Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bharat M. Chaklashiya

Thriller Drama

3  

Bharat M. Chaklashiya

Thriller Drama

માથાભારે નાથો 16

માથાભારે નાથો 16

13 mins
711



 નરશીના હીરાનું પર્સ પોતાની બેગમાંથી ગુમ થયેલું જોઈને મગનને તે પર્સ આ ફટીચર બેગમાં રાખવા બદલ પારાવાર પસ્તાવો થયો.

 "કોણે લીધું હશે ? નાથો, રમેશ અને જેન્તી...આ ત્રણમાંથી જ કોઈ એક હોવો જોઈએ....નાથો તો ન જ હોય, મારો જીગરજાન દોસ્ત છે, જરીક વાછૂટ કરી હોય તો પણ મને કહ્યા વગર ન રહે એવો નાથો, મારી બેગમાંથી છાનામાના દસ હજાર રૂપિયા અને હીરા લઈ લે તો તો, આ દુનિયામાં કોઈ દોસ્ત બીજા દોસ્ત ઉપર ક્યારેય ભરોસો નહીં કરે..અને હીરા લઈને એ શું કરે ? એને તો અમથા'ય હીરા નથી ઘસવા.. પૈસા જરૂર કમાવા છે..પણ કોઈ ખોટું કામ એ ન જ કરે..આજે જ ચમેલી માટે એણે કડક શબ્દોમાં કેવું કહી દીધું ? " મગનને એકાએક ચમેલી યાદ આવી ગઈ. 


 "એ ભોળી છોકરી મને દિલ દઈ બેઠી છે, શું જોઈને એ મને પ્રેમ કરતી હશે ? મારો ચહેરો તો કંઇ એવું આકર્ષણ ધરાવતો નથી.. મારો દેખાવ તો સાવ લઘરવઘર છે, ક્યારે આ કપડાં સિવડાવ્યા હતા ? માવજીના લગ્ન થયા ત્યારે એના કપડાં સાથે એ મારી માટે પણ આ બે જોડી કાપડ લાવેલો, અને બીજી બે જોડી તો એની ઉતરેલી મને પહેરવાં આપી હતી."

મગનને એનાથી મોટાભાઈ માવજી ના લગ્ન યાદ આવ્યાં.


"ગરીબીનો આ દરિયો તરી જવાય એવું એક તણખલું મળી ગયું હતું , એ પણ તેં રહેવા ન દીધું.."મગને ભગવાનને કહેવા માંડ્યું.

''પણ, એ તો અમથુ'ય ક્યાં તારું હતું..એ તો નરશીને પાછું આપી દેવાનું નહોતું ?" અંદરથી એક અવાજ આવ્યો.


"હા, પાછું જ આપી દે'ત.પણ આટલો કિંમતી, દસ લાખ રૂપિયાનો માલ નરશીને પાછો આપ્યો હોત તો એ ક્યાંક ધંધામાં સાથ આપત.. અને એની વહુ..ઓહ શું નામ હતું એનું ? કોને ખબર..એનું નામ પૂછવાનો ક્યાં સમય જ રહ્યો હતો ! તે દિવસે મળી ત્યારે પણ આ નાથીયાએ ઘડીક ઉભો ન રહેવા દીધો..હા, વલ્લભનગરમાં રહે છે..ઇ બધું માય ગયું..પણ આ પર્સ કોણ લઈ ગયું હશે ? રમેશ ? ના ના રમેશ તો બિચારો શિક્ષક છે, એને હીરા સાથે નાવા નિચોવવાનો પણ સબંધ નથી,તો હવે આ સાલો જેન્તીયો બાકી રહ્યો..એ જ હોવો જોઈએ.. તે દિવસે રમેશને કેટલી વાર એણે કીધું હતું કે યાર તમે મને હીરા એકવખત બતાવ્યા હોત તો સારું હતું...એને ખૂબ અફસોસ થતો હતો.. રમેશે આ બગલઠેલામાં હીરા સંતાડયા હતા અને પોતે રોજ લાખો રૂપિયાના હીરાની સાવ બાજુમાં જ સૂતો હતો પણ ખબર નહોતી..એમ આ જેન્તીયો હરામી સાલો...એણે જ ખાંખાંખોળા કરીને મારી બેગમાંથી એ પર્સ લઈ લીધું હશે ?હા એ હોવો જોઈએ.


