STORYMIRROR

Dimple Mehta

Others

3  

Dimple Mehta

Others

બે ડોળા

બે ડોળા

6 mins
15K


“હાઇશ ! કેટલા ય દાડે આજ ઘસીને નાવાનો વેંત થ્યો. બે ડોલ પાણી અને ડબલ વીનો ગોટો. માથુને બરડો બે ય મેલા થ્યા છ,” બબડતી બબડતી રુપલી નાવાની ઓરડીમાं ઘુસી.

બાથરુમના નામે બે હાથ માંડ પહોળા થાય એવી ચોરસ રુમ, બારી અને દરવાજાને બદલે કંતાન, ઉપર છાપરુं. પા ગાઉ દુર કુવેથી પાણી સારે ત્યારે નવાય, અે ય પાણી હોય તો.

‘સોનકીને કેટલુ હારુं છે. ઘરના પંપની હારે જ નાવાની ચોકડી. અે ય ને ! રોજ નિરાંતે ડિલ ચોળીને નાવા મળે’ રુપલીઅે વિચાર્યુ. સોનકી અેટલે રુપલીની ગામસખી બેયના વરે ય પાછા ભાઇબંધ.  સરખી ઉંમરના જોડાં. બેયના દિકરા ત્રણ વરસના. બેયને ભળતું ઘણુ. બેયના ઘરની વચ્ચે દસ બાર ઘરનું અંતર અેટલે બે ય જણી કામ-કાજેથી નવરી પડે અેટલે અેકબીજાને ઘરે સાંધવા-વિણવાનું લઇ પહોંચી જાય અને હૈયાં હળવાં કરે.

નાવા માટે રુપલી, સાડી -પોલકું ઉતારીને જેવું ખીંટીઅે લટકાવવા ગયી કે બારી વાળા કંતાનનાં ઝીણાં બાકોરામાં અેને કોઇ ધુરકતું હોય તેવું લાગ્યુ.

બે ડોળાં, લગોટા જેવાં, લાલ-ઘુમ તગતગતાં..

રુપલી નજર નીચી કરી ગઇ અને પાછું ઉંચુ જોયુ ત્યાં તો ડોળા ગુમ. પણ રુપલી પરસેવે રેબઝેબ થઇ ગઇ. જેમ-તેમ સાડી વીંટાળીને બા’ર નીકળીને જોયુ તો કોઇ નો દેખાણું. પણ અેનાં ટાંટિયાં અને મન બે ય બાબલાનાં બાપુ પાસે જાવા દોડ્યાં.લાગ-લગાટ ૧૦ મિનિટ દોડીને, અેનો વર ખાટલો પાથરીને, જ્યાં રોજ સાંજે બિડી પીતો બેસતો ત્યાં પહોંચીને જોયુ તો ખાટલો ખાલી પડ્યો તો'. અને ઇ ભફ કરતી ત્યાં બેસી પડી. અાંખમાં પાણી ભરાઇ ગ્યાં.

ઇ ભુલી ગઇ તી’ પણ હવે યાદ અાવી ગયું કે અેનો વર તો વીસ જમણ થ્યાં મોટા શે’રમાં કામે ગ્યો છ. અેનો અને સોનકીનો વર હારે જ ગ્યાં છ. દનિયાં ભરવાં. પચીસ માળનું મકાન બનતું તું’ બાજુ વાળા પશા-કાકા જ વાત લઇ અાવ્યાં તા’. રોજનાં ત્રણસો રુપિયાં અને બારમી પુનમ ભરાય ઇ પે’લા તો પાછા, ઘર ભેગાં. સોનકી-રુપલીઅે પેહલા તો અાનાકાની કરી પણ પછી બેય માની ગયી. અામે ય વરસ નબળું ગ્યું તું. નાની મોટી દાડીમાં દિ’ વળે અેમ નોતુ’. અેટલે હા પાડ્યાં સિવાય કોઇ છુટકો નો’તો. 

અત્યારે અેની અાંખમાંથી અાંસુની ધાર જાવા મંડી. અાટલામાં દિ માં પે'લી -વાર અેને નધણિયાતું લાગ્યું. અાવું કોઇ દિવસ થયું નહોતું. પણ કોઇક હતુ ઇ નક્કી. વિભલો ગાંડો હશે ? અામ ઉતરતી હાંજે બીજુ કોણ રખડે ? કોને પુછવું ? અેેને સોનકી યાદ અાવી. પગ ધ્રુજતા તા’ પણ અહિં બેસવામાં ય બીક લાગવા લાગી. પાછી દોડી. સોનકીનુ ઘર અાજે બહુ દુર લાગ્યુ અેને ત્યા જોયું તો તાળું.

