STORYMIRROR

Rajul Bhanushali

Others

3  

Rajul Bhanushali

Others

બટકી ગયેલું અંધારું

બટકી ગયેલું અંધારું

6 mins
15K


પ્રશાંત કપડાં બદલાવીને માથું લુછતો લુછતો બહાર આવ્યો.રશ્મિએ ટેબલ પર ચાનો કપ અને ગરમાગરમ કાંદાનાં ભજિયાંની પ્લેટ મુકી.

“આહા! ચાની તો સખત જરૂરત હતી. તું મારું મન કેમનુંક વાંચી લે છે?” પ્રશાંત બોલ્યો.

રશ્મિ હસી.

“આજે તો મેઘરાજાએ ગઝબ કર્યો!” કહેતાં પ્રશાંતે ચાની ચુસ્કી ભરી.

દર વર્ષે મુંબઈમાં ચોમાસાની સીઝનમાં બે-ચાર વખત તો વરસાદને કારણે ટ્રેનવ્યવહાર ખોરવાય જ. પણ આજે મેઘરાજાએ હદ્દ કરી હતી એવા વિફર્યાં હતાં કે ચોતરફ પૂરનો આતંક ફેલાઈ ગયો હતો. આકાશમાંથી જળનો ધોધ વરસી રહ્યો હતો અને સઘળું જળબંબાકાર થઈ ગયું હતું. એક તો ધોધમાર વરસાદ અને અરબી સમુદ્રમાં ભરતી, આ બન્ને પરિસ્થિતિએ ભેગી થઈ કાળો કેર વર્તાવ્યો હતો.

“મેં મારી પિસ્તાળીસ વરસની જિંદગીમાં આવો વરસાદ જોયો નથી.” એ બોલ્યો.

“હા, ખરેખર. ભોંયતળીયા વાળા ફ્લેટોમાં તો બપોરના અઢી વાગે જ પાણી ભરાવાનું ચાલુ થઈ ગયું હતું. બે નંબરવાળા અમુબેન તરતજ ઘર બંધ કરીને ગારોડિયાનગર રહેતાં પોતાના ભાઈને ઘેર ચાલ્યાં ગયાં અને સાથે સાથે સૂરભીને ય લેતાં ગયાં. સૂરભીએ પહેલાં તો આનાકાની કરી પણ પછી સાત મહિનાની દિકરીનું વિચારીને સાથે ગઈ.” કહેતાં રશ્મિએ ચા પૂરી કરી.

“તો પછી રાજેશભાઈ અને અંકિતભાઈ- એ લોકો ક્યાં ગયાં?” પ્રશાંતે ભજિયાંની ખાલી થયેલી પ્લેટને આગળ હડસેલી અને ઉઠ્યો.

“એમને નવનીતભાઈનો ફ્લેટ ખોલી આપ્યો છે, દિવ્યાબેનને ત્યાં ચાવી હતી. નવનીતભાઇએ જ ફોન કરીને ફ્લેટ ખોલી આપવા કહેલું.” રશ્મિએ જવાબ આપ્યો.

પ્રશાંત અને રશ્મિ બીજા માળે રહેતાં હતાં. એમની બરાબર સામેનો ફ્લેટ નવનીતભાઈનો. એ પોતે તો બે વર્ષ પહેલા ટાવરમાં રહેવા ચાલ્યાં ગયાં હતાં અને ત્યારથી આ ઘર ખાલી જ પડ્યું હતું. એની એક ચાવી કાયમ ચોથે માળે રહેતાં દિવ્યાબેનનાં ઘરે રહેતી. આજે બપોરથી ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો, શહેરમાં ચોતરફ પૂર જેવી સ્થિતિ હતી. ટ્રેન બંધ, બસો બંધ. ઠેકઠેકાણે લોકો ફસાઈ ગયાં હતાં, જેને જ્યાં સુરક્ષિત જગ્યા મળી ત્યાં ત્યાં લોકોએ આશરો લીધો. હજારો લોકો કલાકો સુધી કમરસમાણા પાણીમાં પગપાળા ચાલતાં પોતપોતાનાં ઘરે પહોંચ્યા હતાં. હજારો હજી રસ્તામાં, રેલ્વે પ્લેટ્ફોર્મ પર અટવાયેલાં હતાં. પ્રશાંત પણ અંધેરી સ્થિત પોતાના શો-રૂમથી ચાર કલાક ચાલીને ઘરે પહોંચ્યો હતો. નવનીતભાઈ એ ફોન કરીને ભોંયતળિયે રહેતા એમના જુના પાડોશીઓ માટે પોતાનો ફ્લેટ ખોલાવી આપ્યો હતો. ભોંયતળિયે ચાર ફ્લેટ હતાં. એમાંથી અમુબેન બાજુમાં રહેતી સૂરભીને સાથે લઈ ભાઈ ને ત્યાં ચાલી ગયાં અને રાજેશભાઈ તેમજ અંકિતભાઈનાં પરિવારે નવનીતભાઈના ફ્લેટ્માં આશરો લીધો.

