Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

2  

Zaverchand Meghani

Classics

પ્રભુ પધાર્યા- ૨૬

પ્રભુ પધાર્યા- ૨૬

8 mins
7.2K


જાણવાની કપ્તાનને પળ પણ નહોતી. ત્રણેક હજાર ઉતારુઓ પર એક જ બૉમ્બ પડતાં કેવી હોનારત થાય તે કલ્પનાતીત હતું.

આગબોટને કાંઠા સાથે બાંધતું સ્થૂળ દોરડું તો ઊપડી ગયું, પણ બીજું એક દોરડું સરતી જતી આગબોટની ને કિનારાની વચ્ચે રચાયું. 'ઓ-ઓ-ઓ-ઓ-ઓ-' બોટના તૂતક પરથી હજાર ચિચિયારીઓના વળ દેવાયા.

'હો-હો-હો-હો-' કાંઠેથી સેંકડો હાહાકારો સામે જઈને સંધાયા.

પતિઓ ચડી ગયા હતા ને પત્નીઓ પાછળ રહી હતી. માબાપ સામાન મૂકવા ઉપર પહોંચ્યા હતાં ને નાનાં નિરાધાર બાળકો પાછળ રહી જઈ કિનારાને આંસુધારે ભીંજવતાં હતાં.

અસહાય દશાની સામસામી દારુણ ચીસો પડતી હતી, ને દરિયો જાણે કે એ આક્રંદ ન સહેવાતાં પછાડા મારતો હતો.

સાંભળ્યું જે સહેવાતું નથી, તે નજરે નિહાળ્યું અને જાતે અનુભવ્યું કેટલું કારમું હશે.

છે કોઈ આવી ભેદકતા વિશ્વના ઇતિહાસમાં?

હા, હા, - ગોરા યુરોપવાસીઓ હબસીઓને ગુલામો પકડતા, ને પછી મા કોઈકને ભાગે જતી, બાળક બીજાને પનારે પડતું, પતિ અને પત્નીને જુદા જુદા માલિકો ખરીદી ખરીદી કોરડાથી બરડા ફાડતા લઈ જતા, તેવી વિચ્છેદવેળાએ આવા જ ચિત્કાર ઊઠ્યા હશે શું આફ્રિકાના કિનારાઓ ઉપર?

"ઉપર આવો, ડૅડી ! દોડ્યા આવો!" મોટરમાંથી દોડ મારીને સ્ટીમર પર ચડી ગયેલી પેલી ગોરી યુવતી ડેક પરથી પિતાને વ્યર્થ બોલાવી રહી હતી. એની સાથેનો પુરુષ અને બે બાળકો નીચે જેટી પર ઊભાં ઊભાં આગબોટ અને પૃથ્વી વચ્ચે પહોળાતું જતું ઇરાવદીની ખાડીનું ડહોળાયેલું અંતર નિહાળી રહ્યાં. તેમને પાછાં લઈને એજ ડૉ. નૌતમની મોટર બહાર નીકળી ત્યારે ડૉ. નૌતમનનો કાફલો હજુ ફૂટપાથ પર સૂનમૂન ઊભો હતો. રતુભાઈ વાહન મેળવવા દોડધામ કરતા હતા.

'એય આપલી ગાડી!' બાબલો બોલી ઊઠ્યો અને એ શબ્દે મોટરમાં જતા ગોરાના કાન ચમકાવ્યા. તેણે મોટરધણીના કુટુંબને નજરે નિહાળ્યું અને છોકરાંઓને કહ્યું: "પ્રભુએ જ આપણને શિક્ષા કરી. આપણી જેમ આ બીજાં જેઓ બોટ પર જતાં હશે તેમની જ મોટર આપણે ઝૂંટવી લીધી!"

"હવે સ્ટીમર નહીં મળે, હેંં ડૅડી?" સાત વર્ષના છોકરાએ બાપને પૂછ્યું.

"સંભવ નથી, હવે તો બીજે જ કોઈ રસ્તેથી નીકળવું પડશે. બહેન એકલી ગઈ. એનો સામાન પણ આંહી પડ્યો રહ્યો."

ચૌદ વર્ષની પુત્રીએ પૂછ્યું: "આપણે માટે જેની કાર લઈ લીધી એ ઇન્ડિયન સ્ત્રી ફૂટપાથ બેસી કેમ ગઈ હતી, હેં ડૅડી?"