સાલો એની બૈરીને મળવા ગામડે ગયો છે..હીરાનું એ પાર્સલ સાથે લઈ ગયો હશે ? લગભગ એના બનેવીને જ આપી દીધું હોય..હવે સવાર સુધી તો રાહ જોવી જ પડે, 

નાથાને કહેવું પડશે.. નાથાથી આ વાત મેં છુપાવી હતી એ જાણીને એ ખૂબ ગુસ્સે થશે..કેટલુંય લેક્ચર ઝાડશે સાલો.. મફતનું લેવામાં આમ જ થાય ને તેમ જ થાય...

સાલું સતવાદીનું પૂછડું છે.."


 મગને બેગ બંધ કરીને પાછી માળીયામાં મૂકી. હવે ઊંઘ તો આવવાની જ નહોતી.. ઘડિયાળમાં જોયું તો રાતના સાડા ત્રણ થયા હતા... તે ટોયલેટ જવા બહાર નીકળ્યો. રૂમના બફારામાંથી બહારની ઠંડક એને સારી લાગી. ધાબા ઉપર જવાનું એને મન થયું.

 ટોઇલેટમાંથી બહાર નીકળીને એ ટેરેસ પર જવા પગથિયાં ચડ્યો.


પહેલા માળ પર જેન્તીનો બનેવી, આ મકાનનો માલિક છગનલાલ રહેતો હતો. ધીરેથી ટેરેસનું બારણું ખોલીને મગન ટેરેસમાં આવ્યો.

 ચોમેર નીરવ શાંતિ છવાયેલી હતી.

"કેવું ઊંઘે છે આ આખું શહેર ! હમણાં જ જાગીને બધા જ લોકો પોતાના ઘરોમાંથી નીકળી પડશે....પૈસા કમાવા માટે જીવનભર દોડતા રહેવાનું.. યંત્રવત ! દરરોજ સવારે ઉઠીને સાંજ સુધી બસ કામ જ કર્યા કરવાનું.. બધા જ દિવસ એક જ સરખા ઊગીને આથમી જાય..માણસ જિંદગીનો એક એક દિવસ ઓછો કરતો જાય. આખી જિંદગી કોઈ પણ જાતના ધ્યેય વગર, બસ

ખાવા માટે જ ઢસરડો કરીને મરી જાય. જંગલના પ્રાણીઓ ખોરાક શોધવા જેમ નીકળી પડે એમ આ માણસ પણ એમ જ રોજ ખોરાક શોધવા જ નીકળી પડે છે ને ! શું કામ જીવવાની આવી જિંદગી ? કોઈનું મારી લેવું. કોઈને છેતરી લેવા. પૈસા માટે એકબીજાના જીવ લેતો માણસ આખરે પૈસા મેળવીને પણ સુખી થાય છે ખરો ? જો પૈસાથી જ સુખચેન મળતાં હોત તો ઝૂંપડપટ્ટીનો માણસ ક્યારેય હસી શકેત નહિ" ટેરેસની પારાફિટ પાસે ઉભો રહીને મગન વિચારી રહ્યો. કેટલાક ભાડુતો નીચેની રૂમોમાં થતા બફારાથી બચવા ધાબે સુતા હતા..નિરાંતે સુઈ રહેલા આ લોકોની મગનને ઈર્ષા થઈ.."મૂળ તો પૈસા જ ઊંઘ ઉડાડે છે..જો પેલું પાકીટ મને મળ્યું જ ન હોત તો..તો હું પણ આમ જ ઊંઘતો હોતને.."


  આખરે કંટાળીને એ નીચે જવા પાછળ ફર્યો. ટેરેસના દરવાજા પાસે કોઈ ઉભું હતું. મગન થોડી વાર એને જોઈને ખચકાયો...

''કોણ...કોણ છે ત્યાં..?" મગને ધીરેથી અવાજ કર્યો..પેલો વ્યક્તિ તરત જ દાદર ઉતરી ગયો. મગન ઝડપથી એની પાછળ દોડ્યો.


ફટાફટ દાદર ઉતરીને એ કાંતાની ગેલેરીમાં આવ્યો.ગેલેરીમાં જે લેમ્પ હતો એ કોઈએ બંધ કર્યો હતો. "હું ઉપર ગયો ત્યારે એ લેમ્પ ચાલુ જ હતો, મને ખાસ ખબર છે, રાત્રે એ ગેલેરીમાં કોઈને આવવું જવું પડે તો અંધારું ન પડે એટલે એ લેમ્પ ખાસ રાખવામાં આવ્યો હતો. પણ એની સ્વીચ એ લેમ્પની નીચે જ હોવાથી ચોરી છુપીથી આવનાર વ્યક્તિએ એ લેમ્પ બંધ કર્યો હોવો જોઈએ. આ પહેલા નાથાએ કાંતાની રૂમમાંથી નીકળતા એના પ્રેમીને આ જ ગેલેરીમાંથી ભાગતા જોયો હતો. રાત્રીના સમયે ચોર લોકો આરામથી મકાનની અંદર ઘુસી શકે છે..ખરેખર આ ગેલેરીના આગળના ભાગમાં લોખંડની ગ્રીલ હોવી જોઈએ.."