પ્રશાંત હાથ ધોઈને સોફા પર આડો પડ્યો. રશ્મિ ખાલી કપ અને ડીશો લઈને અંદર જવા લાગી.

“જરા આજનું છાપું આપજે તો..” એણે કહ્યું. હાથમાંનાં વાસણ રશ્મિએ પાછાં ટેબલ પર મુક્યાં. પ્રશાંતને છાપું આપ્યું અને ફરી વાસણો ઉપાડી અંદર જવા લાગી.

“અને હા, જરા ધ્યાન આપજે એ લોકોને કંઈ જોઇતું કારવતું તો નથી ને?” પહેલા પ્રશાંતનો અવાજ અને ત્યાર બાદ એનું મોટ્ટું બગાસું રશ્મિની પીઠ પર અથડાયું.
એણે રસોડામાંથી ડોકિયું કરીને જવાબ આપ્યો, “મેં પૂછ્યું હતું પણ એમણે ફક્ત પીવાનું પાણી માંગ્યું. આજે રાજેશભાઈના દિકરા શુભનો જન્મદિવસ છે. એ લોકોએ સાંજે ઘરમાં નાનકડી પાર્ટી રાખી હતી. ફાલ્ગુનીબેન એ પચાસ માણસોનાં જમવાની તૈયારી કરી હતી. એ બધુંજ ખાવાનું એ લોકો ઉપર લઈ આવ્યા છે.”

“એમ? ચાલ હું જરાક એમને મળતો આવું અને શુભને જન્મદિવસની શુભેચ્છા પણ આપતો આવું.” પ્રશાંત ઉભા થતાં બોલ્યો. ઊઠીને ફરીથી એણે એક મોટ્ટું બગાસું ખાધું. અને દરવાજા તરફ જવા લાગ્યો. જતાં જતાં પાછળ ફરીને કહ્યું, “આજે જમવામાં કંટોળાનું શાક કરજે, આવા મોસમમાં કંટોળા ખાવાની મોજ પડી જશે.” એ ગયો.

રશ્મિએ દિવાલ પર લટકતી ઘડિયાળ સામે અછડતી નજર નાખી. સાડાસાત થવા આવ્યા હતા. એ રસોડામાં કામે લાગી.

થોડીવાર થઈ ત્યાં નીચેથી કશીક બુમાબૂમ સંભળાઈ. પેસેજમાં અચાનક હલચલ વધી ગઈ. એ હાથ લુછ્તી બહાર આવી.

નવનીતભાઈની રૂમમાંથી બધાં બહાર આવી ગયાં હતાં અને પેસેજમાંથી નીચેની તરફ જોઈ બુમાબુમ કરી રહ્યાં હતાં. એણે કુતુહલવશ નીચે નજર કરી. પેસેજની જાળીમાંથી નીચે નો રોડ સ્પષ્ટ દેખાતો. એણે જોયું એક આધેડ વયની દુબળીપાતળી સ્ત્રી કમરસમાણાં પાણીમાં ઉભી હતી. અને પહેલા માળ પર પેસેજમાં ઊભેલા લોકો એને આગળ ન જવા ચેતવી રહ્યા હતાં એની બુમાબુમ હતી.

