Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Others

3  

Vijay Shah

Others

સૂર્યાબાની અરજી

સૂર્યાબાની અરજી

7 mins
7.4K


“બા ગયા.” વદોદરાથી નાનાભાઈ હેમલનો ફોન ઉપર રડમસ અવાજ હતો.

“હેં?”

“હા મોટી બેન! આઈ સી યુમાં રાત્રે બહુ શ્વાસ ચઢ્યો. ડૉક્ટરે ઓક્સિજન ચઢાવ્યો અને મોડી રાત્રે તેમની આંખ મળી ગઈ અને સવારે ઉઠ્યાં જ નહીં.”

જીજ્ઞાનો અવાજ પણ રડમસ હતો. એક ડૂસકું નંખાઇ ગયું. એનું મન આક્રંદ કરતું હતું.

હેમલે આગળ વાત કરતા કહ્યું, “તમે તો હમણાં જ મળી ગયા હતાને?”

“ હા પણ આટલું જલ્દી છેટું થઈ જશે તેની તો કલ્પના હોય જ નહીંને?”

જીજ્ઞા પણ ડૂસકે ચઢી હતી ત્યાં હેમલ ફરીથી બોલ્યો..”બેન! બા તો લીલી વાડી મૂકીને ગયા છે તેથી એમની મુક્તિનો આનંદ મનાવવાનો.. રડશો નહીંને.. દેહનાં અંતિમ દર્શન કરવા સ્કાઇપ ચાલુ કરો કે જેથી એમના દેહને અંતિમ વંદના કરો અને તેમના નશ્વર દેહને ચેહ દેવાય.”

કમ્પ્યૂટર શરૂ થયું અને સ્કાઇપ ઉપર બા દેખાયા.. પરમ નિદ્રામાં સૂતેલા બા.. જીજ્ઞાએ વંદન કર્યા.. હેમલ, તરુ ભાભી અને અન્ય સગાંવહાલાં સજળ નયને બેઠાં હતાં અને તેમને અંતિમ વિદાય દેવાઈ.

સૂર્યાબાનાં ફોટા સામે જોઇને જીજ્ઞા વિચારતી રહી.. અમેરિકાની આજ તો તકલીફ.. કોઇને સાજે માંદે તુરંત તો પહોંચાય જ ના.. ઓછામાં ઓછા ચોવીસ કલાક તો થાય જ... અને તરત જ બીજો વિચાર આવે કે ચેતન આત્મા તો મુક્તિ ધામે પહોંચી ગયો.. હવે તો જે છે તે તો ખોળીયું.. નાનાભાઈ હેમલે અંતિમ દર્શન કરાવીને અનુમતિ લઈ પણ લીધી કે બેન તું નહીં આવે તો ચાલશે.. અને આમેય જૈન પ્રણાલી મુજબ દેહને લાંબો સમય રખાય ના.. ધાર્મિક અને વૈજ્ઞાનિક કારણોસર સાંજ પહેલા સ્મશાન લઈ જવાય.

જીજ્ઞા ભારે હૈયે ડાયરી ખોલી ને લખવા બેઠી. આ તેનો મન હળવું કરવાનો એક માત્ર ઉપાય હતો. લખવાનું શરૂ કરતા પહેલાં થોડુંક રડી લીધું. સ્વસ્થ થઈ અને જે વાત કદી લખી નહોતી તે લખવાની શરૂ કરી.. દીકરી તરીકે નહીં.. પણ લેખક તરીકે..

સૂર્યાબા સાથે જીજ્ઞા યુવાનીમાં બહુ આદરથી વર્તતી નહોતી.. આમેય યુવાની તો ચંચળ અને ઉછાંછળી હોયને? જીજ્ઞાને તેમની દરેક વાતોમાં અઢારમી સદી જ દેખાતી અને કહેતી પણ..

“બા તમારો જમાનો ગયો.. આ નવો જમાનો છે.. આ શું પકડી રાખ્યું છે કોલેજમાં ભણવા જવાનું.. મોજ મઝા માટે આખી જિંદગી પડી છે.. વળી સાંજે ૮ વાગ્યે ઘરે આવી જવાનું.. છોકરી જાત એટલે મર્યાદામાં તો આપણે જ રહેવાનું!.. બા! આ બધું છોડ.. કોલેજનાં દિવસો તો આખી જિંદગી યાદ રહેવાના.. અને વો જવાની હી ક્યાં જીસમે કોઇ કહાની ના હો?

સૂર્યાબા ખીજવાતા અને કહેતા, ‘’બેટા, જુવાની અમે પણ જોઇ છે.. જે માણસ કિનારાની મર્યાદામાં રહે તે નદીની જેમ આખી જિંદગી સુખમાં રહે.. અને સાગરે જઈને મળે.. જેણે છોડ્યા કાંઠા તેના ભાગ્યે રહે સૂકાયેલા ખાબોચિયાં માત્ર.’’