મગને હાથ ફંફોસીને એ લેમ્પ નીચેની સ્વીચ શોધીને લેમ્પ ચાલુ કર્યો..ગેલેરીમાં કોઈ જ નહોતું. મગને પાછા આવીને પોતાના ચપ્પલ પહેર્યા અને બહાર નીકળ્યો

શેરીમાં વાહનો પાર્ક કરેલા હતા, "કોઈ વાહનની ઓથે ચોર લપાઈને બેઠો હશે..? એ ધાબા પર શું કામ આવ્યો હશે..? મને ત્યાં ઉભેલો જોઈને એ દરવાજામાં ઉભો રહી ગયો હોવો જોઈએ. એ કદાચ એમ સમજ્યો હોય કે હું ધાબે જ સૂતો હઇશ, એટલે એ, હું સુઈ જવ એની રાહ પણ જોતો હોય એમ બને..સાલો આવો કોઈ ચોર તો મારી બેગમાંથી હાથફેરો નહીં કરી ગયો હોય ને !" છેવાડાની આ સોસાયટીઓમાં ખૂબ ચોરીઓ થતી હોવાનું મગને સાંભળ્યું હતું.


 ઘણીવાર સુધી મગન ઓટલા પર ઉભો રહ્યો.સોસાયટીની મેઈન બજાર ખૂબ જ લાંબી હતી. દરવાજામાંથી એક જ સીધી બજાર પડતી અને એમાં બે બે ગાળા પછી આડી બજારો હતી. દરેક બજારમાં સામસામે કોમન દિવાલોથી જોડાયેલા હારબંધ ગાળાટાઈપ મકાનો આવેલા હતા અને આ દરેક મકાનોની ટેરેસ કોમન હતી. એટલે કોઈ પણ એક મકાનની અગાસીમાંથી બીજા કોઈ પણ મકાનમાં જઇ શકાતું. પણ વચ્ચે કેટલાક મકાનોમાં પહેલો માળ બનાવેલો હતો. ત્યાં આગળ આ કોમન ટેરેસ અટકી જતી.

 છગનલાલનું મકાન જે શેરીમાં હતું એ શેરીના મોટાભાગના મકાનમાં પહેલો માળ બાંધી લેવામાં આવ્યો હતો.એટલે પહેલા માળ પરની ઘણી ટેરેસો કોમન થઈ ગઈ હતી. પેલા વ્યક્તિની પાછળ જવાનો કે એને શોધવાનો કોઈ અર્થ નહોતો. પણ મગનને હવે ચોથો વિકલ્પ પણ મળ્યો હતો. કદાચ ચોરી પણ થઈ હોય તો જેન્તી ઉપર શક કરવો યોગ્ય નહોતો.

 મગને પાછા આવીને પથારીમાં લંબાવ્યું.

"ક્યાં આંટો મારી આવ્યો ? ઊંઘ નથી આવતી..?" નાથાએ પૂછ્યું.

"તું જાગે છે ?" મગનને નવાઈ લાગી.

"ના, ઊંઘમાં જ પૂછું છું..તું બારણું ખોલીને બહાર ગયો ત્યારે હું જાગી ગયો'તો. તું ટોઇલેટમાંથી ધાબા પર ગયો હોય એવું મને લાગ્યું હતું. પછી તું થોડીવારે પાછો આવ્યો અને પાછો ઉપર ગયો..

એટલે મને એમ થયું કે ભાઈને ઉંઘ આવતી લાગતી નથી.."


"શું..? હું પાછો નીચે રૂમમાં આવ્યો હતો એમ તું કેછ ? હું તો આવ્યો જ નથી..નક્કી પેલો જ હોવો જોઈએ..નાથા..હું ઉપર ટેરેસમાં પેરાફિટ પાસે ઉભો હતો ત્યારે કોઈ મારી પાછળ આવ્યું હતું..અને ટેરેસના દરવાજા પાસે ઉભું હતું.


