Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Avinash

Inspirational Romance Tragedy

3  

Pravina Avinash

Inspirational Romance Tragedy

ઝાકળ બન્યું મોતી-૧

ઝાકળ બન્યું મોતી-૧

13 mins
13.9K


પ્રકરણ-૧ : રાહ બદલાયો

વીસ વર્ષની કાચી ઉંમરમાં નાના ભાઈ અને બહેન તેમજ પ્રિય દાદીની જવાબદારી ઉપાડી જલ્પાને કેવી રીતે જીવનમાં મોતીની માફક ચમકવાનુ સૌભાગ્ય પ્રાપ્ત થયું.

***

વરંડામાં હિંચકે ઝુલતી જલ્પા ખુશ મિજાજમાં હતી. મુખ ઉપરના ભાવ,’ તે સુખી છે’, કહેવા તલપાપડ થઈ રહ્યા હતાં. ચાલીસ વર્ષની ઉમરે આટલું બધું પામશે એવો તો તેને સ્વપને પણ ખ્યાલ ન હતો. વીસ વર્ષ સુધી માતા અને પિતાની છત્રછાયા હતી. અચાનક પછીના વર્ષોમાં જે તુમુલ યુદ્ધ ખેલ્યું તેનો અંદાઝ કાઢવો મુશ્કેલ છે. જેને કારણે તેના મુખ પર પ્રસરાયેલી આભા જોઈને પેલો સૂરજ સ્મિત વેરતો વિદાય થયો અને ચંદ્ર સોળે કળાએ ખીલી ઉઠ્યો.

જવું હોય જાપાન અને આવી ઉભા રહીએ ચીન, તો કેવા હાલ થાય ? જલ્પાને એ વાતનો જરા પણ અફસોસ ન હતો. તેના મુખ પર સંતોષની આભા પ્રસરી રહેલી હતી. શિક્ષિકા તરિકે સુંદર કામગિરી બજાવી, બની શકે તો નાના બાળકોના ભવિષ્ય સુધારવાની લગની લાગી હતી. જલ્પાને ઓળખનાર સહુ વિચારતા,’ કઈ માટીની આ સ્ત્રી બનેલી છે’. જે પણ કાર્ય હાથમાં લે, તેમાં પારંગત બને છે. જીવનમાં ફરિયાદ કરતાં તે શીખી ન હતી. જીવનને ખૂબ નજીકથી મળી હતી. પિછાણ્યું હતું, તેની રગે રગ ઓળખી ગઈ હતી. નાની વયે જીવન સાથે હાથ મિલાવી,ગાઢ દોસ્તી કરી અણજાણ પગદંડી પર કૂચ માંડી હતી. ગમે તે પરિસ્થિતિમાં હોય, જલ્પા પોતાનો માર્ગ શોધી લેતી. સંસ્કારી માતા અને પિતાની દીકરી સંજોગને લક્ષમાં લઈ વિચાર કરીને બીજું કદ ઉઠાવતી.

સ્ત્રી અને પુરૂષ બન્નેનું રસાયણ તદ્દન ભિન્ન છે. એકવીસમી સદીમાં સ્ત્રી, પુરૂષ સમોવડી બનવા ખુલ્લે આમ દોટ મૂકી રહી છે. સ્ત્રીનું ગૌરવવંતુ પદ તો ક્યાંય ઉંચું છે. પુરૂષ તેને કોઈ કાળે આંબી શકે તેમ નથી. સ્ત્રી જે કરી શકે છે તે પુરૂષ કોઈ કાળે કરી ન શકે. કદાચ એટલે જ પોતાનું અહં સંતોષવા સ્ત્રી ઉપર માલિકીનો દાવો કરતો હશે ? સ્ત્રીને યાતના આપવામાં ગૌરવ અનુભવતો હશે. આ ચર્ચાનો વિષય નથી. માત્ર સમજણપૂર્વક વિચાર જરૂર માગી લે છે. સ્ત્રી અને પુરૂષ તેમાં કોઈ ચડિયાતું નથી. કોઈ ઉતરતું નથી. બન્ને એકેબીજાના પૂરક છે. શામાટે એક બીજા તરફ આદર ન ધરાવવાનો હોય ?

