Sheetal Maru

Others

4.6  

Sheetal Maru

Others

અણબનાવ

અણબનાવ

5 mins
396


"પલાશ, આ લે તારું ટિફિન, પર્સ અને રૂમાલ," કૃતિકાએ બધી વસ્તુઓ એક પછી એક બેડ પર વ્યવસ્થિત રીતે ગોઠવી દીધી, "હવે હું મારું ટિફિન પણ ભરી લઉં, દસ વાગ્યે લેક્ચર છે, આજે મોડું થશે તો પ્રિન્સિપાલ સર મને લેક્ચર આપશે જે મારા માટે સજાથી કમ નહીં હોય." મનોમન હસતી કૃતિકા કિચનમાં જતી રહી.

કૃતિકા અજમેરા, દિનેશ અને ચારુ અજમેરાની પુત્રવધુ અને પલાશની પત્ની શહેરની સાયન્સ કોલેજમાં ફિઝિક્સની લેક્ચરર હતી. સિરિયલોમાં આવતી આદર્શ પુત્રવધૂની જેમ સવારે વહેલી ઊઠી, ઘરનું કામ, બધા માટે ચા-નાસ્તો, પોતાનું અને પલાશનું ટિફિન, બધું આટોપીને દોડતા દોડતા કોલેજમાં પહોંચવું. પલાશ પણ એક મલ્ટીનેશનલ કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ હતો. ઉચ્ચ મધ્યમવર્ગીય સુખી પરિવાર. આશાની ચાદરના છિદ્રોમાંથી સપના જોઈ ટૂંટિયું વાળી જોયેલા સપનાઓને પુરા કરવાની રેસમાં સતત દોડતા રહેવું પણ ક્યારેય થાકવું કે હારવું નહીં, એ જ સ્વાભિમાન અને સિદ્ધાંતના પ્રેરકબળ અને સ્માઇલી ચહેરા સાથે દેખાતી કૃતિકાએ પણ મધ્યમવર્ગીય પરિવારમાંથી જ અજમેરા પરિવારમાં પુત્રવધુ બનીને કંકુપગલા કર્યા હતા, પણ એના સાસુ એટલે કે ચારુબેન સાથે એની કુંડળી ક્યાંય મેળ નહોતી ખાતી. ચારુબેનની ચપચપ ચાલતી જીભ કૃતિકા ઘરમાં ન હોય એ પૂરતી જ શાંત રહેતી અને એની હાજરીમાં દહેજ ન લીધાના અફસોસનો દેકારો બોલાવતી રહેતી જ્યારે દિનેશભાઇ સત્યનિષ્ઠા અને પ્રમાણિકતાના પાઠ ભણાવતા નિવૃત માસ્તર, કૃતિકાના રૂપની સાથે એના ગુણોને પણ મૂલવીને આ ઘરમાં પુત્રવધૂરૂપે લાવ્યા હતા. દિનેશભાઇ અને ચારુબેનની એક દીકરી પણ હતી શિવાની, જેને શહેરના કહેવાતા ધનાઢય પરિવારમાં, પોતાની ચાદર કરતા પગ લાંબા હોવા છતાંય, ચાદર તાણીને, વધુ ખર્ચો કરીને દેવાંગ સાથે પરણાવીને કન્યાદાનની ફરજ પુરી કરી હતી. શિવાની પણ આધુનિકતાના રંગે રંગાયેલી, ચારુબેનના અતિ લાડકોડથી ઉછરેલી સ્વરૂપવાન પણ સ્વચ્છંદ યુવતી હતી. સાસરિયામાં નોકર-ચાકર, ગાડીઓ, પૈસાની રેલમછેલથી છકેલી શિવાની જ્યારે પણ પિયર આવતી ત્યારે મોંઘી સાડીઓ અને લેટેસ્ટ જવેલરીના ઠઠારા સાથે ચારુબેન માટે વણમાંગી સલાહોની ગિફ્ટ અચૂક લાવતી જેનાથી પોરસાઈને ચારુબેન કૃતિકા અને શિવાની વચ્ચે સરખામણી કરતા અને એ માપતોલમાં શિવાનીનું પલડું હમેશા ભારે રહેતું હોવાથી કૃતિકાના ભાગે મેણા-ટોણા અને વાંધા-વચકા સિવાય કાંઈ ન આવતું પણ પલાશનો સ્નેહ અને પોતાના સંસ્કારો થકી એ મૂંગે મોઢે બધું સાંભળી લેતી અને પોતાના સ્મિત પાછળ બધું જ દર્દ સંતાડી દેતી પણ એની અને ચારુબેન વચ્ચે બનેલી અણબનાવની અદ્રશ્ય ખાઈ ધીમે-ધીમે ઊંડી થતી જતી.