"એ સગર્ભા લાગતી હતી."

"ઓ માય!"

એ ગોરાં અને પેલાં હિંદીવાનો, આગબોટ ચૂકેલાં બેઉ પાછાં પીમના જવા સારુ સ્ટેશન પર મળ્યાં. પાછા ગયા વગર છૂટકો નહોતો. રંગૂનના બારા પર બૉમ્બમારો થવાથી હવે ઘડીઓ જ ગણાતી હતી.

સ્ટૅશન પર ઊભાં ઊભાં જ તેમણે કડાકા સાંભળ્યા. બંદરના ફુરચા ઊડતા હતા.

શિવશંકર શું થયું હશે? રતુભાઈ મૂંઝાવા લાગ્યો. ખનાન-ટો તો ઉદ્યોગનો પ્રદેશ છે, ત્યાં તો જાપાન ધ્વંસ કર્યા વગર રહેજે જ નહીં. ખનાન-ટો જવાની સંપાનો પણ બંધ પડી ગઈ હતી. કેટલા દિવસથી શિવને લખ્યું છે કે સૌને લઈને પીમના ચાલ્યો આવ.

રતુભઆઈ જાણીતા ગુજરાતીઓને ગોતતો, ટ્રેનની રાહ જોતો ફરતો હતો, તે દરમ્યાન એ ગોરા પિતા અને એનાં બે બાળકો સાથે ડૉ. નૌતમ અને હેમકુંવરબહેનનો સંપર્ક થયો. અંગ્રેજના મોં પર શરમ હતી. એણે

પેલી બોટમાં બેસી ગયેલી બાઈ એની દીકરી હતી એ જાણ્યા પછી ડૉ. નૌતમે કહ્યું: "તમારી પુત્રીને એક વાર મેં કોચવી હતી. એને મેં ફાળામાં પૈસા આપવાની ના કહેલી."

"તમે એ ઉચિત જ કર્યું હતું." અંગ્રેજનો જવાબ અજાયબીભર્યો આવ્યો : "હું એવા પારકા પુનરુદ્ધારની સાફાઈ ચાબાઈને ધિક્કારું છું. મારી છોકરી એ છંદે ચડી છે. પણ તે મારી મરજી વિરુદ્ધ છે."

"તમે શું કરો છો?"

"ફ્યુમાં મારો પોતાનો મોટો ધંધો છે."

ત્યાં તો ટ્રેન યાર્ડમાં આવી પહોંચી. માણસો એને ચોંટી પડ્યાં. ત્રણેય વર્ગમાં ઊભવાની જગ્યા નહોતી. અને સંજોગો એવા હતા કે આ પછી બીજી ટ્રેન દોડતી હશે કે નહીં તે કહેવું કઠીન હતું.

ગોરો મિલિટરીનો મોટો કૉન્ટ્રાક્ટર હતો. એને માટે લશ્કરી ડબ્બામાં જગ્યા થઈ. એ શરમાતો શરમાતો ડૉ. નૌતમ પાસે આવ્યો ને તેમને પોતાની સાથે આવી જવા વિનંતિ કરી.

"મારા સાથીદાર પણ છે, તમને બહુ બોજો થશે."

"કાંઇ નહીં, એ ક્યાં છે?"

"આ રહ્યા!...ઓ બાપ! એ તો બીજાં ત્રણને લાવે છે. હવે આપ અમારી પંચાતમાં ન પડો."

"કાંઈ ફિકર નહીં, હું બધાં જ સારું જગ્યા કરી શકીશ, ચાલો." ગોરાએ પોતાની તરફથી આ ગુજરાતીને પહોંચેલ નુકસાનીનું વટક વાળવાનો નિશ્ચય કર્યો હતો.

રતુભાઈની સાથે શિવશંકરનું કુટુંબ હતું. ડૉ. નૌતમ રતુભાઈ દ્વારા શિવને ઓળખતા, પણ એની પત્ની જોડે પહેલો જ મેળાપ હતો. એની બહેન શારદુ તો હેમકુંવર માટે એક અસાધારણ કૌતુક જેવી બની ગઈ. ચટચટ સુવાવડ વિશે વાતો કરવા લાગી પડી. હેમકુંવરને મોટું આશ્વાસન મળ્યું. પીમના પાછા પહોંચ્યા ત્યારે ત્યાં સ્ટેશન નહોતું. કાટમાળનો કડૂસલો જ હતો.

