Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Mariyam Dhupli

Inspirational

4  

Mariyam Dhupli

Inspirational

આદર્શ

આદર્શ

8 mins
14K


રવિવાર ને લીધે આર્ટ ગેલેરીમાં ભીડ રહેતીજ હોય છે. પણ આજે ટોળું કદમાં વધુજ વિસ્તર્યું હતું. આજુબાજુ નજર ફેરવતા કેટલાક શાળાના તરુણ વિદ્યાર્થીઓ નજરે ચઢ્યાને કારણ સમજમાં આવી ગયું. શહેરની કોઈ શાળા તરફથી વિદ્યાર્થીઓ માટે આર્ટ ગેલેરીની મુલાકાત યોજવામાં આવી હતી.

આમ તો મારા અઠવાડિયાના છ દિવસો મને પિતા તરફથી વારસામાં મળેલ અઢળક ધન અને સમૃદ્ધ વ્યવસાયને બમણું કરવામાં વેડફાય જતા. પણ રવિવાર ફક્ત મારો હતો. એના પર ફક્ત મારી કલા પ્રત્યેના પ્રેમનો સંપૂર્ણ અધિકાર હતો. એ અધિકારને માણવાના જીવન ક્રમને અનુસરતો હું નિયમિત આર્ટગેલેરી પહોંચી ચુક્યો હતો. દર રવિવાર કરતા ભીડ થોડી વધારે હતી. છતાં શાંત ચિત્તે મારા નિશ્ચિત ખૂણા તરફ હું ધીરે ધીરે આગળ વધ્યો. ગેલેરીની સૌથી છેવટની હરોળની ડાબી તરફની દીવાલ પાસે મારા કદમ આવી થંભ્યા.

આખી દીવાલ પર સજેલા તમામ ચિત્રો એકજ સરખી સુવર્ણ ફ્રેમમાં મઢાઈ એકજ સર્જકનું સર્જન હોવાનો સ્પષ્ટ પુરાવો આપી રહ્યા હતા. તમામ ચિત્રોના નીચે એક લાંબી કદની નામની તખ્તી મઢાઈ હતી. જેમાં ચળકતા સુવર્ણ અક્ષરે ઝળહળતો 'ખાનાબદોશ' શબ્દ સર્જકની ઓળખાણ કરાવી રહ્યો હતો. ઉર્દુ ભાષાનો શબ્દ જે બંજારા કે જીપ્સી લોકો માટે પ્રયોજાય છે.

દીવાલની વચોવચ મઢાયેલ ચિત્રમાં ખોવાય ચુકેલી એક તેર-ચૌદ વરસની કન્યા ઉપર મારી આંખો અચરજથી આવી ચઢી. કોઈ વ્યવસાયિક ચિત્રકાર કે કલાકારની માફક ચિત્રના ઊંડાણોમાં કશે ખુબજ ભીતર ખોવાય ચુકેલી એ યુવતી વહીલ ચેર ઉપર બેઠી હતી. બન્ને પગન હોવાની લાચારી ચ્હેરા પર દૂર દૂર સુધી ડોકાઈ રહી ન હતી. આંખોમાં એક આકર્ષક તેજ અને વ્યક્તિત્વમાં અનન્ય ખુમારી જોનારને તરતજ દેખાઈ આવે તેવા સહજ હતા. યુનિફોર્મ ઉપર શાળાનું નામ સહેલાઇથી વાંચી શકાય એમ છાપવામાં આવ્યું હતું. 'દેવાશીષ અનાથાલય ચેરીટેબલ ટ્રસ્ટ વિદ્યાલય '. શાળાના નામથી હું પરિચિત હતો. ગેલેરી પહોંચતા રસ્તામાં એકાદ કિલોમીટર પહેલાજ શાળાની હોસ્ટેલનું મકાન એક વિશાલ મેદાન પર ઉભું હતું. આવતા જતા ઘણીવાર વિદ્યાર્થીઓની ચહેલપહેલ મારી એસી વાળી કારના બંધ કાંચમાંથી નિહાળી હતી.

તરુણવસ્થાની અપરિપક્વ નજરો આ ચિત્રના રંગો, આકારો, રેખાઓના મિશ્રણમાં કયો અર્થ શોધતી હશે ? એ સમાન ચિત્ર ઉપર મારી આંખો પણ ધ્યાનથી આવી મંડાઈ. વૃક્ષો, ધોધ, વાદળો, સૂર્ય, પ્રકૃત્તિની છોળો વચ્ચે દોરવામાં આવેલા ઘણાબધા રંગબેરંગી ઉડતા પતંગિયાઓ અને એ ઘણા બધા પતંગિયાઓની વચ્ચે ખૂણામાં ફક્ત એકજ પતંગિયું 'પંખવિહિન'.

