Parul Barot

Others

3  

Parul Barot

Others

આકાંક્ષા

આકાંક્ષા

5 mins
7.2K


“તને હજાર વખત કહ્યું હશે કે તું કચરાપોતાંવાળી બાંધીદે.” સહેજ તાડૂકિને આલાપ વૈદેહીને બોલ્યો, “હા.. હા.. હવે પણ કોઈસારી અને વિશ્વાસુ કામવાળી મળે ત્યારે ને પછી ખિસકોલીની પૂછડી ફેરવીને કામ કરે એ ખોટુંપડે.” વૈદેહી એ આલાપની સામે જોઈ હાથનો ઇશારા કરી સહેજ હસીને કહ્યું.

“સારું ત્યારે પછી કમરની બૂમો નહીં પાડવાની અને એલર્જી થવાથી છીંકો પણ નહીં ખાવાની, સમજી !” હાથની પ્રથમ આંગળી બતાવી અને આલાપ ઓફિસે જવા તૈયાર થયો.

ફર્સ પર ઘસડાઈને પોતું મારતી વૈદેહીને જોઈ જતાં જતાં ફરી બોલ્યો; “પાંચ પચીસની ચિંતા કર્યા વગર થોડા વધારે રૂપિયા આપી ને બાંધી દે કામવાળી. ખોટી કરકસર ન કર. બીમાર થઈશ તો દવાખાને રૂપિયા નહીં આપવા પડે.” આલાપના મુખપર ચિંતાનું મોજું ફરી વળ્યું.

વૈદેહીએ જોરથી શ્વાસ ખેચી અને જોરથી છોડ્યો. એણે પોતું નીચે ફર્શ પર પટકાતાં કમર પકડી અને ઊભી રહી ગઈ. “હા ભાઈ હા હવે હું પણ કંટાળી છું. પહેલાં તો આખા ઘરનું કામ ઝપાટાબંધ ઉલેચતી હતી પણ હવે..”

વાતને વચ્ચેથી કાપતાં આલાપ બોલ્યો; “હા,તો.. જેમ જેમ ઉંમર થાય તેમ તેમ શરીર જવાબ આપે. હવે પહેલા જેવી તાકાત ન હોય. બધી જળોજથા મૂક અને શાંતિથી આરામ કર…” ઓફિસ જતાં પાછો વળી ડોલ અને પોતું બંને બાથરૂમમાં મૂકી આલાપ વૈદેહીને બંને હાથે સોફામાં બેસાડી. તેના ચહેરા પર વિખરાયેલા વાળને સરખા કરતો બોલ્યો;’ ચલ મૂક આ બધૂ કામ , આરામ કર બે દિવસથી તને ઠીક નથી. પછી માથે હથેળી મૂકીને ઊચા અવાજે બોલ્યો; “આમ જો તારું માથું અને શરીરે બંને ધખે છે... આજે રિપોર્ટ આવી જશે... હું આવતા લેતો આવું છું. તું ખાલી આરામ કર...”

સોફામાં આડા પડતાની સાથે વૈદેહી આંખો બંધ કરી ઊંડા ઊંડા શ્વાસ ભરવા લાગી. જાણે ઘેરી ઊંઘમાં સૂઈ ગઈ.

“વૈદેહી, વૈદેહી તને ઠીક હોય તો જ હું ઓફિસ જાઉં?” વૈદેહીનો હાથ આલાપે પોતાના હાથમાં લીધો અને પંપાળતા પંપાળતા પૂછ્યું.

માંડ માંડ આંખ ખોલી વૈદેહી તૂટક તૂટક અવાજમાં બોલી; “મારું તો આ રોજનું છે. મને કઈ નહીં થાય. જાવ તમ તમારે વાંધો નહીં, જરા આરામ કરી લઈશ એટલે સારું થઈ જશે.”

“આજે મારે અર્જન્ટ કામ છે ઓફિસમાં નહિતર હું ન જાત.” આલાપે ઊભા થતાં કહ્યું. અધખુલી આંખે હાથ ઊંચો કરી વૈદેહી એ જવા ઈશારો કર્યો.

આલાપ ભારે  હૈયે ઘરની બહાર નીકળ્યો અને બાજુમાં રહેતા સજનકાકીને કહીગયો; “કાકી આજે પાછી તબિયત વધારેબગડી છે જરા જોતાં રહેજો હું ફટાફટ ઓફિસનાં મહત્વના કામ પતાવી પાછો આવું છું.”

“એ તમ તમારે જાવ આલાપભાઈ, હું છું એમની પાહે...” “થેંક્યું કાકી…” “ઈમાં થેંક્યું કેવું. અરે આ તો અમારો પાડોશી ધરમ.” કાકી આલાપના ઘરમાં જતાં જતાં બોલ્યા.

 

આલાપની નજર સમક્ષ એક પીકચર ફરવા લાગ્યું. ત્રણ વરસ પહેલા આલાપનો ભયંકર એક્સિડંટ, હોસ્પિટલ, ડોકટરોની દોડાદોડી, લોહીની જરૂર, દવાઓ ઈન્જેક્શનો, વૈદેહીનું એકલાહાથે આમથી તેમ મારો જીવ બચાવવા દોડવું. બધે પહોંચી વળી પણ છેલ્લે મારી બંને કિડની ડેમેજ થઈ હોવાથી બંને ફેલ થઈ ગઈ બચવાનો કોઈ ચાન્સ નહોતો. જો કોઈ કિડની આપે તો અને તો જ હું બચું એમ હતું. પંદર દિવસની દોડાદોડ પછી આ સમાચાર સાંભળ્યાં. પછી પણ વૈદેહીએ હિમ્મત ન હારી અને તરત જ એની પાસે જ એક કિડની હોવા છતાં એને એક પળનો વિચાર કર્યા વગર મને એને પોતાની કિડની આપી દીધી. એ વખતે મેં કેટલી ના પાડી હતી પણ માને તો ને...

આલાપની આંખોમાથી આંસુની ધારો વહેતી હતી ચશ્મામાં બધુ ઝાંખું ઝાંખું દેખાવા લાગ્યું.એના મનમાં હજારો વિચારો ઘૂમરાતા હતા. ‘સિવિલમાં વૈદેહીનું નામ તો નોધાવ્યું છે કિડની માટે પણ ક્યારે નંબર આવશે?’ એને કશું થઈ તો નહીં જાય ને? આંસુઓને શર્ટની બાયથી લૂછતાં આલાપ ભીતરનાં તોફાનને ઉલેચતો હતો.

“જ્યારથી મને કિડની આપી ત્યારથી એ મહિનામાં ચાર વાર તો ગંભીર રીતે બીમાર થઈ જાય છે.” મે એને કહ્યું હતું; “તારી પાસે એક જ કિડની છે, તારે આ કામ નથી કરવાનું ત્યારે મારા માથે હાથ મૂકી બોલી હતી; “તમે છો તો જ હું છું. ચોખ્ખા લૂગડે  અને ચૂડી ચાંદલે જાઉં તો હું કેટલી ભાગ્યશાળી કહેવાઉ...” આલાપના મોઢેથી ડૂમો વછૂટી ગયો.

ફટાફટ કામ પતાવી આલાપ ઘરે પહોચવા થયો અને ફોન આવ્યો; “આલાપભાઈ કાકી બોલું સુ... જલદી ઘરે આવો આ વૈદેહી કંઈ બોલતી નથી...”

આલાપને ફાળ પડી ચિરાયેલા અવાજે એ બોલ્યો; “કાકી પહોંચ્યો જ સમજો અને તરત જ એણે ફોન મૂકી ચાલુ બાઈકે સિવિલમાં ફોન કર્યો એ ઘરે પહોંચ્યો ને તરત એમ્બ્યુલન્સ આવી ગઈ.

બાઇક પાર્ક કરી એ ઘરમાં ગયો. “વૈદેહી.. વૈદેહી...” બૂમો પાડતા એણે વૈદેહીને ઊંચકી લીધી અને તરત એમ્બ્યુલન્સમાં બેઠો. સાથે કાકી ય બેઠાં; “હું આવું સુ ભાઈ જરીકે ચિંતા ન કરતા... ભગવાન બધું હારુ કરસે... ભલું કરનારનું ભલું જ થાય સે. તમે તો બેઉ ભગવાનના માણહ સો.. કોઈનું ખરાબ નથી કર્યું. ભગવાન હઔ હારાવાનાં કરશે.”

“કાકી દર વખત આવું થતું પણ એ આંખો ખુલ્લી રાખી મારા સામે જોયા કરતી અને આ વખતે તો ખાલી શ્વાસ જ ચાલે છે. બાકી...” આલાપનાં ગાળામાં ડૂમો ભરાઈ ગયો.

કાકી એ પોતાનો હાથ આલાપનાં હાથ પર મૂકી થપથપાવી. આંખોની પાંપણ ઢાળી, માથું હલાવી ધરપત રાખવા ઈશારો કર્યો. મૌન ધારણ કરી સૂતેલી ઑક્સીજન બેગ લગાડેલી અને ગાડીની ગતિ સાથે હાલક ડોલક થતી વૈદેહીને આલાપ એકીટશે જોયા કરતો હતો..એના શ્વાસ અધ્ધર થઈ ગયા હતા.

એંબ્યુલન્સની સાઇરન લોકોની ભીડને ચિરતી રમરમાટ રોડ પર દોડી રહી હતી સાથે સાથે આલાપના શ્વાસની ગતિ પણ વધતી જતી હતી. સિવિલ પહોંચ્યા તાત્કાલિક ઈમરજન્સી વોર્ડમાં વૈદેહીને ખસેડી. “ડોક્ટર સાહેબ મારી વૈદેહીને બચાવી લો....” હાથ જોડીને આલાપ ડોક્ટર આગળ કગરતો હતો. “હા હા, પ્લીઝ, તમે આ ફોર્મ ભરી દો... ચાલો જગ્યા આપો, મને મારું કામ કરવા દો, અમે અમારો પૂરો પ્રયત્ન કરીશું.” બોલતાં બોલતાં ડોકટર ઓપરેશન થિયેટરમાં ચાલ્યા ગયા.

ઓપરેશન થિયેટરમાંથી વારેવારે કોઈ નર્સ લોહીની બોટલ લઈને તો કોઈ ઈન્જેક્શન અને દવાઓના કાગળો લઈ આલાપને દવા લેવા દોડાવે લગભગ પાંચથી છ કલાક આ દોડાદોડ ચાલી. અંતે થિયેટરની લાઇટ બંધ થઈ. ડોકટર બહાર આવ્યા. “ડોક્ટર સાહેબ, કેમ છે મારી વૈદેહી?” બેબાકળો થઈને આલાપ ડોક્ટર સામે જોવા લાગ્યો. “ડોકટરે આલાપ સામે જોઈ પહેલા ઊંડો શ્વાસ લીધો પછી નકારમાં માથું હલાવ્યું અને ફૂક મારતા મોઢેથી હવા છોડી. એક ક્ષણ આલાપ શ્વાસ લેવાનું ચૂકી ગયો પણ બીજી જ ક્ષણે આલાપના ખભે હાથ મૂકી ડોકટર બોલ્યા; “ખૂબ જ કોમ્પ્લિકેટેડ કેસ હતો પણ નસીબદાર છો મિસ્ટર આ જ ઘડી એ તમારી વાઈફનો નંબર લાગ્યો અને કિડની પણ મળી ગઈ.” 

આલાપ ડોકટરના પગમાં હાથ જોડી પડી ગયો. “સાહેબ તમે મારા ભગવાન છો.” ડોક્ટરે આલાપની પીઠ થપથપાવી અને નર્સની સામે જોઈ બોલ્યા; “નેક્સ્ટ પેસન્ટ પ્લીઝ...”

પહો ફાટી પંખીઓનો કલરવ અને માણસોની ચહલ પહલથી સંસારે આંખો ખોલી અને જિંદગી જાગી ઉઠી. હોસ્પિટલના બિછાને સૂતી વૈદેહીએ આંખો ખોલી...એના પલંગ પર માથું ઢાળી આંખો બંધ કરી આલાપ  એના હાથમાં હાથ રાખી ટેબલ પર બેઠેલો હતો.

સહેજ વૈદેહીની આંગળીઓ થનગની અને આલપે એકાએક એની સામે જોયું. વૈદેહીએ આંખોની ઢેલડીઓ ઉલાળી ઇશારો કરી સ્મિત વેર્યું. આલાપ વૈદેહીનાં હાથને પંપાળતા ખુશીનાં આંસુ સાથે બોલ્યો; “ભગવાને મારો ચૂડી ચાંદલો અમર રાખ્યો.”

બંનેના ચહેરા ઉપર ખુશીનું સામ્રાજ્ય છવાયું. અને શ્વાસો શ્વાસમાં આકાંક્ષાની ઇમારત ચણાવા લાગી.


Rate this content
Log in

More gujarati story from Parul Barot