STORYMIRROR

Kirit Goswami

Children Stories

4  

Kirit Goswami

Children Stories

બાળવાર્તા

બાળવાર્તા

4 mins
327

પહેલા તાસમાં હું લેસન ચેક કરી રહ્યો હતો ત્યાં મારા વર્ગના એક વિદ્યાર્થીએ મને કહ્યું- 'સર, તમને ખબર છે ? આપણા વર્ગમાં એક બહુ લુચ્ચો છોકરો આવવાનો છે.'

ત્યાં તો બીજો વિદ્યાર્થી બોલ્યો-'હા,સર, એનું નામ વિશુ છે. આ વિશુ છે ને . એ સાવ ઠોઠ છે અને પેલી નિશાળમાંથી એને કાઢી મૂક્યો છે.'

'સર, તમે ધ્યાન રાખજો, એ આપણા વર્ગને બગાડી નાખશે.' ત્રીજા એક વિદ્યાર્થીએ ચિંતા વ્યક્ત કરી.

બધાને શાંત પાડતા મેં કહ્યું- 'તમે ધારો છો એવું કશું નહીં થાય. વિશુ થોડો તોફાની છે, બસ. બાકી એ ઠોઠ પણ નથી અને ખરાબ પણ નથી. એ આવે એટલે તમે બધા એની દોસ્તી કરી લેજો.'

બધાએ મારી વાત માની.હું હાજરી પૂરવા લાગ્યો. એવામાં વર્ગના બારણે એક છોકરો આવીને ઊભો રહ્યો- 'મે આઇ કમ ઇન, સર ?'

'હા'મેં કહ્યું એટલે તે અંદર આવ્યો. મારી પાસે આવીને તે મને પગે લાગ્યો અને પછી અદબ વાળીને ઊભો રહ્યો- 'સર, મારું નામ વિશુ છે.'

'ઓ..તો તું છે વિશુ.'

'હા,સર.'

મેં બધા વિદ્યાર્થીઓને કહ્યું- 'જુઓ, આજથી આપણા વર્ગમાં એક નવો દોસ્ત ઉમેરાય છે. આપણે તેનું સ્વાગત કરીએ છીએ.'

વર્ગના બધા જ વિદ્યાર્થીઓએ તાળીઓના ગડગડાટથી વિશુનું સ્વાગત કર્યું. 

વિશુ હરખભેર પહેલી બેન્ચ પર બેઠો.મેં તેને સ્કૂલના અને વર્ગના બધા જ નિયમો સમજાવ્યા. તે મારી વાત ધ્યાન દઇને સાંભળતો હતો.

વિશુ. ગોળમટોળ ચહેરો. તેલ નાખીને વ્યવસ્થિત ઓળેલા વાળ. વિસ્મયભરી આંખો. દાઢી પર સ્હેજ જૂના ઘાવનું નિશાન. એનાથી એનો ચહેરો જાણે વધારે સુંદર લાગતો હતો. એની આંખોમાં સ્હેજ ચંચળતા હતી એટલું જ ; બાકી વિશુ કંઇ ખરાબ હોય એવું મને જરાય ન લાગ્યું. 

તાસ પૂરો થયો ત્યારે મેં તેને કહ્યું- 'જો વિશુ, તારે હવે ભણવામાં ધ્યાન આપવું પડશે અને ખૂબ જ મહેનત કરવી પડશે. આગલી પરીક્ષામાં તું બધા જ વિષયોમાં નાપાસ છે એટલે આ વખતે જો તું ધ્યાન નહીં આપે તો-'

'ના,ના, સર. હું ખૂબ જ મહેનત કરીશ. તમે કહેશો એટલી મહેનત કરીશ. પેલી નિશાળમાં તો કોઇ મારી વાત સાંભળનાર જ નહોતું ને. બધા જ ટીચર મને વર્ગની બહાર ઊભો રાખતા અને 'તું નકામો છે' એમ કહીને મને સજા કરતા હતા. જુઓ આ મારા હાથ..' વિશુએ પોતાની નાજુક હથેળીઓ મારી સામે ધરી.

એ હથેળીઓ મારા હાથમાં લેતા,મેં તેને કહ્યું-'અહીં તને કોઇ એવી સજા નહીં કરે. બસ તારે શાંતિથી ભણવાનું અને બધાની સાથે દોસ્તી રાખવાની.'

'ભલે,સર...'

