Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahebub Sonaliya

Others Romance

3  

Mahebub Sonaliya

Others Romance

એક્સિડન્ટ : પ્રેમના પગલાં - ૧૯

એક્સિડન્ટ : પ્રેમના પગલાં - ૧૯

12 mins
14.1K


માધવીએ ગત અઠવાડિયમા બે વખત મને ફેસ ટુ ફેસ આઈ લવ યુ કહેલ છે. ભલે બંને સ્થિતિ અલગ અલગ હતી. પરંતુ બંને સ્થિતિમાં તેની ભાવના એકસરખી હતી. તે તો મને આઈ લવ યુ કહીને છૂટી ગઈ. પરંતુ મારા મનની સ્થિતિને ડામાડોળ કરતી ગઈ. હવે હું દિવસ અને રાત બસ માધવીના ખ્યાલ માં ખોવાયેલો હોઉં છું. ઓફિસથી વહેલો નીકળી જાઉં અને સીધો માધવી પાસે જતો. અમે બંને હંગ આઉટ કરતા, સિમ્પલની રીક્વાયરમેન્ટ પ્રમાણે તેના મેરેજમાં હેલ્પ કરતા, લકી સાથે આઉટડોર ફરવા જતા. કાલે જ અમે ચારે લકીની જીપ્સી લઈને કાળિયારના અભ્યારણ જોવા માટે ગયા હતા.

દિવસ જેમ જેમ પસાર થતો ગયો. તેમ તેમ લકી અને સિમ્પલના લગ્નની તૈયારીઓ કરવાની વધતી ગઈ. અહીં લોકલ તો હું અને માધવી હતા. એટલે લકી અને સિમ્પલ અમારા બંને પર વધારે ભરોસો રાખી રહ્યા હતા. મારા ભાગે માનસિક કામ વધારે આવતું દેખીતી રીતે હું લકી અને સિમ્પલ નો ઇવેન્ટ મેનેજરની ભૂમિકા ભજવી રહ્યો હતો. લગ્નની ભાગદોડમાં દિવસ પસાર થઈ જતો હતો. અને રાત આખી માધવીના વિચારોમાં એ રીતે પસાર થતી હતી. જાણે કોઈએ જોરથી ફેંકેલો પથ્થર એક છેડેથી બીજા છેડે પસાર થાય.

માધવીએ આસાનીથી મને આઈ લવ યુ કહી દીધું. પરંતુ તેનું મન કળવું બહુ મુશ્કેલ છે. તેણે હજારો વખત મને કહ્યું છે કે મારી પત્ની બહુ ભાગ્યશાળી હશે. હું મારી પત્નીને બહુ ખુશ રાખીશ. મારી સાથે તે ક્યારેય બોર નહીં થાય. ક્યારેક નારાજ થશે તો પણ હું તેને મનાવી લઈશ. તે મારા વિશે આટલું બધું જાણતી હોવા છતાં તેણે ક્યારેય પણ મને સાફ સાફ નથી જણાવ્યું કે એના દિલમાં શું છે. શું મારે તેને પ્રપોઝ કરવી જોઈએ? શું તે મને 'યસ આઈ ડૂ કહેશે?' કહેશે કે પછી સિમ્પલની માફક હસીને મના કરી દેશે. અફકોર્સ, ચપ્પલ પડવાનો વારો તો નહીં જ આવે. તેથી જેટલો ડર સિમ્પલને ડેટ કરવામાં લાગ્યો હતો. એટલો ડર તો નહીં જ લાગે. તો પછી કેમ આટલી બધી બેચેની છે? હું ખરેખર તેને પ્રેમ કરું છું કે પછી આ એક આકર્ષણ છે? જે સિમ્પલ લકીની જોડીને જોઈને ઉજવી રહ્યું છે.

આટલા વર્ષોમાં પહેલીવાર આવું મહેસૂસ થાય છે. કદાચ માધવીની પણ આવી જ સ્થિતિ હશે. તેણે આ ૧૨ વર્ષના લાંબા સમયગાળામાં ક્યારેય પણ મને આઈ લવ યુ નથી કહ્યું. હું જ્યારે સિમ્પલને ડેટ પર લઈ ગયો હતો. ત્યારે માધવીના ચહેરા પર સ્પષ્ટ રીતે જલન દેખાઈ રહી હતી. તે દરેક સ્થિતિમાં મારી સાથે પરફેક્ટ છે. છતાં કેમ હું તેને મારા દિલની વાત કહેવાથી આટલો બધો હેસીટેટ થાઉં છું. આ ગાળા દરમિયાન સિમ્પલ અને લકીએ કેટલી વાર મને સમજાવ્યો, પ્રોત્સાહિત કર્યો અને હદ તો જુઓ તેમણે ઉશ્કેર્યો પણ ખરો કે હું માધવીને રોજના ફાલતુ અહેવાલને બદલે મારા દિલનો હાલ સાંભળાવું. પરંતુ આજે ફાઈનલી એ દિવસ આવી ગયો હતો.

આજે ઘણા દિવસોનો થાક અને રાતના વિચારોનો ગજગ્રાહનો અંત આવવાનો હતો. આજે લકી સિમ્પલનાં ગળામાં વરમાળા નાખશે. લકી સિમ્પલનો પાલવ પોતાની સાથે એ રીતે બનશે કે જેને શ્વાસની અંતિમ ક્ષણ સુધી છોડી ન શકાય. ગઈકાલની રાત સંગીતની રાત હતી. તે પહેલા મહેંદી હતી. સિમ્પલ જીદ લઈને બેસી ગઈ હતી. તેની સામે નમતું જોખી અમે ચારેય એક મંડપમાં બેસીને મહેંદી મુકાવી હતી. સંગીતમાં આખી રાત માધવી નાચી હતી. સિમ્પલને પણ રોકવી મુશ્કેલ હતી. તેણે પરાણે મને અને લકીને ગીત ગવડાવ્યાં હતાં. લકીનો અવાજ મખમલી છે. તેથી તેના ગાયનો લાભ બધા આનંદ સભર લઇ રહ્યા હતા. એટલે મેં અંતમાં ગાવાનું પસંદ કર્યું. મેં ગાવાનું શરૂ કર્યું અને ભીડ આપોઆપ ઓછી થઈ ગઈ. છતાં માધવી તો મારા ગીત પર નાચતી જ રહી. રાત્રે બે વાગ્યે મીડ નાઈટ ફીસ્ટ રાખી હતી. અમે નાસ્તા પર તૂટી પડ્યા. સિમ્પલની કોલેજ ફ્રેન્ડ પણ બહુ મિલનસાર હતી. તે લકીની સાથે મને પણ ઘેરીને બેસી ગઈ હતી. તે બધી જ મારા પર ફાલતુ જોક્સ પર હસી હસીને લોટ પોટ થઇ રહી હતી. અને માધવી બળી-બળીને રાખ થઈ રહી હતી.

સ્નેક્સ બ્રેક પછી ફરી ઓર્કેસ્ટ્રા પાર્ટી શરૂ થઇ. સદનસીબે ઓર્કેસ્ટ્રા સિંગર તો મારા કરતા પણ વધારે ભયાનક ગાયક હતો. પરંતુ અહીંયાં સિંગિંગ કોમ્પીટીશન ક્યાં હતી. અહીં તો માત્ર ટેમ્પોથી કામ ચાલતું હતું. બધી છોકરીઓ ડાન્સ ફ્લોર પર આવી ગઇ હતી

માધવી મારી પાસે બેસી ગઈ હતી. બહુ થાકી ગયેલી માધલી મારી પીઠ સાથે પોતાની પીઠને અડાડીને બેસી ગઈ. અમેં કોઈ બોલિવૂડની રોમેન્ટિક મુવીના સીન માફક બેઠેલા હતા. હોલમાં ઉપસ્થિત મોટાભાગના લોકો અમારી તરફ જોઇ રહ્યા હતા. પરંતુ માધવીને કોઇ ફરક નહોતો પડતો.

"ટાયર્ડ?"મેં કહ્યું.

"આજે પણ તું તો બહુ એનર્જેટિક લાગે છો. હોય પણ કેમ નહીં આટલી બધી છોકરીઓની વચ્ચે ઘેરાઈને રહે તો કોઈપણને એનર્જી મળે, કેમ?'' માધવી દાઢમાંથી બોલી.