અભિમન્યુ માતાના ઉદરમાં સાત કોઠા વિષે શીખીને આવ્યો હતો. અભિમન્યુએ મહાભારતના યુદ્ધમાં કોઠા જીત્યા. જલ્પાએ જીવનમાં પ્રાપ્ત થયેલી દરેક અવસ્થામાંથી ઉગરવાનો માર્ગ શોધ્યો. જલ્પા જીવનમાં આવતા વિકટ પ્રશ્નો વિષે ખૂબ શાંતિથી વિચારી પોતાનો માર્ગ ચાતરી લેતી. હામ હારે તેવી ન હતી. જે પણ કાંઈ વિઘ્ન યા સંકટ આવતા તે હલ કરી સ્ટોર ચલાવવામાં સફળતા પ્રાપ્ત કરી હતી. હવે તો આઠ વર્ષ પણ થઈ ગયા. મમ્મી અને પપ્પા હવે સ્વપનામાં કામ વગર ન આવતા. તેમને દીકરી પર ભરોસો હતો કે બધુ થાળ પાડે એવી છે.

તે જ્યારે થાકતી, હારતી ત્યારે સાંત્વના આપવા આવી જતા.

બેતાલીસ વર્ષની ઉમરે જતીન જેવો જિગરજાન મિત્ર પામી ખુશીના અવધિમાં લહેરાઈ રહી હતી ! જ્યારે પણ જતીન કામકાજ માટે બહારગામ જાય ત્યારે જલ્પાને એકલતા ખાવ ધાતી. આ વખતે તે એક અઠવાડિયા માટે ગયો હતો. એકલી જલ્પા વરંડામાં ઝુલતી ભૂતકાળમાં સરી ગઈ. એ દિવસોમાં ખૂબ પરેશાન રહેતી. બાજુમાં કોના સ્ટોર છે તેના પ્રત્ય ઉદાસી દાખવતી. એ તો સમય વિત્યો અને પોતે જરા થાળે પડી પછી તેને ખ્યાલ આવ્યો.

પોતાના સ્ટોરની એક બાજુ જતીનનો ‘આધુનિક ઉપકરણો’નો સ્ટોર હતો. ત્યારે બીજી બાજુ એક ‘ફાસ્ટ ફુડ’ રેસ્ટોરન્ટ હતી. ત્યાં બધી જાતનું ચટાકેદાર ખાવાનું મળતું. નામ પણ એવું અલમસ્ત હતું કે લોકો નામ વાંચીને પણ એક વખત ખાવા લલચાય. નામ હતું ‘મનપસંદ” . જે મનપસંદ વાનગી માગો દસ મિનિટમાં તમારા ટેબલ પર હાજર હોય. તેનું નામ ખૂબ જાણિતું હતું. તેને કારણે ઘણિવાર જલ્પાએ ફાલતુ લોકોનો ધસારો પણ સહન કરવો પડતો. તેના માલિક બે જુવાન હતા. અધુરામાં પુરું પરણેલા પણ ન હતા.

બે મિત્રો એ રેસ્ટોરન્ટ ચલાવતાં. જીગરી મિત્રો હતાં. વહેલી સવારે ખોલતાં, જેથી લોકો નોકરી પર જતાં પહેલાં ચા કે કોફી પીવા આવે. દરરોજ સવારના ગરમા ગરમ બટાટા પૌંઆ અને ઉપમા તૈયાર કરી રાખે. ચોખ્ખાઈ તો તેમની જ જોઈ લો. જ્યારથી જલ્પા સ્ટોર પર આવતી થઈ ત્યારથી તે બન્નેના આંટા અંહી વધી ગયા. જલ્પા પણ જુવાન હતી. પેલા બન્ને જેવી આછકલી ન હતી. જેવા એ લોકો સ્ટોરમાં આવે કે તરત જ નવીનને કાઉન્ટર પર બોલાવી પોતે પાછળ કામ કરવા જતી રહે.

પેલા બન્ને રોમિયો જલ્પાની આ ચાલ સમજી ગયા. જલ્પાને થતું ‘પાણીમાં રહેવું અને મગર સાથે વેર’ શામાટે ? જરૂર પડ્યે ખૂબ ઠાવકાઈથી વાત કરતી. બન્ને માંથી એકેયને ‘ઘાંસ ન નાખતી’. જુવાની દિવાની હોય. હવે તો પાંચ વર્ષ પણ થઈ ગયા હતા. જલ્પાએ જરા પણ સંબંધ વધાર્યો નહી. જલ્પાએ જતીન પાસેથી ઘણા બધા મશીનો અને કમપ્યુટર ખરીદ્યા હતા. તેની નિખાલસતાને કારણે બન્નેમાં મિત્રતા વધી ગઈ હતી. જતીન સુખી, સંસારી હતો. તેના તરફથી કોઈ ભય ન હતો.