હવે ? હવે છેક બાબલો યાદ અાવ્યો. ઇ ઘર તરફ દોડી. બાબલો શાંતા-માસી પાસે રમતો મુકીને ગયી તી’. બાબલો શાંતિથી રમતો તો’. કાકી ચોખા વીણતાં તા’. પશા કાકા બહાર ગ્યાં તા’. 

‘ડિલ લુછ્યાં વગર કેમ હાલી અાવી ?‘ પરસેવે ભીની રુપલીને જોઇને કાકી બોલ્યાં. ઇ બોલ્યાં ન બોલ્યાં કે ઇ જ ઘડીઅે રુપલીની અાંખે ગંગા-જમુના ઉતર્યા. ચોખાની થાળી બાજુમાં મુકી કાકીઅે તરત રુપલીની બાજુમાં બેસીને બરડે હાથ ફેરવ્યો.

શું થ્યુ અેનાં જવાબમાં ‘બાબલાના બાપુ બહુ યાદ અાવે છ’ રુપલી અેટલું જ બોલી શકી. કાકી ઉભાં થઇ અંદરથી પાણીનો અેક પ્યાલો લઇ અાવ્યાં. અેણે ગટાગટ પાણી પીધું. બે ઘડી બાબલા સામે જોતી બેસી રહી. ઇ અેના ધુનમાં હતો. પછી ફટાક દઇને ઉભી થઇ, છોકરાની અાંગળી પકડીને પોતાનાં ઘર તરફ ઉપડી. કાકીઅે સાદ ય દીધો પણ અેનાં કાને કાંઇ સાંભળ્યું નહિ.

ઘરનો અાંકડિયો ખોલી સીધી ખાટલે પડી. ઘર અેટલે અેક મોટો રુમ બે ય બાજુ બારી. અેક ખાટલો, અેક કબાટ, ચાર ગાદલાં પાથરીને ઉભો કરેલો ડામચિયો, બે નાનાં પટારાં, એક પતરાની મોટી પેટી. ભીંતે અેક અરીસો. અેક ખુણાંમાં ગમછાની અાડસ મુકી ચુલો હતો. પડખે પાણિયારું. લાકડાંની પાળી બનાવીને રાંધવાનાં વાસણ-કુસણ મુકેલાં. અેક નાનો પટારો અહિંયા ય હતો, ચા-ખાંડ, મરી-મસાલા મુકવાં. પોતાનાં ઘરમાં અાવીને હૈયું શાંત પડ્યુ. અાંખ મળી ગઇ.

અાંખ ખુલી ત્યારે સવાર પડી ગયેલી. બાબલો જાગીને બાજુમાં રમતો તો’. ખાઇ-પીને સીધી ઉપડી સોનકી પાસે. અેની પાસે જઇને કંઇક બોલે ઇ પે’લાં તો સોનકી અેને બાઝીને રોવા મંડી. રુપલી બઘવાઇ ગઇ. કેટલી ય વાર રોયા પછી સોનકીઅે અાખી વાત કરી અે મુજબ 'ભીમલો કેટલાં ય દિવસોથી સોનકીની અાગળ-પાછળ ફરતો તો’. કાલે લાગ ભાળીને સોનકીનો હાથ પકડી લીધો અને અેનો પાલવ ખેંચી લીધો. સોનકીઅે ય જોર કરીને હાથ છોડાવીને, પોતાના હાથમાં હતો ઇ લોટેથી અેને માથે બે-ચાર ફટકાર્યુ. ઇ પડી ગ્યો. અેટલે સોનકી ભાગી. ત્યારે પડ્યો-પડ્યો ભીમલો બોલ્યો કે હવે ઇ સોનકીને નહિં છોડે. અાખા ગામ વચ્ચે અેનો ફજેતો કરશે.' 

અાખી વાત સાંભળીને રુપલીને તમ્મર અાવી ગ્યાં. પોતાની વાત જ ભુલી ગઇ. પછી કઇક સુઝતાં  ઇ બોલી કે હાલ, શાંતા-કાકી પાસે ..ઇ પશાકાકાને કાને વાત નાખશે. કાકા ગામનાં વડિલ છ, ઇ તારો વાળ વાંકો થાવા નહિ દે. પણ સોનકીનુ મન નહોતું માનતુ  કેમ કે ભીમલો કાકાનો ભત્રીજો હતો અને ઇ કાકા હારે ઘણી વાર ફર્યા કરતો. બે ય જણી હવે વિચારે ચડી કે કોને કહેવુ. છેવટે કંઇ ન સુઝતાં કાલે બાજુવાળા ભુરી-મા ને વાત કરવી અેમ નક્કી કરીને બે ય બેનપણી છુટી પડી.

