જીવન...એક સફર
જીવન...એક સફર
ચા ચા કરતો ચાલતો હતો,
અને પા પા પગલી ભરતો હતો,
હું તો કાલુ કાલુ બોલતો હતો,
અને સૌના મન લોભતો હતો,
પણ, એ તો બસ એક સફર હતો.
લાડી ફેરી ખાતો હતો,
ને રોજ પથારી ભીની કરતો હતો,
પાટીમાં સીસપેન ઘસતો હતો,
અને શાળાએ જતાં રડતો હતો,
પણ, એ તો બસ એક સફર હતો.
અને પછી...
અવાજ વાળા બુટ પહેરી ચૂ ચૂ કરતો ચાલતો હતો,
દરેક નવી વસ્તુને જોઈ જાણે અચંભિત થતો હતો,
મારી બાળક બુદ્ધિથી સંસારને નિહાળતો હતો,
પણ, એ તો બસ એક સફર હતો,
વડીલોનું સન્માન અને આદર કરતા શીખતો હતો,
માના પ્રેમને મારા અંતરથી અનુભવતો હતો,
ક્યારેક ક્યારેક તો ના કરવાના હું પ્રશ્નો કરતો હતો,
બસ આવી રીતે રોજ રોજ નવા સંસ્કાર હું મેળવતો હતો,
પણ, એ તો એક સફર હતો.
અને પછી..
ધીમે-ધીમે શાળા જતા રડવાનું ભૂલતો હતો,
દસ કિલોનું દફ્તર ઊચકી પણ શાળાએ હું જતો હતો,
રીસેસમાં રોજ મારી નાસ્તા પેટી ખોલતો હતો,
શિક્ષકોના ખીજ મારનો પણ રોજ સામનો કરતો હતો,
પણ, એ તો બસ એક સફર જ હતો,
અને પછી
મન લગાવી પૂરી લગનથી ભણવામાં ધ્યાન દેતો હતો,
"જોજે બેટા દસમું ધોરણ છે" આવું રોજ પચાસના મોઢે સાંભળતો હતો,
ગણિત, વિજ્ઞાન, સમાજ અને ગુજરાતીમાં રચ્યોપચ્યો રહેતો હતો,
મા બાપનુ નામ રોશન કરવાના સપના હું જોતો હતો,
પણ, એ તો બસ એક સફર હતો,
અને પછી હતી તો એ કિશોરવસ્થા
પ્રેમના ચક્કરમાં પડી બે-ત્રણને ફેરવતો હતો,
આકર્ષણનું કેન્દ્ર બની એમને હું પટાવતો હતો,
એક જાય ને બીજી આવે એવું વલણ હું રાખતો હતો,
અને મિત્રો વચ્ચે સોટા નાખી કૃષ્ણ કનૈયો કહેવાતો હતો,
પણ, એ તો બસ એક સફર જ હતો,
દસમામાં નેવું ટકા પર કદાચ અભિમાન હું કરતો હતો,
બારમા ધોરણમાં તો જાણે જલસા જ હું કરતો હતો,
ભણવા અને પ્રોજેક્ટના બાને મોડે સુધી રખડતો હતો,
અને છોકરાઓને છોકરીઓ સાથે તોછડાઈને વાપરતો હતો,
અને વિચારતો, કે એ તો બસ એક સફર હતો.
અને પરિણામે, ઓછા ટકા ના કારણે...
ઈજનેરીમાં ભરતી થવા ફાફા જાણે મારતો હતો,
અને એવા માટે ભ્રષ્ટાચારના માર્ગે પણ જવાનું વિચારતો હતો,
માતા પિતાના કર્યા પર પાણી જાણે ફેરવતો હતો,
છતાં પણ મારા કર્યા પર મને કંઈ અફસોસ ના હતો,
એ તો બસ એક સફર હતો,
અને આગળ તો શું ?
ઈજનેરી કરવાને માટે ઘરથી દૂર રહેતો હતો,
ભણવા ગણવાના બદલે ગાપચી હું મારતો હતો,
ધુમ્રપાનને નશાના અવળા માર્ગે છે જતો હતો,
અને પરિણામે દરેક સેમેસ્ટરમાં ત્રણ ત્રણ કેટી લાવતો હતો,
અને વિચારતો કે બસ એ તો એક સફર હતો,
એકવાર ઘરે જતા..
બધાની આંખોમાં મારા માટે પ્રેમ તો ના દેખાતો હતો,
માતાની આંખોમાં તો સીધું પણ ના જોઈ શકતો હતો,
મને સમજાવતા પિતાની આંખોના આસુઓને જોયા કરતો હતો,
અને એવી જ રીતે કદાચ મારામાં સુધારો આવતો હતો,
અને એ પણ એક સફર જ હતો,
પછી તો શું..
ભાઈ ફરી એકવાર પોતાના જૂના રૂપમાં આવતો હતો,
ખૂબ ધ્યાન દઈ મન લગાવી ફરી એકવાર ભણતો હતો,
બધી કેટીને એકવારમા કાઢી સારા નંબરથી પાસ થયો હતો,
મિત્રો અને મા-બાપનો ફરીથી ભરોસો મેળવ્યો હતો,
અને હા આ તો એક સફર હતો,
અને પછી હું વણથંભી પ્રગતિથી ચાલતો હતો,
જીવનની દરેક સમસ્યાઓનુ હાલ કાઢી, સતત આગળ વધતો હતો,
અને જો ક્યારેય પડતો, તો ઉભો થઇ ધૂળ ખંખેરી ફરી ચાલવા લાગતો હતો,
જિંદગીની દરેક પળોને તેની જ ખૂબી થી માણતો હતો,
અને એ તો એક સફર જ હતો,
સારી રીતે ભણી અને સારી નોકરી કરતો હતો,
અને ત્યાં માતા-પિતાનો મને પરણાવાનો વિચાર હતો,
રાજીખુશીથી લગ્ન કરી એક સારો પતિ બનવાના પ્રયત્નો કરતો હતો,
ઘરમાં શાંતિ અને ખુશીનો અનુભવ હંમેશા થતો હતો,
આતો એક સફર હતો,
અને પછી વર્ષો વિત્યા અને મારા છોકરાઓને રમાડતો હતો,
જેમ મારા પિતાએ સાચવ્યો એમ મારા બાળકોને સાચવતો હતો,
સારું શિક્ષણ કેળવણી સંસ્કાર અને પ્રેમ આપતો હતો,
બધાના ચહેરા પર એક અનેરો આનંદ લાવતો હતો,
આ તો બસ એક સફર જ હતો,
બસ આમાંજ જિંદગી મારી ચાલતી અને હું તેમાં ચાલતો હતો,
માતા-પિતાનું મૃત્યુ થતાં જીવનમાંથી કોઈનો સાથ છૂટતો જણાતો હતો,
ત્યારે મારી જાતને વધુ અને વધુ જવાબદાર માણસ બનાવતો હતો,
અને ધીમે ધીમે હું મારી વૃદ્ધાવસ્થા તરફ ચાલ્યો જતો હતો,
અને વિચારતો કે જે ગયો,
એ તો બસ એક સફર હતો,
વૃદ્ધ થયા પછી પણ સદા આનંદમાં હું રહેતો હતો,
શરીરની કાળજી રાખીને તંદુરસ્ત હું રહેતો હતો,
છોકરાઓની પ્રગતિ જોઈ અંતરના આશીર્વાદ આપતો હતો,
અને તેની જુવાની જોઈ મારો ભૂતકાળ વિચારતો હતો,
કે, એ બધો તો બસ એક સફર જ હતો,
અને હવે...
જયારે મારો આ ધરતી પરથી ચાલ્યા જવાનો સમય આવ્યો હતો,
મારો જીવ જ્યારે સદગતિ તરફ જવાનો હતો,
જ્યારે પથારીમાં પડ્યા પડ્યા મારા અંતિમ શ્વાસ લેતો હતો,
હું એકવાર મારા આખા જીવનને મારા મનમાં નિહાળતો હતો,
અને વિચારતો, કે જો જીવન એક સફર હતો...
તો વાહ ! શું જોરદાર સફર હતો, શું જોરદાર સફર હતો !