એક વખત જલ્પાએ જતીનને બાજુવાળા નિરવ અને જીગરની વાત કરી. જતીનમાં ખૂબ સજ્જનતા જલ્પાને જણાતી. તેની સાથે વાત કરવામાં સંકોચ ન અનુભવતી. જતીનના માનવામાં ન આવ્યું કે આટલા વર્ષોથી બાજુમાં રહી ધંધો કરનાર આવું વર્તન કેવી રીતે કરી શકે ? જતીનની પત્ની અવાર નવાર બિમાર રહેતી હતી. જેને કારણે જતીન તેમને ત્યાંથી ઓર્ડર આપી ખાવાનું લઈ જતો હતો. જતીન, જલ્પાની કુનેહભરી વર્તણુક અને આગવી ધંધાની કાબેલિયતને કારણે ખૂબ પ્રભાવિત હતો. તેણે જલ્પાને સમજાવી, નિરવ અને જીગર સાથે વાત કરશે એમ કહી હૈયા ધારણા આપી.

નિરવ અને જીગર, જતીનની આમન્યા રાખતા. નિરવ હજુ ગયા વર્ષે પરણ્યો હતો. જીગર હજુ તેની ‘અમી’ની શોધમાં હતો. જલ્પાને માટે ‘પરણવું’ એ શબ્દ તેના શબ્દકોષમાં ન હતો. નાનો જય, ઢીંગલી જેવી જેમિની અને ‘દાદી’ સહુનો આધાર હતી,’ જલ્પા’. જતીનને આજે દસ વર્ષ પછી જલ્પાના સ્વભાવ વિશે ખ્યાલ આવી ગયો હતો. ‘તેણે જીગરને સમજાવ્યો.

‘આપણે બાજુમાં રહી ધંધો કરવો છે. ભલું સહુનું છે, જો શાંતિથી રહીએ અને એકબીજાને જરૂર વખતે કામમાં આવીએ. જલ્પા ખૂબ સ્વમાની અને ઈજ્જતદાર છે. તારી ખેરિયત ચાહતો હો તો, તેને કનડવાનું છોડી દે. તેનામાં રહેલા ગુણોની કદર કર. જે છોકરી માતા અને પિતા ગુમાવી પૂરા કુટુંબને સાચવી રહી છે’.

જીગર સમજી ગયો. એણે વિચાર્યું ,’આટલી મોટી દુનિયા છે. મુંબઈ શહેરમાં ઘણી છોકરીઓ છે. શામાટે, જે વ્યક્તિને રસ નથી તેને કનડવી’.

જો કે જલ્પા હતી ખૂબ સુંદર અને છટાભેર. કોઈની પણ દાનત બગડૅ ! જીગરે મિત્રતા માટે પહેલ કરી. જલ્પાને મિત્રતામાં જરા પણ વાંધો ન હતો. પાણીમાં રહેવું અને મગર સાથે વેર શામાટે. જલ્પાને કામથી કામ. તેના દિમાગમાં ધુન હતી. નાનો ભાઈ, બહેન અને દાદી તેના પર આશા રાખી જીવતા હતાં.

જલ્પાના હૈયે ટાઢક થઈ. આજુબાજુવાળા ત્રણે સ્ટોરના માલિકો હવે મિત્ર બની ગયા. તહેવારોની ઉજવણી પણ સાથે કરવા લાગ્યા. દિવાળી દરમ્યાન સ્ટોરને બહાર અને અંદરથી શણગારવાનો કોન્ટ્રાક્ટ એક રૂસ્તમ બાવાજીને સોંપ્યો. પારસી બાવો હતો તો પાંસઠથી સિત્તેર વર્ષનો. દીલનો દિલાવર અને મોઢાનો મીઠો. જલ્પાને ડીકરા, ડીકરા કહીને બોલાવે. જલ્પાને પણ બાવાજી ખૂબ ગમતા. તેને એમનામાં પિતાજી દેખાતા. બાવાજીની આમન્યા રાખતી. તેમનું ભાવતું ધાનશાક દિવાળીમાં ખાસ તેમને માટે બનાવી, ડબ્બો ભરીને લાવતી’.