વહીલચેરની પડખે ગોઠવાયેલી શાળાની શિક્ષિકા એ યુવતીના ખભે હાથ મુક્યો. પોતાની વિદ્યાર્થિનીને ચિત્રના ઉંડાણોમાં છુપાયેલા અર્થને સમજાવવા થોડા ઊંચા સાદે પોતાના જ્ઞાન નું પ્રદશર્ન કર્યું.

"ચિત્રનો ઉદ્દેશ્ય ફક્ત પ્રકૃત્તિ નિરૂપણ નથી. ખુબજ ઊંડો સંદેશો ચિત્રકારે અભિવ્યક્ત કર્યો છે. બધાજ પતંગિયા પાસે પાંખો છે ઉડી શકે છે, વિહરી શકે છે, જયારે એક પતંગિયા પાસે પાંખો નથી ..ન તો બિચારું ઉડી શકે છે ન આકાશ માં ઊંચે વિહરી શકે છે ...વિહરવા માટે સર્જાયેલું સર્જન પંખ વિહીન લાચાર બધાને નિષ્ક્રિય નિહાળી રહ્યું છે ....આજ છે ' અસ્તિત્વની લાચારીતા '

ચિત્ર ના ઉંડાણોમાં ભીતર ઉતરી ચુકેલી તરુણ દ્રષ્ટિને ઘેરો ધક્કો લાગ્યો હોય એમ ચિત્રમાંથી બહાર નીકળી શિક્ષિકા ઉપર હેરતથી આવી મંડાઈ. નકારમાં આત્મવિશ્વાસ જોડે માથું ધુણાવી, શિક્ષિકાની સમજૂતીને નકારી નાખી આંખો ફરીથી ચિત્ર ઉપર આવી જડાઈ. અનેરી ચમકથી આંખો જાણે હસી રહી અને શબ્દોમાં પોતાનો દ્રષ્ટિકોણ તદ્દન વિશ્વાસભર્યો ઉતારી દીધો.

"પ્રકૃતિ ..જ્યાં બધુજ પ્રાકૃતિક છે. તમામ પતંગિયાઓની પાંખો પણ...જે પ્રાકૃતિક હોય એ સહજ હોય અને જે સહજ હોય તે તદ્દન સરળ. પાંખો જોડે જીવવું પતંગિયાઓ માટે ખુબજ સહજ અને સરળ હોય ...પણ જે પતંગિયાની પાંખો નથી એનું જીવન સહજ નથી અને સહજ નથી તેથી સરળ નથી. કઠિન પરિસ્થિતિઓ વચ્ચે અસ્તિત્વ ટકાવી રાખવું, ખુશ રહેવું અને જીવી બતાવવું એ લાચારી નથી. એ બહાદુરી છે, વીરતા છે ..આજ છે ' અસ્તિત્વની ખુમારી '

એ તરુણ યુવતીના શબ્દોથી હું રીતસર ચોંકી ઉઠ્યો. વહીલ ચેર ઉપર બેઠી એ બહાદુર, વીર જીવ ફક્ત ચિત્રનો અર્થ સમજાવી રહી હતી કે પોતાના જીવનનો અર્થ ! એ ખુમારી ભર્યા અસ્તિત્વના ખભે શિક્ષિકાનો હાથ આવી અડ્યોને આંખોમાં સ્નેહપૂર્ણ ભેજ ડોકિયું કરી રહ્યું. પોતાની વિદ્યાર્થીની પર ગર્વ અનુભવતી શિક્ષિકા વહીલ ચેરને આર્ટગેલેરીની બહાર નીકળવાના માર્ગે દોરી રહી. યુવતીની આંખો પાછળ ફરીફરીને ચિત્ર ઉપર આવી પડતી હતી. જાણે કે ચિત્ર એનુજ હતું અને ચિત્રથી એને છુટા થવું ન હતું. મારા શરીરના રુવાડા ઉભા થઇ ગયા. આ ચિત્ર પર ખરેખર એ યુવતી નોજ અધિકાર હતો. કલા ત્યાંજ શોભે જ્યાં એની સાચી કદર થાય.

