STORYMIRROR

Hitesh Prajapati

Others

4  

Hitesh Prajapati

Others

અનોખું મિલન

અનોખું મિલન

2 mins
208

દીકરીના એડમિશન માટે સ્કૂલ પહોંચતાં જ એક મોટા ખંડમાં બધાં જ પેરન્ટસની બેઠક હતી. મધુ પણ એક સીટ પર બેસવા જ જતી હતી ત્યાં જ તેનું ધ્યાન પાછળ બેઠેલી તેની કોલેજકાળની સખી નીરજા પર ગયું. બંને એકબીજાને જોઈને ખૂબ આંનદ પામ્યા. નીરજાએ મધુને પૂછ્યું, "તું દિલ્હીથી અહીં ક્યારે શિફ્ટ થઈ ?" "અરે યાર, લોંગ સ્ટોરી છે. આવ બેસ મારી બાજુમાં નંબર આવે ત્યાં સુધી તો વાત કરીએ." બંને બેનપણી વાતોએ ચઢી.

કોલેજ ટાઈમથી જ તને તો ખબર જ છે કે આરવ અને હું પ્રેમમાં હતા. આરવ દિલ્હીના મોટા બિઝનેસમેનનો પુત્ર હતો. વળી તે પંજાબી હોવાથી મારા મોમ- ડેડને પણ આ સગપણ ગમતું નહોતું. તેમને તો મારા માટે ડેડના ફ્રેન્ડનો દીકરો મિલન ગમતો. મિલનને મારા પ્રત્યેનું ખેંચાણ, એથી સૌ કોઈ વાકેફ હતા. પણ મારી જિદને લીધે કંટાળીને તેઓ આરવ સાથે મારા લગ્ન કરવા રાજી થયા. મિલન પણ તે પછી સારી કન્યા સાથે પરણી ગયો.

લગ્નના ત્રણ ચાર વર્ષમાં જ મને આરવ સાથે ખૂબ ઝગડા થતાં, લગ્ન પહેલા મીઠી લાગતી આદતો હવે ખૂબ કડવી લાગવા લાગી. હવે તે મારા પર હાથ પણ ઉપાડતો. આ બધાથી તંગ આવીને હું મારા મોમ- ડેડના ઘરે મુંબઈ આવી ગઈ.

મારી મોમે મને મિલનની પત્નીના આકસ્મિક મૃત્યુનાં સમાચાર આપ્યા. છેલ્લા એક મહિનાથી હજુ પણ તેઓ ખૂબ શોકમાં છે. હું પણ સાંભળીને હતપ્રભ થઈ ગઈ.

હું મિલનને મળવા તેના ઘરે પહોંચી. મિલનનાં મમ્મીએ દરવાજો ખોલ્યો. મને જોઈને અંદર આવવા કહ્યું. તેમની પાછળ ૨ વર્ષની મિલનની દીકરી ઊભી હતી. તેને જોતા જ મેં તેને તેડી લીધી અને રમાડીને તેનું નામ પૂછ્યું. તેનું નામ સાંભળીને હું ખૂબ નવાઈ પામી. તેનું નામ મધુલિકા હતું. મિલનની મમ્મીએ જ મને કહ્યું કે તારા પ્રેમની યાદગીરી રૂપે જ તેણે દીકરીનું નામ મધુલિકા રાખ્યું છે. મિલનના સાચા પ્રેમને ન ઓળખવાની ભૂલથી મને બહુ પસ્તાવો થયો. ભૂલને સુધારી લેવા જ મેં મિલનને સામેથી લગ્નનો પ્રસ્તાવ મૂક્યો. અને આખરે અમે બંને બીજીવાર પરણી ગયા.


Rate this content
Log in