"હા હો, બહુ મજા આવી" મેં કહ્યું.

"બેશરમ..." માધવી ગુસ્સામાં રાતીચોળ થઈ ગઈ.

"જલન..., જલન..... મેરે દોસ્ત યે જલન હૈ." લકી ફિલ્મ અંદાજમાં બોલ્યો.

"શટઅપ લકી તુ આજે દુલ્હો ન હોત તો તારી પણ ખેર ન હોત."

''એમ?" લકી માધવી ને ચીડવતા બોલ્યો.

"લકી તું બહુ સારો ગાયક છે. અને માનવ તારે તો ઇન્ડિયન આઈડોલમાં જવાની જરૂર છે."

"માનવ એટલુ પણ સારું નથી ગાતો" લકી બોલ્યો.

"હા હું જાણું છું. પણ જજીસ ને પણ ખબર પડે ને કે ત્રાસ કોને કહેવાય? અને માધવીનું રોજ શું થતું હશે?" લકી એને માધવી ખીખી કરવા લાગ્યા. અને હું મનોમન હસી રહ્યો હતો. મેં હાસ્યને પણ મારા દિલના ભાવની માફક બહાર આવવા ન દીધુ. લકીએ મને ઈશારા વડે માધવીને આઈ લવ યુ કહેવાનું કહ્યું. પરંતુ હું ના કહી શક્યો. મારી વાત મનની મનમાં જ રહી ગઈ.

***

"ભાઈ બધા અરેન્જમેન્ટ તો થઈ ગયા છે ને?" લકી એ ચિંતા વશ પૂછ્યું.

"હા બંને પક્ષ મેરેજ હોલમાં આવી ગયા છે. બે ડ્રોન વીડીઓગ્રાફી કરવા માટે તત્પર છે. એન્ટરન્સ પર માણસો રાખ્યા છે જે આવનાર મહેમાનોને સત્કાર સાથે આવકારે. દરેક મહેમાનને એક મોમેન્ટો આપવામાં આવશે. કોઇપણ રહી ન જાય તેની ખાતરી કરવા માટે પણ બીજા માણસો ડીપોલ્ય કર્યા છે. જમવાની ક્વોલીટી ચેક કરવા માટે તમારા પપ્પાના મિત્રને ગોઠવી દીધા છે. ઓથેન્ટિક પંજાબી ફ્લેવર માટે માત્ર પંજાબી જોઈએ. કેટરર્સને પણ અત્યારથી જ કામે લગાડી દીધા છે. થોડા થોડા અંતરે બધા મહેમાન માટે સોફ્ટડ્રીન્કસની વ્યવસ્થા કરી દીધી છે. સોરી ભાઈ તારી બુઝ પાર્ટીનું તું જોઈ લેજે. હું એમાં કંઈ નહીં કરી શકું. ટૂંકમાં આગમનથી માંડીને વિદાય સુધીની તૈયારી કરી દીધી છે. હવે તારા મિત્રો દારૂ પીને કોઈ સીન ક્રિએટ ન કરે બસ." મેં કહ્યું.

·"તેની ગેરંટી કોઈ નહિ આપી શકે. માધવી ક્યાં છે?" લકીએ પૂછ્યું.

"તે છોકરીવાળા તરફથી પ્રતિનિધિત્વ કરશે. તે ત્યાંનું મેનેજમેન્ટ કરશે." મેં કહ્યું.

"ઓકે થેંક યુ પ્રા" લકી હગ કરતા બોલ્યો.

"નો થેંક યુ યાર."

લગ્ન માટે અમે શહેરની સૌથી મોંઘી તેમજ ભવ્ય હોટેલ બૂક કરાવી હતી. હોટેલ નિલમબાગ પેલેસ તે એક જમાનામાં રાજવી પરિવાર માટે તેમનો રહેવાનો મહેલ હતો. આજે ભવ્ય હોટેલ છે. તેનું બંધારણ પણ રાજવી છે. તેના આર્કિટેક્ચરને જોવામાં જ લકી ના મહેમાનો ખોવાઈ ગયા હતા. તેઓ કહેતા હતા કે ખરેખર આ સ્થાન બેસ્ટ છે. આપણે આટલા દૂર આવ્યા પરંતુ ધક્કો વસુલ થઈ ગયો.' આ સાંભળી અમને ચારેયને હાશકારો થતો. લકીના પપ્પાએ એકવાર તો મારી અને લકીની પીઠ થાબડી હતી. તેને પણ ખાતરી થઈ ગઈ હતી કે આજના યુવાનો ખરેખર શક્તિપુંજ છે.

