ડાકણે એ છોકરીને મોટી કરી
ડાકણે એ છોકરીને મોટી કરી
એક નાની બાળકીને કોઈ સ્ત્રીએ જંગલમાં છોડી દીધી હતી. જંગલમાં છોડી દીધેલી એ બાળકીને એક ડાકણે લાડ-પ્રેમથી ઉછેરી હતી. સમય પસાર થતો ગયો પણ ડાકણ તો છેવટે ડાકણ જ હોય છે પેલી ડાકણે તે છોકરીને પોતાની જેવી બનાવવાની શરૂઆત કરી, પોતાના બધા જ ગુણો તે છોકરીને શિખવાડવા લાગી.
તે બંને મા-દીકરી ગામથી દૂર જંગલમાં રહેતાં હતાં. ગામવાસીઓને ડાકણ વિશે ખબર પડતાં એક દિવસ તે લોકો જંગલમાં આવ્યા અને મોટી ડાકણને પકડીને ઘસડતાં ઘસડતાં ગામમાં લઈ આવ્યા. ત્યાં એક થાંભલાની સાથે તેને બાંધી દીધી. થોડીક વારમાં આખું ગામ ભેગું થઈ ગયું. પેલી ડાકણ દયાની ભીખ માંગી રહી હતી. તેણે કહ્યું હું ડાકણ છું પરંતુ મેં કદી કોઈને હેરાન નથી કર્યાં, પરંતુ લોકોએ તેની વાત ન સાંભળી અને તેની ઉપર કેરોસીન નાંખીને ડાકણને જીવતી સળગાવી નાંખી. સંજોગવશાત્ તેની છોકરી એ વખતે ઘરમાં નહોતી નહીંતર ગામના લોકો તેને પણ મારી નાખત. જ્યારે છોકરી તેના ઘરે પહોંચી તો તેને તેની માતા ન દેખાતા તે બૂમો પાડવા લાગી. તેને લાગ્યું કે કદાચ માતા ગામમાં ગઈ હશે, પરંતુ લાંબો સમય થવા છતાં પણ તેની મા ન આવી. તો તેને શંકા ગઈ કે જરૂર કાંઈક વાત છે, તેણે ગામમાં જવાનું નક્કી કર્યું.
જ્યારે તે ગામમાં પહોંચી તો ઘણાંબધાં બાળકો વાતો કરી રહ્યાં હતાં કે કાલે એક ડાકણને અહીંયાં સળગાવી દીધી છે. છોકરી આ સાંભળીને રડવા લાગી. તે સમજી ગઈ કે ગામના લોકોએ તેની માતાને મારી નાંખી છે. હવે તેણે નક્કી કર્યું કે હું ગામના લોકોને છોડીશ નહીં ! છોકરીએ ગામમાં જ રહીને બદલો લેવાનું નક્કી કર્યું. તેણે પોતાનું નામ નીલમ રાખી લીધું તે બાળકો સાથે રહેવા લાગી. નીલમ ગામમાં લોકોના ઘરે જઈને સાફસફાઈનું કામ કરતી અને આમ પૈસા કમાતી અને લોકોની સાથે હળીમળી ગઈ.
હવે તે અઢાર વર્ષની થઈ ગઈ હતી પરંતુ ગામના લોકોને ખબર ન પડી કે આ પેલી ડાકણની જ છોકરી છે. ગામનાં બાળકો નીલમની સાથે જ વધારે સમય પસાર કરતાં. તે ગામની દરેક વસ્તુથી વાકેફ થઈ ગઈ હતી. તે પોતાની માતાની પાસેથી શીખેલી વસ્તુ હજુ પણ કરતી હતી. દરેક ક્રિયા કરતી હતી. તે હવે આ બધી બાબતોમાં બહુ જ પરિપક્વ થઈ ગઈ હતી. હવે સમય આવી ગયો હતો ગામના લોકોની સાથે બદલો લેવાનો. નીલમ સંપૂર્ણ રીતે તૈયાર હતી. તેને ખબર હતી કે ગામના લોકો કદી તેની ઉપર શંકા નહીં કરે અને આ વાતનો જ તેણે ફાયદો ઉઠાવ્યો.