ઘરે અાવીને રુપલીનું મન કયાંય લાગતું નોતુ’. અેટલે એ કાકીને પેટછુટી વાત કરવા બા'ર નિકળી ત્યાં સામે જ પિપળાના અોટલે પશા-કાકા બીડી પીતા દેખાણાં. બે-ચાર છોકરા રમતા તા’. રુપલીઅે સીધા કાકા પાસે જવા પગ વાળ્યાં. કાકાનુ ધ્યાન નહોતુ પણ રુપલીના છડાનાં અવાજ સાંભળી કાકાઅે ઉંચુ જોયું .અને રુપલી રૂની પુણી જેવી ધોળી પડી ગઇ. 

ઇ જ તગતગતાં, લાલ, બે ડોળાં. કાલે જોયા તા’ ઇ જ. રુપલીને તો કાપો તો લોહી નો નિકળે. ઉંધા પગલે દોડીને ઘરમાં ઘૂસી ગઇ.

ઘરમાં જાતા વેંત જ નીચે બેસી ગઇ. ચક્કર અાવવા માંડ્યા. અ’રર ! કાકા અાવું કરે ? કોઇ દિ શંકા ગઇ નોતી’. ઉલટાનું ઇ ને અેનો વર તો કાકી-કાકાને મા-બાપ સમાન ગણતાં અેટલે જ અેનો વર જ્યારે શે’રમાં ગ્યો ત્યારે બે ય ને રુપલી ને બાબલાની ભલામણ કરતો ગ્યો તો’.

હવે અા વાત કોને કરવી ? કાકા ગામનાં વડિલ છ. કોણ અેની વાત માને? બહુ વિચાર્યા પછી અેણે નક્કી કરી લીધું કે કાલે થોડાં ઉછી-પાછીનાં કરીને અેણે અને સોનકીઅે, પોતાના વર પાસે શે’ર જાતાં રેવું’. માંડ મોડી રાતે ઉંઘ અાવી. 

ગોકીરાઅે સવારમાં અેની અાંખ ખોલી નાખી. દરવાજો ઉઘાડીને જોયુ તો પચાસ- સો માણસોનાં ટોળું  હાથમાં લાકડી હલાવતું દેકારા-પડકારા કરતું ધૂળનાં ગોટે-ગોટા ઉડાડતું ગામનાં ચોરાને રસ્તે જાતું તુ’. રુપલી દોડીને ઘરની બહાર ઉભેલા કાકી પાસે દોડી. અેને જોઇ કાકી તરત મો મચકોડીને બોલ્યાં ‘લે જોઇ લે, તારી સગલી તારી સોનકી કેવી નિકળી ! ગામનાં મરઘાં ચોરીને રોજ રાતે મેલી વિધી કરીને ખાઇ જાતી તી’. સવારના પો’રમાં અેના ફળિયેથી પાંચ ડોકા કાપેલા મરઘાં મળ્યાં. અા તો ભલું થાજો ભીમલાનું ને તારા કાકાનુ કે બેયે બીયા વગર અેનુ પગલુ દાબ્યુ. બે દિ' પે'લા, હાંજે ઇ ભીમલાને ભરખવા અેની વાંહે પડી તી’. ભીમલો માંડ બચ્યો. પછી રાતે ઇ ને તારા કાકા બેયે થઇને અેને પકડી પાડી. ડાકણ નીકળી તારી બેન’પણી. હવે મરશે ઇવડી ઇ. ઇને જિવવા નો દેવાય. ‘

રુપલીનાં હાંજા ગગડી ગ્યાં. આોલો હરામી ભીમલો ખેલ કરી ગ્યો. કાકી અેક બાઇ થઇને બીજી બાઇ માટે અાવું બોલે? અેનો જીવ અમળાવા મંડ્યો. સોનકીને અા ગાંડુ ટોળુ જીવતી નહીં છોડે અેટલું જાણી ગયી. 

અરેરાટી ઉપડી. અાવી લાચારી ?અરર ..પોતે પોતાની બેન સરીખી સખીને બચાવી નહી શકે… અેનું છોકરું નમાયુ થઇ જાસે.. નજર સામે સોનકી અેનું છોકરું ને સોનકીનો વરનાં મોઢું ફરવા લાગ્યા.

રુપલી અચાનક, પોતાનાં બાબલાને કાંખમાં લઇને ઘરમાં દોડી. બારણું જોસથી ભીડી છોકરાને ગળે લઇ ઘરની દિવાલને ટેકે બેસી પડી. ડરી ગઇ તી’ બહુ. અાંખ મીંચી ગઈ. થોડીક વારે અાંખ ખોલીને બાબલા સામે જોયુ અને જેવી નજર બારીઅે પડી કે ત્યાં પાછાં દેખાણાં...

ઇ જ બે ડોળાં, લાલ -લાલ, વાસના ભરેલાં , બીકરામણાં… અાખા શરીરને અભડાવતાં… 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


Rate this content
Log in

More gujarati story from Dimple Mehta