Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Prashant Subhashchandra Salunke

Tragedy

4.9  

Prashant Subhashchandra Salunke

Tragedy

રડવાથી હૈયું હળવું થાય છે

રડવાથી હૈયું હળવું થાય છે

3 mins
654


થોડાક વર્ષો પહેલાની આ ઘટના છે. મારી પત્ની દીપાને સારા દિવસો રહ્યા હતા. અમારા ઘરમાં ખૂબ જ ખુશીનો માહોલ હતો. વર્ષોની ઇંતેજારી બાદ અમારા ઘરમાં પારણું બંધાવાનું હતું. પરંતુ જાણે કુદરતથી અમારી ખુશી જોવાઈ નહીં હોય તેમ એક રાતે દીપાને અચાનક પેટમાં દુઃખાવો થવા લાગ્યો. તેની હાલત ખૂબ જ બગડતા તેને તાત્કાલિક અમારા ઘરની નજીક આવેલી હોસ્પિટલમાં ખસેડી હતી. દીપાની ટ્રીટમેન્ટ પહેલેથી જ આ ખ્યાતનામ હોસ્પિટલમાં ચાલતી હોવાથી તેને દાખલ કરવા માટે અમને કોઈ ઝાઝી વિધિઓ કરવી પડી નહીં. નર્સોએ આવીને દીપાને સ્ટ્રેચર પર સુવડાવી અને તેને ઝડપથી આઈ.સી.યુ.માં લઇ ગયા. થોડીકવાર બાદ ડોકટરે કહ્યું કે “તમારી પત્નીનો ગર્ભ ખસી ગયો હોવાથી અમારે તેનું તાત્કાલિક ઓપેરેશન કરવું પડશે.”

મેં ચિંતિત સ્વરે પૂછ્યું, “ડોક્ટર, કોઈ ચિંતા જેવી બાબત તો નથી ને?”

ડોકટર, “ડોન્ટ વરી અમે બેઠા છીએ.” આમ બોલી ઓપરેશન રૂમમાં પાછા જતા રહ્યા. ડોકટરે ગર્ભ ખસી ગયા હોવાની વાત કહી હોવાથી અમે સહુ પરિવારજનો ચિંતિત થઇ ગયા હતા. ઓપરેશન થીએટરની બહાર ઉભેલા અમને સહુને એક એક ક્ષણ ખૂબ ભારે લાગી રહી હતી. થોડીવાર પછી નર્સે બહાર આવીને કહ્યું, “મિસ્ટર, પ્રશાંત... ડોકટર સાહેબ તમને અંદર બોલાવે છે.”

હું ઝડપથી રૂમની અંદર ગયો મારી પાછળ પાછળ મારા માતાશ્રી પણ આવ્યા.


ડોકટરે મને શાંતિથી સમજાવતા કહ્યું, “મિસ્ટર પ્રશાંત, તમારા પત્નીની હાલત એકદમ ક્રીટીકલ છે. તેમનો ગર્ભ તેમની ડાબી ગર્ભનળીમાં ફસાઈ ગયો છે. જો જલદીથી તેને ત્યાંથી ખસેડવામાં નહીં આવે તો તમારી પત્નીને જાનનું જોખમ છે.”

મારી માતા આ સાંભળી ચોધાર આંસુએ રડતા બોલી, “હે ભગવાન! મારી દીપાને કંઈ થવું ન જોઈએ...”

મારું મગજ સુન્ન થઇ ગયું. મેં કહ્યું, “તો એ માટે શું કરવું પડશે?”

ડોકટરે કહ્યું, “ઓપરેશન કરી એ નળીને ગર્ભ સાથે દૂર કરવી પડશે પરંતુ એ બાદ તમારી પત્ની આગળ જતા કદાચ માં નહીં બની શકે...”

મેં દ્રઢતાથી કહ્યું, “ડોક્ટર, તમે ઝડપથી ઓપરેશન કરી એ નળીને દૂર કરી દો.”

મારી સહમતિ મળતા ડોક્ટર ઓપરેશન થીએટરમાં જતા રહ્યા.


મારી અંતરાત્મા રડી ઉઠી પરંતુ મારા પરિવારજનો દુઃખી થશે એમ વિચારી મેં આંખમાં અશ્રુ આવવા દીધા નહીં. થોડીવાર બાદ નર્સ એ ગર્ભ સહિતની નળી એક બાઉલમાં અમને બતાવવા લઇ આવી. એ જોઈ મને છાતી કુટી રડવાનું મન થયું છતાંયે મેં સ્વસ્થતા જાળવી રાખતા કહ્યું, “ઓ.કે... દીપાની તબિયત હવે કેવી છે?”

નર્સે કહ્યું, “થોડીવાર બાદ તે હોશમાં આવશે ત્યારે તમે તેને મળી શકશો પરંતુ ધ્યાન રહે તેમના મનને કોઈ ઠેસ પહોંચવી ન જોઈએ.”


દીપાના માતાપિતા પણ હોસ્પીટલમાં આવી પહોંચ્યા હતા. ઓપરેશન કરી ગર્ભ દૂર કરી દેવામાં આવ્યો છે એ સાંભળી દીપાની માતા કલાવતીબેન ચોધાર અશ્રુએ રડી પડ્યા. એ જોઈ મેં કહ્યું, “મમ્મી, તમારા રડવાથી કઈં પરિસ્થિતિ બદલાઈ નહીં જાય. આપણે હવે દીપાને સંભાળવાની છે. ડોકટરે ખાસ તાકીદ આપી છે કે તેના દિલને સહેજે ઠેસ પહોંચવી ન જોઈએ.”

એટલામાં નર્સે આવીને મને કહ્યું, “તમે દીપાને મળવા જઈ શકો છો.”

મેં મારી માતાને ઈશારો કરી મારી સાથે કોઈને અંદર નહીં આવવા દેવાનો ઈશારો કર્યો.


હું જયારે અંદર ગયો ત્યારે દીપા મને જોઇને રડી પડી. મારે પણ પોક મુકીને રડવું હતું પરંતુ તેનાથી દીપા હજુ નાસીપાસ થશે એમ વિચારી હું ચુપ રહ્યો. મારા નજીક આવતા દીપા મને વળગીને રડી પડી. તેનું હળવું હૈયું થવા દેવા માટે મેં તેને ચુપચાપ રડવા દીધી. ત્યારબાદ જયારે એ શાંત થઇ ત્યારે મેં તેને પ્રેમથી સમજાવી. તેને કહ્યું કે, “મને સંતાન નહીં પરંતુ તું જોઈએ. સંતાન તો ખબર નહીં વૃદ્ધાવસ્થામાં સાથ આપશે કે નહીં પરંતુ મને તારો સાથ જોઈએ.”


આજે એ ઘટનાને વર્ષો વિતી ગયા છે. અમને કોઈ સંતાન નથી, પરંતુ મારી સમજાવટથી દીપા ખુશ છે. મેં મારા સગા સબંધીઓને ખાસ તાકીદ આપી છે કે ભૂલથી પણ દીપા સામે સંતાન વિષે કોઈ ચર્ચાવિચારણા કરવી નહીં. પરંતુ એક વાત કહું તે દિવસે મેં દિલખોલીને રડી લીધું હોત તો સારું થયું હોત... કોઈએ ખૂબ સાચું કહ્યું છે કે રડવાથી હૈયું હળવું થાય છે.

(સમાપ્ત)


Rate this content
Log in

Similar gujarati story from Tragedy