બાવાજી દિવાળી નિમિત્તે મિઠાઈનું પડીકું અચૂક લાવતા. જલ્પાની કુનેહ અને આવડતના તે ચાહક હતા. બાવાજી આજે જલ્પાને ત્યાં આવ્યા હતા. જલ્પાને નવાઈ લાગી. કારણ વગર તેઓ આવતા નહી. ફોન ઉપર વાત કરી પોતાને જોઈતું મંગાવી લેતા. જલ્પા માણસ મોકલી તેમનો સામાન પહોંચાડી દેતી. બાવાજીના મુખ પર ચિંતા જણાતી હતી. જલ્પા દ્વિધામાં હતી પૂછવું કે નહી. જલ્પાની ભર જુવાની હતી, ધંધો ખૂબ કુનેહથી કરતી. દરેક સાથે માત્ર કામ પૂરતા સંબંધ હોય. કોઈને એમ ન લાગવું જોઈએ કે જલ્પાની દાનત ખરાબ છે. જેમ જલ્પાએ દાદીને માન સહિત જણાવ્યું હતું, તેમ તેની આજુઅબાજુની બધી વ્યક્તિઓ જાણતી કે ,’જલ્પા સાથે કામથી કામ’. ખોટી આડી અવળી યા મજાક મશ્કરીની વાત નહી કરવાની. ક્યારે જલ્પાની કમાન છટકે અને અપમાન કરી બેસે તેનો ભરોસો નહી !

જો આવી પ્રતિભા ન રાખે તો લોકો જલ્પાની સાથે બેહુદી વાતો કરતા જરા પણ ન અચકાય. તેની ચારે બાજુ અભેદ કિલ્લો હતો. તેની કાંગરી, પણ દસ વર્ષમાં ખરવા પામી ન હતી. જતીનને તેથી તો જલ્પા માટે ખૂબ આદર હતો. જલ્પાની જીંદગીનો ધ્યેય નક્કી હતો. તેનો મારગ ધોરી મારગ જેવો હતો. રસ્તામાં ક્યાંય ખાડા કે ટેકરા ન હતા. છતાં પણ ખૂબ સાવધાની પૂર્વક પગલા માંડતી. તેને નહોતું ખાડામાં ગબડવું કે નહોતો ચડવો હિમાલય. લક્ષ હતું ‘જય અને જેમિની’નું ભવિષ્ય . દાદીને વધતી જતી ઉમર સાથે પ્રેમ અને કાળજી પિરસવા હતા. માતા અને પિતાનું નામ રોશન કરવું હતું. પોતે જે પ્રેમ પામી હતી, તેવો પ્રેમ બાંટવો હતો.

પેલો બાજુવાળો જીગર પણ હવે સમજી ગયો હતો. આ જીગરે ‘બાવાજીની’ નાની દીકરી રોશન સાથે સંબંધ કેળવ્યો હતો. બાવાજી રહ્યા પારસી, તેમને શું ખબર પડે કે આ જુવાન કેવો છે ? આમ પણ પારસીઓ એવું માને કે તેમણે પારસીને પરણવું. પારસી પ્રજા ધીરે ધીરે નામશેષ થઈ રહી છે. પારસી કોમને પણ તેની ચિંતા છે. મુખ્ય કારણ પારસી પ્રજા ખૂબ મોટી ઉમરની થાય ત્યાં સુધી પરણતી નથી. પછી તેમને બાળકો કરવા માટૅ ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ઘણાને બાળક થતા પણ નથી.

જલ્પાને બચપનથી સુવાક્યો વાંચવાની આદત હતી. એક વખત ક્યાંક વાંચવામાં આવ્યું હતું, ”ઈશ્વર તેને જ મુસિબત યા તકલિફ આપે છે જેનામાં તે પાર પાડવાની શક્તિ હોય છે." ‘મા કહેતી, ‘સંકટમાંથી ઉગરવાનો માર્ગ પણ ઈશ્વર દર્શાવે છે”. જતીનની ગેરહાજરી જલ્પાને સાલતી હતી.જતીન સાથેની દોસ્તી ગાઢ બની ચૂકી હતી. તેનું દિમાગ આડેધડ વિચાર કરી રહ્યું હતું.

