STORYMIRROR

Payal Shah

Others

3  

Payal Shah

Others

છાયા-પડછાયા

છાયા-પડછાયા

13 mins
28.9K


‘તમન્ના બંગલો’માં જોરશોરથી તમન્નાની બર્થ-ડે પાર્ટી ચાલી રહી હતી. તમન્નાની બધી મિત્રો આવી હતી. તેના પપ્પાને મન તમન્ના પ્રિન્સેસ હતી. મહેન્દ્રભાઈ અને રીટાબેને તમન્નાને એક અરીસો બર્થ-ડે ગિફ્ટમાં આપ્યો. ‘ઓહ ડેડ ખરેખર! શું મિરર છે આ તો! એકદમ કોઈ રાજકુમારી માટે હોય એવું લાગે છે.’ ખુશીથી ઉછળી પડતાં તમન્ના બોલી. અરીસો સાચે જ અત્યંત સુંદર હતો. લંબગોળ અને આજુબાજુ સોનેરી કિનારીમાં ફૂલપાની બારીક કારીગરી અને ઝીણીઝીણી ઘૂઘરીઓનો શણગાર…. તમન્ના તેને જોતી જ રહી.
મહેન્દ્રભાઈ હસી પડ્યા : ‘યસ માય પ્રિન્સેસ. છેલ્લા ત્રણ મહિનાથી તારી માટે કંઈક અલગ પ્રકારની વસ્તુ શોધતો હતો.’
‘આઈ લવ યુ… ડેડ…’ તમન્ના બોલતાં બોલતાં તેનાં પપ્પાને ભેટી પડી અને બોલી, ‘અચ્છા ડેડ, આ અરીસાને મારા રૂમમાં જ મૂકાવી દો ને.’
‘હા, બેટા. એમ જ કરીએ…’ મહેન્દ્રભાઈએ કહ્યું.

‘બાય… બાય… સી. યુ… ઈન કૉલેજ…’ ના ગણગણાટ સાથે બર્થ-ડે પાર્ટી પતી ગઈ. થાકીપાકીને તમન્ના રૂમમાં ગઈ. ફ્રેશ થઈને એકદમ ધ્યાનથી અરીસામાં જોતાં પોતાનાં રૂપ ઉપર જ મોહિત થઈ ગઈ. ચલો મેડમ, કાલે કૉલેજ જવાનું છે એમ ગણગણતી પલંગ પર સૂતી. પરંતુ આ શું?…. અરીસામાં પોતાનું પ્રતિબિંબ પડે છે… પણ સૂતેલું નહીં, ટટ્ટાર ઊભેલું!…. તમન્ના હેબતાઈ અને આંખો ચોળતી ચોળતી ઊભી થઈ. હવે પ્રતિબિંબ એકદમ બરાબર દેખાતું હતું. એટલામાં તો એના પ્રતિબિંબે બોલવાનું શરૂ કર્યું, ‘જેમ પેલી તરફ તારી દુનિયા છે તેમ આ તરફ મારી દુનિયા છે…. અરીસાની દુનિયા…. કંટાળી ગઈ છું આ દુનિયાથી… મને થોડીવાર માટે બહાર નીકળવું છે. તું મને મદદ કરીશ? તમન્નાને ખ્યાલ નથી આવતો કે આ વાત માત્ર ભ્રમ છે કે દુ:સ્વપ્ન. પ્રતિબિંબ ચૂપ થઈ ગયું. તમન્ના હેરાન-પરેશાન થતી આંખો મીંચીને સૂઈ ગઈ.