મેં કોણ છે એમ પૂછ્યું એટલે એ ભાગ્યો અને ઘડીકમાં તો અલોપ પણ થઈ ગયો..જતી વખતે કે પછી આવતી વખતે એણે ગેલેરીનો લેમ્પ બંધ કર્યો હોવો જોઈએ, અને હું ઉપર ગયો ત્યારે એ ચોર આપણી રૂમમાં આંટો મારી ગયો.. અને તું સમજ્યો કે હું પાછો આવ્યો છું..'' મગને ઉભા થઈને લાઈટ ચાલુ કરી..

"આપણી આ ભૂખડી બારશ રૂમમાં અજવાળે પણ કંઈ મળે એમ નથી, તો એ બિચારાને અંધારે શુ મળે, કંટોલા ?" નાથાએ આંખો ચોળતા ચોળતા કહ્યું.

 નાથાની વાતનો શુ જવાબ આપવો મગનને સુજ્યું નહીં. થોડી વાર એ નાથાને તાકી રહ્યો, પછી પથારીમાં બેસી પડ્યો.

"આપણી રૂમમાંથી ખૂબ જ મોટી ચોરી થઈ છે નાથા..લગભગ દસ લાખથી પણ વધુ રૂપિયાનો માલ અને દસ હજાર રૂપિયા રોકડા.."

મગને માથે હાથ મુકતા કહ્યું.


 મગનની વાત સાંભળીને નાથો હસી પડ્યો.."બેટા, મગન..હવે તું જાગી ગયો છું..દીકરા તારું સપનું પૂરું થયું છે,હે ચીંથરેશ્વર મહારાજ આપ આપની ફાટેલી ગોદડી, અને ચોળાયેલા બાલોશિયામાં પોઢી જાવ..હવે..! દસ લાખ રૂપિયામાં કેટલા મીંડા આવે ઇ પણ કોઈ 'દિ વિચાર્યું નહીં હોય, અને આ પૃથ્વી પર અવતાર ધર્યો એને બાવીસ વર્ષના વ્હાણા વાયા,પણ આ આંખોએ કોઈ દિવસ એક હજાર રૂપિયા પણ સાથે નથી જોયા..અને મહાન મગન મહારાજ તમે દસ હજાર રોકડાની વાત કરો છો..પ્રભુ ભાનમાં આવો..અને આ વીજળી ના દીપકને બુજાવીને ગોદડીમાં ગરી જાવ..બાપા.."નાથો મગનની વાત સાંભળીને હસવું રોકી શકતો નહોતો.


"હું સાચું કહું છું..નાથીયા..મારી બેગમાં દસલાખના હીરા અને દસ હજાર રૂપિયા રોકડા હતા.."

 નાથાએ રમેશને જગાડ્યો..

"ઉઠ એ..માસ્તર.. આ મગનાનું ફટકી ગયું છે..એની બેગમાંથી કોક દસ લાખના હીરા ચોરી ગયું...હે હે હે..હી..હી..હી..દસ હજાર રૂપિયા રોકડા..અલા એઇ રમલા...તારો પગાર કેટલો છે..? આઠસો રૂપિયા મહિને... અહીં તો ટાઢા પહોરમાં હજારોની અને લાખોની વાતું થાય છે..ઉઠ..ઉઠ..હાળા ઊંઘણશી.."

નાથાએ રમેશને જગાડ્યો..

 "શું છે..અલ્યા તમારે બેયને..યાર છાનીમાનીના સુઈ જાવને..મારે વહેલા ઉઠવુ પડે છે,તમારી જેમ નવરી બજાર નથી હું..."રમેશે આંખો ચોળતા ખીજવાઈને કહ્યું.

"નાથીયા...તારી જાતના..હું સાચું કહું છું..નરશી માધાની વાત તેં સાંભળી'તી ને ?આપણે એને મળવા ગયા ત્યારે એ બોલેલો...

યાદ છે ? એ કહેતો હતો કે મારું પર્સ કોક લઈ ગયું છે..એમાં દસ લાખના હીરા હતા..એ પર્સ મારા હાથમાં આવી ગયું'તું..અને મેં આ માટી ફાટલ તૂટલ બેગમાં મૂક્યું હતું પણ કોઈ આવીને ચોરી ગયું..અને એટલે જ મને ઊંઘ નહોતી આવી, અને હું એટલે જ ધાબે ઠંડો પવન ખાવા ગયો'તો.. ત્યાં ફરી વખત કોઈ ચોર આપણી રૂમમાં અત્યારે જ આવ્યો હતો..અને એ મારી પાછળ ટેરેસમાં આવ્યો હતો..પણ મેં એને જોઈને રાડ પાડી..એ દાદર ઉતરીને ભાગ્યો.હું એની પાછળ આવ્યો..પણ ઘડીકમાં એ સાલો ક્યાં અદ્રશ્ય થઈ ગયો એ ખબર જ ન પડી.."