શું થયું હતું?

પા કલાક પર રંગૂનથી એક સ્પેશિયલ માંડલે ગઈ. તેમાં હતા બર્માના ગવર્નર અને ચિનાઈ સેનાપતિ ચ્યાંગ-કૈ-શેક. બેઉ માંડલે જતા હતા. એમને આંહીંથી નીકળી ગયે પાંચ જ મિનિટ વીતી. બીજી ઉતારૂ ટ્રેન આવી ઊભી રહી, એના પર બૉમ્બ વરસ્યા. પાંચ જ મિનિટની ગણતરી-ભૂલ જાપાન કરી બેઠું હતું.

"ત્યારે તો આપણાં તકદીર પાધરાં. દસ જ મિનિટ મોડા પહોંચ્યા. નહીંતર ઊડી જાત."

બપોરે એક વાગ્યે ખબર આવ્યા. માંડલેનો કિલ્લો સાફ! અંદર સભા ભરી બેઠેલા અફસરો ઊડી ગયા.

ચ્યાંગ-કૈ-શેક?

હા, ગયો જ હતો એ અફસર-સભા સાથે મંત્રણા કરવા, પણ ઇષ્ટદેવ પાધરા હતા. કિલ્લો ફૂંકાતાં પહેલાં પાંચ જ મિનિટે એની મોટર એને લઈને ત્યાંથી ચાલી નીકળી હતી.

પીમનાના ભૂકા થતા હતા ત્યારે હેમકુંવરબહેનને પ્રસૂતિની ઊની વેણ્ય ઊપડી ચૂકી હતી.

ફકત એક થાંભલાને ટેકે એમના ઘરનો એક જ ઓરડો ટકી રહ્યો હતો, બાકીના મકાનના છૂંદા બોલ્યા હતા.

બળતા નિભાડામાં માંજારીનાં બાળવાળું માટલું સલામત રહી ગયું હતું એમ જૂની વાતો કહે છે. ખળભળતા ને જમીનદોસ્ત બનતા એ મકાનની વચ્ચોવચ્ચ એક ખંડ આબાદ રહ્યો, ને તેની અંદર હેમકુંવરને પુત્રી પ્રસવી.

નાળચું વધેરવાથી અને પેટે પાટો બાંધવાથી વધુ વખત નહોતો.

"બાકીનું પીમના બાળી ભસ્મ કરવું છે, શત્રુઓને હાથ કોઈ સરંજામ જવા દેવો નથી." ભસ્મીભૂત ધરાની લશ્કરી સૂચના છૂટી.

ધીકતી ધરા તો રશિયા કરતું હતું. એમ તો રશિયા અદ્‍ભૂત મરણિયાપણાથી શત્રુઓનો સામનો પણ કરતું હતું.

રશિયાનાં એ બે કામોમાંથી બર્માની બ્રિટિશ સરકારે એકને જ અનુસરવું પસંદ કર્યું.

ધીકતી ધરા !

"શહેર ખાલી કરી જાવ. અમારે ધીકતી ધરા કરવી છે."

અરધા વાસાની છોકરી અને તાજી પ્રસૂતા સ્ત્રીને લઈ નૌતમે શહેર છોડ્યું. તેમને નીમ્યાવાળા ગામડા સુધી લઈ જવાને સારુ રતુભાઈની મોટર પણ નહોતી રહી. સરકારી ઉપયોગ માટે એ તો રતુભાઈની ગેરહાજરીમાં જ ઊપડી ગઈ હતી.

પારકું સાધન સો ગણા મૂલે મેળવીને બન્ને કુટુંબો સાથે રતુભાઈ નીમ્યાને ગામડે ઊપડ્યો.

રસ્તે જ્યાં જુઓ ત્યાં ધા ઊછળતી હતી. સાઠ વર્ષો સુધી ચાલેલા પોતાના રાષ્ટ્રના શોષણનું વેર વસૂલ કરવા બરમાઓ બહાર નીકળી પડ્યા હતા.

પણ આ ખટારાની મોખરે તો એક બર્મી નારી બેઠી હતી. રતુભાઈના ને શિવશંકરના લેબાસ પણ ઘાંઉબાંઉ, લૂંગી ને કોટના બનેલા હતા.

મોખરે બેઠેલી મા-હલાના હાથમાં ધા હતી.