 

હા.. કેટલા સાચા હતા તેઓ?

ભૂતકાળની ભુતાવળો ઊભી થતી હતી..

કોલેજનું ત્રીજુ વર્ષ.. અને નરેશ સાથેનાં આંખ મિંચામણાં અને તેનું બિન્દાસપણું શરીર સુખની મર્યાદા વટાવી ગયું ત્યારે સૂર્યાબાનું ઘર છોડ્યું ત્યારે પણ બા જીવ બાળતા હતાં..” છોડી ભણતર તો પૂરું કરી લેવું હતું.. છોકરો તો જરા ઢંગનો શોધવો હતો.. “તારું જૈન કૂળ અને આ સિંધનો રોહિત રેફ્યુજી.. તને શું સુખ દેવાનો? અને તારા છોકરાને શું સંસ્કાર દેવાનો?”

સૂર્યાબાનાં કકળાટનાં પૂરાં અઢી વર્ષે જીજ્ઞા પેટમાં શ્યામા અને કેડમાં અંકિતને લઇને ઘરે આવી ત્યારે ધારણાથી બિલકુલ જ વિરુધ્ધ થયું.. સૂર્યાબાએ જીજ્ઞાને રડવા ના દીધી અને હૈયા ધારણ બંધાવતા કહ્યું.. “અરે ચિંતા ના કર હું હજી બેઠી છું ને?”

જીજ્ઞાની ઉદંડતાને દંડવાને બદલે માનું વહાલ છંટકાયું અને કહેણ પણ કેવા, “ થાય બેટા, આ ઉંમરે જ ભૂલ થાય. તે ભૂલ સુધારવાની તક પણ પ્રભુએ તને આપીને? ચાલો હવે ભૂલ્યા ત્યાંથી ફરી ગણીએ.”

રડતી જીજ્ઞાની આંખોમાં આંસુ સૂકાવીને ફરીથી હસતી કરી, ભણતી કરી. શ્યામાનો જન્મ કરાવ્યો અને અંકીતને સ્કૂલે મૂક્યો અને મારું ગ્રેજ્યુએશન પછી પોષ્ટ ગ્રેજ્યુએશન અને ત્યાર પછી ડોક્ટરેટ પણ પૂરું કરાવ્યું... આજે જે કંઈ જીજ્ઞા છે તે તેમના થકી છે એમ કહું તો જરાય ખોટું નહીં કહેવાય.”

તે સમયે હેમલ ભણી રહ્યો તે પણ કમાતો થયો બાપા પણ પ્રગતિનાં શિખરો ચૂમતાં હતાં.. અને પેલો સિંધી? બોરીવલીમાં શાકની દુકાન કાઢીને બેઠો હતો.. ક્યારેક અંકીતને મળવા માંગતો, પણ સૂર્યાબાએ તેને કહી દીધું હતું કે જીજ્ઞા ઉપર બદચલન હોવાનો દાવો કર્યોને ત્યારથી અંકીત અને શ્યામા તારે માટે મરી ગયા સમજ... મને સૂર્યાબાની આ કડકાઇ ખૂંચતી, પણ એ કડકાઇ તો કાંઠા કે કિનારા હતા ને? અને તેથી જ તો જીજ્ઞાની જિંદગી સહજ બની હતી.

જીજ્ઞાને થતું હતું કે ઝઘડો જીજ્ઞા અને રોહિત વચ્ચે હતો, પણ અંકીત અને શ્યામાનો રોહિત બાપ હતોને? સૂર્યાબાને આ વાત સમજાવવાની પહેલ હેમલે કરી જ્યારે અંકીતે પેરેન્ટ ટીચર મીટિંગમાં તેના પપ્પાને બોલાવવા આગ્રહ કર્યો.

સૂર્યાબા એક જ વાતે માન્યા જ્યારે તે જીજ્ઞાને બદચલન કહ્યાની વાતે માફી માંગે અને શ્યામાને પણ સ્વીકારે. આખરે સૌ સારા વાના થયા અને સિંધીનાં ભાઇએ કરેલા અમેરિકાનાં કાગળિયાં પાક્યા અને ૫ વર્ષની શ્યામા અને સાત વર્ષનાં અંકિત સાથે તે શિકાગો આવી.. સૂર્યાબા માનતા કે હવે એ જીજ્ઞાને સાચા હૃદયથી ચાહે છે ત્યારે તેના ભાગ્ય ઉપર ભરોસો કરી છોકરાઓનાં ભવિષ્ય માટે તું જા. પણ ધ્યાન રહે હવેની જિંદગી સંતાનો માટે છે.