આ ગલી પૂરી થાય કે પંતનગરની હદ શરૂ થાય. અહિં કરતાં ખાસ્સી, લગભગ એકાદ ફૂટ નીચાણવાળી જગ્યા. કમરસમાણું પાણી તરત છાતીસમાણુ આવી લાગે.

એ સ્ત્રી થોડી અવઢવમાં જણાતી હતી પણ આખરે એણે વાતની ગંભીરતા સમજી અને આગળ વધવાનું માંડી વાળ્યું.એ બિલ્ડિંગની અંદર આવી અને પહેલામાળના દાદરા પર બેસી ગઈ. બધાએ રાહતનો શ્વાસ લીધો અને અંદર ચાલ્યા ગયાં. રશ્મિ ફરી રસોડામાં આવી.

રસોઈ તૈયાર થઈ ગઈ. ફક્ત રોટલી બાકી રહી. એણે કુકર ખોલીને મોગરદાળની ખીચડી કૅસૅરોલમાં કાઢી લીધી અને ઝટપટ ઢાંકણ બંધ કરી દીધું, હવે ઠંડી નહિં થઈ જાય એણે વિચાર્યું. શાક બાઊલમાં કાઢ્યું. બધું ડાઈનિંગ ટેબલ પર ગોઠવ્યું.

પાલવથી પસીનો લુછતી એ સોફા પર બેઠી. પ્રશાંત આવે તો રોટલી ઉતારું. એણે સોફા પર પાછળ માથું ટેકવ્યું અને આંખો બંધ કરીને બેસી રહી.
થોડીવારે પ્રશાંત આવ્યો.રશ્મિએ રોટલીનો તવો મુક્યો. ગરમાગરમ રોટલી ઉતરવા લાગી.

“એ લોકોની પાસે તો આખી બિલ્ડિંગ જમી લે એટલું ફૂડ છે. પાંઉભાજી, ચીપ્સનાં પેકેટસ, કોલ્ડ ડ્રીંક્સ અને કૅક.” પ્રશાંત બોલ્યો. “થોડીવાર પહેલાં ત્રીજા માળવાળા શારદાબેન આવ્યાં હતાં, ભાજી ગરમ કરીને આપી ગયાં. તું પણ રોટલી કરીને જરા આંટો મારી આવ. ક્યાંક એવી છાપ ન પડે કે આપણને પાડોશીઓની કંઈ પડી જ નથી. કંઈ નહિં તો ઓઢવા પાથરવાનું કંઈક આપી આવજે.”

ગેસ બંધ કરીને એ બહાર આવી.

“પણ નવનીતભાઈના ઘરમાં ઓઢવા પાથરવાનું બધું જ છે. ગાદલા, ગોદડા,રજાઈઓ.” રોટલીનો ડબ્બો એણે ટેબલ પર મુક્યો.

“તુ કંઈ સમજતી જ નથી..” પ્રશાંત ચિડાઈને બોલ્યો. “એટલે જ કહું છું કે એક વાર આંટો મારી આવ. હું તો વિવેક કરી જ આવ્યો છું. તુ પણ કરી આવ. જમતી વખતે જે ના-ના કરે જ એને જ આગ્રહ કરીને બે રોટલી વધુ પિરસાય. પેલી કહેવત સાંભળી નથી? હાથે થી દેવું નહિં ને જીભેથી ગુમાવવું નહિં.”

અને, લાઈટ ગઈ..

અંધારપટ છવાઈ ગયો. થોડોક ઘરમાં અને થોડોક રશ્મિના ચિત્તમાં..!

અંધારું ફંફોસીને એણે ડ્રોઅરમાંથી મીણબત્તી શોધી કાઢી. પેટાવી.
ફિક્કું, પીળું અજવાળું અંધારાને માત આપવા મથી રહ્યું. મીણબત્તીનું સ્ટેન્ડ એણે ડાઇનિંગ ટેબલની વચ્ચે મુક્યું. બન્ને ગોઠવાયાં. પ્રશાંતે બાઊલ પરથી ઢાંકળ હટાવ્યું.” અરે વાહ…! ગાજરનું રાયતું? આજે તો જમવાની મજા આવશે. મારું મનગમતું કંટોળાનું શાક અને સાથે ગાજરનું રાયતું. તું મારું મન કેમનુંક વાંચી લે છે..!” પ્રશાંત બોલ્યો.