સવારના તમન્ના આ વાત તદ્દન ભૂલી ગઈ હતી. તે અરીસા પાસે વાળ ઓળતી હતી ત્યારે તેના પ્રતિબિંબે હાથ લંબાવ્યો અને તેને ખેંચી લીધી અરીસાની અંદર અને પેલું પ્રતિબિંબ આવી ગયું અરીસાની બહાર! હવે તમન્નાની અરીસાની અંદરની દુનિયામાં સફર શરૂ થાય છે. તમન્ના જોરજોરથી ચીસો પાડે છે, ‘મમ્મી બચાવ મને…. પપ્પા મને અહીંથી બહાર કાઢો…’ કોઈ સાંભળતું નથી. પેલું પ્રતિબિંબ તેના ધમપછાડા જોઈને જોરથી હસે છે અને કહે છે, ‘હવે હું તમન્ના છું. કંટાળી ગઈ હતી પડછાયાની દુનિયાથી. હવે હું આઝાદ છું. તારી જિંદગી હવે મારી જિંદગી છે.’ આમ કહીને હૂબહૂ તમન્ના જેવું જ પેલું પ્રતિબિંબ તમન્નાની જગ્યા પર ગોઠવાઈને જિંદગી શરૂ કરે છે. આ તરફ તમન્ના જુએ છે કે અરીસાની દુનિયા સાવ અલગ છે. ઘડિયાળના કાંટા ઊંધી તરફ ફરતાં લાગે છે. દરિયાના પેઈન્ટિંગમાં સૂર્યની દિશા અલગ લાગે છે. તમન્ના હારીથાકીને પલંગ પર બેસી જાય છે. કેવી છે આ દુનિયા! તમન્નાના ઓરડાના તમામ સાધનો પ્રતિબિંબરૂપે હાજર છે, માત્ર હાજર નથી તો પોતે… હવે તે એક પ્રતિબિંબ માત્ર બનીને રહી ગઈ છે! જ્યારે બીજી તરફ તમન્નાના પ્રતિબિંબે અલગ દુનિયા જ નહીં અલગ વાત પણ રચી.

રીટાબેન સોફા પર બેઠાબેઠા કંઈ વિચારતાં હોય તેવું મહેન્દ્રભાઈને લાગ્યું. મહેન્દ્રભાઈએ કહ્યું, ‘રીટા, આજકાલ તું ચિંતામાં હોય એવું લાગે છે.’
‘હા, તમે થોડા દિવસથી તમન્નાનો વર્તાવ જોયો? પહેલાં રોજ ઘરેથી નીકળતી ત્યારે હંમેશા ‘જય શ્રી કૃષ્ણ મમ્મી’ કહીને નીકળતી. એકાદ-બે ફોન કરીને તે શું કરે છે? ક્યાં છે? કોની સાથે છે? તે પણ જણાવતી. જ્યારે હવે સવારના નીકળી જાય છે અને પાછી આવે ત્યારે નથી એને જમવાનું ભાન કે નથી બોલવાનું ભાન….’ રીટાબેને ઊભરો ઠાલવતાં કહ્યું.
મહેન્દ્રભાઈ હસી પડ્યા, ‘બસ…બસ… તું તો કેટલી નાની નાની વાતોમાં ચિંતા કરે છે. અરે ભઈ, તારી દીકરી સ્કૂલ-ગર્લ નથી રહી કે નાની-નાની વાત તને પૂછશે. ચાલ આપણે તમન્નાને જ બોલાવીને પૂછીએ કે પ્રિન્સેસને કંઈ ખોટું તો નથી લાગ્યું ને?’
‘આવશે ત્યારે ને? જાણે ઘરમાં હોય તમારી પ્રિન્સેસ એમ! હવે તો અગિયાર-બાર મનફાવે ત્યારે આવે છે…’ રીટાબેને થોડાક ગુસ્સામાં કહ્યું. એટલામાં તમન્નાની કારનું હોર્ન સંભળાયું.

રીટાબેને મહેન્દ્રભાઈ સામે જોયું જાણે કહેતા હોય કે લો આવી ગઈ તમારી પ્રિન્સેસની સવારી…. રીટાબેને બારણું ખોલ્યું, પણ આ શું! તમન્ના લથડિયાં ખાતી આવીને સીધી સોફા પર ફસડાઈ પડી. રીટાબેનથી ચીસ પડાઈ ગઈ : ‘તમન્ના બેટા, તું આજે…. ?’ મહેન્દ્રભાઈએ તેમને આગળ બોલતાં રોકી દીધાં. ‘ચાલ તમન્નાને તેના રૂમમાં સૂવડાવી દઈએ. કાલે સવારે વાત.’

બીજે દિવસે સવારે મહેન્દ્રભાઈએ પોતાનાં ખાસ મિત્ર ડૉ. સિદ્ધાર્થ શેઠને પોતાને ઘેર બોલાવ્યાં. ડૉ. સિદ્ધાર્થ મનોચિકિત્સક હતાં. રીટાબેન પણ તેમની સાથે વાતોમાં જોડાયા. તેમને થોડાં ડરેલાં જોઈને ડૉ. સિદ્ધાર્થે કહ્યું :
‘શું વાત છે ભાભી? તમન્નાનું આટલું ટેન્શન કેમ કરો છો? તેણે મિત્રોને આગ્રહને કારણે ડ્રિંક્સ લીધું હશે.’
‘નહીં નહીં એ વાત નથી. કાલે તમન્ના નશામાં… કંઈક અલગ જ બોલતી હતી.’ રીટાબેન અચકાતાં અચકાતાં બોલ્યાં.
‘રીટા, તું કાલરાતથી અપસેટ છે. જા જઈને આરામ કર.’ મહેન્દ્રભાઈ બોલ્યા.
‘એક મિનિટ મહેન્દ્ર,’ ડૉ કહ્યું, ‘ભાભી માંડીને વાત કરો. કાલે રાતે તમન્ના ઘરે આવી પછી શું થયું?’
‘તમન્ના ઘરે આવી ત્યારે લથડિયાં ખાતી આવી પછી મેં તેને પલંગમાં સૂવડાવી ત્યારે તે કાંઈક એવું બોલતી હતી કે તું બેવકૂફ બની ગઈ અને જો હું આજે તારી જગા પર છું. અને તું…તું… એકદમ ઊંઘમાં સરી પડી. તેને આ હાલતમાં જોઈને રાતના હું ત્યાં જ સૂઈ ગઈ.’
‘રીટા, તું થાકી ગઈ છે. પ્લીઝ, આરામ કર…’ મહેન્દ્રભાઈ થોડા ચિડાઈને બોલ્યા.
‘મહેન્દ્ર મારી વાત માનો… થોડીવાર પછી તમન્નાનો બડબડાટ પાછો ચાલુ થઈ ગયો કે જોયું કીધું’તું ને મેં તને… પણ તું નહીં માને…. હવે જો તારા શું હાલ કરું છું…’
ડૉ. સિદ્ધાર્થે ધ્યાનથી બધી વાતો સાંભળીને કહ્યું, ‘તમન્ના પર ધ્યાન રાખજો. તેની દરેક હિલચાલનું, દરેક વાતનું. ચોક્કસ કંઈક તો કારણ છે, હમણાં હમણાંથી તેણે ઈશાન સાથે પણ વાત કરવાનું ઓછું કરી નાખ્યું છે. ઈશાન કહેતો હતો કે તમન્ના કૉલેજના સાવ ગુંડા જેવા સલીમ સાથે વાતો કરે છે. ખરી રીતે આ વાત કહેવા હું આવવાનો જ હતો ત્યાં મહેન્દ્રનો ફોન આવ્યો. ચાલ મહેન્દ્ર, હું નીકળું છું. પછી કંઈ કામ હોય તો ક્લિનિક પર આવજે.’ મહેન્દ્રભાઈએ હા પાડવા માટે માથું ધુણાવ્યું. રીટાબેન હળવો નિસાસો નાખીને તમન્નાની રૂમમાં ગયા. તે તૈયાર થઈ રહી હતી. રીટાબેન રૂમમાં ગયા પણ તમન્નાએ ન તો તેમના તરફ કંઈ ધ્યાન આપ્યું ન તેમની સાથે વાત કરી.

રીટાબેન તમન્નાને જોઈ મનમાં બોલ્યા કે સાચે જ મારી દીકરી મોટી થઈ ગઈ છે. ત્યાં જ તમન્નાએ પર્સ ઉપાડીને રૂમનો દરવાજો ખોલ્યો એટલે રીટાબેન બોલ્યા, ‘અરે બેટા, વાળ બરાબર નથી. જરાક અરીસામાં જોઈને બરાબર કરી લે ને દીકરા…’ તમન્નાએ એવી રીતે રીટાબેન સામે જોયું જાણે તેમણે કંઈ ગુનો કરી નાખ્યો હોય અને દરવાજો પણ પછાડીને બંધ કર્યો. રૂમમાંથી બહાર નીકળતાં રીટાબેન બારી પાસે ગયા ત્યારે તેમના પગ નીચેથી જાણે જમીન સરકી ગઈ! તમન્ના કોઈ બે ચાર ગુંડા જેવા છોકરાઓ સાથે ઊભી છે અને તેના એક હાથમાં છે સિગારેટ! રીટાબેને તરત જ મહેન્દ્રભાઈને વાત કરી. ચિંતાથી પરેશાન મહેન્દ્રભાઈ અને રીટાબેન તાબડતોબ ડૉ. સિદ્ધાર્થના ક્લિનિક પર જઈ પહોંચ્યા.
ડૉક્ટરે વાત શરૂ કરી : ‘ભાભી, આ વાતમાં જરૂર કંઈ ભેદ છે. સાવ અચાનક આપણી તમન્નાં આટલી બધી બદલાઈ જાય એવી નથી. તમે બધી વિગતે મને વાત કરો.’
‘સાચ્ચે સિદ્ધાર્થભાઈ, પણ મને જ કંઈ ખાસ ખ્યાલ નથી આવતો. બસ એના બર્થ-ડેથી આ બધું બદલાયેલું લાગે છે. બર્થ-ડે પર પણ કંઈ ખાસ ધમાલ નહોતી. ફક્ત એની બધી ફ્રેન્ડ્ઝને બોલાવી હતી. મહેન્દ્રએ એને એક અરીસો ભેટ આપ્યો ત્યારે તો એ ખૂબ ખુશ હતી. કંઈ એવું બન્યું પણ નથી.’
‘મિરર… હમમમ… મહેન્દ્ર, ચાલ આપણે તારી ઘરે જઈને તમન્નાનો રૂમ જોઈએ. કદાચ કંઈ મળી આવે અને આપણને એના બદલાયેલા સ્વભાવની કંઈક ભાળ મળે.’

ડૉક્ટરે તમન્નાના રૂમમાં કોમ્પ્યુટર, કબાટ, ખાનાંઓ – બધું જોયું. ખાસ કંઈ કશું ના મળ્યું. થાકીને ડોક્ટર તમન્નાના પલંગ પર બેસી ગયા. નિરાશ વદને તેઓ ઊઠ્યા અને એક નજર અરીસા સામે નાખી. અરીસા પર હાથ ફેલાવતા તેઓ બોલ્યાં : ‘બિલેટેડ હેપી બર્થ ડે બેટા…. તું સાવ આવી કેમ થઈ ગઈ છે?’
‘સિ…ધ્ધાર્થ….અં…અંક…અંકલ….’
તમન્નાનો અવાજ! તેમણે ચારે બાજુ જોયું. એમને લાગ્યું કે ભ્રમ થયો છે કે શું?
‘અં…અંકલ…’ એકદમ ગુફામાંથી અવાજ આવતો હોય તેવો અવાજ આવ્યો.
‘હું….હું… અરીસામાં છું….પ્રતિબિંબ બની ગગ…ગઈ છું….’
‘શું?’ ડૉ. સિદ્ધાર્થ એકદમ ભડકીને અરીસાથી દૂર થઈ ગયા. રૂમમાં શાંતિ ફેલાઈ ગઈ. બે-ત્રણ મિનિટ પછી તે અરીસાની નજીક ગયા ત્યારે પાછો અવાજ આવ્યો. ‘અંકલ…. મારો અવાજ તમને એટલે સંભળાય છે કારણ કે તમે અરીસાની ખૂબ નજીક છો…! ’બેટા… આ કઈ રીતે થયું?’ ડૉક્ટર હેરાન થતા થતાં બોલ્યાં, ‘ચાલ તું બહાર નીકળ… આપ તારો હાથ… તારા પડછાયાને અમે પહોંચી વળશું….’
‘નહીં અંકલ… તે અરીસાની એકદમ નજીક આવશે ત્યારે જ અદલાબદલી શક્ય થશે અને તે કોઈ પણ રીતે અરીસાની નજીક આવતી જ નથી. તે મારું પ્રતિબિંબ છે અંકલ… તેની દુનિયા અરીસાની અંદર જ છે.’
‘ઠીક છે બેટા. હવે તેને કેમ પણ કરીને અરીસાની નજીક લાવવાની જવાબદારી મારી. હવે એક-બે દિવસમાં તું છાયા-પડછાયાના ખેલમાંથી આઝાદ થઈ જઈશ. કાલે હું તને શું કરવાનું છે તે સમજાવી દઈશ.’ ડૉક્ટરે આ બધી વાત મહેન્દ્રભાઈ અને રીટાબેનને ન કરી કારણ બંનેમાંથી કોઈને પણ આઘાત લાગે તો બધી બાજુએથી મુશ્કેલીને પહોંચી વળવું તદ્દન અશક્ય હતું.

ડૉક્ટરે રૂમમાંથી બહાર નીકળીને મહેન્દ્રભાઈને પૂછ્યું, ‘આ મિરર તો એકદમ રાજાના જમાનાનો લાગે છે. ક્યાંથી લાવ્યો?’
‘નુપૂર એન્ટીક શૉ-રૂમમાંથી..’ મહેન્દ્રભાઈએ જવાબ આપ્યો. કંઈક વિચારીને દંપતિને હૈયાધારણ આપતા ડૉ. સિદ્ધાર્થે વિદાય લીધી. ઘરે પહોંચીને તેઓ વિચારમગ્ન દશામાં બેઠા હતા ત્યાં જ એમનો દીકરો ઈશાન આવ્યો.
‘શું વાત છે ડેડ? આજે આમ કેમ બેઠા છો? કંઈ તકલીફ છે?’
‘હા, ઈશાન… તકલીફ છે. આપણી તમન્ના તકલીફમાં છે.’ તેમણે ધીમે રહીને ઈશાનને બધી વાત કરી.
‘આ તદ્દન અશક્ય છે ડેડ… અરીસામાંથી બહાર આવવું અને અંદર જવું..! એવું કંઈ હોતું હશે?’
‘હા, ઈશાન. પણ અરીસો અત્યંત જૂનો છે. હું નુપૂર શૉ-રૂમમાં પણ જઈ આવ્યો. ત્યાંના ડિલરે કહ્યું કે રેકોર્ડ મુજબ આ અરીસો ઈજિપ્તની રાણીનો હતો અને અત્યંત મોંઘી કિંમતે મહેન્દ્રભાઈએ તમન્ના માટે લીધો… કદાચ તે પ્રતિબિંબ ન હોય અને કોઈ અતૃપ્ત આત્મા પણ હોય કે જેને શરીરની ગરજ હોય અહીં જીવવા માટે. આપણી તમન્ના તેમાં નિમિત્ત બની ગઈ બેટા ઈશાન…’

ડૉ. અને ઈશાન થોડીવાર સાવ ચૂપ રહ્યા.
‘ડેડ, આનો ઉપાય શું છે? તમન્નાને આમાંથી….’ ઈશાને મૌન તોડતાં કહ્યું.
‘હા દીકરા. તમન્નાએ જ મને કહ્યું જો તેનું પ્રતિબિંબ તેનાથી એકદમ નજીક હોય તો જ તેને ખેંચીને અંદર લઈ શકાય પણ કદાચ પેલી અરીસાની નજીક જતી જ નથી. રીટાભાભી પણ કંઈક આવી વાત કરતા હતાં.’
‘ઓ.કે. ડેડ હવે મારી વાત સાંભળો…’ કહીને ઈશાને પોતાનો પ્લાન ડૉ. સિદ્ધાર્થને કહ્યો.
‘વેલ ડન…. એકવાર પ્રયત્ન કરવામાં કંઈ ખોટું નથી. હું કાલે જ મહેન્દ્ર અને રીટાભાભીને વાત કરું છું.’ ડૉકટરે ઈશાનની વાત સાંભળીને કહ્યું.

ડૉ. સિદ્ધાર્થે સવાર પડતાં જ મહેન્દ્રભાઈને ફોન કરીને ક્લિનિક પર બોલાવ્યા. હવે એકદમ સંભાળીને કામ લેવાનું હતું.
‘શું વાત છે ડૉક્ટર? સવાર સવારમાં મને અહીંયા બોલાવ્યો. બધું બરાબર છે ને?’ મહેન્દ્રભાઈએ ચિંતાતુર અવાજમાં કહ્યું.
‘હા ભઈ હા… બરાબર જ છે. ખુશખબર છે તારા માટે…. ખુશખબર…’
‘ખુશખબર?’ મહેન્દ્રભાઈ વિચારવા લાગ્યા.
‘અરે યાર, ઈશાને કાલે રાતના મને વાત કરી કે તેને તમન્ના સાથે લગ્ન કરવા છે અને તમન્ના પણ રાજી છે. છોકરી છો ને 21મી સદીની હોય પણ લગ્નની વાત આવે એટલે તેને કહેતાં શરમ તો આવે ને?’
મહેન્દ્રભાઈ હસી પડ્યા : ‘અરે… આ વાત મને પહેલાં કીધી હોત ને તો અત્યાર સુધીમાં બન્નેની સગાઈ કરાવી દીધી હોત. ઠીક છે ચાલ તમન્નાને ફોન લગાવું….’ ડોક્ટરે તરત મહેન્દ્રભાઈના હાથમાંથી મોબાઈલ લઈને કહ્યું, ‘અરે મહેન્દ્ર મારી વાત તો સાંભળ. આપણે રહ્યા ભઈ જૂના જમાનાના. અને તમન્ના ને ઈશાન છે નવા જમાનાના….. ઈશાનને પોતાની રીતે… શું કહે છે જુવાનિયાઓ?… અરે હા… જરા હટકે સ્ટાઈલથી તમન્નાને પ્રપોઝ કરવું છે…. જો તને અને ભાભીને વાંધો ન હોય તો…
‘કેવી રીતે વળી?’ મહેન્દ્રભાઈને નવાઈ લાગી.
‘કાલે વેલેન્ટાઈન ડે છે તો ઈશાનને તમન્નાનો આખ્ખો રૂમ ગુલાબથી સજાવવો છે.’ ડૉક્ટરે સમજાવ્યું.
‘ચલો ભાઈ, મને તો કોઈ વાંધો નથી. હા, રીટા ચોક્કસ બોલશે કે ઈશાન-તમન્ના કંઈ નવીનવાઈના છે તે જાણે દુનિયામાં પહેલા લવમેરેજ કરવા બેઠાં છે? – પણ વાંધો નહીં આવે, ચાલશે.’ મહેન્દ્રભાઈ હસતાં હસતાં કહ્યું.
‘ઠીક છે તો કાલે તમન્ના કૉલેજ જશે ત્યારે ઈશાન એનો રૂમ સજાવી જશે…’ ડૉ. સાથે હાથ મિલાવીને મહેન્દ્રભાઈ ખુશખુશાલ ચહેરે રીટાબેનને ખબર આપવા ગયા. હવે ડૉ. સિદ્ધાર્થ અને ઈશાનની છાયા-પડછાયાની લડાઈ બરાબર શરૂ થઈ ચૂકી હતી.

બીજે દિવસે વેલેન્ટાઈન-ડે હતો એટલે તમન્ના કૉલેજ જવા ઉતાવળી થઈ રહી હતી. એટલામાં રીટાબેને તેને કહ્યું : ‘બેટા, આજે સાંજના ઈશાન અને ડૉક્ટર જમવા આવવાના છે તો તું જરા વહેલી આવી જજે.’ તમન્નાએ મોઢું ચઢાવીને ‘હા’ પાડી અને સડસડાટ બહાર નીકળી ગઈ. બપોરનો સમય થતાં ઈશાન મહેન્દ્રભાઈના ઘરે આવ્યો અને રૂમ સજાવવા લાગ્યો. થોડી વાર પછી અરીસાની એકદમ નજીક જઈને ઊભો રહ્યો : ‘તમન્ના, તું મને સાંભળી શકે છે? હું ઈશાન છું.’ બે-પાંચ મિનિટ કોઈ અવાજ ન આવ્યો. તે પછી એકદમ દબાયેલો અવાજ આવ્યો : ‘હા, ઈશાન…’ ઈશાન ડરી ગયો પણ હવે તેને સમજાયું કે તેના પપ્પા સાચું કહેતા હતા. ક્યારેક સત્ય કલ્પનાથી વેગળું અને વધારે રોચક અને ચોટદાર હોય છે.
‘તમન્ના જો એક-બે મિનિટ જ આપણી પાસે છે. હું અરીસા પર ‘I Love You’ લખું છું અને આખો રૂમ ફૂલોથી સજાવું છું. કદાચ જો તારું પ્રતિબિંબ અરીસાની નજીક આવે તો એ તકને તું ઝડપી લેજે.
‘હા ઈશાન.’ તમન્ના બોલી.
ઈશાને રૂમમાં ફૂલોના ગુલદસ્તા, ટેડીબેર, ગિફટ્સ મૂકવાની શરૂઆત કરી. હવે વારો હતો અરીસાનો… ત્યાં ઈશાને લાલ રંગની લિપ્સ્ટીકથી મોટા અક્ષરે લખ્યું : ‘I Love You Tammanna’ અને ખૂબ ઝીણા અક્ષરે પોતાનું નામ નીચે લખ્યું. કદાચ માત્ર નામ જોવા માટે પણ પેલી નજીક આવે તો તમન્ના તેને ખેંચી શકે. સાયન્સ પર શ્રદ્ધા રાખતા ઈશાનથી તમન્નાના ટેબલ પર પડેલી ગણેશજીની પ્રતિમા સામે હાથ જોડાઈ ગયા અને તે મનોમન બોલી ઊઠ્યો, ‘હે વિધ્નહર્તા, સત્ય પરેશાન થઈ શકે છે, પરાજિત નહીં. આજે તમારે અમને સાથ આપવાનો છે. અમારું વિધ્ન હરવાનું છે.’ ઈશાની આંખોનાં ખૂણાં ભીંજઈ ગયા. તે તમન્નાને આ રીતે જોઈ શકતો નહોતો. કામ પૂરું કરીને તે સડસડાટ તેના રૂમમાંથી બહાર ચાલ્યો ગયો. બસ હવે તો નકલી તમન્ના આવે એટલી વાર…..