એક વખત નીલમ પોતાની બહેનપણીઓને લઈને જંગલમાં ફરવા ગઈ. તેમને જંગલમાં ખાસ્સું અંદર લઈ ગઈ. જંગલમાં આટલું અંદર જતા તેની બહેનપણીઓ ડરવા લાગી. તે લોકોએ નીલમને કહ્યું કે અમને જંગલમાંથી બહાર લઈ જા, અમને બહુ જ ડર લાગે છે. નીલમે કહ્યું તમે લોકો ડરો નહીં હું તમને બધાને લઈને જઈશ અને આમતેમ વાતો કહીને નીલમ તે લોકોને પોતાની જાળમાં ફસાવવા લાગી. તે રાત થવાની પ્રતીક્ષા કરવા લાગી. ધીમેધીમે સાંજ થવા લાગી. તેની બહેનપણીઓ સમજવા લાગી કે કાંઈક વાત જરૂર છે, છેવટે નીલમને જંગલ વિશે આટલી કેવી રીતે ખબર હોઈ શકે ? જરૂર તે આપણી સાથે કોઈક રમત રમી રહી છે.
નીલમે કહ્યું તમે ચિંતા ન કરો, હવે રાત થવાની છે માટે આપણે આજે અહીંયાં જ રોકાઈ જઈશું. ત્યારે તેની સખીઓએ કહ્યું તું ગાંડી થઈ ગઈ છે ? આ જંગલમાં કોઈ જંગલી પ્રાણી આવી ગયું તો આપણને ખાઈ જશે ! અને તું અહીંયાં રોકાવા માટે કહે છે ? બધી બહેનપણી જવા માટે તૈયાર થઈ ગઈ. ત્યાં જ નીલમે પોતાની પાસે રાખેલી એક પડીકી ખોલી અને તેમાંથી પાવડરને હવામાં ઉછાળ્યો. પાવડર હવામાં ઊડતાં જ બધી બહેનપણીઓ બેભાન થઈ ગઈ અને જમીન ઉપર પડી ગઈ. નીલમે અમુક કાળો જાદુ કરી પેલી છોકરીઓની સાથે તે જ કર્યું જે તેની માએ તેની સાથે કર્યું હતું. તેણે આત્માઓનો તેમના શરીરમાં પ્રવેશ કરાવી દીધો છે.
હવે જ્યારે પેલી છોકરીઓ ભાનમાં આવી તો તેઓએ પોતાની જાતને તેમના ઘરમાં જોઈ. તેમનાં મા-બાપે તેમને બહુ જ ધમકાવી અને પૂછયું કે આટલી વાર સુધી તમે લોકો ક્યાં હતા ? ત્યારે પેલી છોકરીઓએ કહ્યું કે અમે તો અહીંયાં જ હતા ક્યાંય ગયા ન હતા !
તેમને કશું જ યાદ ન હતું કે તેમની સાથે શું થયું છે. એક અઠવાડિયા પછી ગામમાં વાત ફેલાઈ ગઈ કે પેલી છોકરીઓ રાતના સમયે તેમના પલંગ ઉપર અજીબોગરીબ કાર્યો કરતી હતી. હાહાકાર તો ત્યારે મચી ગયો જ્યારે એક છોકરીએ પોતાનાં માતા-પિતાને જ મારી નાંખ્યાં અને તેમનું લોહી પી જઈને ક્યાંક ભાગી ગઈ. તે છોકરીઓનાં શરીરમાં જે આત્મા હતા તેઓ એક-એક કરીને લોકોને તે છોકરીઓ પાસે મારી નંખાવતા હતા. ધીમેધીમે ગામની સ્થિતિ બહુ જ ખરાબ થવા લાગી.
તે ગામના દરેક પુરુષો, છોકરાએ મરી ગયાં કોઈ પણ ન બચ્યું ! ફક્ત એ જ છોકરીઓ બચી ગઈ જે જંગલમાં ગઈ હતી. નીલમ બહુ જ ખુશ થઈ રહી હતી, આ બધું જોઈને કે હવે તેનો બદલો પૂરો થઈ ગયો છે. સમય પસાર થતો ગયો અને ધીમેધીમે પેલી છોકરીઓ અને નીલમ પણ એક પછી એક ગુમ થઈ ગઈ. કહેવાય છે કે આજે પણ ડાકણનો આત્મા પેલા ગામમાં રહે છે.

