Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manoj Joshi

Inspirational Others

5.0  

Manoj Joshi

Inspirational Others

ક્ષમાપના પર્વ - જૈન સંવત્સરી

ક્ષમાપના પર્વ - જૈન સંવત્સરી

4 mins
16.4K


વિશ્વના પ્રાચીનતમ ધર્મો પૈકીના એક એવા જૈન ધર્મમાં સંવત્સરીનું અદકેરું મહાત્મ્ય છે. સંવત્સરી મહાપર્વ મનાય છે. આ પાવન દિવસે જૈનો પર્યુષણના ઉપવાસ વ્રત કરે છે. સાયંકાલે ત્રણ કલાકનું સાંવત્સરિક પ્રતિક્રમણ કરે છે, જેમાં વર્ષભરમાં પોતે જાણ્યે – અજાણ્યે કરેલા અનેક અપરાધોને યાદ કરી, ધાર્મિક વિધિ-વિધાન પૂર્વક પોતાની ભૂલોની ક્ષમા માગે છે. જૈન ધર્મમાં જીવે કરેલા પાપ-દોષોથી મલિન થયેલા ‘સ્વ’ ની શુદ્ધિ માટે સંવત્સરી પ્રતિક્રમણ બતાવેલું છે.

પ્રથમ તીર્થંકર ભગવાન આદિનાથથી આરંભાયેલા જૈનધર્મની ધારામાં ચોવીસમાં અંતિમ તીર્થંકર ભગવાન મહાવીર સ્વામીએ પ્રબોધેલ દર્શન, જ્ઞાન, શીલ અને તપ એ ચાર મહત્વના ઘટકો છે. ધર્મજ્ઞાન, ધ્યાન, સાધના, સેવા-પૂજા ધાર્મિક ક્રિયાકાંડ, વ્રત ઉપવાસ, આયંબિલ, ઉપધ્યાન તપ, વર્ધમાન તપ, વીસ સ્થાન ઓળી તપ –આ બધાનો સાર એટલે સંવત્સરી.

વ્યક્તિએ પોતાના માનસિક, વાચિક અને કાયિક કર્મથી કરેલા પાપને ધોવા માટે, આંતરમનને નિરોગી રાખવા માટે જો કોઈ એક અને આખરી ઉપાય હોય તો તે ક્ષમાપના છે, પ્રાયશ્ચિત છે. સાચા હદયથી કરેલા પસ્તાવો ગમે તેવા પાપને સાફ કરી શકે છે. માત્ર વાણીથી નહિ પણ વર્તનથી , કહેણીથી નહિ પણ કરણીથી પોતે જાણ્યે કે અજાણ્યે મન, વચન કે કર્મથી કરેલી ભૂલની ‘ફરી કદી નહિ થાય’ એવા સંકલ્પ સાથે ક્ષમાયાચના કરે તે વ્યક્તિ પાપમુક્ત પુણ્યાત્મા બની શકે છે. સંવત્સરીનો આ સાચો સંદેશ છે.

પર્યુષણ પર્વના અંતિમ દિવસને સંવત્સરી કહે છે. પર્યુષણનો એક અર્થ છે – ‘પરિવસન.’ એટલે કે “એક જ સ્થાન પર સ્થિર રહેવું” જૈન સાધુઓ વર્ષાઋતુના ચાતુર્માસ દરમિયાન એક જ સ્થળે મુકામ રાખે છે.

પર્યુષણનો બીજો એક અર્થ છે નિકટ રહેવું. સ્વની નિકટ એટલે કે આત્મભાવમાં રહેવું. ત્રીજો અર્થ છે ‘પર્યુશમન’ એટલે કે સંસારની અનેકવિધ આધિ, વ્યાધિ, ઉપાધિ વચ્ચે પણ સમતા અને શાંતિ ધારણ કરવી.

શબ્દાર્થ ગમે તે કાઢીએ, પર્યુષણનો ભાવાર્થ એ છે કે સાધકે સર્વ રીતે આત્મભાવમાં રમમાણ રહેવું. બાહ્યભાવમાં-વિષયોમાં દોડતા ચિત્તને આત્માભિમુખ કરવું. યોગઋષિ ભગવાન પતંજલિ પોતાના અષ્ટાંગ યોગમાં જેને પ્રત્યાહાર કહે છે એ રીતે, કાચબો જેમ પોતાના અંગોને ભીતર સંકોરી લે તેમ મનુષ્યે પોતાની ઇન્દ્રિયોના બાહ્યકર્મોને સંકોરીને ભીતરની યાત્રા શરૂ કરવાની છે.