નારીના હાથની ધા તો નરના હાથની ધાને ધ્રુજાવતી જ આવી છે. કંઈ યુગો એ કથની કહેતા આવ્યા છે. મા-હ્‍લાનો મોરો વાટપાડુઓને માટે વસમો બન્યો. નીમ્યાને ઘેર પહોંચી ગયાં.

ત્રીજી રાત્રિએ રતુભાઈ, ડૉ. નૌતમ, શિવશંકર, નીમ્યા અને મા-હ્‍લા મંત્રણા કરવા બેઠાં. શારદુ સૂતી હતી. એને દેહ ધગશ ચડી ગઈ હતી. હેમકુંવરબહેનને નીમ્યા વારંવાર જઈ શેક આપતી હતી.

"નૌતમભાઈ!" રતુભાઈએ કહ્યું, "રંગૂનનો માર્ગ બંધ થઈ ગયો. આસામના પહાડોનો માર્ગ જ હાથમાં છે. માંડલે હજુ ઘેરાયું નથી. ત્યાં જ તમે નીકળી જાઓ. ને શિવ તું?"

"હું! હું શા માટે કોઈ વિચાર જ કરું? આને હિંદ જવું હોય તો ભલે જતી." શિવે રમૂજથી પત્ની તરફ આંગળી ચીંધી.

"મારે શા માટે જવું પડે? હું તો ખનાન-ટોથી જ નીકળવા નહોતી માગતી." મા-હ્‍લાએ જવાબ વાળ્યો.

"હું તો હિંદમાં ડગલું પણ દેવાનો નથી."

"પણ જાપાન આવે છે. અંગ્રેજ ભાગે છે. નજરે નિહાળો છો ને?"

"તો શું છે?"

"નવા આવશે તે ભૂખ્યા દીપડા હશે."

"અકો!" નીમ્યાએ આવીને રતુભાઈને કહ્યું, "તમારે તો જવું જ પડશે." ડૉ. નૌતમે પણ યાદ આપ્યું :

"હા રતુભાઈ! તમારી ભત્રીજીનું નહીંતર શું થશે!"

રતુભાઈએ ડૉ. નૌતમને ઇશારે ચૂપ કર્યા. એ ઇશારતને જોઈ ગયેલી નીમ્યાએ પુછ્યું, "શું છે?"

મહામહેનતે ભત્રીજી તારાના પત્રની આખી વાત બહાર આવી.

"તો તો જાઓ જ." નીમ્યા આજ્ઞા કરતી હોય તેમ બોલી.

"તમને મૂકીને જવાની છાતી નથી."

"કહું છું કે જાઓ. અમારી ચિંતા છોડો. અમારી તો આ ભૂમિ છે. અમારી તો જે આવશે તેને જરૂર પડશે. તમને પરદેશીઓને નવા આવનાર નહીં સહી લ્યે. નીકળવા તો નહીં પામો, ને વધુમાં ક્યાંક કેદ પકડાઈ જશો. કાં નવા ને કાં જૂના તમને જાસૂસી માટે ઉડાડી દેશે. જાઓ, જલદી જાઓ."

"તું તો મા-નીમ્યા, મને કેટલો નપાવટ ધારે છે!"

"નપાવટ નહી, પણ કાંઈ વિચાર તો કરો! આ ડૉક્ટર બાબુ એકલા બે બાળકો અને સુવાવડી સ્ત્રીને લઈને હિંદ કેમ પહોંચશે?

તમે હેમકુંવરને ખાતર જાઓ."

"વારુ, જાઉં છું. ને તું શિવ? તેં તો નિશ્ચય જ કર્યો છે ને ?"

"હા-જી." ને એણે લલકાર્યું:

યહ ભી દેખા

વહ ભી દેખ લે!

"શિવ! તું નીમ્યાની સંભાળ રાખીશ ને?"

બોલતાં બોલતાં રતુભાઈ બીજી બાજુ જોઈ ગયો.

"આંહીં તો આવો, ડૉક્ટર!" નીમ્યા દોડતી તેડવા આવી. શિવશંકરની બહેન શારદુના શરીરમાં મહાઉત્પાત મચ્યો હતો.

ડૉક્ટરે જઈને તપાસ્યું. માથું ઢાળી ગયા. બહાર નીકળી શિવને ને રતુભાઈને એકાંતે કહ્યું: "પ્લેગ! સામટી ચાર ગાંઠ! એક સ્ત્રી સુવાવડમાં, ને બીજી પ્લેગમાં!"