'તને કોઇ મુશ્કેલી પડે તો મારી પાસે આવજે.'

'હા,સર.'

વિશુ હસ્યો. મેં તેના માથા પર વ્હાલથી હાથ ફેરવ્યો.

ત્યાર બાદ વિશુ નિયમિત વિદ્યાર્થી બની ગયો. તેની ખાસ કોઇ ફરિયાદ પણ આવતી નહોતી. ભણવામાં પણ તે બરાબર ધ્યાન આપતો હતો. થોડાક સમય બાદ ફરી તેનો ચહેરો મૂરઝાવા લાગ્યો. શું થયું હશે ? મેં અટકળો કરવા કરતા તેને જ પૂછી જોયું પણ તેણે કંઇ સરખો જવાબ ન આપ્યો. મેં ખાસ સમય કાઢી, નિરીક્ષણ કર્યું તો જાણવા મળ્યું કે, મારા સિવાયના બધા જ શિક્ષકો તેને વર્ગની બહાર ઊભો રાખતા હતા. મેં મારા શિક્ષકમિત્રોને આ વિશે વાત કરી તો બધા મને કહેવા લાગ્યા- 'એ છોકરો એક નંબરનો લુચ્ચો છે. આગલી સ્કૂલમાંથી તેને રિજેક્ટ કરવામાં આવેલ છે. એ આપણી શાળાનું પણ વાતાવરણ બગાડશે. તમે તેને ઝાઝાં લાડ ન લડાવતા. નહીં તો એ તમને જ ભારે પડશે.'

હું આ બધું સાંભળીને મનોમન ખૂબ જ દુઃખી થયો. હવે મને વિશુના મૂરઝાતા ચહેરાનું રહસ્ય સમજાયું. કોઇ તેનો વિશ્વાસ કરતું નહોતું. કોઇ તેને સારો માનવા તૈયાર નહોતું. બધા તેની આગલી સ્કૂલની ઇમેજને પકડીને જ ચાલતા હતા.

જોતજોતામાં વાર્ષિક પરીક્ષાઓ આવી ગઇ. વિશુએ હરખભેર પરીક્ષા આપી. પરિણામની મને ચિંતા હતી પણ જેવું પરિણામ આવ્યું કે તેણે બધાને ચોંકાવી દીધા. હા, તે વર્ગમાં બીજા નંબરે પાસ થયો હતો. પરિણામ તેના હાથમાં મૂકતી વખતે મારા મનના પ્રશ્નને જાણી ગયો હોય તેમ એ બોલ્યો-'સર,તમે મારા પર વિશ્વાસ મૂક્યો, એનું જ આ પરિણામ છે. બધા ટીચર મને બહાર ઊભો રાખતા તો બહાર પણ હું લેસન કરતો. તમે કહ્યું હતું ને. એમ મેં બધાને દોસ્ત બનાવી લીધા. બધા મને નોટસ આપતા અને ખૂબ મદદ કરતા. ને આખરે હું પાસ થઇ ગયો. ને નંબર પણ આવ્યો. હવે તમે ખુશ ને,સર ?'

'અરે,હું અતિશય ખુશ છું, વિશુ.' મેં તેને બાથ ભરી લીધી. તેની આંખોમાંથી આંસુ ટપકવા લાગ્યાં.

'તું રડે છે, વિશુ ?' મેં તેને પૂછ્યું. 

'આ તો હરખનાં આંસુ છે, સર...'તે બોલ્યો.

'તારાથી ઝાઝો હરખ મને છે, વિશુ. હવે આપણે ક્યારેય, ક્યાંય અટકવું નથી હો. ખૂબ ભણવાનું છે.' મેં કહ્યું. 

વિશુ બોલ્યો-' હા, સર. હજી તો નંબર વન આવીશ. સૌને બતાવી દઇશ કે હું ઠોઠ,લુચ્ચો કે નકામો નથી.'

'હા,વિશુ . તું તો સિતારો છે, મારા વર્ગનો.' મેં હરખભેર કહ્યું. 

'આ સિતારો તમારા લીધે ચમકયો છે, એ વાત હું કદી નહીં ભૂલું.' વિશુએ મારા હાથ પકડતા કહ્યું. 

મેં તેના કપાળ પર વ્હાલથી ચૂમીને કહ્યું-'યુ આર ધ બેસ્ટ.'

તે હરખાઇને મને વળગી પડ્યો. 


Rate this content
Log in

More gujarati story from Kirit Goswami