સવારે સાડા દસનું મુહૂર્ત હતું અને દસ વાગે બંને પક્ષ મેરેજ હોલમાં હાજર થઈ ગયા હતા. મેરેજ હોલમાં ઘણા બધા મહેમાનો એકસાથે આવી જવાથી એ.સી.ને વધારે મહેનત કરવી પડતી હતી. લોકો પોતપોતાના ગ્રુપ બનાવીને ઉભા રહી ગપશપ કરી રહ્યા હતા. જુવાનિયો જાણે પસંદગી મેળામાં આવ્યા હોય અને પોતે પરણ્યા વગરના રહી ગયા હોય તેમ પોતાના માટે પાર્ટનર શોધવાની ટ્રાય કરી રહ્યા હતા. નાના બાળકો અહીં તહીં ઘમ્માં ચકડી મચાવી રહ્યા હતા. સિમ્પલના વદન ઉપર અનેરો આનંદ હતો. સિમ્પલના મમ્મીને હોલની મધ્યમાં બેસાડ્યા હતા. સિમ્પલના પપ્પા તેની બાજુમાં ઊભા હતા અને આવનારા બધા મહેમાનોને હસીને આવકારતા હતા. આવનારા મહેમાનો સિમ્પલના મમ્મીની ખબર પૂછતા હતા.

મુહૂર્ત પ્રમાણે સિમ્પલ અને લકીના લગ્નની રસમ શરૂ થઈ ગઈ. શાસ્ત્ર પ્રમાણે તેમની લગ્ન વિધિ શરુ થઇ. સિમ્પલે લકીએ આપેલુ પાનેતર પહેર્યું હતું. મેં માધવીએ આપેલા પરિધાન પહેર્યા હતા અને માધવીએ મારે મારી સિલેક્ટ કરેલી ગુલાબી સાડી પહેરેલી હતી. આજે સૌના ચહેરા પર આનંદનો અતિરેક હતો. માધવી તો સ્વયં જ દુલહન જેવી લાગતી હતી.

સિમ્પલ અને લકી ફેરા ફરી રહ્યા હતા અને માધવી તેમના પર દરેક કમ્પ્લીટ થતાં ફેરા પર ભારે ઉત્સાહથી ફૂલ જેવા હાથોથી ગુલાબ ફેંકી રહી હતી. સાત ફેરામાં સાત જન્મનો સાથ નિભાવવાના વચને બંધાયેલો લકી અને સિમ્પલ બધા જ વડીલોના આશીર્વાદ લઇ રહ્યા હતા. સિમ્પલ તેના મમ્મીને વિટળાઈને ખુબ જ રડી હતી અને તેના મમ્મીએ પોતાના દિલ ખોલીને તેને આશીર્વાદ આપ્યા હતા. લગ્નની વિધિ પૂર્ણ થતાં થતાં લગભગ કલાક જેવો સમય વીતી ગયો હતો. અને હવે છેક તે દંપતિ અમારી પાસે આવ્યા હતા.

"કોન્ગ્રેચ્યુલેશન્સ ટૂ બોથ ઓફ યુ." અને માધવી એક સાથે કહ્યું.

"આ તમે પ્રેક્ટિસ કરો છો કે પછી તમારું કોમિક ટાઈમિંગ છે. હંમેશા બંને એક સાથે જ બોલો છો. લકી એ મુસ્કુરાઈને કહ્યું

"અરે અમે એકબીજા વગર અધૂરા છીએ કદાચ એટલે." માધવી બોલી.

"ધેટ્સ રાઈટ." મેં કહ્યું.

"ચાલ હવે મારા ચરણ સ્પર્શ કર." માધવીને ટીખળ સુજી. માધવી તો મજાક કરતી હતી પરંતુ સિમ્પલ અને લકીએ સાચે જ માધવીના ચરણ સ્પર્શ કર્યા.

