Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Inspirational Classics

5.0  

Vijay Shah

Inspirational Classics

સૂરજ કો ધરતી તરસે

સૂરજ કો ધરતી તરસે

8 mins
13.6K


બળતી અગરબત્તીના ધુમાડા ધીમે ધીમે ઓગળતા જતા હતાં. વાતાવરણ પ્રસન્ન હતું. પરંતુ શરદ વારંવાર સિલોન મેળવવાનાં જીવલેણ પ્રયત્નોથી વાતાવરણની શાંતિને ખંડિત કરી નાખતો હતો. રેડિયો જાણે પણ જંગે ચઢ્યો હોય તેમ વારંવાર ચિત્રવિચિત્ર, તીણા, ટૂંકા, જાડા, લાંબા અને કર્ણકટુ અવાજો કરી કરી શરદને હંફાવતો હતો. શરદ અને રેડિયાનું યુદ્ધ જાતો જાતો વિચારોનાં વમળોમાં હું ક્યારે ઘેરાઈ ગયો તેની ખબર સુદ્ધાં ન પડી.

ટેબલ ઉપર પગ લંબાવી, ખુરશીપર માથું ઢાળી હું અતિતને ડહોળતો હતો… નચિ ! તું પણ એક જિંદગી જીવતો હતો… જેમાં એક રવ હતો… એક લય હતો… જિદંગી એક કિલ્લોલતા ઝરણાંની જેમ વહેતી હતી. મુક્ત પંખીની પાંખોમાં સમાઈને મન ઊડતું તો કદીક ગુલાબની પરાગમાં છુપાયેલી મહેંકની જેમ મહેંકતું… પરંતુ આવી મસ્તી સાશ્વત હોતી નથી. ઝરણું પણ કદીક શાંતિ નદીનું રૂપધારણ કરે છે. બસ તેમજ જિંદગીનો એક વળાંક એવો આવી ગયો જ્યાં… ખામોશી જ સર્વસ્વ હતી.. રવ… ગુંજન ઉડયન કશું જ નહીં અને ત્યાર પછી…

નચિ, ત્યાર પછી તું નવી જ જિંદગી જીવે છે, તદ્દન નવી જ જિંદગી, જેમાં નથી કોઈ નવીનતા.. કોઈ ઉત્સાહ… બસ જીવીએ છીએ જીવવું પડે છે તેથી…

શરદ અચાનક કૂદ્યો. રેડિયો સાથેના યુદ્ધમાં એ જીત્યો હતો. ‘હેં ! સિલોન પકડાયું, સાડાઆઠ… પૂરા અડધા કલાકની જહેમત બાદ “બીનાકા” પકડાઈ હતી… એક પછી એક મિત્રો રૂમ પરઆવવા માંડ્યા… હોસ્ટેલમાં ગણીને એક રેડિયો… અને વળી બિનાકા જેવો પ્રોગ્રામ… નાનકડું કુંડાળું રેડિયોની આસપાસ થઈ ગયું… હવે હર્ષદરાય ફોર્મમાં આવ્યા હર્ષદ, મારો રૂમ પાર્ટનર હતો. દરેક નવાગંતુકને કહેતો હતો…’

“જુઓ, ચુપચાપ ગરબડ કર્યા વગર બેસી જા. નહિતર હમણાં રેડિયો બંધ કરીને પેટીમાં મૂકી દઈશ.” લુખ્ખી ધમકીને વધુ જલદ બનાવવા તે ઉમેરતો અને હા, નવ વાગે એટલે રૂમમાં હું અને નચિ સિવાય કોઈ ન જાઈએ, સમજ્યા !