તેની આંખ સમક્ષ જીવન ચિત્રપટની માફક પસાર થઈ રહ્યું હતું. બંગલાના વરંડામાં બેઠી હતી. કોણ જાણે કેમ આજે સવારથી તેને ચેન ન હતું. તેણે જીંદગીને ખૂબ નજીકથી પિછાણી હતી. જીંદગી બતાવે એ બધા દાધા રંગ જોયા હતાં. હવે માંડ ઠરીઠામ થઈ હતી. ભાઈ અને બહેન મોટા થઈ પોતાની જીંદગીમાં ગોઠવાયા હતા. વીસવર્ષની ઉમરથી તેણે જવાબદારી વેંઢારી હતી. હવે તે બસ શાંતિની જીંદગી જીવી મનમાન્યું કરી શકે તેવી સ્થિતિએ પહોંચી હતી. જતીને તેને મિત્ર તરિકે અપનાવી હતી ! એણે જલ્પાને જીવનના હર હાલમાં જોઈ હતી. તેના પ્રત્યે હમદર્દી તેમ જ આદર હતો.

જતીનના બે બાળકો કોલેજમાં ભણતા તેથી રજા દરમ્યાન ઘરે આવતાં. ઘણી વખત તો ”સ્ટુડન્ટ એક્સચેન્જ”ના પ્રોગ્રામમાં અમેરિકા, ઓસ્ટ્રેલિયા કે લંડન જતાં. જલ્પાના, પોતાના ભાઈબહેન આખરે જીંદગીમાં સ્થાઈ થઈ ગયા હતા. જલ્પા મોટી બહેન હતી પણ તેમને માટે માતા સમાન ગણાતી. જેને કારણે વિકટ પરિસ્થિતિમાં તેઓ મનગમતું ભણી જીંદગી સુંદર રીતે ગુજારી શકે તેવા સ્થાને હતાં. જલ્પા તેમની જીંદગીમાં મોટી બહેન તરીકે ન હોત તો ? એ વિચાર પણ તેમને ભયભીત કરવા માટે પૂરતો હતો.

જતીન સાથે મૈત્રીને કારણે તેના બાળકોને માની ખોટ સાલવા ન દેતી. નાની ઉમરમાં જહેમત કરી જય અને જેમિનીને ઠેકાણે પાડ્યા હતાં. બાળકો ગમતાં તેથી બી.એડ. કર્યું અને ફેલોશિપ શાળામાં શિક્ષિકા બની. બાળકો તેને ખૂબ પ્રેમ અને આદર આપતા. દિલ દઈને ભણાવતી. તેના વર્ગમાં બધા બાળકોએ સરખું ભણવાનું. તે મહેનત પણ પુષ્કળ કરતી. જો કોઈ બાળક ફરિયાદ કરે કે પાછળ પડી ગયું હોય તો તેમના ઉપર વધારે ધ્યાન આપે. ગણિત અને અંગ્રેજી તેના બે મુખ્ય વિષય. ગણિત શિખવવાની તેની પદ્ધતિ આગવી હતી. ખૂબ રસમય રીતે બન્ને વિષયો ભણાવતી.

મોટે ભાગે બાળકોને ગણિત વિષય ગમતો નથી. જો તેમને સુંદર રીતે ભણાવવામાં આવે તો તેના જેવો કોઈ રસપ્રદ વિષય નથી. જલ્પા તે જાણતી તેથી ગણિત સાથે ગમ્મતનું એવું મિશ્રણ કરતી કે બાળકોને મઝા આવે. જો કોઈ બાળક પાછળ પડી જાય તો તેને મદદ કરી હોંશિયાર બનાવતી. બાળકો તેની કમજોરી હતા. બાળકોની નિર્દોષતા તેના અંતરને ઠારતી. તેમનું રમતિયાળપણું તેને પોતાને જીવંત રાખતું. નાની ઉમરે જવાબદારી વહન કરી હતી. જેને કારણે તેને બાળકોની નિખાલસતા ગમતી. તોફાની બારકસોને ઠેકાણે લાવવાની કળા તેને વરી હતી.

જતીનના બાળકો પ્રમાણમાં મોટા હતાં. જલ્પાના હ્રદયની ભાવનાને પિછાણી ગયા હતાં. તેઓ જલ્પાને ખૂબ ઈજ્જત અને માન આપતાં. જતીનને જે ડર હતો તે નાબૂદ કરવામાં જલ્પા સફળ રહી. જતીન સંસારનું સુખ પામી ચૂકેલો અનુભવી માણસ હતો. પોતાની પત્ની પ્રત્યે અનહદ પ્રેમ હતો. તેની યાદગીરી સમાન બે સુંદર પુષ્પો તેના જીવનમાં ખિલ્યા હતા.