"ખૂબ જ ખુશ રહો તમે બન્ને." હું લકીને હગ કરતા બોલ્યો.

"બેટા આ જ મોકો છે. કહી દે તારા દિલની વાત." લકી મારા કાન માં બોલ્યો.

"સોરી સ્વીટી હું તારી વિદાયની રસમમાં નહીં આવું. હું એ નહીં કરી શકું. થોડા સમયમાં આપણે કેટલા બધા નજીક આવી ગયા છીએ. જાણે જન્મો જનમ નું ઋણાનુબંધ હોય. હવે હું તને જતી નહીં જોઈ શકું પરંતુ હું તારા ઉજવળ ભવિષ્ય માટે હર હંમેશ પ્રાર્થના કરીશ." માધવીની આંખોમાંથી બોર બોર સમા આંસુ ટપકવા લાગ્યા. તે સિમ્પલને હગ કરીને બોલી.

"ઓહ માય ગોડ, બેબી મને એમ કે તું માત્ર ચુલબુલી બબલી ગર્લ છો. તારું આ સ્વરૂપ તો મેં ક્યારેય જોયેલું નહીં." સિમ્પલ માધવીને ટાઈટ હગ કરતા બોલી.

"કોઈ વાંધો નહીં આ બધી તો ફોર્માલીટી છે. આપણે સાચે જ થોડા જુદા થઈ રહ્યા છીએ. એ માનવ તુ અહીં માધવી સાથે જ રહે છે. અમે જઈએ છીએ તું મધવીનું ધ્યાન રાખજે." સિમ્પલ બોલી.

સિમ્પલે મને મર્માળુ હગ કર્યું અને મારા કાનમાં ધીમા સ્વરે કહ્યું.

"માનવ, નાઉ ઓર નેવર, આ તારા માટે ગોલ્ડન ચાન્સ છે. ડોન્ટ વેસ્ટ ઇટ. માધવી ને કહી દે કે તું એના માટે બનેલો છો. તું એને ખૂબ પ્રેમ કરે છે." તે મારાથી છૂટી પડી અને લકી સાથે ચાલતી થઈ. હું અને માધવી જ્યાં સુધી એ દંપતી દેખાયા ત્યાં સુધી પોતાનો હાથ હલાવી તેને વિદાય આપી રહ્યા હતા. થોડી જ વારમાં તે દૃષ્ટિગોચર થઈ ગયા. હોલ અલમોસ્ટ ખાલી હતો. હોલમાં હવે માત્ર કેટરર્સ અને હોટેલના બીજા માણસો હતાં. લગ્નના બંને પક્ષના લોકો લગ્નની અંતિમવિધિ એટલે કે વિદાય માટે હોટલની બહાર જઈ રહ્યા હતા. લકી માટે બ્રાન્ડ ન્યુ રેન્જ રોવર લેવા આવી હતી. માધવીએ મારી પાસે આવીને મારા કપડા પર ચોંટેલા ધુળના રજકણ સાફ કર્યા.

"હું આટલો જ તૈયાર થઈ શકું છું માધવી." મેં કહ્યું.

તેણે મારી વાત અવગણી અને બેસી ગઈ. તેણે મારા હાથમાં તેનો હાથ પોરવ્યો, મારા ખભા પર પોતાનું માથું ઢાળી અને શાંતિથી બેસી ગઈ.

"એવો થાક લાગ્યો છે ને કે ન પૂછ વાત." તે મારી કંપની એન્જોય કરતા બોલી. છોકરીઓ બહુ કન્ફ્યુંસિંગ હોય. તે ખરેખર માત્ર મિત્ર છે કે મિત્રથી વધારે છે તે નક્કી કરવામાં બિચારા છોકરાની કચુંબર બની જાય. તેના મગજનું દહીં બની જાય.અને એ વાતની છોકરીને જાણ સુધ્ધાં નથી હોતી. અને જો હોય છે તો તેનો ભરપૂર આનંદ લે છે.

''માધવી આ છે શ્રેષ્ઠ દંપતી. આને કહેવાય રાધા કૃષ્ણની જોડી. સિમ્પલ રાધા અને લકી શ્યામ. નેહા અને મીહીર જેમ નહીં." મેં તેના ખભા પર હાથ રાખ્યો.