આજે દિનેશભાઇ અને ચારુબેનની મેરેજ એનિવર્સરી હોવાથી કૃતિકાએ કોલેજમાંથી રજા લઈ કેટલી મહેનતથી સાસુ-સસરાની પસંદની વાનગીઓ બનાવી હતી, પણ ડોરબેલ વાગતા તંદ્રામાંથી જાગતી કૃતિકા દરવાજો ખોલવા દોડી, દરવાજો ખોલતા જ સામે ઊભા હતા શિવાની અને દેવાંગ.

"ભાભી, દરવાજો ખોલતા આટલી વાર, અમારે ત્યાં જો આટલી વાર લાગે તો એટલીજ વારમાં નોકરની છુટ્ટી થઈ જાય." આવતાંવેંત શિવાનીએ પોતાનું પૈસાપુરાણ શરૂ કર્યું અને દેવાંગ શિવાનીના આકરા સ્વભાવથી વાકેફ હોવાથી અને એના મત મુજબ સારા પતિની જેમ ચૂપચાપ બધું જોયે જતો હતો.

"મમ્મી-પપ્પા, હેપી એનિવર્સરી, આ જો હું તમારા બંને માટે શું લાવી છું. તારા માટે આ બારહજારની જરીભરતની બનારસી સાડી અને પપ્પા માટે એટલીજ કિંમતની બ્રાન્ડેડ ઘડિયાળ, ખાસ લંડનથી મંગાવી છે." દિનેશભાઈ અને ચારુબેનને ગિફ્ટબોક્સ આપી શિવાની અને દેવાંગ એમને પગે લાગ્યા, "અને મારી આ ભાભીએ શું આપ્યું છે તમને ? બતાડો તો ખરા."

"એ વળી શું આપવાની, એને તો કયા પ્રસંગે કઈ ગિફ્ટ આપવી એ ય ખબર નથી. તારા પપ્પાને સસ્તી પેન અને મને આ રેશમી કહેવાતી ખરબચડી શાલ આપી છે. જો, કોઈ સેલમાંથી ડિસ્કાઉન્ટમાં ખરીદી લાગે છે." ચારુબેને મોઢું મચકોડતા કૃતિકાએ આપેલ ગિફ્ટ દેખાડી.

"હા મમ્મી, એ ભૂખડીબારસ પરિવારને ભેટ એટલે શું એ ખબરેય નહીં હોય. કંકુ અને કન્યા સિવાય એમણે આપ્યું છે શું. મારા ભાઈ માટે તો કેટલાય સારા દહેજ સાથે સારા ઘરની કન્યાઓના માગા આવતા હતા પણ આ આપણા પપ્પાના સિદ્ધાંતોની આડે આ ફાવી ગઈ નહીંતર એનો ને આપણો ક્યાં મેળ પડે." મા-દીકરી એકબીજાને તાળી આપી હસવાં લાગ્યાં. કૃતિકાની કોરી આંખોના કિનારા ભીંજાઈ ગયા અને એ બેડરૂમમાં દોડી ગઈ.

ચારુબેન અને શિવાનીની વાતથી દિનેશભાઈને રોષ ચડ્યો.

"શિવાની... તારો આ ઠાઠ, આ કિંમતી કપડા, આ ઘરેણાં, બધુંય નગદનારાયણના પ્રતાપે છે. તારી માએ પણ જો તને કૃતિકા જેવા સંસ્કાર આપ્યા હોત તો તું આમ એલફેલ ન બોલત. અમે દેવાના ભાર તળે દબાઈને તને રૂપિયાથી બધું ખરીદી શકાય, સારો પતિ પણ એનું જ્ઞાન તો આપ્યું પણ સંસ્કારોનું વારસજ્ઞાન આપવામાં નિષ્ફળ નીવડ્યા. દર વખતે ચારુ તને પોષતી રહી અને કૃતિકાને કોસતી રહી પણ આજે હું ચૂપ નહીં રહું. જ્યારે પણ તું પિયર આવે ત્યારે શેઠાણીની જેમ કૃતિકા પર હુકમનો મારો ચલાવતી રહે અને એ બિચારી તારી ફરમાઈશ પુરી કરવા માટે ખડે પગે ઊભી રહે. તારી માએ તમારા બંને વચ્ચે ફક્ત રૂપિયાથી સરખામણી કરી છે જો સંસ્કારોના સિંચનની કરી હોત તો કૃતિકાનું પલડું ભારે હોત. આ તારા દેવ જેવા પતિ દેવાંગ પણ તારા સ્વભાવથી પરિચિત છે પણ સંસાર સળગે નહીં એ માટે મૂંગામોઢે ગાડું ગબડાવ્યા રાખે છે. તને જે પૈસાનો મોહ અને અભિમાન છે ને, એની પાછળ પણ નામ તો દેવાંગનું જ લાગે છે. તારા સાસરિયા સારા છે કે વગર બોલ્યે બધું ચલાવી લે છે પણ જો અત્યારે દેવાંગ ઘર છોડીને બીજે રહેવા જાય ને તો તારી હાલત ભૂખડીબારસ નહીં પણ ભિખારી જેવી બની જાય. માણસની નહીં, માણસાઈની તો કદર કરો. અમે કોઈ પુણ્ય કર્યા હશે ત્યારે અમને આવી કોહિનૂર જેવી કૃતિકા મળી છે. આજ પછી જો આ ઘરમાં પગ મુકવો હોય તો અત્યારે જ તમારે બંનેએ કૃતિકાની માફી માગવી પડશે." ચારુબેન અને શિવાની બેયને ઉદ્દેશીને દિનેશભાઈ કરડાકીથી બોલી રહ્યા હતા.

"હું પણ પપ્પાની વાત સાથે સહમત છું. આજ લગી ક્યારેય કૃતિકાએ તમારી વિરુદ્ધ એક હરફ સુધ્ધાં ઉચ્ચાર્યો નથી ઊલટું એણે તો હંમેશા હસતા હસતા પોતાની જાત ઘસી નાખી છે. અત્યાર સુધી હું પણ બધું ચલાવ્યે જતો હતો પણ જો તમે બંને નહીં સુધરો તો હું અને કૃતિકા ભાડેથી ઘર લઈ બીજે રહેવા જતા રહેશું." અત્યાર સુધી મૌન રહેલા પલાશે પોતાનું મોં ખોલ્યું.

"પલાશ, કોણે કીધું હું તમારી સાથે બીજે રહેવા માટે તૈયાર થઈશ. હું મારા મમ્મી-પપ્પાને છોડીને ક્યાંય નથી જવાની અને તમનેય ક્યાંય નહીં જવા દઉં. દરેક વખતે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય એ કહેવત સાચી ન પડે, સમજ્યા... ક્યારેક કહેવત ખોટી પણ ઠરે." કૃતિકા ચારુબેનને રડતી આંખે ભેટી પડી. એની સાથે જ બધાની આંખોમાંથી વહેતા પાણીએ સાસુ-વહુ વચ્ચે જન્મેલી અણબનાવની ખાઈને પુરી દીધી.


Rate this content
Log in