Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

ઓળખીને કાઢ્યો

ઓળખીને કાઢ્યો

7 mins
7.4K


"આજે જ્યાં લાઠી નામનું ગોહિલ-નગર છે, તેની નજીક એક ટીંબો છે. એને લોકો 'હાથીલાનો ટીંબો' નામે ઓળખે છે. પુરાતની માનવીઓ-માલધારીઓ અને વટેમાર્ગુઓ અસૂરી વેળાએ જ્યારે એની વાત કરતા, ત્યારે એના અવાજ ભયથી ધ્રૂજી ઊઠતા. 'ત્યાંની સાસુવહુની વાવમાંથી તો ભાઇ, રીડીયા બોલે છે કે 'મારો, મારો ! કાપો , કાપો !'

પાંચ સેંકડા પૂર્વે એ ટીંબા ઉપર એક નગર હતું. પાંચ તો એને ફરતાં તળાવો હતાં. વચ્ચે હતું 'ગુણિકા-તળાવ.' એ તળાવની વચ્ચોવચ્ચ એક બેટડું હતું. બેટડા ઉપર રાજમહેલ હતો. એ ગામનું નામ હાથીલા: કોઇ કહે છે કે 'હઠીલા' : આજે બોલાય છે 'અરઠીલા.'

આ હાથીલા ગામના સીમાડા ઉપર, પાંચસો વર્ષ પૂર્વેના એક સંધ્યા ટાણે બે માનવીઓ સંતાઇને બેઠાં હતાં. એક હતી પિસ્તાલીશેક વર્ષની સ્ત્રી: ને બીજો હતો પચીશેક વર્ષનો જુવાન. વરણ બન્નેનો શ્યામ હતો. આંખો બેઉની લીંબુની ફાડ જેવી હતી. અણસાર એ ચારે આંખોની મળતી આવતી હતી. સોરઠનાં લોકગીતોમાં ગવાય છે કે

'ઓળખ્યો ઓળખ્યો રે

'માની આંખ્યુંની અણસાર

'બાપની બોલાશે

'વીરને ઓળખ્યો રે.

આવી લોકવિદ્યાનો જાણકર કોઇ પણ અજાણ્યો આદમી, આ બેઉને જોતાંની વાર જ વરતી શકત કે એક છે માને બીજો છે દીકરો.

પણ અત્યારે ત્યાં સીમમાં એ છોકરાને ઓળખવા ઇચ્છતું કોઇ માણસ નહોતું. ને હોત તો યે આથમતા સૂરજનાં ઘૂંટાતાં અંધારામાં એ ચાર આંખોના આકાર કોઇ પાંચમી આંખને કળાયા ન હોત.

'હવે હાલશું ને મા?' એ જુવાને કેરડાના થુંબડા આડી બેઠેલી સ્ત્રીને પુછ્યું.

'ઉતાવળો થા મા ભાઇ. હજી પૂરું અંધારૂં પથરાઇ જવા દે.' માએ જવાબ દીધો.

કેરડાના થુંબડામાંથી એક સસલો, આ માનવીના બોલાસ કાને પડતાં જ કાન સંકોડીને ભાગ્યો, ને માએ એ સંચળથી ડરીને કાળું ઓઢણું મોં આડે ખેંચ્યું. 'કોઇક આવતું લાગે છે.'

'ના રે ના, સાંસો હતો. તમે તો આખે કેડે બ્હીતાં જ આવો છો મા. ગરના સાવઝ સામાં તો તમે હુંકાટા કરતાં.'

'સાવઝથી શું બીવાનું છે બેટા? બીક તો માણસની લાગે છે. આબરૂદારનું ઓઢણું ઓઢ્યું છે ને?'

'લ્યો હવે ઊઠો. અસૂર થઇ જાશે.'

'બેય જણાંએ હાથીલાન કેડા ઉપર સંભાળથી હાલવા માંડ્યું.

ચાલતાં ચાલતાં દીકરાએ વાત શરૂ કરી : 'આપણી ઓળખાણ કોઇના માન્યામાં નહિ આવે તો?'