"એમ ઢગલો ન થઈ પડો, ડૉક્ટર!" રતુભાઈએ છાતી ખોંખારી: "આપણી એકની જ શું આ વાત છે? આજ તો બર્માને ગામેગામ હિંદીઓના ઘરેઘરમાં આ દશા હશે. પણ આ પ્લેગની જો બહાર કોઈને જાણ થશે ને આપણા બાર વાગી જવાના. પ્લેગવાળાંને ગોળીએ જ દેશે."

"કોઈક બારણે બોલાવે છે." નીમ્યા દોડતી આવી.

"કોણ છે?" સૌ ધ્રૂજ્યાં.

"ગામનો તજી."

તજી એટલે સરકારી મુખી. એ બરમા મુખીએ આવીને નામવાર વિગતો પૂછી ને કહ્યું: "કોઈ ડૉક્ટર છે ને તમારી ટોળીમાં?"

"હા, કેમ?" રતુભાઈએ પૂછ્યું.

"મિલિટરીનો ઑર્ડર છે કે કોઈ ડૉક્ટરે બર્મા છોડવાનું નથી."

"આ રહ્યો હું, ભાઈ! આ મૂઓ હું આંહીં." એમ કહેતો શિવ, રખે ડૉ. નૌતમનો ઉલ્લેખ કોઈ કરી નાખે તે બીકે, એકદમ વચ્ચે કુદાવી પડ્યો: "હું તો ક્યાંય જતો નથી. હું શું હજામ છું, કુંભાર છું, કે મને પીમનામાં રહેતો હોવા છતાં મિલિટરીના આ હુકમની ખબર નહીં હોય? આ તો અહીં સુવાવડનો કેસ છે, તે હું આંહીં વિઝિટે આવ્યો છું. જાઓ, જણાવી દો પીમના કે, ડૉ નૌતમ આંહીં તમારી દેખરેખ તળે જ છે, ને તુરત પીમના પાછા આવે છે; અને જુઓ, તજી ! મારું મોં વગેરે બધું બરાબર જોઈ લેજો, પછી પાછા નથી ઓળખતા એમ ન કહેતા!"

"ના રે બાબુ, ના !" એમ બોલતા તજી આ નવા ડૉ. નૌતમનું ડાચું પણ નિહાળ્યા વગર શરમાઈને ચાલ્યા ગયા.

"બોલો, ભાઈ!" શિવે કહ્યું. "હવે તમે બેઉ છૂટા છો. રાત થોડી છે, વેશ ઝાઝા છે. બોલો, મારી શારદુને આંહી મરતી મૂકવી છે? કે..."

"નહીં, શિવ! એ મારી સાથે...." રતુભાઈએ બાંય ચડાવી.

"સોંપું છું - મરે તો મૂકજો રસ્તામાં. ને જીવે તો હૃદય જે કાંઈ સુઝાડે તે કરજો."

દવા ચાલુ થઈ ગઈ હતી. મોટર ખટારો મેળવી લીધો હતો. રાતોરાત પીમનાથી એક નિરાળા સ્ટેશને પહોંચવું હતું. ત્યાંથી કોઈ પણ ગાડી, કોઈ ગુડ્ઝ ટ્રેન, કોઈ એન્જિન ટ્રોલી, જે કાંઈ તકદીરમાં હશે તે જડી જશે. પણ અહીં તો દિવસ ઊગવા દેવો નથી. ડૉ નૌતમ જો ઓળખાઈ જશે તો રઝળી પડશું.

કાંઉલે ઊંઘી ગયો હતો. નીમ્યાને તો 'અકો'ને વિદાય દેવાની પણ વેળા નહોતી. વહાલાં સ્વજનો જુદાં પડે છે ત્યારે ગદગદિત બની આંસુ સારવાનો પણ અવકાશ જોઈએ છે. આંહીં તો ફાળ ને ફફડાટ, ઉતાવળ અને ઉચાટ હતાં. ઓછામાં પૂરું અંધારી રાત હતી. સામાનના ચાર-પાંચ મુદ્દા સાથે લેવાની ભાંજગડ હતી.

"હવે આ બેઉ જણીઓને ઉપાડી ખટારામાં નાખે કોણ?"

"મને કાંઈ નથી, હું તો ચાલી આવીશ." કહેતાં હેમકુંવર બહેન બાળકને તેડી ચાલ્યાં.

"બહિન કