Quotes New

Audio

Forum

Read

Contests


Write

Sign in
Wohoo!,
Dear user,
સ્મિતનું આલિંગન
સ્મિતનું આલિંગન
★★★★★

© Falguni Parikh

Inspirational Others

4 Minutes   14.6K    15


Content Ranking

જિંદગી કશું નહી પણ

જન્મ મરણ વચ્ચેની વાર્તા છે!

સર્જનહારની શ્રેષ્ઠ ભેંટ-આપણી વસુંધરા છે! આ વસુંધરાને નવપલ્લવિત કરે છે આપણા વૃક્ષો, વનલતાઓ, ફૂલો, છોડો. પાનખરમાં દરેક વૃક્ષોનો અસબાબ લૂંટાઇ જાય છે! ગ્રીષ્મની ગરમીથી બધા બેહાલ બને છે. વર્ષાનું આગમન એ બધામાં નવો ઉલ્લાસ ભરે છે, અંકુરો, કુંપળો ફૂટે છે. જેનાથી વસુંધરા નવપલ્લવિત બને છે જાણે લીલા રંગનું પાનેતર ધારણ કર્યું!

હું (ફોરમ) રોજ વહેલી સવારે ચાલવા જાઉં ત્યારે મારા રૂટિન રસ્તા પર એક ખખડધજ વૃક્ષને મૃતઃપ્રાય હાલતમાં જોતી, વિચારતી - આજે એનો અસબાબ લૂંટાઇ ગયો છે, કોઈ એની તરફ નજર કરતું નથી. કોઇને તેનો સાદ, તેની વ્યથા દેખાતી નથી? કેમ? કેમ કે માનવી એટલો સ્વાર્થી, મતલબી, નિષ્ઠુર છે - એનો મતલબ પૂરો થાય પછી એ આગળ વધતો જાય છે, પાછળ રહી ગયેલા અવશેષો જોવાનો રસ નથી. આવા નિષ્ઠુર માનવીને એક જીર્ણ થયેલાં વૃક્ષની વેદના ક્યાં સંભળાય? એ એવા ત્રિભેટે આવીને ઊભો જે-તે વસુંધરા પર એની આવરદા કયારે પૂરી થઈ જશે કોઈ નથી જાણતું. એના દેહનો અસ્તોદય કયારે થઇ જશે?

મને યાદ છે એનો સુવર્ણકાળ - અમારા શહેરનો વિકાસ થતો હતો, તેની શોભામાં અભિવૃદ્ધિ કરવા મોટા પાયે 'વૃક્ષારોપણ' કરવામાં આવ્યું હતું. ખૂબ સન્માનીય વ્યક્તિના હાથે એ બધાનો સંબંધ દિવ્ય વસુંધરા સાથે કરાવાયો હતો! એ પછી થોડો સમય બધાની ખૂબ કાળજી રાખવામાં આવી હતી. ધીરે ધીરે એ બધા યુવાન બની ગયા.

આ બધા પર યૌવન આવતાં વસંતમાં બધા સોળે કળાએ ખીલી ઊઠયા હતા! સમીર સાથેના મંદ-મંદ સ્પંદનોના સ્પર્શના મધુર રણકારથી સૂર સ્પતકના નાદ જાગતા હતા. પહેલી વખત એને કુસુમનો સ્પર્શ થયો- મ્હોર મહેંકી ઊઠયા.એ પ્રિયતમની માફક નીખરી ઊઠયો-ઘટાદાર વૈભવ અને મલકતી ઉંચાઇ એને સૌંદર્ય બક્ષતું હતું! ચોમાસામાં વરસાદની બૂંદો જાણે એને આલિંગન ભરતા- એનું રોમેરોમ મ્હેંકી ઊઠતું!

હું રોજ એના વિકાસની સાક્ષી(સવારે)બનતી હતી. ઘેઘૂર લીમડાના વૃક્ષ પર પંખીઓનો કલરવ સવારની શોભા વધારતો હતો!ટાઢ,તડકો, વરસાદ સહન કરી બધાને ઠંડક આપતો.મુસાફરો એની છાયામાં ઘડીક આરામ ફરમાવતા, વસુંધરાનું સંતુલન જાળવતો,હવાને પ્રદુષણ મુક્ત કરતો હતો!તેના ફળ - લીંબોળી પાકતી-પંખીઓનો ખોરાક બનતી.કહે છે- લીમડાની છાલ,પર્ણો,ફળ,ખૂબ ઉપયોગી છે.આવા કલ્પવૃક્ષ સમાન લીમડાને ચોમાસું આવતા તેની ફેલાયેલી શાખાઓ પર કુહાડીના અસંખ્ય ઘાવ ઝીલવા પડતા-તેની શાખાઓ કોઇને નુકસાન ના કરે એ માટે-ખુદ એ ઘાવની વેદના સહન કરતો.એ વેદના સાંભળનાર કોઈ નહોતું.

એના યૌવનનો વૈભવ અનોખો હતો, સમય જતાં પ્રદુષિત વાતાવરણ, હવામાનમાં ફેરફારની અસર તેના પર થવા લાગી.ધીરે ધીરે ક્ષીણ થવા લાગ્યો, તેનું અસ્તિત્વ ક્યારે નામશેષ થઈ જાય એની મને અને એને ખબર નહોતી.

એના નિસાસા મને સંભળાતા, જાણે કહેતા - મારે મૃત્યુ નથી જોઈતું, હું સદા 'ઘેઘૂર લીમડો' બની જીવવા માગું છું. આ સ્વાર્થી માનવીના હાથે કયારે કપાઇ જશે એની ખબર નથી. રોજ સવારે સૂરજના કિરણો એક નવી આશા આપતા હતા અને સંધ્યા ઘોર નિરાશા આપતી હતી.

મોર્નિંગ વોક માટે આવનારા બધા લીમડા તરફ ઉપહાસ ભરી નજરે જોઈ આગળ વધી જતા હતા. તે નિઃશબ્દ બની ઉભો રહેતો, એના સાથીઓ એની અવદશા પર ઉપહાસ કરતા ત્યારે એ વિચારતો - કેવી છે આ દુનિયા? બીજાના દુ:ખથી કેટલી ખુશ થાય છે! એમને કેમ ખબર નથી આજે યુવાની છે એમને પણ ઘડપણ આવશે, એમની હાલત મારા જેવી બનશે ને?

હું નમું છું બધાની સામે,

કેમકે મારે વટ નહી સંબંધ જોઇએ છે!

દુ:ખના વાદળો વધુ સમય રહેતા નથી, સુખની હેલી વરસે છે! એક દિવસ હું સવારે ત્યાંથી પસાર થઈ, મેં જોયું - એ લીમડા નીચે એક ચ્હાની લારી ગોઠવાઈ હતી. પ્લાસ્ટિકનો શેડ બનાવી કોઈએ લારી લગાવી હતી. એના જાડા થડ પર ખીલા મારી એ શેડ ઊભો કર્યો હતો. મને એ જોઈ અનુકંપા જાગી, મારી એ અનુકંપાની મૂક ભાષા કદાચ લીમડાએ વાંચી લીધી હતી. મને એહસાસ થયો - એ ખીલાના ઘાવથી પીડાય છે, હું અસહાય બની રહી.

ચ્હાના-કપ રકાબી, નાસ્તાની ડીશોનું ધોયેલ પાણી એ લારીવાળો લીમડા પાસે ઢોળતો હતો. ચીકાશવાળું પાણી લીમડાને ત્રસ્ત કરતું હતું. પરંતુ અહીં એક ચમત્કાર થયો હતો. ચ્હાના કૂચા અને ધોયેલા વાસણોનું પાણી પડવાથી વસુંધરા તરબોળ થવા લાગી, કૂચારૂપી મળતાં ખાતરથી લીમડાના વૃક્ષમાં ફેરફાર થતો લાગ્યો.

