કૃતજ્ઞતા
કૃતજ્ઞતા
એક ગામ હતું. તે ગામમાં ઘણા લોકો રહેતા હતા. તે ગામમાં એક નાની પ્રાથમિક શાળા પણ હતી. આ શાળામાં ઘણા બાળકો ભણતા હતા. તે શાળામાં ધોરણ આઠમા કનું અને મનુ નામના બે બાળકો પણ ભણતા હતા. મનુ ભણવામાં હોંશિયાર હતો. અને સ્વભાવનો પણ સારો હતો. તે હમેશા બધાની મદદ કરતો રહેતો. પણ કનુ ઘણો જ તોફાની હતો. તે હમેશા બીજા બાળકોને ખીજવતો રહેતો અને હેરાન પરેશાન કરતો. વળી તે ભણવામાં પણ નબળો હતો. આ કનું મનુની ખુબ જ ઈર્ષા કરતો. તે હમેશા મનુ સાથે ઝઘડો કરવાની જ રાહ જોતો રહેતો.
એકવાર કનુ અને મનુ બે જાણ શાળાના મેદાનમાં રમતા હતા. રમતા રમતા મનુ જીતી ગયો. તો કનું એ તેની સાથે ઝઘડો કરી લીધો. કનુએ મનુને ખુબ ગાળો બોલી અને ના બોલવાનાં વેણ પણ બોલ્યો. પણ મનુ ખુબ જ ધીરજવાળો અને શાંતિવાળો હતો. તેણે કનુને કશું જ ના કહ્યું. એમ કરતાં સાંજે પાંચ વાગ્યા અને શાળા છૂટી ગઇ. કનું અને મનુનું ઘર એક જ દિશામાં હતું. કનુ સાયકલ લઈને શાળામાં આવતો હતો. જયારે મનુ ચાલતો ચાલતો શાળામાં આવતો હતો.
હવે શાળા છૂટી એટલે કનુ પુરપાટ સાયકલ ચલાવતો ઘર તરફ દોડી ગયો. જયારે એ મનુ શાંતિથી ચાલતો ચાલતો જઈ રહ્યો હતો. મનુ ચાલતો ચાલતો આગળ ગયો. તો તેણે જોયું કે આગળ રોડ પર લોકોની ભીડ ભેગી થઈ હતી. રોડ પર કોઈ અકસ્માત થયો હોય તેવું લાગતું હતું. તે દોડતો ત્યાં જઈ પહોંચ્યો. તેને જોયું તો તે કનું જ હતો. કનુની સાયકલ એક કાર સાથે અથડાઈ ગઇ હતી. કારવાળો તો ભાગી ગયો હતો. પણ કનુને ખુબ જ વાગ્યું હતું. તેના માથામાંથી લોહી નીકળતું હતું. તે દર્દથી બુમો પડી રહ્યો હતો. પણ કોઈ તેની મદદ કરતું ન હતું.
એ જ વખતે મનુએ ત્યાં જઈને પોતાનું દફતર બાજુ પર મૂકી દીધું. મનુને પોતાના ખભા પર ઉઠાવીને દોડીને દવાખાને લઇ ગયો. તેના કપડા પણ લોહી લોહી થઈ ગયા. સમયસર દવાખાને પહોંચી જવાથી કનુનો જીવ બચી ગયો. પછી તો કનુના મા-બાપ અને શાળાના શિક્ષકો પણ દવાખાને દોડી આવ્યા. થોડીવાર પછી કનુને ભાન આવી ગયું. તેને પોતાની મમ્મીને પૂછ્યું, ‘મને દવાખાને કોણ લઈને આવ્યું?’ ત્યારે કનુની મમ્મીએ કહ્યું, ’આ તારો મિત્ર મનુ તને પોતાના ખભા પર સમયસર દવાખાને લઈને આવ્યો. જો એ સમયસર ન આવ્યો હોત તો તારા જીવનું જોખમ થઈ જાત.'
આ સાંભળી કનુને પોતાની ભૂલ સમજાઈ. તેણે મનુની હાથ જોડીને માફી માંગી. મનુએ પણ તેને માફ કરી દીધો. પછી એ કનું અને મનુ પાક્કા મિત્રો બની ગયાં. મનુના સંગને લીધે કનું પણ ડાહ્યો અને હોંશિયાર બની ગયો. માટે આપણે હંમેશા હળીમળીને રહેવું જોઈએ. દુઃખમાં એકબીજાની મદદ કરવી જોઈએ.
