુધી ગયાં. વાઘે તેમને કહ્યું, 'તમે અહીં બહાર ઉભા રહો. હું હમણાં જ પાછો આવું છું.' એમ કહી વાઘ ગુફામાં ગયો. અને થોડીવાર પછી એક મોટો પટારો મોંમાં પકડીને લઈને બહાર આવ્યો. અને કહ્યું, ‘આ પટારો એ રાજા વિક્રમ આદિત્યનો છે. તેની અંદર સોનામહોર અને ઝવેરાત છે. વરસો પહેલાં રાજા વિક્રમ આ ધનમાંથી લોકોની અને પશુ-પંખીઓની સેવા કરતાં હતાં. આ ધન મને સાચવવા માટે આપ્યું છે.
પણ હવે મારી પણ ઉમર થઈ છે. તમે બંને હમેશા જંગલનું ભલું જ ઈચ્છો છો, એટલે મે આ ધન તમને આપવાનું નક્કી કર્યું છે. તમે આ ધનમાંથી જંગલનો વિકાસ અને પશુ પંખીઓ માટે સગવડો ઉભી કરજો. આમ કહી વાઘ ઝવેરાત ભરેલો પટારો મુકીને પાછો ગુફામાં ચાલ્યો ગયો. અજય અને વિજય જાણતા હતાં કે જો આ ધન ગામમાં લઇ જશું તો લોકો અંદર અંદર ઝઘડી પડશે. અને બધું ધન લુંટાઈ જશે. એટલે એમણે જંગલમાં એક ગુપ્ત જગ્યાએ ખાડો કરી એ ધન ત્યાં દાટી દીધું.
પછી જયારે જયારે જંગલમા કોઈ કામ કરવાની જરૂર પડે તો એ ધનમાંથી અજય અને વિજય જંગલના વિકાસ અને પશુ પંખીઓની દેખભાળ અને આહાર પોષણનું કામ કરતાં. આમ જો નિયત સાચી હોય તો ભગવાન મદદ કરે જ છે.