જતીન લગભગ ‘બાવન’ નો હતો અને પોતે ‘બેતાલીસ’ વર્ષની. જલ્પાના નસિબમાં ‘માતા’ બન્યા વગર બાળકોનું અઢળક સુખ હતું. જો કે તેને તેનો અફસોસ પણ ન હતો. માતૃત્વની ભાવના વહાવવાની દિશા તેને મળી ગઈ હતી. ‘શું માત્ર પોતાના બાળકો જ સુખ આપી શકે ?’ પ્રથમ નાના ભાઈ અને બહેન, પછી જતીનની બે દીક્રીઓ અને હવે ફેલોશિપ સ્કૂલના બાળકો !

જલ્પાને કલ્પના પણ ન હતી કે બેતાલીસ વર્ષની થયા પછી તેને આવો જતીન જેવો પ્રેમાળ મિત્ર મળશે ! જતીનનું લગ્ન જીવન સુખી હતું. આ તો તેણે અધવચ્ચે જીવન સંગિનીનો સાથ ગુમાવ્યો. તેની એકલતા દ્દૂર કરવા તેને જલ્પા ખૂબ વ્યાજબી લાગી. જેને તે પત્નીની હયાતિમાં પણ જાણતો હતો. જલ્પાને પણ ક્યારેય પુરૂષ મિત્રનો પરિચય ન હતો. ખરું જોતા તેના જીવનમાં પિતા અને હવે જતીન બે જણાએ મુખ્ય ભાગ ભજવ્યો હતો. જો નાની ઉમરમાં સ્થાયી થઈ હોત તો વાત જુદી હતી. આધેડ વયે સુંદર મિત્ર પામી પોતાની જાતને ભાગ્યશાળી માનવા લાગી !

જલ્પાને ધંધામાં મુશ્કેલી આવતી ત્યારે વિના સંકોચે જતીનની સલાહ લેતી. જતીનને જલ્પાના પિતા સાથે પણ ગાઢ સંબંધ હતો. જલ્પાની આવડત તેમજ બહાદૂરી જોઈ તેને નવાઈ લાગતી. હજુ તો કોલેજમાંથી સ્નાતક થઈ તે પહેલાં આખા કુટુંબની જવાબદારી એને શીરે આવી હતી. માતા અને પિતાના બસ અકસ્માતના અવસાન પછીની વીસ વર્ષની જીંદગીથી જતીન માહિતગાર હતો. જતીનની જાતિય જીંદગીથી જલ્પા અજાણ હતી. તે સુંદર બે દીકરીઓનો પિતા હતો. તેની પ્રેમાળ પત્ની હતી. જ્યારે લગ્નના વીસ વર્ષ પછી જતીનની પત્ની કેન્સરનો ભોગ બની ત્યારે જલ્પાને જાણ થઈ. તે લગભગ દસ ઉપર વર્ષોથી હેરાન થતી હતી.

જલ્પાને તો કામકાજમાં ગળાડૂબ હોવાને કારણે પરણવાનો વિચાર પણ કદી આવ્યો ન હતો. દાદી પણ જય અને જેમિની ભણી પરવારે તે પહેલાં ગામતરુ કરી ગઈ હતી. જય અને જેમિની તેમની જીંદગીમાં ગોઠવાઈ ગયા હતા. હવે જલ્પાને પૈસાની બહુ અગવડ લાગતી નહી. ઘર ખાલી થઈ ગયું હતું. આટલાં વર્ષોમાં જલ્પા અને જતીન સારા મિત્ર બની ગયા હતાં. બે વર્ષ પહેલાં તેની પત્ની કેન્સરમાં વિદાય થઈ ત્યારે જતીન ભાંગી પડ્યો હતો. આ સમયે જલ્પાએ મિત્ર તરિકેની ફરજ પ્રેમથી નિભાવી. જુવાન હતા, એકેમેક પ્રત્યે લાગણી ધરાવતા હતાં. અધુરામાં પુરું એકલા હતા. એકલતામા આવો મધુરો સંગાથ ગાઢ મિત્રતામાં પરિણમ્યો !

બન્ને દીકરીઓ કોલેજમાં એક બેંગ્લોર અને બીજી સૂરત ભણતા હતાં. જલ્પાએ જતીનને બનતી બધી મદદ કરી હતી. જલ્પા ધીરે ધીરે સ્ટોર સમેટવામાં પડી હતી. તેને થતું એકલી માટે હવે આટલી બધી પળૉજણ શામાટે ? પોતાની હોંશિયારીથી સ્ટોર ખૂબ સધ્ધર થઈ ગયો હતો. સ્ટોર વેચે તેને સારા પૈસા મળવાના હતા. તેને આગળ ભણી હવે શાળામાં ‘નવથી પાંચ‘ની નોકરી કરી શાંતિનું જીવન જીવવું હતું. જતીન આ બધી વાતોથી વાકેફ હતો. છેલ્લા બે વર્ષમાં એકલતાને કારણે જતીન, જલ્પાની બધી વાતોમાં રસ ધરાવતો. જલ્પાના પ્રેમાળ, લાગણીભર્યા સ્વભાવનો તે શિકાર બની રહ્યો હતો. પત્ની વગર દીશા ભૂલેલાને જલ્પાએ સુકાની બની સંભાળ્યો હતો. તે પણ જુવાન હતી. સંજોગોને કારણે યથા સમયે પરણી ન હતી. હવે એક સહ્રદય મિત્રને પામવાનો સુનહરો અવસર પ્રાપ્ત થયો હતો.

જતીન આજે અચાનક જલ્પાને ફોન કરી આમંત્રણ આપી રહ્યો. ‘જલ્પા, ચાલને આજે ‘ક્રિમ સેન્ટર’માં જઈએ’. જતીન ફોન ઉપર જલ્પાને કહ્યું.

‘કેમ આજે કાંઈ ખાસ પ્રસંગ છે’?

‘બસ , એમ જ.’

જલ્પા વિચારી રહી. રવીવારની સાંજ છે. બહાર જઈશ તો મન નિર્મળ થશે. એટલે તેણે જતીનને હા પાડી.

જતીને કહ્યું ,’હું તને આઠ વાગે લેવા આવીશ’.

‘સારું’.

જલ્પા અને જતીન દોસ્ત હતાં તેનાથી વધુ કાંઇ નહી. ઘણા વખતે આમ કોઈની સાથે ડીનર પર જવાનું હતું. જલ્પાને જરા અજુગતું લાગ્યું. આજે ક્યાંથી વિચાર ઝબકી ગયો કે, ‘જો હું પરણી હોત તો મારે પણ બાળકો અને પોતાનો સંસાર હોત’. ‘ પછી હસી પડી ‘પાગલ તારી પાસે સમય જ ક્યાં હતો કશું વિચારવાનો’ ?

વિચાર ખંખેરી ઘડિયાળમાં જોયું. ચાલ હવે તૈયાર થા. જલ્પા ખુબ સુંદર હતી. ક્યારેય આ બધું વિચારવાનો મોકો મળ્યો ન હતો. તૈયાર થઈને અરીસામાં જોઈ બોલી, ‘હજું આકર્ષક તો છું. બેતાલીસની ઉમર કાંઇ બહુ મોટી ન કહેવાય.’ પ્રસંગ પણ એવો હતો કે ખુશી જલ્પાના અંગમાંથી નિતરી રહી હતી.

ત્યાં ગાડીનો હોર્ન સંભળાયો અને જલ્પા પર્સ લઈ નીચે આવી. જતીને ક્યારેય જલ્પાને આવી રીતે અને આ નજરે નિહાળી ન હતી. બન્ને જણા ક્રિમ સેંટરમા આવ્યા. જમીને નરિમાન પોંઈન્ટ તરફ ફરવા નિકળ્યા. જતીનના દિમાગમાં તુમુલ યુદ્ધ ચાલતું હતું. જલ્પાને અણસાર આવ્યો કે જતીનને કંઈ કહેવું છે, પણ બોલી શકતો નથી.

વાતાવરણ હળવું કરવા બોલી. ‘જતીન આપણે એકબીજાને લગભગ પંદર વર્ષથી ઓળખીએ છીએ. મને જ્યારે જરૂર હતી ત્યારે તેં મને ખૂબ મદદ કરી છે. જો તને કોઈ પ્રશ્ન સતાવતો હોય તો ખુલ્લા દિલે કહી દે. આપણે બન્ને મળીને તેનો ઈલાજ કરીશું’.

જતીનને લાગ્યું તેની ચોરી પકડાઈ ગઈ. જલ્પાને ખબર પડી ગઈ છે કે, મારે કાંઈ પૂછવું છે, પણ હું બોલી શકતો નથી’.

ખૂબ ધીરેથી બોલ્યો, ‘જો જલ્પા મારે કાંઇ પૂછવું છે, એ હકિકત છે. આશા રાખું કે તું નારાજ નહિ થાય ?’

‘હું શું કામ નારાજ થાંઉ’ !