ભીના સ્નેહથી એ નિરાશામાંથી બહાર આવી નવપલ્લવિત થવા લાગ્યો. તેના ક્ષીણ થયેલ શરીરમાં નવચેતનનો સંચાર થયો. તેના જીવનની અધૂરપતામાં મૃદુતાથી રંગભરી તેની કાયાપલટ કરી હતી - એ ચ્હાવાળા ભાઇએ. એને નવા પર્ણો આવ્યા, ફરી યુવાન બની ગયો. એના સાથી એનો વિકાસ જોઈ કદાચ અદેખાઈ કરતા હશે.

મારી ખુશીનો પાર નહોતો. ઊડી ગયેલા મહેમાનો ફરી વસવાટ કરવા આવ્યા ત્યારે એનું રોમેરોમ પુલકિત થઇ ગયું!

શહેરની વસ્તીવધારાને કારણે ટ્રાફિક જામ થતો હતો, એના નિવારણ માટે ફોરલેન રસ્તા બનાવવાનો નિર્ણય લેવાયો. એ માટે રસ્તાની બંને બાજુના ઊગેલા વૃક્ષોનું છેદન કરવાનું નક્કી થયું.

વૃક્ષોના છેદન? એ સાંભળી એમના દિલ તડપી ઊઠ્યા. હું વિચારતી રહી કે આ કેવી પ્રગતિ સાધી રહ્યા છે આપણે? ઊગેલા વૃક્ષોને જમીનદોસ્ત કરવા એ પ્રગતિ છે? તેમની વેદના, મનોદશા કોને કહે? એમનો કોઈ યુનિયન નેતા નહોતો કે એમના વતી દલીલો કરે. મેં ચ્હાવાળા ભાઇને વાત કરી, એમને વિરોધનો સૂર પૂરાવ્યો. સાથે સાથે ત્યાં ચ્હા પીવા આવનારા બધાએ વિરોધનો સૂર પૂરાવ્યો - વૃક્ષોના છેદન કરવા દેવામાં નહી આવે.

પરંતુ શહેરી વિકાસ યોજના અંતર્ગત કોઇની વાત માનવામાં નહીં આવી,એમના છેદન શરૂ થઈ ગયા,એમના પર થતાં કુહાડીના પ્રહાર-તેમના ચિત્કાર દૂર સુધી સંભાળતા હતા.હારબંધ ઊગેલા વૃક્ષો જમીનદોસ્ત થવા લાગ્યા.

ઘેઘૂર લીમડાને અમે બચાવવા માંગતા હતા, એ માટે અમે લેખિત અરજી કલેકટરશ્રીને આપી. ચર્ચાઓ થઈ-સુનવાઇ થઈ -આખરે અમારી જીત થઇ. એ લીમડાનું છેદન કરવામાં નહીં આવે - એ ફોરલેન બનતાં રસ્તાની વચ્ચે આવતું નહોતું. અમે બધાં ખુશ હતાં. બીજે દિવસે ત્યાંથી પસાર થઈ ત્યારે લીમડા પાસે પહોંચી તેના મજબૂત થડ પર મૃદુતાથી હાથ ફેરવ્યો - અચાનક ઉપરથી મારા પર પાંદડાંનો વરસાદ થયો! હું આશ્વર્યથી જોઈ રહી - ચ્હાવાળા ભાઇ બોલ્યા - મેડમ! એ તમારા પર પર્ણો વરસાવી પોતાનો આભાર પ્રગટ કરે છે! તેના સાથીઓના છેદનને હું રોકી ના શકી એનો અફસોસ મને થયો. પરંતુ ઘેઘૂર લીમડો બચી ગયો એ ખુશીની વાત છે. રોજ સવારે ત્યાંથી પસાર થાઉં ત્યારે - લીમડો મારા પર પર્ણો વરસાવી તેના 'સ્મિતનું આલિંગન' મને આપે છે!

વૃક્ષ લીમડો વસુંધરા વાર્તા

Rate the content


Originality
Flow
Language
Cover design

Comments

Post

Some text some message..