“અતિથિ દેવો ભવ” – વાળા દેશમાં હર્ષદ અતિથિનું અપમાન કરી રહ્યો હતો. પરંતુ અતિથિ પણ માથે પડેલા હતા ને ? વળી હું હર્ષદના રૂઆબ પર હસી રહ્યો હતો. “રેડિયો ક્યાં તારો છે ?” કહીને તેના ભ્રામક રૂબને મારે ભાંગવો નહોતો. આખરે તો તે મારો રૂમ – પાર્ટનર હતો ને. થોડા કમ્લાન હાસ્ય સાથે ફરી પાછો મારા ખ્યાલોની દુનિયામાં હું ખોવાઈ ગયો. અર્ચનાથી છૂટા પડ્યે તો વરસ કહોને દોઢેક વરસ થઈ ગયું પણ કોણ જાણે કેમ હૈયામાં તેની યાદ કદીક હાસ્યથી તો કદીક આંસુથી જીવંત રાખી મૂકવાની ઘેલછા હજુ સુધી હું ત્યજી નથી શક્યો. મારા હૃદયના દરેક સ્પંદનની આસપાસ મેં એક પથ્થરનો ગઢ જાણે કેમ ન ચણી દીધો હોય !” અને એના દરેકેદરેક ડુંગરા પર અર્ચનાની યાદો… વાતો અને હાસ્યો જડાઈને ચમક્યા કરતાં હતાં. એ વજ્જર ગઢમાં હું જીવતો હતો.

રેડિયોનો વારંવારનો ટકટકારો ગમતો નહોતો. અચાનક ‘હસ્તે જખ્મ’નું પેલું ગીત રેડિયામાં વહેવા લાગ્યું:

હું પણ ગીત ગાતો જતો હતો… ગીત પૂરું થયું અને હૈયામાં પડેલો એ જખ્મ ફરી દૂઝવા માંડ્યો. કારણ ખબર છે ? હા, એ જ ગીત જ્યારે શરૂ થયું ત્યારે જાણે ખરેખર જ મને અર્ચના મળી ગઈ હોય ને તેમ તેટલા જ ભાવ અને આનંદમાં ગાતો હતો. પરંતુ ગીત પૂરું થતા જ વાસ્તવિકતા કડવી દવા પીધા પછીના ઓડકારની જેમ નજર સમક્ષ આવી ગઈ અને હૃદયનો જખ્મ ફરીથી વહેવા માંડ્યો.

“ન મળેલી વસ્તુને મળેલી માની જીવવું. કેટલી ભયંકર વયના… આત્મઘાતક વંચના… છતાંય જિંદગીની નાની નાની પળોને પણ પોતાની રીતે માણી લેવાની ક્ષુલ્લક તક જવા ન દીધી અને ક્ષણિક આનંદ માણી લીધો. પરંતુ વાસ્તવિકતાથી એમ કંઈ થોડું છૂટી શકાય છે? આનંદની પેલી પળ ગઈ ન ગઈ અને તરત જ દુઃખવા માંડે છે પેલી અતુપ્ત પ્યાસ… કઈ પ્યાસ ? અર્ચનાને મેળવવાની ? મન થોડુંક હિચકિચાયું… ના મારે કશુંક બીજું મેળવવું હતું એના નિમિત્તે. અર્ચનાને મેળવી મારે જિંદગી જીવવી હતી. હું ઈચ્છતો હતો તે રીતે કોઈક અનોખા આનંદથી…પણ અર્ચનાની પોતાની પણ જિંદગી હોય ને એની અને તારી જિંદગી કદાચ એક જેવી ન પણ હોઈ શકે.” મને હૃદયને ટકોર્યું.

મનની વાત સાચી હતી. હૃદય સમજતું હતું છતાં પણ તેની અંદરના ઊંડાણમાં અર્ચનાં એટલી ઊંડી ઊતરી ગઈ હતી કે રહી રહીને પણ પેલું હઠીલું અને લાડલું બાળક પોતાને ગમતી વસ્તુ માટે જીદકરે તેમ.. ઘડી ઘડી હૃદય અર્ચનાની ખેવના કર્યા કરતું હતું. ખેર, નિશ્વાસ સાથે વિચારધારાને તોડવા પ્રયત્ન કર્યો અને હર્ષદનો અવાજ સંભળાયો.

“ચાલો હવે. બધાં પોતપોતાની રૂમ પર જાવ. નવ વાગી ગયા શું સમજ્યા ? – ”

મોઢું કટાણું કરી શરદ સહિત બધા બહાર નીકળી ગયા અને પછી હર્ષદને થોડુંક સમજાવાનું મન થયું પણ પછી માંડી વાળ્યું. એ છે જ તડ અને ફડ કરનારો… બધા ગયા પછી તેણે મને પૂછ્યું – “અલ્યા નચિકેત ! આજે દિપ્તી કેમ ન દેખાઈ ?”