"તે પહેલીવાર સાવ સાચું કહ્યું. મેં મહામુસીબતે સિમ્પલને તારા માટે શોધી હતી. પરંતુ તું તેને પણ સાચવી ન શક્યો. મારે હવે તારા માટે કોઈ બીજી શોધવી પડશે." માધવી મને પ્રેમથી ટપલી મારતા બોલી.

"એની કોઈ જરૂર નથી. મેં મારી રાધા શોધી લીધી છે." મેં હિંમત કરી ને કહી દીધું. આ શબ્દ કહેતાની સાથે જ મારા શરીરમાં કંપન શરૂ થઈ ગયું. ન તો ભય હતો, ન તો ચિંતા. એક અલગ જ અહેસાસ હતો. આમ પણ પ્રેમમાં સળગવાથી બળતરા નથી થતી આબાદ રહી જવાથી થાય છે.

"શું વાત કરે છે. તું કોઈ મજાક નથી કરતો ને ?"માધવી બોલી.

"ના માધુ, હું સાચું કહું છું."

તેણે પોતાના હાથ મારા હાથમાંથી અલગ કર્યા અને પોતાનું માથું ઊંચું કરીને મારી સામે ઉભી રહી ગઈ. તેને મારા બંને હાથ કચકચાવીને પકડી લીધા હતા. અને બે-ત્રણ વાર કુદકા મારીને પછી બોલી "વાઉ, જલ્દી બોલ."

"માધવી મારા શ્વાસના તાર તેના શ્વાસ સાથે જોડાયેલા છે. તે મારી હસીમાં, મારી ખુશીમાં, તે દરેક સ્થિતિમાં મારી સહભાગી છે, તે એક કસ્તુરી જેવો અહેસાસ છે. એક કસ્તુરીમૃગની નાભિમાં જ સુગંધ હોય છે અને તે પાગલ મૃગ તેને શોધતું બધે ફરી વળે છે. છતાં તેને કસ્તુરી નથી મળતી એ જ રીતે તે મારા ભીતર સમાયેલી છે. ખુશ્બુ રૂપે. તે મારા દિવસોનો ઉઘાડ છે અને તેના હોવાથી મારી રાતોનું અજવાળું છે. તેના વગર મારા રાત દિવસ અંધકારમય છે." હું એ અનુભૂતિનો સાક્ષાત્કાર કરતા બોલ્યો.

"કોણ છે તે ખુશ નસીબ?" માધવી હરખાતા બોલી.

"તું એને મારાથી વધારે જાણે છો."

"એ વળી કોણ? સિમ્પલ કે પછી પેલી ૯૦ કી.ગ્રા.વાળી પ્રોફાઈલ ગર્લ?" માધવી મારી ખીચાઈ કરતી બોલી.

"ના.."

"તો નિરાલી, દિપાલી, કવિતા, સવિતા, શીલા, જીગી, નૈયું, રીંકલ" તે પોતાના બાળપણથી માંડીને અત્યાર સુધીની બધી જ ફ્રેન્ડ્સના નામ બોલી રહી હતી.

"માધવી કસ્તુરી ભીતર છે અને તું તેને બહાર શોધી રહી છો." મેં તેના હાથ જરા પ્રેમથી દબાવતા કહ્યું.

"તે વળી કોણ? કસ્તુરી? એવું તો કોઈ નથી." તે હસીને બોલી.

"માધવી તને લાગે છે કે હું મારી પ્રેયસીને હંમેશા ખુશ રાખી શકીશ?"

"હા હવે, તું અગાથા ક્રિસ્ટી નથી. ચાલ હવે સસ્પેન્સ ખોલ." માધવી ઓર્ડર કર્યો.

"લકી એક મિનિટ પ્લીઝ... સ્ટોપ..."

"શું થયું સિમ્પલ?" લકી કારનો દરવાજો ખોલીને ઉભો રહ્યો.

"મારે માનવને અને માધવીને થેંક યુ કહેવું છે. તેણે આપણા માટે આટલું બધું કર્યું છે." સિમ્પલ ગાડીમાંથી બહાર નીકળતા બોલી

"આમ પણ આપણે અહીંથી જઈને હનીમુન માટે ચાલ્યા જવાનું છે. આપણે તેને થોડા દિવસ નહીં મળી શકીએ." લકી સરપ્રાઈઝ આપતા બોલ્યો.