શિકાગોમાં જ્યારે બા આવતા ત્યારે રોહિત સંકોચ અનુભવતો, પણ બા તેને સંકોચ અનુભવવા દેતાં નહીં.. અને કહેતા પણ કે ભાઇ તું જીજ્ઞાને ચાહે છે તે મારા માટે અગત્યની વાત છે. પણ ભલા ભાઇ છોકરી કયા ઘરની છે તે તો વિચારવું હતુંને? અમારાં સંસ્કારમાં એક ભવમાં કોઇ બે ભવ કરે જ નહીં. કન્વીનીયંટ સ્ટોર અને જીજ્ઞાની નોકરી તેને કારણે તેઓ જલ્દી ઉપર આવી ગયા હતા. ઘર લેવાઈ ગયું અને જિંદગી નિયમિતતા પકડી ચૂકી હતી.

જીજ્ઞાનું સાસરીયામાં પણ પૂરું માન. રોહિતનાં મોટાભાઇ કાયમ રોહિતથી લજ્જીત હતા.. જીજ્ઞા જેવી કુલિન પત્નીને બદચલન કહેલી તેથી અને તે બે ને પાછા ભેગા કરવામાં રોહિતને ખૂબ જ સમજાવી સમજાવીને તૈયાર કરેલો. અને કહે છેને સાચા હૃદયથી તેણે માફી માંગેલી તેથી તો સૂર્યાબા પીગળ્યાં હતાં. ગેરસમજૂતી ક્યાં નથી થતી?

પી.એચ.ડી હતી તેથી તેને પ્રમોશન મળ્યા કરતું.. હવે રોહિતને જ્યારે સ્ટોર ઉપર ગન અને લૂંટારાઓનો સામનો કરવો પડ્યો ત્યારે ભાંગી પડેલી જીજ્ઞાને રોહિતનાં મોટા ભાઇએ જ સાંત્વના આપીને સમજાવ્યું હતું કે ગન ત્યારે જ ચાલે જ્યારે સામનો થાય.. રોહિતે તેમને જોઇતું આપી દઈને ડહાપણનું જ કામ કર્યુ છે.. તે નુકસાની તો ઇન્સ્યોરન્સ કંપની ભરી દેશે... ત્યારે પણ સૂર્યાબા વડોદરાથી શિકાગો આવી ગયા હતા અને હિંમત બંધાવી હતી. પણ તેઓ ભાળી ગયા હતા કે જીજ્ઞા અને રોહિત એકમેકને ખૂબ જ ચાહે છે.

જ્યારે બાપા ગયા ત્યારે પહાડ જેવી સૂર્યાબા પહેલી વાર રડી. પણ આ રડવું તે માણસ ખોયો માટે રડ્યા તેવું નહીં, પણ એમની સમેતશિખર જવાની તેમની ઇચ્છા તેઓ પૂરી ન કરી શક્યા તેનાં દુઃખે રડ્યાં હતાં.

સૂર્યાબા હવે ઢળતા સૂરજને જોતા અને મનોમન બબડતા, “પ્રભુ હવે ઝાઝું છેટું ના પાડીશ અને મને પણ લઈ લે.” ત્યારે હેમલ કહેતો, “બા મોટી બેનને અને તેમના સંતાનોને રાહ બતાડ્યો તો મારા સંતાનોનો શું ગુનો?” ત્યારે મુંબઈ છોડી હેમલ સાથે રહેવા તેઓ વડોદરા આવ્યા.. હેમલનાં સંતાનો પણ દાદીને બહુ માનથી રાખતાં. ઘણી વખત વડીલો આદર પાત્ર એટલા માટે બનતા કે તેઓ વહેવારે “આજ”માં રહેતા અને હું સાસુ એટલે મોટી અને તું વહુ એટલે નાની અને તે ઉંમર તફાવત ભૂલીને કહેતા,

“બેલા તું અને જીજ્ઞા બંને મારી દીકરીઓ છો. વળી કર્મ જ્ઞાન એટલું સબળ કે અજૂગતો લાભ લેવાની તો વાત આવે જ નહીં. કોઇ વેરો આંતરો નહીં અને બોલવાનું તે પણ માપનું જ.

