"બઉ હારી હતી."
"બઉ હારી હતી."
“બેસો.”
“ના.. ના.. સાહેબ. તમારી જોડે નો બેહાય. ઉંમરમાં સો તમે નેના રયા પણ તોય સાહેબ સો. છોકરાનાય ને અમારાય.”
“અરે ! એવું કંઈ ના હોય. બેસો. વાલી સંપર્ક પત્રકમાં સહી બાકી હતી એ માટે તમને બોલાવ્યા.”
“હા. પણ તએ નવા સો એટલ કઈ દઉં, છો મહિનાની સહી ભેગી જ કરાવી દ્યો.”
“કેમ?”
“સાહેબ, હું જેલમાં સુ એટલ. મારી બૈરીનું મડર કર્યુ'તું ઈની સજામાં. હાલ પેરલ પર આયો સુ.”
“શું?”
“બૈરું તો સાહેબ બઉ જ હારું હતું. મારું દિયોર ખાવા બનાવ એટલ ખાતા જ રઇ જવ. છોકરાનય નવરાઈ-ધોવરાઈન બાબલા જેવા રાખતું'તું.”
“તો પછી કેમ...?”
“વેમ સાહેબ.., વેમની કોઈ દવા નઈ. બઉ જ વેમાતું'તું મારી પર.”
“એમાં તમે મર્ડર કરી નાખ્યું?”
“ના સાહેબ, એક દાડો હું ભાળી જ્યો ઈન એક જણાં હારે એરંડાના સેતરમાં. મારા હાથમાં કોદળી હતી ન હાહરુ એ દાડે મી પીધેલુંય ‘તુ. પેલો તો નાહી જ્યો. પણ બૈરી..”
“સારુ ન થયું ભાઈ.”
“હુ થાય સાહેબ ! બધુંય જડ વેમ. નકર બઉં હારી હતી.”
