મારી અવકાશી સફર
મારી અવકાશી સફર
એક દિવસ હું ઘરની બહાર ખૂલ્લા આકાશની નીચે ઠંડી પવનની લહેરનો આનંદ માણતો ખાટલામાં આડો પડ્યો હતો. મારી આંખો આકાશની તરફ હતી. હું આકાશના તારલાઓને ગણવા પ્રયાસ કરી રહ્યો હતો પરંતુ એ ઝબૂકિયાઓને ગણવામાં ભૂલો થતી હતી તો પાછો ફરી ગણવા પ્રયાસ કરતો. એટલામાં મને વિચાર આવ્યો. અરે ! આ આકાશની પેલે પાર શું હશે ? પણ જવું શીદને ? આપણને સ્પેશ શટલ ચલાવતા આવડે નહી અને પેલા વૈજ્ઞાનિક થોડા આપણને પોતાની બાજુની સીટમાં બેસાડીને લઈ જવાના હતા. ભલેને પછી મન કેમ ગગને વિહરવા આતુર હોય !
આવું ખાટલામા પડ્યો પડ્યો વિચારતો વિચારતો રહ્યો ત્યા જ એક આકાશથી પૃથ્વી સુધી એક પ્રકાશનો લીસોટા જોયો. મેં ઊભા થઈને નજર દોડાવી. મારા ઘરની પાછળ રહેલા ખેતરમાં અદભૂત નજારો સર્જાયો. રંગબેરંગી તરંગો એટલા અહલાદક હતા કે તે મને તેઓની તરફ ખેંચી રહ્યા હતા. મને થયું બાજુમાં સૂતેલા ઘરના મમ્મી પપ્પાને આ અદ્ભૂત નજારો જોવા જગાડુ. પરંતુ એમને જગાડુ તે પહેલા જ એ અલૌકિક તરંગોમાનું એક તરંગ મને વીંટળાઈ ગયું અને હું જકડાઈ ગયો. હું આ ઘટનાથી એટલો બધો ડરી ગયો કે મમ્મી પપ્પાને બૂમ પણ ન પાડી શક્યો. થોડી જ ક્ષણમા એ તરંગ તરંગોના વંટોળમાં લઈ ગયું. આ વંટોળ મને ઉપરની તરફ ઉઠાવવા લાગ્યુ. આપણે સમજી ગયા કે આજે આપણે તો ગયા. આંખો બંધ કરી હનુમાનજી હનુમાનજી કરવા લાગ્યો. બધું તેના પર છોડી દીધું.
થોડીવાર પછી મને સ્થિરતા અનુભવાઈ મે ચક્ષુ ખોલ્યા. "અરે ! અહલાદક સુંદરતાના દેવી તમે કોણ ?" મેં સામે ઊભેલ એક સ્ત્રીને જોઈને પૂછયું. સ્ત્રીએ જવાબ આપ્યો, "હું આકાશ સુંદરી છું. જે બાળકો આકાશ તરફ જોઈ આકાશ ભ્રમણ કરવા મનમા ઈચ્છા કરે છે તેને આકાશ ભ્રમણ કરાવું છું. તને પણ ભ્રમણ કરાવવા અહીયાં લાવી છું. તું ભ્રમણ કરીશ ને ?" હું તો ખૂબ જ રાજી રાજી થઈ ગયો. તરત જ હા પાડી દીધી. તેણીએ મને કહયું , " હું બાળકને ભ્રમણ તો કરાવું છું પરંતુ એક શર્ત હોય છે" મેં કહ્યુ, "શર્ત ! શું શર્ત ?" તેણીએ કહયું, "હું ના કહું ત્યા સુધી તારે કોઈ પણ વસ્તુને અડકવાનું નહી કે તેની પાસે જવું નહી કારણ કે આ બધી અવકાશી રહસ્યમય જગ્યાઓ અને વસ્તુઓ છે."
હું શરતમાં બંધાઈ ગયો અવકાશી સફર શરુ થઈ. પ્રથમ તો મને આકાશ સુંદરી મંદાકિની ગેલેક્સીમાં લઈ ગઈ. ઓહોહો ! અદ્ભુત સૌંદર્ય મારા મનને આનંદિત કરી રહ્યું હતું. ત્યાં આપણું સૂર્યમંડળ અને બુધ, શુક, પૃથ્વી, મંગળ, મોટો મોટો ગુરુ અને પેલો વલય વાળો શનિ, યુરેનસ ને નેપચ્યુન પણ હતા. અરે ! પેલો પ્લુટો. મને તે સમયે ઉપરથી મારા માતા પિતાને જોવાની ઈચ્છા થઈ. આકાશ સુંદરીએ પોતાની શકિતથી ઝૂમ કરી આકાશથી મારા ઘર સુધીની અહલાદક સફર કરાવી. પછી આગળ ચાલ્યા. રસ્તામાં એક પછી એક ગેલેક્સી દેખાડતી ગઈ ને હું સફર માણતો રહ્યો. તેણે મને 27 નક્ષત્રો, 12 રાશી, 7 ઋષિઓ, વગેરેની માહિતી આપી. પોતાની નજર સમક્ષ નજીકથી તેમની વચ્ચે જઈને જોવાની એક મજા જ અલગ હતી.
આકાશની સફર માણ્યા કૂતુહલતાવશ મેં પૂછ્યું, "હે સન્નારી ! આકાશમાં ભગવાન ક્યાં રહે છે ?" આકાશ સુંદરી બોલી, " તે એક એવા વિભાગમાં રહે છે જ્યા તારે કે મારે જોવાની પરવાનગી નથી ત્યાં આપણે સશરીર ન જઈ શકીએ." પછી હું તો કંઈ બોલ્યો જ નહીં કેમ કે મારે હાલ શરીર છોડવું નથી. ઘરે જઈને મિત્રો અને મમ્મી પપ્પાને અવકાશની સફરની વાત કરવાની છે.
ત્યારબાદ મારી નજર એક ચળકતા કાળા ટપકા પર પડી. અદ્ભૂત ટપકું જોઈ લલચાય તેને પકડવા. આકાશ સુંદરી એ ન પાડી પરંતુ મને થયું કે આ ટપકું શું બગાડી લેશે આપણું ! હું જેવો તેને અડ્યો કે તરત જ એ ટપકા મને તેની અંદર ખેંચી લીધો. અંદર એટલું અંધારુ હતું કે કંઈ જ દેખાતું ન હતું. એ ટપકામા એટલા વેગથી ખેંચાયો.ઓહ માડી રે ! ઓ બાપ રે ! ધડામ જમીન પર પટકાયો.
આખરે નયન ખૂલ્યા. હું ખાટલા પરથી નીચે પડ્યો હતો. થોડું વાગ્યુ હતું પણ આકાશથી નીચે પડીએ એટલું તો નહોતુ વાગ્યું. હું મનમાં ને મનમાં હસી પડયો. સવાર થતા મિત્રો અને મમ્મી પપ્પાને અવકાશી સફરના સપનાની વાત કરી. તેઓ પણ હસી પડ્યાં.