ધન સંપત્તિથી બધુજ ખરીદી શકાય એ અમીરી. પણ અજાણ્યાઓના જીવનની ખુશીઓનું પણ જો કારણ બની શકાય, જે આપણને પરત -ભેટ ન આપી શકે એમને પણ સ્વાર્થવિહિન ભેટ આપી શકાય એજ સાચી અમીરી ! આજે મારી સાચી અમીરીનો પુરાવો આપવાની ક્ષણ આવી હતી. આંખો સામેનું ચિત્ર પેલી તરુણ યુવતી સુધી પહોંચાડી બતાવ તોજ હું સાચો અમીર. પોતાની અંતરાત્માનો પડકાર સ્વીકારતો હું સીધો ઇવેન્ટ મેનેજર પાસે પહોંચ્યો.

ઇવેન્ટ મેનેજરને હું જાતે એ ચિત્ર સુધી દોરી ગયો. ચિત્ર જોતાજ મેનેજરના ચ્હેરા પર માફી માંગવા જેવા અને હું એ તસ્વીર ન જ ખરીદી શકું એવા સ્પષ્ટ હાવભાવ ઉપસી આવ્યા.

"સર, આ ચિત્ર તો 'ખાનાબદોશ 'નું છે !"

"હા, હું જાણું છું અને મારે એ કોઈ પણ કિંમતે ખરીદવું છે."

મેનેજર પોતાના સૂટને વ્યવસ્થિત કરતો, મને એ ચિત્ર વેચવાની કોઈ પણ શક્યતાને નકારતો, વિનમ્ર વાણીમાં સ્પષ્ટતા કરી રહ્યો.

"સર વાત એ છે કે આ ચિત્રકાર એટલે કે 'ખાનાબદોશ ' ના બધાજ ચિત્રો ફક્ત પ્રદર્શન માટે છ. એને વેચવાનો અમને જરાયે અધિકાર નથી. એ ધૂની કલાકાર છે. કલા ને ફક્ત કલા માટે સર્જે છે. કલા એની સાધના છે અને એના ચિત્રો એની ઉપાસના. એનાજ શબ્દોમાં કહું તો કલા ધર્મ છે અને ધર્મ ને ફક્ત વહેંચાય, વેચાય નહીં."

કલાકારનો એ દ્રષ્ટિકોણ તર્કયુક્ત હતો પણ લાગણીઓ તર્કને ઢંઢોળી રહી હતી. વહીલચેર ઉપરની પેલી માસુમ આંખો મારી દ્રષ્ટિમાં આવી ડોકાય અને થોડાજ સમય પહેલા જાત ને આપેલો પડકાર ફરીથી આત્માને પ્રેરણા પુરી પાડી રહ્યો.

"વાત તો સો ટકા સાચી છે. પણ આ ચિત્ર મને મારા ઘરની શોભા વધારવા માટે નથી જોઈતું. એક અનાથ અપંગ બાળકીના જીવનનો ઉત્સાહ વધારવા માટે જોઈએ છે. આપ 'ખાનાબદોશ' જોડે વાત તો કરી જુઓ. મને પૂરો વિશ્વાસ છે, આ પવિત્ર કારણ અર્થે એ જરૂર સહમતી આપશે. એ જે કહેશે એ કિંમત આપવા હું તૈયાર છું."

મેનેજરે એકવાર ફરીથી પોતાની નિઃસહાયતા દર્શાવી .

"જી સર હું સમજી શકું છું. પણ પ્રશ્ન પૈસાનો નથી આદર્શનો છે. ' ખાનાબદોશ 'જોડે અમારો પણ કોઈ સીધો સંપર્ક નથી. પોતાની કલાને બધા ઓળખે એ જ ફક્ત કલાકારની મહેચ્છા પણ પોતાની ઓળખ છુપી રહે એજ એકમાત્ર શરત. દુનિયા પોતાને પોતાના ચિત્રોથીજ ઓળખે, ચ્હેરાથી નહીં. પોતાના આ આદર્શનું ચુસ્તતાને કડકાઈથી પાલન કરતા એ કલાકારને તો અમે પણ કદી જોયો નથી, ન એની જોડે વાત કરવાની કે સંપર્ક સાધવાની અમને અનુમતિ છે. એના ચિત્રો કદી વેચાશે નહીં. ન કોઈ ખરીદી શકશે. આર્ટ ગેલેરી સિવાય એ અન્ય કોઈ સ્થળે જોવા મળશે નહીં. આ ચિત્રો અહીં આર્ટગેલેરી સુધી પણ જુદા જુદા લોકો દ્વારા જ પહોંચે છે, એજન્ટ પણ દર વખતે બદલાઈ જાય છે"