'ધીરો બોલ. ટાઢો પહોર છે. ગાઉ ગાઉ માથે બોલ સંભળાય. ન ઓળખે એમ હોય? તારો ચહેરો મોરો ને તારી બોલાશ - એ તો અદલ એનાં જ જોઇ લ્યો. હું થોડું વિસરી શકી છું ? હું એક જ દિ એ એક રાતની જ ઓળખાણવાળી, તો ય તુંને બોલતો સાંભળું છું ત્યારે ભૂલ ખાઇ જાઉં છું. જાણે એ પોતે જ પાછા પધાર્યા. એ જાણે સોમૈયાજીએ જ એને સજીવન કરી ઘેરે મોકલ્યા. તો પછી એની સાથે એક જ માના ઓદરમાં આળોટનાર એના સગા મોટા ભાઇ કાં નહિ ઓળખી શકે? અને નાનેથી મોટા કરનારી ભોજાઇ નહિ ઓળખે શું?'

'હેં મા, સાચું જ કહોછો? હું અદલો અદ્દલ મારા બાપુ જેવો જ છું?'

વાને તું અમારા બેયના ઉપર થોડો થોડો ઊતર્યો છો. એ ઊજળા હતા, ને હું કાળી ભીલડી: તું નીવડ્યો શામળીયો. બાકી તો નાકની ચાંચમાં ય ફેર ન મળે.'

જુવાને પોતાના મોં ઉપર, ગરદન પરને છાતી ઉપર પંજો ફેરવીને તારાને અજવાળે પોતાની ભુજાઓ તપાસી લીધી. પોત જાણે પોતાની જ પિછાન લેતો હતો.

'તું જેવી જ મલપતી ને ધીમી ચાલ હતી એની. તું જેમ હાથ હીલોળતો હાલે છે, તેમ જ એ હીલોળતા. મને તલે તલ યાદ છે. એક જ દિ'નો સંસાર, તો ય જલમો જલમ ન ભૂલી શકાય.'

'આટલાં વરસ તમે કેમ હાથીલે ગયાં નહિ મા!'

'મારે જઇને શું કરવું'તું? મારે થોડું રજવાળું માણવું'તું? મને તો એણે વચને બાંધી'તી કે સોમૈયાજી જો દિકરો દિયે સમ હાથે, તો ઉઝેરજે. દોંણેશ્વર દાદાની સાખે ને સન્મુખ તને ગરની વનરાઇને ખોળે મોટો કર્યો મેં, એ તો એના વચનને કારણે.'

'તો મારે ય ક્યાં રાજવળું ભોગવવાની ભૂખ છે મા? ત્યાં હું તીરકામઠે કોની હારે રમીશ? સાવઝડા ત્યાં હશે હેં મા? આ તો બધી નાગી ભોમકા છે. લીલૂડી વનરાઇનું ઓઢણું ઓઢનારી ગર મેલીને આંહી રહેવું મને કેમ ગમશે?'

'તારા મોટાબાપુ ને તારી કાકી તને ભાળીને રાજી થાશે. તું રાજનું બીજ છો. બીજું તો ઠીક, પણ બેટા, ગરમાં સૌ મેણાં મારે છે. તને બાપ વગરનો કહે છે ને મને રખાત કહી વગોવે છે.'

રાતનાં કાજળ અનરાધર વરસી રહ્યાં હતાં. ફાગણ મહિનાની રાત, એટલે હરણ્યું (મૃગશિર્ષ) મધ આકાશમાં દોડી જતી હતી. રૂદ્રનો પારાધીતારો લીલાં તેજ પાથરતો હતો. એ અજવાળામાં દીકરો માની ગજાદાર આકૃતિ જોતો જતો હતો.

ગામ આવી પહોંચ્યું. મસાણનો કાંઠો આવ્યો. એકાદ ચિતાનાં છેલ્લા લકડાં અગનની જીભ લસલસાવતાં હતાં. મસાણનાં કૂતરાંએ આ બે માણસોને અસુરા ટાણે દેખીને રિડીયા મચાવ્યા. એ રીડિયાએ ગામપાદરનાં કૂતરાંએ સાવધાન કર્યાં. અને એના કારમા સાદ ગામની અંદરનાં કૂતરાંએ ઝીલ્યા.

ગામ ફરતો કોટ હતો. કોટનો દરવાજો બીડાઈ ગયો હતો. દરવાજા ઉપર ઊભા રહીને જુવાને અંધારામાં પણ પોતાને ખભેથી કામઠું ઉતારીને ભાથામાંથી તીર ખેંચી ખેંચી ડાઉ ડાઉ કરતાં કૂતરાંને આંટ્યા, માર્યાં ને ભગાડ્યાં.

'દરવાજા બહાર આ હૂકળાટ શું મચી રહ્યો છે?' દરવાણીએ મશાલ લઈને નાની બારી ઉઘાડી. સાઠેક વર્ષનો જૈફ પહેરગીર જેમ મશાલ ધરીને આંખ માંડે છે, તેમ એણે બારી ઉપર એ જુવાનને જોયો. ઘડીભર નજર તાકી, યાદ કર્યું, આંખો ફાટી ગઈ. ભડાક કરતી બારી બીડી દીધી. બ્હીકે થથરી ઊઠ્યો. હેબતાઇ ગયો.

'શું છે? કોણ છે?' સાથીદારોએ પૂછ્યું.

'ભૂ...ઉ...ત!' પહેરેગીરના ગળાને છોલતો છોલતો જાણે કે કોઇ છરા જેવો શબ્દ નીકળ્યો.

'હેઠ બુઢ્ઢા ! હવે મરણને કાંઠે ભૂત દીઠું!'

'બોલો મા ! ઈ જ...ઈ જ...ઈ જ-'

'ઉઘાડો હો...ઓ!' બહારથી અવાજ ઊઠ્યો.

'ઈ જ. ઈ જ, ઈ જ અવાજ. ઈ જ! ભૂત !'

'કોનો અવાજ ? કોનું ભૂત?' સાથીદારોએ મૂર્છા ખાઇને ઢળી પડતા બુઢ્ઢાને ઢંઢોળ્યો.

'ઇ જ. મુંને યાદ છે. હું ચાલીશ વરસનો જૂનો દરવાન. મેં જોયા'તા. આવી જ રાતે ગયા'તા.'

'કોણ પણ?'

'કુંવર હમીરજી ! સોમૈયાજીની સખાતે - ઇ જ, ઇ જ, ઇ પોતે.'

બીજા પહેરેગીરો જુવાનડા હતા. એમને આ ભેદ સમજાયો નહિ. છાતીના બળીઆ હતા. નાના બાકોરામાંથી બહાર નજર કરી. જુવાન એની માતાને કહેતો હતો : 'માડી, આ તો મને ભૂત ભૂત કરી કૂટી પાડતા લાગે છે.'

'અરેરે ! રજપૂતો છે ને ડરે છે એક જુવાન પરદેશીથી?'

'કોણ છો તમે?' જુવાન પહેરેગીરે બાકોરામાંથી પૂછ્યું.

'ભાઇ, અમે ભૂત નથી. તમ જેવાં જ માણસું છીએ.'

'ક્યાંથી આવો છો?'

'ગરમાં દોંણ ગઢડેથી.'

'કેવાં છો?'

'ભીલ.'

'ભીલાં તો માળાં સાળાં જીવતાં જ ભૂત છે ને. ક્યાં જાવું છે?'

'રાતવાસો રે'વું છે. ને સવારે ઠાકોર પાસે નોકરીની અરજ કરવી છે.'

તાળામાં ફરી વાર ચાવી ફરી. બારી ઊઘડી. સાદ આવ્યો: 'આવો અંદર.'

મા ને દીકરો દાખલ થયાં ત્યારે બેય બાજુએ ખુલ્લી તરવારે દસ દસ જણ ઊભા દીઠા.

જુવાનને હસવું આવ્યું. એને વીમાસણ થઇ. મારો બાપ શું આ ડાચાંને લઇને સોમનાથને જુદ્ધે સીધાવ્યો હશે?

રજપૂત ચોકીદારોની મશાલો પૂરી શગે જલતી હતે. તેમણે પોતાની તરવારોનાં તોરણ નીચે મોં મલકાવતા જુવાનને જોઇ જરાક શરમ અનુભવી. એને પાસે તો તરવાર પણ નહોતી. એના કમ્મરબંધમાં એક નાનો છરો હતો, ને એને ખભે વાંસનું કામઠું હતું. એની પીઠ ઉપર પચાસેક તીરનો ભાથો ડોકીયાં કરતો હતો. પણ સૌથી વધુ રૂડી તો એના બેય કાનની બૂટમાં લળક લળક થતી પીતળની કડીઓ હતી. એનાં કાંડા ઉપર ચપોચપ અક્કેક લોઢાનું કડું હતું. એનાં માથાનાં જુલ્ફાં ઉપર લપેટેલા નાનકા ફાળીઆમાં છોગાને સ્થાને મોરપીછાંનું એક ઝૂમખું હતું. પૂરા માપનો આદમી હતો.