પર્યુષણ અધ્યાત્મની આરાધના માટેનું વિશિષ્ટ પર્વ છે. જૈનો એને ‘પર્વાધિરાજ’ કહે છે. પર્યુષણના સમયગાળામાં વ્યક્તિએ પોતે આચરેલા આસક્તિભર્યા કર્મોના દુષ્પરિણામ ખંખેરી નાખીને રાગદ્વેષથી દુષિત થયેલા મનને સ્વચ્છ કરવાનું લક્ષ્ય રાખવું જોઈએ. આ લક્ષ્યની પ્રાપ્તિ માટે પર્યુષણના દિવસોમાં ઉપાસના, આરાધના, સાધના અને તપસ્યાથી મનને શાંત કરી, ચિત્તને શુદ્ધ કરી બુદ્ધિને સાત્વિક કરી, અહમ્ ને ઓગળવાનો છે. અહમ ઓગળતા જ મૈત્રીભાવનું પવિત્ર ઝરણું અંતઃકરણથી ફૂટી નીકળે છે. માનવ-માનવ વચ્ચેના વેર-ઝેર ભુલાય છે, સંબંધો સુવાસિત બને છે અને પૃથ્વી પર સ્વર્ગ ઉતરે છે.

જૈનો આ દિવસોમાં એકાસણું, અઠ્ઠાઈ, સોળભથ્થું, માસક્ષમણ અને વર્ષીતપ દ્વારા જીવનશુદ્ધિ મેળવે છે. સંવત્સરીના પ્રતિકમણ પછી સહુને વંદન કરી, અંતરના ઊંડાણે થી ‘’મિચ્છામિ દુક્કડમ્‘’ (“મિથ્યા મે દુષ્કૃતમ્” - મારા પાપોને માફ કરો) કહીને ક્ષમા માગે છે.

‘મિચ્છામિ દુક્કડમ્ ’ સમસ્ત માનવ સમાજ માટેનો શાંતિ મંત્ર છે, શાંતિ પામવા માટેનો મહામંત્ર છે આ મંત્ર માત્ર જૈનો માટે નથી, માણસમાત્ર માટે છે. શુદ્ધ હદયથી અને પૂરી સચ્ચાઈથી ફરી ક્યારેય સામેની વ્યક્તિને નહિ દુભવવાની પ્રતિજ્ઞા સાથે જયારે ક્ષમા માંગીએ અને સામેની વ્યક્તિએ પોતાનું ગમે તેટલું અહિત કર્યું હોય એને ભૂલી જઈને સાચા દિલથી એને ક્ષમા આપીએ એટલું જો ખરેખર આવડી જાય તો મન શાંત થઇ જાય, જીવન ધન્ય થઇ જાય અને વિશ્વ હિંસામુક્ત, પીડામુક્ત, યુદ્ધમુક્ત બની જાય.

માનવીનું મન એવું છે કે વ્યક્તિની અપેક્ષા ન સંતોષાય ત્યારે તેને ક્રોધ જન્મે છે. ક્રોધ એવો અગ્નિ છે વ્યક્તિ છે જેને સારાસારનો વિવેક હોતો નથી. ક્રોધાગ્નિ અન્યને દઝાડે છે અને સ્વયંને વધુ દઝાડે છે. ક્રોધ હિંસાનો જનક છે. મહાવીરસ્વામીનું મુખ્ય સુત્ર જ અહિંસા છે. આ અહિંસા સ્થૂળ નથી સુક્ષ્મ છે, સચરાચરના સમસ્ત જીવો તરફ પ્રેમ અને કરુણાનો ભાવ તેમાં નિહિત છે. મારવું નહિ, ઘા કરવો નહિ, એટલા માત્રથી અહિંસા જન્મતી નથી “મનથી વચનથી કે કર્મથી કોઈપણ રીતે કોઈ પણ જીવને જાણ્યે કે અજાણ્યે દુભવવો નહિ અને જો સામેનો જીવ જાણ્યે કે અજાણ્યે કોઈ પણ રીતે તમને દુભવે તો તમારે તેને ક્ષમા આપવી”- એ ભગવાન મહાવીરની અહિંસા છે.

એ અર્થમાં ક્ષમાપના પર્વ સંવત્સરીને મૂલવીએ તો સમજાય છે કે માનવ સમાજને ભગવાન મહાવીર સ્વામીએ કેટલી મોટી ભેટ આપી છે. ક્ષમા માંગવાથી અને ક્ષમા આપવાથી માનવીનું મન શાંત થઇ જાય છે, વેર વૃત્તિનું શમન થતાં માનવી હળવો થઇ જાય છે. અને ‘સર્વમિત્ર’ બનીને વ્યવહાર જગતમાં કર્મરત રહેવા છતાં ભાવજગતમાં કર્મબંધનથી મુક્ત રહે છે. આવો, આજના સંવત્સરી પર્વ પર આપણે શત્રુતા શમાવીએ, ડર ભગાવીએ, હિંસા મીટાવીએ અને કહીએ – “’મિચ્છામિ દુક્કડમ્‘”



Rate this content
Log in

Similar gujarati story from Inspirational