 મગનની વાત સાંભળીને હસવા માટે ખૂલેલું નાથાનું મોં ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું..! રમેશની ઊંઘ સાવ ઉડી ગઈ..

 "હેં..એં... એં... મગના..તું સાચું કહે છે..? ઇ પાકીટ તારા હાથમાં આવ્યું'તું..? તો તેં મને કીધું કેમ નહીં..?તને એમ હશે કે નકામો હું

ભાગ માગીશ.."

"બસ કર..નાથીયા..એક પણ શબ્દ આગળ બોલતો નહીં.. નહિતર એક લાફો ખાઈશ તું.." નાથાને અટકાવતા મગને કહ્યું 

"અરે તારા વિશે હું એવું વિચારું..? બસ આવી જ ભાઈબંધી છે તારી,

કોઈ દિવસ મેં તને મારાથી જુદો ગણ્યો છે..? આવું બોલતા પહેલા થોડો વિચાર તો કરવો'તો..?"

"સોરી..મગન..મારી ભૂલ થઈ...

પણ ડફોળ કમ સે કમ એકવાર વાત તો કરવી'તી.. મારે દસ હજાર રૂપિયા જોવા હતા..યાર..મેં કોઈ દિવસ દસ હજાર રૂપિયા એક સાથે જોયા નથી..હવે માંડીને વાત કર..કઈ રીતે નરશી માધાનું પાકીટ તારા હાથમાં આવી ગયું..?"


 મગને મહિધરપુરા હીરા બજારમાં બનેલી આખી વાત કહી સંભળાવી

નાથો અને રમેશ વાત સાંભળીને 

સાવ ઉદાસ થઈ ગયા. જાણે પોતાનું રાજ હારી ચૂકેલા રાજાઓ

માથું ઝુકાવીને બેસી જાય એમ શાંત થઈ ગયા...ત્રણેયના મનમાં જો આમ થયું હોત તો તેમ કરેત અને તેમ થયું હોત તો આમ કરેત..

એવા વિચારો આવવા લાગ્યા.....

 "અક્કરમીનો પડિયો કાણો..! 

આપણા નસીબમાં દોલત નથી એ હવે સાબિત થઈ ગયું..હાથમાં આ

ખજાનો આવી ગયો હતો એ પણ હું સંભાળી ન શક્યો..નાથા હું એ 

માલ નરશી માધાને પાછો જ આપી દેવાનો હતો..પણ કદાચ એના નસીબમાં પણ નહીં હોય...

ચાલો હવે સુઈ જાવ બધા.."મગને 

નિરાશ થઈને પથારીમાં લંબાવ્યું.

નસીબે આપેલી હાથતાળી જોઈને એની આંખોમાં આવી ગયેલા આંસુ નાથો કે રમેશ જોઈ શકે એ પહેલાં એ પડખું ફરી ગયો.

 નાથો અને રમેશ પણ મ્લાન વદને

એકબીજા સામે જોઈ રહ્યા, હવે મગનને કઈ રીતે દિલાસો આપવો એ બેમાંથી એકેયને આવડતું નહોતું. નાથાએ ઉભા થઈને લાઈટ અને બારણું બંધ કર્યું.


 સવારે તૈયાર થઈને નાથો અને મગન કોલેજ જવા બસમાં બેઠા ત્યારે મગને નાથાને કહ્યું, "હેં નાથા, મારી બેગમાંથી હીરા કોણ લઈ ગયું હશે ? જેન્તીયા સિવાય બીજું કોણ હોય ? કે પછી ચોર આવીને ચોરી ગયો હશે ? "

"મને પણ એ જ વિચાર આવે છે, મગન કે આપણી રૂમમાં, તારી સૂટકેશમાં હીરા અને પૈસા છે એવી કોઈકને ખબર હોવી જોઈએ,હજુ બે ત્રણ દિવસ જ થયા હતાં..તને કોઈએ જોયો હોય..હીરા બેગમાં મુકતી વખતે એવું બને" નાથાએ કહ્યું.