રીટાભાભી, મહેન્દ્રભાઈ, ઈશાન અને ડૉ. સિદ્ધાર્થ ડાઈનિંગ ટેબલ પર બેઠાં બેઠાં વાતો કરતાં હતાં. રીટાબેન બોલ્યાં : ‘જોયું આ છોકરી? આજે મેં એને કીધું’તું કે તમે લોકો જમવા આવવાના છો પણ છતાં છે એને કંઈ પરવા? દસ વાગી ગયા પણ હજુ આવી નથી.
ડૉક્ટરે કહ્યું : ‘અરે ભાભી, કંઈ વાંધો નહીં. અમે ઘરમાં તો છીએ. દીકરી આવે પછી તેને મળીને જ નીકળીએ..’ ત્યાં જ ડોરબેલ વાગી અને સાથે ઈશાનના હૃદયના ધબકારા વધી ગયા. હવે માત્ર બે શક્યતા હતી : તમન્ના થોડીવારમાં આઝાદ થઈ જાય અથવા તો કંઈ જ ના થાય… નકલી તમન્નાએ ઘરમાં પ્રવેશીને ન તો ઈશાન સાથે વાત કરી કે ન તો ડોક્ટર સામે જોયું. રીટાબેન હજી બોલવા જાય કે બેટા અંકલ આવ્યા છે ત્યાં તો… તમન્ના જેનું નામ.. સડસડાટ તેના રૂમમાં ચાલી ગઈ.

ઈશાનને દોડીને તેના રૂમમાં જવાનું મન થયું પણ તેને ખબર હતી કે આ ખેલ હવે છાયા-પડછાયાનો છે અને ત્યાં પોતે જશે તો કામ બગડી જશે. તમન્નાએ રૂમ ખોલીને જોયું તો ચકિત થઈ ગઈ! આટલાં બધાં ફૂલો…, ગિફ્ટો…, અને ટેડીબેર? આ શું! શું છે આ બધું? કોણે સજાવ્યો છે આ રૂમને?… આખરે એ નિર્ણાયક ઘડી આવી પહોંચી. એકએક વસ્તુઓ જોતી જોતી તે બેધ્યાનપણે અરીસા પાસે આવી પહોંચી. જ્યાં તે નામ વાંચવા ગઈ ત્યાં ચીલઝડપે તમન્નાએ અંદરથી તેનો હાથ ખેંચ્યો અને ઝડપથી તેને અંદર તરફ ખેંચી પોતે બહાર નીકળી ગઈ. તમન્ના હવે બહાર નીકળીને તરત જ અરીસાથી દૂર ખસી ગઈ. છાયા-પડછાયાના ખેલનો છેવટે અંત આવ્યો, પરંતુ હવે એક નવી સમસ્યા ઊભી થઈ. આ અરીસાને અહીંથી દૂર ખસેડવો જરૂરી હતો પરંતુ હવે તે તેની નજીક કદી નહીં જાય, નહીં તો કોઈ બીજાને પણ જવા દે. એટલામાં તમન્નાએ પોતાના કોમ્પ્યુટર ટેબલ પાસે પેપરવેઈટ જોયું. તેણે દૂરથી ઊભાં ઊભાં જોરથી અરીસા પર ઘા કર્યો. ખણણણ…. અરીસો તૂટવાનો અવાજ આવ્યો….

મહેન્દ્રભાઈ અને રીટાબેન એકદમ જ ઊભા થઈને તમન્નાના રૂમ તરફ દોડ્યાં; જ્યારે ડૉ સિદ્ધાર્થ અને ઈશાને એકબીજાને ઈશારાથી સમજાવી દીધું કે છાયા-પડછાયાના ખેલમાં જીત આપણી થઈ છે. મહેન્દ્રભાઈએ તમન્નાના રૂમનો દરવાજો ધમધમાવ્યો.
‘બેટા, આ શેનો અવાજ હતો? તું ઠીક છે ને?’
‘હા પપ્પા, હું ઠીક છું. હું એમ જ પેપરવેઈટ લઈને ટેબલ પાસે ઊભી હતી. અચાનક પેપરવેઈટ મારા હાથમાંથી છટક્યું અને સીધું અરીઆ પર વાગ્યું.’ તમન્ના દરવાજો ખોલતાં બોલી.
‘વાંધો નહીં દીકરા. પણ તને લાગ્યું તો નથી ને?’
‘ના પપ્પા, હું એકદમ ઓલરાઈટ છું.’ તમન્ના ઈશાન સામે જોતાં બોલી.
રીટાબેન બોલ્યાં : ‘ચાલ બેટા, હવે આ રૂમમાંથી અરીસો હટાવીને બધી સફાઈ કરાવી લઉં. મારી દીકરીને ક્યાંક લાગી જશે.’ તમન્ના લાડ કરતી બોલી, ‘મમ્મી, તારા હાથની દાળઢોકળી તો ખવડાવ. તીખું-તમતમતું ખાઈને કંટાળો આવી ગયો છે. હવે આપણું ગુજરાતી ફૂદ ઝિંદાબાદ!’ રીટાબેન ખુશ થતાં રસોડામાં ચાલ્યા ગયા.

મહેન્દ્રભાઈ અને ડૉક્ટર ડ્રોઈંગરૂમમાં વાતોએ વળગ્યા.
ઈશાને તમન્નાને કહ્યું, ‘તમન્ના, સાચું કહું? હું પહેલાં પ્રેમમાં નહોતો માનતો, હવે તમન્નામાં માનું છું એટલે પ્રેમ પર વિશ્વાસ છે. તું ‘હા’ પાડીશ તો ગમશે, અને ‘ના’ પાડીશ તોય કંઈ તૂટી નહીં જાઉં. હા, એટલું જરૂર છે કે જિંદગીના દરેક રસ્તા પર અને દરેક લડાઈમાં તું સાથે હશે તો બધા રસ્તા સહેલાં લાગશે અને લડાઈ લડવાની મજા આવશે અને….’
‘બસ… બસ….’ તમન્ના વચ્ચે જ બોલી ઊઠી : ‘મને જરા ‘હા’ કહેવાનો મોકો તો આપ યાર…. ’
ઈશાન હસી પડ્યો. તમન્નાએ ઈશાનના કાન પાસે હોઠ લાવીને પૂછ્યું : ‘ડરી ગયો’તો?’
તેણે કહ્યું : ‘મરી ગયો’તો તમન્ના….’
તમન્નાની આંખોમાં પાણી આવી ગયાં. આંસુ લૂછતાં તે બોલી : ‘ઈશાન, તને નથી લાગતું કે માણસની સુખની કામના એ અરીસાના પ્રતિબિંબ જેવી છે? જીવનમાં સંઘર્ષ કરીને તે જે વસ્તુ મેળવવાનો પ્રયત્ન કરે છે તે વસ્તુ જ ક્યારેક તેને દુ:ખમાં લાવી મૂકે છે. હૃદયરૂપી અરીસામાં આત્મદર્શન કરવાની જગ્યાએ તે પોતાના રૂપ-પોતાની સત્તાથી મોહિત થાય છે અને પરિણામે શરૂ થાય છે મુશ્કેલીઓની વણઝાર…. તેમાંથી એને બચાવી શકે છે એક માત્ર પ્રેમતત્વ. કુટુંબીજનોનો સ્નેહ અને મિત્રોની હૂંફ. મુશ્કેલી આવે છે ત્યારે જ માણસને માણસની કિંમત સમજાય છે, ખરું ને?’
‘ખૂબ સાચી વાત, તમન્ના’ કહી ઈશાને તમન્નાના હાથમાં હાથ મૂક્યો.

તમન્ના અને ઈશાનની સગાઈ વખતે ઈશાને તમન્નાને ભેટરૂપે જ્યારે એક અરીસો આપ્યો ત્યારે તમન્નાએ કહ્યું: ‘આમાં પણ ગોટાળો જ છે! જો ને હું જોવા જાઉં છું મારું પ્રતિબિંબ અને મને દેખાય છે માત્ર તું જ…’ ઈશાન હસી પડ્યો અને તમન્ના ઈશાનની નિર્દોષ ભૂરી આંખોમાં ડૂબી ગઈ…

 


Rate this content
Log in