અંકિત કોલેજમાં ગયો ત્યારે તેઓ શિકાગો આવીને રહ્યા.. પણ ઠંડીમાં તેમની તબિયત બગડતી.. ખાસ તો શ્વાસ ચઢતો. તેમનું ધ્યાન તો ભારતમાં જ. તેથી મહિનો રહીને પાછા જતા. પણ આ વખતે બરફમાં ગાડી સ્કીડ(લપસી) ગઈ અને અકસ્માતમાં જીજ્ઞા અને બાને ખૂબ વાગ્યું તેથી મહિનાને બદલે છ મહિને તેઓ ભારત ગયા. ત્યારે ફેંફસાં નબળાં થઇ ગયાં હતાં.. અંકિત ગ્રેજ્યુએટ થઈ ગયો હતો. શ્યામા છેલ્લા વર્ષમાં હતી તે વખતે જીજ્ઞા ભારત ગઈ ત્યારે મોટાભાગનો સમય બા સાથે જ હતી. અને તે જીજ્ઞાનો “ક્વોલીટી ટાઇમ” હતો જે હવે કદી પાછો આવનાર નથી...

સૂર્યાબા સ્વીકારી ચૂક્યા હતાં કે હવે તેમનો અંત સમય આવી ગયો છે. પણ તેમની વાત હું તેમને માનવા દેતી નહીં.. અને કહેતી કે બાપા ગયા પછી તમે જ એકલા અમારી જિંદગીનો છાંયડો છો...પણ તેમનું આંતર મન તો રટણ કરતું જ રહેતું હતું કે હવે પ્રભુ મને હાલતી ચાલતી લઈ લે.

ડાયરી લખતા લખતા જીજ્ઞાની આંખો ભરાઈ આવી..

સૂર્યાબા પાસે આવનારું જોખમ જોવાની લાક્ષણિક આવડત હતી તો સાથે સાથે તેનું વ્યવહારિક નિરાકરણ પણ હતું.. ફઈબા જ્યારે બેલા વિશે ઘસાતું બોલે ત્યારે સીધો અને સટ ઉત્તર" એ મીયાં-બીબીનાં મામલામાં હું તો એક શબ્દ ના બોલું.. તેમને આખી જિંદગી સાથે કાઢવાની છે તો તેઓ જાણે અને તેમનું કામ જાણે.. મને તો તે બેમાંથી કોઈ પુછે તો જ મારો મત જણાવું અને મત જણાવ્યા પછી ક્યારેય તેનો અમલ થયો કે નહીં તેની ચિંતા ના કરું. આખરે જોડું ક્યાં ડંખે છે તે તો જોડું પહેરનાર જ જાણે ને?"

હેમલ તો બાને માને તે સ્વાભાવિક છે પણ બેલાને પણ ખૂબ જ આદર.. તેમનો નાનો જુગલ એક વખત તાવમાં ખેંચાયો ત્યારે હેમલ દોડાદોડ કરીને ડોક્ટર પાઠકને તેડવા ગયો ત્યારે બાએ તરત જ ડોસી વૈદુ કરીને તેની ખેંચ દૂર કરી હતી... ડોક્ટરે આવીને તેને દવા આપી, પણ તે બોલ્યો કે આ સમયસર તેની ખેંચ ન ગઈ હોત તો તેની આંખ કે ડાબુ અંગ ખેંચાઇ જાત... ત્યારથી બેલા તો સૂર્યાબાનાં પગ પૂજે. છોકરાવને ધાર્મિક વાતો અને વાર્તાઓ કહી કહીને સંસ્કાર પૂરે તેવી બા જતા રહે ત્યારે તેમની ખોટ તો પડે જ ને?

ડાયરીમાં સૂર્યાબાને અંજલી અપાતી જતી હતી અને જીજ્ઞા આ અવલ મંઝીલે ગયેલી માને માટે રોકકળ કરવાને બદલે તેમનાં ગુણાનુરાગ કરી છેલ્લા વાક્યો લખીને અટકી ત્યાં ડોર બેલ વાગ્યો. શ્યામા અને અંકિત આવ્યાં હતાં..બંને છોકરાઓને ભેટીને જીજ્ઞા બહુ રડી... ડાયરી ખૂલ્લી હતી, પણ બંને બાળકોને ગુજરાતી વાંચતા આવડતું નહોતું તેથી સૂર્યાબા પ્રત્યેનો જીજ્ઞાનો કૃતજ્ઞતા ભાવ તેમને સમજાતો નહોતો. રોહિતે તેથી ડાયરીનાં છેલ્લા વાક્યો વાંચ્યા.

હા.. આજે સૂર્યાબાની અરજી મંજુર થઈ ગઈ. રડતી આંખે ભગવાનનાં ફોટા અને રાણો થતા દીવા સામે તે બોલી, “પ્રભુ તારે આંગણે આવેલી મારી માને સર્વ દેજે. ખાસ તો રંજ અને લગાવ મુક્ત બનાવી તમારા જેવું જીવન દેજે..”

આદર સાથે સૌએ સૂર્યાબાના ફોટાને વંદન કર્યા.


Rate this content
Log in