મારા મનની ગુંગળામણ અસહ્ય થઇ પડી. અઢળક નાણું અને ખજાના જેવી સંપત્તિ જોડે પણ કોઈ ભિખારી જેવી લાચારી હું અનુભવી રહ્યો. આદર્શ ...આદર્શ ....આદર્શ.....આ શબ્દ થી જાણે હય્યામાં હથોડા પડી રહ્યા.અકળામણ માં મારો સ્વર અનાયાસે જ ઊંચો થયો અને આર્ટ ગેલેરીની દીવાલો માં ગૂંજી રહ્યો .

"મારે આ ચિત્ર ખરીદવું છે, એનું સાચું સ્થળ અહીં નથી."

આર્ટગેલેરીમાં ફરી રહેલી બધીજ નજર મારા ઉપર આવી તકાય. અવાજ ઊંચો કરી હું ફક્ત નિસહાય મેનેજર નુજ નહીં કલાના મંદિરનું પણ અપમાન કરી રહ્યો હતો એ ભાન આવતાજ માફીમાં હાથ જોડી હું ગેલેરી માંથી બહાર નીકળતા માર્ગ ઉપર વળ્યો .

"સર"

પાછળથી આવેલા મેનેજરના અવાજથી મારા પગલાં આગળ વધતા અટક્યા .

"સર આ વખતે જે એજન્ટ આ ચિત્રો લાવ્યો છે એની જોડે હું વાત કરી જોવ છું. એ 'ખાનાબદોશ' જોડે વાત કરીને જે નિર્ણય જણાવશે એ આપને કહીશ. આવતીકાલે પ્રદર્શનનો અંતિમ દિવસ છે. હું આજે રાત્રેજ ફોન કરીશ. આવતીકાલે તમે આજ સમયે આવી રહેજો."

મેનેજરના શબ્દોથી મારા ચ્હેરા ઉપર ખુશીની લહેર છવાઈ ગઈ. ખુશીના આવેગમાં મેનેજરને પ્રેમથી ગળે લગાવી હું ઉત્સાહ સભર ઘરે જવા નીકળ્યો.

મોડી રાત્રી મહેલ જેવા મારા વિશાળ મકાનમાં મોબાઈલની રિંગ ગુંજી ઉઠી. મારા વિશાળ શયનખંડના વિશાળ ટેબલ પર ગોઠવાયેલા ઘણા બધા મોબાઇલમાંથી કયા મોબાઈલની રિંગ ગુંજી રહી હતી એ ચકાસીને એક મોબાઈલ હાથમાં લીધો. સામે છેડેથી બોલાયેલા શબ્દો હું ધ્યાન મગ્ન સાંભળી રહ્યો.

"સર આ વખતે ગેલેરીમાં જે ચિત્રો આપે મોકલ્યા છે, એમાંથી એક ચિત્ર કોઈ વ્યક્તિ ખરીદવાની ઈચ્છા રાખે છે. એક અનાથાશ્રમની કલાપ્રેમી વિદ્યાર્થીનીને ભેટ આપવા. મોં માંગી કિંમત આપવા તૈયાર છે. આપનો નિર્ણય ?"

શયનખંડની બહાર નીકળી, વિશાળ બાલ્કનીમાં સ્ટેન્ડ ઉપર ગોઠવાયેલા મારા અધૂરા ચિત્રને અંતિમ સ્પર્શ આપતા તદ્દન શાંત ચીત્તે મારો ઉત્તર સામે છેડે પહોંચ્યો :

"ચિત્ર એ વ્યક્તિને આપી દેજો અને કહેજો કે એ બાળકીને મારા તરફથી એક નાની ભેટ. કોઈ પણ કિંમત વસૂલવી નહીં."

કલા નું માન જાળવવા ઘડેલો આદર્શ આજે કલાનું માન જાળવવા તૂટ્યો.

કોલ કપાઈ ગયો અને મારા પૂર્ણ થયેલા ચિત્ર નીચે સુવર્ણ રંગે અંતિમ શબ્દ પણ રંગી દીધો.

'ખાનાબદોશ.'


Rate this content
Log in

Similar gujarati story from Inspirational