“હા, કદાચ તબિયત સારી નહીં હોય. પણ એની ચિંતા તને કેમ થઈ હેં બ્રહ્મચારીજી.” મેં વ્યંગ્યકર્યો.

હર્ષદ ચૂપ થઈ ગયો. થોડી નવાઈ લાગી. થોડોક ગંભીર થઈ પાંચેક મિનિટ પછી કહે – “નચી” તું અર્ચનાને ખૂબ ચાહે છે ?

“હા, કેમ પણ અચાનક, અર્ચના, કશી સમજ ન પડી. તું શું કહેવા માગે છે” – હર્ષદ થોડુંક ઠાવકું મલક્યો અને કહે “દોસ્ત દિપ્તી પણ મને ખૂબ ગમે છે” –

“હેં! હું આશ્ચર્યચક્તિ થઈ અને તાકી રહ્યો. અચાનક બે દિવસ પહેલાનો પ્રસંગ દૃષ્ટિ સમક્ષ ઊભરાઈ ગયો. લાઈબ્રેરીમાંથી રૂમ પર આવતાં અચાનક દિપ્તી સાથે થઈ ગઈ.”

“નચિકેત આજે ચાલને ઘેર” “કેમ ? અચાનક જ ?” “તું ઘરે આવે તો કામ કહું…”

“…”

“આજે થોડું કામ બાકી છે… અને…”

“ જા બહાના નહીં. આજે મારી બર્થડે છે અને તેથી જ ખાસ તને ઈન્વાઈટ કર્યો છે કે તે બહાને તું મારે ઘેર આવે.”

“ઓહ ! આઈ સી ! મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે એન્ડ વીશીંગ યુ હેપી બર્થડે”

“…” એમ લુખ્ખા લુખ્ખા નહીં – તારે ઘરે તો આવવું જ પડશે.”

“ઓહ સ્યોર ! વીથ ઓલ પ્લેઝર”

રસ્તામાં મને બહુ પ્રશ્નો પૂછતી રહી…” નચિકેત, તું સાવ કેમ એકલો ગુમસુમ રહે છે ? અને કેમ કશું કરતો નથી… તને હૃદયનાં સ્પંદનો તરંગો જેવી કશીક વસ્તુનો અનુભવ જ નથી કે શું ? સીધા યા આડકરતરા અનેક પ્રશ્નો કરી મારા વજ્જર ગઢમાં ગાબડા પાડવાના પ્રયત્ન તે કરતી હતી, પરંતુ પથ્થરપર પડતા પાણીની જેમ હું અચળ રહ્યો.” એ છંછેડાઈ ગઈ.

“નચિ, હું તને માણસ બનાવીને જ રહીશ. આજના સારા દિવસે નિશ્ચય કરું છું. તને હું જ સમજીશ… મારો બનાવીશ.. હા, જરૂર… સાચી લગન હશે તો તારા પથ્થર હૃદયમાંથી પણ પ્રેમનું ઝરણું હું વહેવડાવીશ.”

દિપ્તીના ઘરે પહોંચ્યા… રસ્તામાં હર્ષદ મળી ગયો. એને પણ સાથે લઈ લીધો. પાંચસાત મિત્રો અને દિપ્તીની થોડીક સખીઓ… સરસ મજાનું ગ્રુપ જામ્યું હતું. જાતજાતની અને ભાતભાતની વાતો ચાલતી હતી અને અચાનક દિપ્તીએ ગીત ગાવાની પ્રપોઝલ મૂકી. આજે ખરેખર દિપ્તી મારા માટે દ્વિધા રૂપ બની ગઈ હતી. તેના મનમાં મારે માટે આટલી લાગણી છે તે જાણી હું દુઃખી થતો હતો કારણ કેતે માટે હું લાયક નહોતો. અને તે વિચારોમાં ગીત ગાવાનું… ત્રાસદાયક હતું… મેં હર્ષદ પર વાત ઢોળી દીધી અને હર્ષદે શરૂ કર્યું… ગીતમાં હર્ષદે એની લાગણી અને દિપ્તીએ એની લાગણી વ્યક્ત કરી… દિપ્તીથી છૂટા પડ્યા પછી પણ હું વિચારોમાં ઘેરાયેલો રહ્યો…હર્ષદ આનંદમાં હતો… પરંતુ હું વ્યથિત હતો. હર્ષદને ક્યાં કશી ખબર હતી. મારું હૃદય પથ્થરનું જ હતું… જેમાં ઊર્મિ, ભાવના, સ્પંદનોનેસ્થાન જ નહોતું.. દિપ્તીના સ્નેહનું સિંચન અર્થહીન થઈ જતું હતું… ખરેખર અર્થહીન જ હતું… કાશ. તે કોઈક ફળદ્રુપ જમીન પર પોતાના સ્નેહ વારી સીંચે તો…”

દિપ્તી ખરેખર પાગલ છોકરી છે. આજે હર્ષદની વાત પરથી જણાયું.પણ અત્યારે તો હું બિચારો બનીને જ રહી ગયો હતો… હર્ષદને કેમ કરીને કહું કે તને ગમતી દિપ્તી ખરેખર ગાંડી છે જે તને ચાહવાને બદલે મારા જેવા પથ્થરને પીગળાવવા પ્રયત્ન કરે છે. જે મળે છે તે માણવું નથી અને નથી મળતું તેનાં ફાંફાં મારે છે. ક્ષણભર માટે તો હું પણ કંપી ગયો.. મને થયું… નચિ તું પણ તેમાં ક્યાં બાકાત છે ? દિપ્તી તને ચાહે છે તેની તારા પર અસર નથી અને પેલી ઝાંઝવાના જળ જેવી અર્ચનાની ઝંખના કર્યા કરે છે.

પણ…વિચાર અટકી જાય છે. કોઈક નવું બહાનું શોધવાનો પ્રયત્ન કરું છું….મળતું નથી. સ્વીચ ઓફ કરી સૂઈ જાઉં છું.

બરાબર ત્રીજે દિવસે દિપ્તી ફરી દેખાઈ. મારી સામે આંખ મિલાવી થોડુંક હસી પરંતુ થોડીક ગંભીરતા હતા. અચાનક હર્ષદની વાત યાદ આવી ગઈ તેથી તેનું વલણ હર્ષદ તરફ વાળવાની ઈચ્છા હું ન રોકી શક્યો.

“દિપ્તી કેમ હમણાં કોલેજ નહોતી આવતી ?”

“બસ, એમ જ.”

“હર્ષદે કાલે એક મઝાની વાત કહી.”

“એમ ! હં” એને જાણે હર્ષદની વાતમાં રસ નહોતો.

“એણે કહ્યું કે…” વાત જાણી જાઈને લંબાવી.

“…” મૌન દિપ્તીના ચહેરા પર કોઈ જ અસર નહોતી.

તેથી ધડાકો કર્યો… યુ નો ! વુમન શુડ મેરી એ મેન હુ લવ્ઝ હર એન્ડ નોટ હીમ વ્હુમ શી લવ્ઝ…”

“એટલે તું શું કહેવા માગે છે ?”

“ના ખાસ કશું નહીં… પણ હર્ષદ.”

મારું વાક્ય પૂરું થાય તે પહેલાં જ ‘બસ… બસ… રહેવા દે એમ હું તારે ગળેથી છૂટવાનીનથી… યાદ રાખજે હું તો તને જ ચાહતી રહેવાની.’

“ઉફ કેવી છોકરી છે” …માથું પકડીને હું બેંચ પર બેસી પડ્યો.

“ચાલ કેન્ટીનમાં બેસીશું ?” ‘ચાલ’ એને સમજાવાશે એ ઈરાદે હું ઊપડ્યો.

“નચિકેત હું કેવી છોકરી છું ?”

“સારી.”

“તો પછી તું મને કેમ ચાહતો નથી ?”

“દરેક સારી છોકરીને ચાહવી જ પડે ?” મેં વ્યંગ્ય કર્યો. દિપ્તી થોડીક ગંભીર બની. વેઈટરને ચાનો ઓર્ડર આપ્યો અને મારી સામે જાઈ કશુંક બોલવાનો પ્રયત્ન કરતી હતી ત્યાં જ મેં કહ્યું –

“દિપ્તી, જુવારનો દાણો પહેલી વખત આગમાં ભુંજાય છે ને તો મધુર ધાણી બને છે… પણ જોધાણીને ફરી વખત ભુંજીએ તો… રાખ થઈ જાય ખબર છે ને?”

“મને કશું સમજાયું નહીં.”

“મારું હૃદય પણ એક વખત આ આગમાં ભૂંજાઈ ચૂકેલું છે હવે તેમાંથી તું ફરી કશું જ નહીંમેળવી શકે સિવાય કે રાખ.”

હું દિપ્તીની કાળી મોટી આંખમાં અર્ચનાને શોધી રહ્યો હતો… દિપ્તી અપલક મને તાકી રહીહતી.

“દિપ્તી !”

“હં”

“દિપ્તી, કાશ ! અર્ચના પહેલાં તું મારા જીવનમાં આવી હોત તો ? ”

“અર્ચના ?” કોણ અર્ચના ? સ્વભાવગત આશ્ચર્ય એના અવાજમાં હતું… ઈર્ષા નહીં.

અર્ચનાને હું બેહુદ ચાહતો હતો. એ મારું સ્વપ્ન હતું. હું ખીલતાં પુષ્પની પાંદડીઓની જેમ પાંગરતો હતો. પેલી કુમળી વેલ આધાર મળતાં જેમ આધારને વળગી પડે, તેમ અને પછી ચારેબાજુ ફાલે તેમ જ હૃદયની ઊર્મિઓ અર્ચનાના નામથી મ્હોર્યા કરતી હતી.

“ચા પીવા માંડ, ઠંડી પડશે.” દિપ્તીએ ટકોર કરી.

“૧૩મી જાન્યુઆરીની રાત… મેં બહુ અજંપામાં કાઢી હતી.”

“કેમ ?”

મેં અર્ચનાને પૂછ્યું – “અર્ચુ ! હું તને ખૂબ ચાહું છું – શું આપણે એક ન બની શકીએ ?”

દિપ્તીની આંખોમાં સળવળાટ હતો. ચાનો ઘૂંટડો ગળામાં જ અટવાઈ ગયો. પ્રશ્નાર્થ ચિહ્નતેની નજરમાં ડોકાયા કરતાં હતાં. પછી?

“કાલે સવારે કહું તો નચિ ?” એણે રાતની મુદત માંગી. હું આશ્ચર્યચકિત થઈને રહી ગયો. રાતભારે અજંપામાં જેમ તેમ કરીને વિતાવી. બીજે દિવસે અર્ચનાની ચિઠ્ઠી મળી.

નચિ,

મન અને હૃદય તને ચાહે છે. પરંતુ આત્મા ડંખે છે. હું પરાઈ છું – તારી હોવા છતાં… શક્ય હોય તોમને ભૂલાવી દેજે – હું તો તને નહીં ભૂલું.

– અર્ચના

૧૪મી જાન્યુઆરી વીતી ગઈ. તે પછીની બીજી ૧૪મી જાન્યુઆરી પણ ગઈ. આજે ૧૪મીજુલાઈ… પૂરું દોઢ વર્ષ…ત્યાર પછી કદી પ્રણયની આગમાં મારું હૃદય નથી ભુંજાયું દિપ્તી, અને ત્યારથી પથ્થર બી.., પાછલા શબ્દો હું ગળી ગયો… દિપ્તી અને ત્યારથી જ પથ્થર બી… પાછલા શબ્દો હું ગળી ગયો… દિપ્તી મને જાઈ રહી હતી અને મનમાં શબ્દો ગૂંજતા હતા :

“સૂરજ કો ધરતી તરસે, ધરતી કો ચંદ્રમા

પાની મેં છીપ જૈસી પ્યાસી હર આત્મા.”


Rate this content
Log in

Similar gujarati story from Inspirational