‘વચન આપ.’

‘આપણા વચ્ચે એવી પરિસ્થિતિ ક્યારેય ઉભી થઈ નથી, આજે શું કામ ?

હવે જતીનને જરા ઠંડક વળી. ‘જલ્પા તને ખબર છે. જ્યોતિને ગયે પાંચ વર્ષ થયા. જો તને વાંધો ન હોય તો હું —‘

જલ્પાએ જતીનને આગળ બોલવા ન દીધો. ‘જતીન આ વિચાર મને પણ આવ્યો હતો.'

જતીન હવે ચોખ્ખુંબોલ્યો. ‘તો શું, હું તારી હા, સમજું’.

જલ્પાએ નજર નીચી ઢાળી દીધી. જલ્પાના મગજમાં શું હતું ને જતીન શું સમજી બેઠો એ કળવું મુશ્કેલ હતું.

જે વાત કરવા જતીન ખૂબ તરફડતો હતો તે આટલી સરળતાથી થઈ જશે, એ જાણી ખુશ થયો. જલ્પાને જોરથી ભેટવાનો આવેલો ઉમળકો રોકી રહ્યો.

બસ પછી તો જતીને સ્ટોર વેચવામાં સહાય કરી. સારા પૈસા મળ્યા. જય અને જેમિની પણ ખૂબ ખુશ થયા. તેમને એમ કે દીદી હવે “ઠેકાણે પડશે” !

જતીન ભલે બે બાળકોનો પિતા હતો, પણ તેની સજ્જનતા અને ખાનદાની વિષે કોઈ શંકા ન હતી. બન્ને એકેબીજાને વર્ષોથી ઓળખતા હતાં. જલ્પાને હવે પોતાની મનગમતી રીતે જીવન જીવવું હતું. બી.એડ. કર્યું અને ફેલોશીપ શાળામાં નોકરી લીધી. જતીનને જલ્પા પર પૂર્ણ વિશ્વાસ હતો. તેને ખાત્રી હતી જલ્પા દરેક કદમ સંભાળીને ભરશે. તેણે જલ્પાને વીસ વર્ષની છોકરી હતી ત્યારથી નિહાળી હતી. ગાઢ પરિચય છેલ્લા છ વર્ષથી હતો. જ્યોતિની બિમારી વખતે જલ્પાએ જતીનને હિમત આપવાનું કાર્ય કર્યું હતું. તેથી તો જતીને પહેલીવાર,’ ક્રિમસેન્ટરમાં ડીનર પર જઈએ’, કહેવાની હિમત કરી હતી.

હજુ પણ મગનું નામ મરી પડ્યું ન હતું. જલ્પા ખૂબ ચેતીને ચાલનારી સ્ત્રી હતી. જેણે સમઝણ આવી ત્યારથી જવાબદારીની ધુંસરી ગળે ભરાવી હતી !

જતીન હતો નહી. જલ્પાને હવે જતીનની આદત પડી ગઈ હતી. તેનો સંગ ખૂબ હુંફાળો અને મનભાવન હતો. ભૂતકાળમાંથી પાછી જલ્પા ‘આજ’માં પાછી ફરી. સવારે ઉઠીને હિંચકે બેઠી. હિંચકો તેને બાળપણથી પ્રિય હતો. સૂરજનું પહેલું કિરણ પેલા ઝાકળના બિંદુ સાથે ગેલ કરી રહ્યું હતું. જલ્પાને એ દ્રશ્ય ખૂબ ગમ્યું. તે જાણતી હતી સૂરજનો તાપ જેવો તીવ્ર થશે કે ઝાકળના બિંદુનું અસ્તિત્વ ભુંસાઈ જશે. ઉભી થઈ ઝાકળના બિંદુનું બાષ્પિભવન થાય એ પહેલાં બે હાથ વડે તેને ઢાંકી દીધું. ઝાકળનું બિંદુ મલકાઇ રહ્યું, ઝીણું ઝીણું ગાઈ રહ્યું. જાણે સૂરજને કહી રહ્યું હોય, ‘મને સમજનાર કોઈ મળ્યું છે’. જલ્પાની સમક્ષ નજર નાખી મોતીની માફક ઝળહળી રહ્યું.

હજુ પણ બે જણ વચ્ચે શું સંબંધ છે એ નક્કી થયું ન હતું. મિત્રતાના મઘમઘતા સૂર રેલાઈ રહ્યા હતા !


Rate this content
Log in

Similar gujarati story from Inspirational