"આપણે નરશી માધાને મળવા ગયા હતા,અને અખલાઓએ તને પણ ઘાયલ કર્યો હતો..એ રાત્રે મેં, તમે બધા સુઈ ગયા ત્યારે એ પર્સ મારી બેગમાં મૂક્યું હતું. ત્યારે જેન્તી કદાચ જાગતો હોય અને એ જોઈ ગયો હોય...પછી હું પણ સુઈ ગયો હતો ત્યારે એણે પર્સ તફડાવી લીધું હોય..અને સવારમાં એ કામે જતો રહયો'તો, પછી તે જ દિવસે રાત્રે ગામડે એની બયરી અને છોકરાને જોવા જતો રહ્યો..

એણે જ લઈ લીધું..હવે મને પાક્કું થઈ ગયું.."મગને ઉદાસ સ્વરે કહ્યું.

"બહુ નિરાશ ન થા.. અમથું'ય એ ક્યાં તારું હતું..અને જો કોઈ લઈ ન ગયું હોત તો હું એ પર્સ પાછું જ અપાવી દેવાનો હતો..એક રૂપિયો પણ એમાંથી હું તને વાપરવા દેત નહીં.. નાહકનો દુઃખી ન થા.." નાથાએ મગનનો હાથ પોતાના હાથમાં લઈને દબાવતા કહ્યું.

 "પણ એ નરશી માધાને આપણે પાછું તો આપી શક્યા હોત ને ! બિચારો બહુ મોટા નુક્શાનમાં આવી ગયો.." 

"એ કંઈ બિચારો નથી..જોયું નહીં તે'દી રાત્રે કેવો પાવર ઠોકતો હતો આપણી ઉપર..એ તો તેં મને પકડી રાખ્યો..નકર સાલ્લાને એક બે તો વળગાડી જ દેત.." નાથાએ કહ્યું.

 "ઠીક છે..હવે જેન્તીયો આવે પછી જોઈએ.." મગને કહ્યું. 


 એમ વાતો કરતાં કરતાં બેઠા હતા. દરરોજની જેમ મગને એનું જૂનું આછું કથ્થઈ રંગનું પેન્ટ અને ચેકસનો શર્ટ પહેર્યો હતો. એના વાળ લાંબા હતા એને તેલ નાખીને પાંથી પાડીને એણે ઓળેલા હતા.


મગનનું કપાળ પ્રમાણમાં મોટું હતું અને નેણ ઘાટા અને ભરાવદાર હતા.એ નેણ (આઈ બ્રો) નીચે મોટી મોટી ચમકદાર આંખો અને સપ્રમાણ નાક. પહોળી મો ફાડ ઉપર, મગન આછી મૂછો રાખતો.

એના ગાલ ખાસ માંસલ નહોતા કારણ કે એ જે પરિસ્થિતિમાં જીવતો હતો એ પરિસ્થિતિમાં ગાલનો વિકાસ થઈ શકે તેમ નહોતું. મગનને ખભા પહોળા અને હાથ લાંબા હતા.એ પોતે પણ બહુ ઉંચો પણ નહીં અને બહુ નીચો પણ નહોતો.પગમાં પહેરવા માટે એની પાસે નાથાની જેમ ભેંસના ચામડાના બુટ નહોતા. એ હમેંશા પણ માં સ્લીપર પહેરતો.સામાન્ય રીતે એ સાવ મુફલિસ દેખાતો પણ એની આંખમાં જુઓ તો એ આંખોની ચમક નીચે એનો દેખાવ ઢંકાઈ જતો હતો.ચમેલી, મગનની આ આંખો અને એની અસ્ખલીત  વાણીની વાકધારામાં ડૂબી હતી.

મગનનું વાંચન ખૂબ વિશાળ હતું.ગુજરાતી સાહિત્યની અનેક નોવેલો એણે વાંચી હતી.જુના પિક્ચરના ગીતોનો એ શોખીન હતો, કે.એસ.સાયગલ,મન્નાડે, મુકેશ, રફી અને કિશોરકુમારના ગીતો એ હમેંશા ગણગણતો રહેતો શમશાદ બેગમ, નૂરજહાં, ગીતા દત,લતા-આશા એમ દરેક સિંગરના દર્દભર્યા નગમાઓ એને ખૂબ પસંદ હતા.


 નાથો, મગન કરતા બે ઇંચ ઉંચો હતો.મગન કરતા એની આર્થિક પરિસ્થિતિ સારી હતી. એ હમેંશા સરસ કપડાં પહેરતો, ઇનશર્ટ કરીને એને બેલ્ટ પહેરવો ગમતો.પગમાં ભેંસના ચામડાના મજબૂત બુટ જ એને માફક આવતા.નાથાનો ચહેરો થોડો લાંબો હતો. એની આંખો ઝીણી હતી.મગનની જેમ એને લાંબા વાળ પસંદ નહોતા. કારણ કે એને માથામાં તેલ નાખવું ગમતું નહીં. આજે નાથાએ જિન્સનું પેન્ટ અને પ્લેન શર્ટ પહેરીને ઇનશર્ટ કર્યું હતું.નાથાનું પર્સ પહેલે દિવસે જ બસમાં ચોરાયું હતું.એટલે બીજું એક જૂનું પર્સ એ રાખતો. એમાં જે થોડા પૈસા હતા એમાંથી મગનનો પણ ખર્ચ એ ઉઠાવતો. મગન પાસે પૈસા બિલકુલ ન હોય એવું પણ ઘણીવાર બનતું. નાથાને એ વાતની ખબર હતી અને એટલે નાથો મગનને પચીસ-પચાસ રૂપિયા વાપરવા આપ્યા કરતો.


 યુનિવર્સીટીના ગેટ પર ઉતરીને બન્ને દોસ્તો કેમ્પસમાં પ્રવેશ્યા ત્યારે વિદ્યાર્થીઓનું ટોળું જમા થયું હતું. અને કોલાહલ મચ્યો હતો. માસ્ટર ડિગ્રીના કોમર્સ બિલ્ડીંગની ઓફિસમાં કંઈક બોલાચાલી થઈ રહી હતી અને એ તમાશો બધા જોઈ રહ્યા હતા..કેટલાક મોટે મોટેથી બરાડા પાડીને અંદર ચાલતા દંગલને વધુ ઉશ્કેરી રહ્યાં હતાં. મગન અને નાથો એ તરફ જવાને બદલે સીધા જ કલાસ રૂમ તરફ વળ્યા.

"ઓ..મગન..ટમે લોકો કાં જાવ છો,આજે લેક્ચડ નઠ્ઠી" ચમેલીએ બુમ પાડી.


 ચમેલી આજ જરા વધુ સુંદર દેખાતી હતી. એના કોરા અને છુટા વાળ ખભા પર વિખેરાયા હતા. આગળથી વાળનો એક ગુચ્છો એના ચહેરાને ઢાંકતો હતો. એણે યલો સ્લીવલેસ ટીશર્ટ અને નેવી બ્લુ ટાઈટ જીન્સ પહેર્યું હતું.અને એના માંસલ પગમાં મખમલ જેવી પોચી મોજડી પહેરી હતી.એની જાડી કમરને પરાણે બાંધી રાખવા મથતા બેલ્ટનો એક છેડો થોડો લાંબો હતો એને એમાં ઘણા બધાં રિવેટ મારેલા હોલ હતા.એટલે એને માફક આવે એ રીતે એ બેલ્ટ પહેરી શકતી.


"લ્યો.. કેજો કામ કાજ..અહીં સુધી લાંબા થયા અને લેક્ચર નથી, કેમ ? શું પહાડ તૂટી પડ્યો છે તે આજ નથી ભણાવવાના ?" નાથાએ ચમેલી સામે ડોળા કાઢ્યા.

"તારીનીબેન..અને ડવે સડ (દવે સર... વ્રજલાલ દવે, ડિન) વચ્ચે કંઈક બખેડો ઠયો છે..એ તાં આગડી.."ચમેલીએ વિદ્યાર્થીઓના ટોળા તરફ ઈશારો કરીને કહ્યું.

"શું વળી બખેડો થયો..ચાલ મગન,

કદાચ આપણી જરૂર ત્યાં પડશે.."

નાથાને રસ પડ્યો.

"હા, ચાલો જલડી.. મેં ક્યાડની તમાડા લોકોની રાહ જોટી છું..એ તારીની ડેસાઈએ માડા પપ્પાને બોલાવેલા ઉટા..ગઈ કાલે..અને તમાડા લોકોનું પન નામ લેટા છે.."

ચમેલીએ માહિતી આપી.


"હં..અં.. અં... અમારા લોકોનું શુ છે..?" મગને ચમેલીને પૂછ્યું.

"ટમે લોકો આવોની..."ચમેલી એમ કહીને આગળ ચાલવા લાગી.

 મગન અને નાથો એની પાછળ ચાલ્યા. એ બન્નેને જોઈને બીજા વિદ્યાર્થીઓએ જગ્યા કરી આપી. ડિન સાહેબ અને તારિણી દેસાઈ વચ્ચે જંગ છેડાયો હતો.


 ઓફિસની અંદર કંઈક બબાલ ચાલતી હતી. દરવાજામાં બરાબર વચ્ચેના ભાગમાં નાના દરવાજા હતા, જે ડોર ક્લોઝર વડે જોડાયેલા હોઈ આવતી જતી વખતે જ ખુલી શકતા. એ નાના દરવાજાને કારણે અંદરનું દ્રશ્ય જોઈ શકાતું નહોતું. માત્ર તારિણી દેસાઈની કમર નીચેનો ભાગ જ દેખાતો હતો.પણ જે બોલાચાલી થઈ રહી હતી એ સ્પષ્ટ સંભળાતું હતું !


 ગઈકાલે બગીચામાં જે બન્યું હતું એને કારણે તારિણી દેસાઈ ખૂબ જ અપસેટ હતા.જ્યાં એ ફરિયાદ કરવા જતાં ત્યાં એમને જીવન જીવી લેવાની તાકીદ કરવામાં આવતી. દવે સાહેબે પણ તારીણીના શરીર સૌષ્ઠવને વખાણ્યું હતું અને એ હજુ યુવાન હોવાનું યાદ દેવડાવીને પોતાની જીભ, હોઠ ઉપર ફેરવી હતી.

 ચંપકલાલ કાંટાવાળો પણ ખરા બપોરે પોતાને મળવા બોલાવવાનો અર્થ બરાબર સમજ્યો હતો ! અને એ બિચારો બનીઠનીને તારીણીને "મળવા"આવી પહોંચ્યો હતો.

 મગન જેવા મુફલિસ છોકરાઓ પ્રેમની માયાજાળ ફેલાવીને ચમેલી જેવી નાજુક અને નાસમજ(!) છોકરીઓને ફસાવી રહ્યા હોવાની ફરિયાદ કોઈ લેતું નહોતું, સમજતું નહોતું એ તારીણી બહેનથી હવે સહન થતું નહોતું.એટલે આ બાબતે ફરીવાર એ દવેને ફરિયાદ કરવા ગઈ હતી ત્યારે એની ફરિયાદ સાંભળવાને બદલે દવેએ શું કરશું હવે ? એમ કહીને "પેલી" વાત ફરી યાદ દેવડાવી હતી કે મિસ તારિણી તમે હજુ પણ કોઈને તારી દેવા સક્ષમ છો, અને જો તમને વાંધો ન હોય તો તમારા પ્રેમ સરોવરમાં હું ડૂબી મરવા પણ તૈયાર છું....

 અને તારીણી દેસાઈના મગજની કમાન છટકી હતી. ત્યારબાદ જે વાકયુદ્ધ જામ્યું એને કારણે આજના લેક્ચર કેન્સલ કરવામાં આવ્યા હતા.

 આ બબાલ, વિદ્યાર્થીઓને જે રીતે સમજાવી જોઈએ એ જ રીતે સમજાઈ હતી. અને એટલે વિદ્યાર્થીઓ પણ કેમ્પસમાં ટોળે વળ્યાં હતા.

 એ જ વખતે મગન અને નાથો ત્યાં પહોંચ્યા હતાં.


  તાબડતોબ સુરત છોડીને વતન ભેગા થઈ ગયેલા રાઘવને આમ એકાએક રૂમનો સમાન ભરીને પાછું આવતા રહેવાનું કારણ એના ગરીબ માબાપે પૂછ્યું ત્યારે એણે જણાવ્યું કે મારે હવે મુંબઈ જવું છે એટલે નીતા અને બાળકને સુરતમાં એકલાં રાખી શકાય નહીં.

પોતે મુંબઈમાં ઠરીઠામ થશે ત્યારે વહુ અને છોકરાને તેડી જશે.

      એના માબાપને આ કારણ શીરાની જેમ ગળે ઉતરી ગયું.હવે કોઈ વધુ પૂછ પરછ કરવાનું નહોતું.


રામા ભરવાડના તબેલામાં રાઘવને

જે દિવસો ગાળવા પડેલા એનો 

બદલો લેવાનું રાઘવે મનોમન નક્કી

કરી લીધું હતું.નરશી માધા સહિત

જે જે લોકોએ એને હેરાન કર્યો હતો એ તમામને પાઠ ભણાવવા એ તૈયાર થયો હતો.

( ક્રમશ:)


Rate this content
Log in

Similar gujarati story from Thriller