એની પાછળ જ ઊભેલી માનો પહેરવેશ કાળો હતો. એ હેઠું જોઇને ઊભી હતી.

'ક્યાં રાત રે'શો? કોઇ ઓળખાણ છે ગામમાં?'

'ના ભાઇ, પે'લવેલાં જ આવ્યાં છીએ. કોઇ ધરમશાળા હોય તો પડ્યાં રહીએ.'

'ધરમશાળા તો ઠાકોરે બંધ કરાવી છે. આંહી અમારે પડખે એક ફુરજો છે ત્યાં પડ્યા રહો.'

માને એ ફુરજામાં રાખી આવીને જુવાન તો પહેરેગીરોની જમાતમાં જ આવીને બેઠો.

'ઓલ્યા ભૂત ભૂત કરતા બુઢ્ઢાજી ક્યાં?' એકે પૂછ્યું.

'એ તો હજી બેભાન પડેલ છે.'

'બુઢ્ઢા, ઊઠો, જુવો ભૂત ફૂત કાંઇ નથી.'

પણ એ બુઢ્ઢો તો આખી રાત 'ઈ જ, ઈ જ, ઈ પંડ્યે જ.' એવું લવતો રહ્યો.

'તાજુબીની વાત થઇ આ તો ભાઇ ! આ અમારા હરભુજી ડાડા આટલી આવરદામાં કોઇ કરતાં કોઇ વાર બીના નથી તમને દીઠે કેમ બીના એ સમજાતું નથી.'

'એણે શું લવારી કરી? કુંવર હમીરજીનું નામ કેમ લીધું?' એક પહેરેગીર કાનમાં કહેવા જેવા અવાજે બોલ્યો. બીજાએ પણ જવાબ દેતે દેતે દિલ પર ધાક અનુભવી.

'કુંવર હમીરજી આંહીથી સોમનાથની સખાતે ગયા તેને આજ પચીસ વરસ ગુજરી ગયાં. આજ એને શેણે એ ભણકારા વાગ્યા? ક્યાં કુંવર હમીરજી, ને ક્યાં આ ભીલડા ભાઇ!'

'નામ છોડોને ભાઇ એ કુંવરનું ! નકામી નોકરીઓ ખોઇ બેસશું.'

પહેરેગીરો વચ્ચે ચાલતી આ બધી વાતો ને કાન દેતો, પણ જીભ ન દેતો જુવાન એક બાજુ બેઠો હતો. પોતાના બાપનું નામ લીધે નોકરીઓ જવાની આ શી વાત ! મોડી રાતે એ બેઠે બેઠે જ ઝોલે ગયો. દોઢી ચડવાનાં પગથિયાં ઉપર ટેકો લઇ ગયેલું એનું માથું ઝડ ઝડ બળતી મશાલને અજવાળે સ્વચ્છ દેખાતું હતું. એના કાનની કડીઓ મશાલને જોઇ જોઇ ગેલથી ઝૂલતી હતી.

પરોડ થયું. દરવાજા ઊઘડ્યા. દીકરો ને મા બેઉ ગામ બહાર તળાવ પાળે ચાલ્યાં ગયાં. માએ દીકરાના ધોએલા મોં પર ઓવારણાં લઇને હાથ જોડ્યા : 'સોમૈયા ડાડા ! મારા પુતરને માન સથુકો પાછો મોકલજો. જા બેટા, હું આંહી છું. તું સારા સમાચાર લઇને મને તેડવા આવજે.'

જુવાન પાછો દરવાજે થઇને સોંસરી બજારે ચાલ્યો ત્યારે સૂર્ય ઊગતો હતો. એનો અર્ધનગ્ન પહેરવેશ એની શ્યામવરણી શોભામાં ઉમેરો કરતો હતો. એના ગઠ્ઠાદાર હાથ અને કાને ઝૂલતી છેલકડીઓ સામે મળતી પનીહારીઓની આંખો સાથે નટવાનો દોર બાંધતી હતી.

ગુણકા તળાવ ગામની વચ્ચોવચ્ચ હતું. રાજમહેલનો બુરજ તળાવમાં પ્રભાતને પહોર જાણે પોતાનું મોં જોઇને પ્રફુલ્લિત બનતો હતો.


Rate this content
Log in

Similar gujarati story from Classics