રશ્મિ હસી.

થાળીઓ પિરસાઈ. રશ્મિએ એક પીરસેલી થાળી પર બીજી થાળી ઢાંકી અને દરવાજા તરફ જતાં બોલી, ”તમે શરૂ કરો, હું અબઘડી આવું.”

બે જ મિનિટમાં પાછી આવીને પ્રશાંતની બાજુમાં ગોઠવાઈ ગઈ.

“આપી આવી?” કોળિયું મોઢામાં મુકતાં પ્રશાંત બોલ્યો. “સારું કર્યું. એમ ના લાગવું જોઈએ કે આપણે પાડોશી ધર્મ ચૂક્યાં. અને હા…. આજે તો શાક જબરદસ્ત બન્યું છે. પેલો અંકિતિયો જિંદગીભર યાદ રાખશે કે પ્રશાંતની વાઈફનાં હાથનું કટોળાનું શાક ખાધું હતું ને કંઈ..!”

એ ચટકારા લઈ જમતો રહ્યો. રશ્મિ ચૂપચાપ જમતી રહી.

જમીને પ્રશાંત પલંગ પર આડો પડ્યો. એ રસોડું આટોપવામાં પડી. ઢાંકોઢૂબો પતાવી થોડીવારે બહાર આવી. એના હાથમાં કશુંક હતું.

“હું આવું, હમણાં જ..” એ બોલી. “ક્યાં જાય છે?” પલંગ પર પડ્યાં પડ્યાં પ્રશાંત બોલ્યો, “હું ક્યારનો રાહ જોઉં છું.”

“ઠાલા વાસણ લેવા.”

“ઠીક છે, પણ જલ્દી આવી જજે, વાતો કરવા બેસી જતી નહિં.. હું રાહ જોઉં છું. આજે શું મસ્ત મોસમ છે.” આંખ મીંચકારી પ્રશાંત બોલ્યો.

“ભલે..”

દરવાજો અટકાવી એ બહાર નીકળી. દાદરા પાસે આવી.

અંધારામાં કબાટ ફંફોસીને શોધી કાઢેલું દિવંગત સસરાનું સ્વેટર અને જુની બૅડશીટ એણે દાદરા પર બેઠેલી પેલી આઘેડ વયની સ્ત્રી તરફ લંબાવ્યાં અને બોલી, “તાઈ હે ઘ્યા.. બહુ ઠંડી છે.. બીજું કંઈ જોઈએ છે?”

“નકો ગ રાણી.. તું જા.. શાવકાશ જોપ.. હું ઠીક છું..” પોતાનો શુષ્ક હાથ એણે રશ્મિના સુંવાળા કાંડા પર મુક્યો. એક હુંફાળું સ્પંદન બન્ને સ્ત્રીઓના શરીરમાંથી પસાર થઈ ગયું. બે હથેળીઓએ આપસમાં ન જાણે શા ભાવની આપલે કરી કે બે ચાર ક્ષણો પણ આત્મિયતા અનુભવતી એકબીજાને સ્પર્શીને ઘડીભર સ્થિર થઈ ગઈ.

ઠાલાં વાસણ લઈને એ પાછી ઘરમાં આવી, હળવેકથી દરવાજો લૉક કર્યો.
પ્રશાંત ઉંઘી ગયો હતો. એણે તણાયેલો શ્વાસ હેઠો મુક્યો અને સોફા પર જ આડી પડી.

મીણબત્તીની એ ટચુકડી જ્યોતે આખા ઓરડાનો કબ્જો લઈ લીધેલો.
ખિન્ન અંધારું ભટકી ભટકીને છેવટે બટકી ગયું હતું.


Rate this content
Log in