"વાઉ તે મારા માટે આટલુ બધુ પ્લાન કર્યું છે." સિમ્પલ રાજી થતા બોલી.

"આપણા માટે. ચાલ હવે જઈએ." લકી અને સિમ્પલ દોડીને માધવી અને માનવ પાસ પાસે ગયા. માનવની પોઝિશન જોઈ બંનેને ખબર પડી ગઈ હતી કે તે માધવીને પ્રપોઝ કરવાનો છે. તેથી તેઓ ચોર પગલે જઈને તેમની પાછળ ઊભા રહી ગયા. જેથી તે લવબર્ડને જરાય પણ ખલેલ ન પહોંચાડે.

***

"હવે બોલને માનવ. તું બહુ ભાવ ખાય છો." માધવી હર્ષાવેશમાં બોલી.

"માધવી મારી કસ્તુરી બીજી કોઈ નહીં પણ..." મારું ગળું સુકાવા લાગ્યું, હિંમત એ જરાય સાથ ન આપ્યો. જીવનમાં કેટલી પણ આવી અજબ પરિસ્થિતિનો સામનો નથી કર્યો. આ સ્થિતિને શું કહેવી તેનો પણ ખ્યાલ નથી. તેને વર્ણવવા માટે મારી પાસે શબ્દ નથી.

"પણ... પણ શું? માધવી બોલી.

"માધવી મારા શ્વાસની સુગંધ, મારા જીવનનું અજવાળું, મારી કસ્તુરી બીજું કોઈ નહીં 'તું' છો આઈ લવ યુ માધવી. વિલ યુ મેરી મી?" અઠવાડિયા પહેલા ખરીદી રાખેલ ડાયમંડ ગોલ્ડન રીંગ તનીષ્કના સ્ટાઈલીશ બોક્ષમાં હતી. મેં તેને ઓપન કરી માધવીના હાથમાં મૂકતા કહ્યું. પાછળ ઊભેલા સિમ્પલ અને રાજી થઈને એકબીજાને ભેટી પડ્યા અને માધવીની પ્રતિક્રિયાની રાહ જોવા લાગ્યા. લકી અને સિમ્પલે ફિંગર ક્રોસ કર્યાં.

માધવી થીજી ગયેલા બરફ સમાન ઊભી હતી. તેના ચહેરા પર સંવેદનાહીન રુક્ષતા આવી ગઈ હતી. તેના હાથમાંથી રીંગ પડી ગઈ અને આંખોમાંથી હીરા.

"માનવ તું ચાહે છે હું ખુશ રહું?"

"હા માધુ, અફકોર્સ."

"માનવ, તું મને કેવી રીતે બધી ખુશી આપીશ માનવ. હું તને મારો બેસ્ટ ફ્રેન્ડ માનતી હતી પરંતુ તું.... મેરેજને તો શું ફ્રેન્ડશીપને પણ લાયક નથી. તું ચાહે છો કે તારી સાથે મેરેજ કરી ને મારી જીંદગી બરબાદ થઈ જાય. તું માત્ર સ્વાર્થી માણસ છો. માનવ તું મારા લાયક નથી. આ વિચાર પણ કેમ આવ્યો તારા મગજમાં? તારી લાયકાત શુ છે કે તું મને પ્રપોઝ.. હું સાવ નોર્મલ છોકરી છું અને તું એક ...." માધવી પોતાનું વાક્ય જાણી જોઇને અધુરુ મૂકી દીધું. તે ગુસ્સામાં હતી. તેણે એક જાટકે પોતાનો હાથ છોડાવ્યો અને ચાલવા લાગી. ન તો માધવી ઉભી રહી, ન તો માનવે તેને રોકી. લકી અને સિમ્પલ સ્તબ્ધ ઉભા હતા. લગ્નનું વાતાવરણ શોકમય બની ગયું.

"માનવ..." લકી અને સિમ્પલ એક સાથે બોલ્યા.

"આઈ એમ ઓલરાઈટ." મેં ડાયમંડ રીંગને ને વાસી રોટલાના ટુકડા ની માફક ફેંકતા કહ્યું.


Rate this content
Log in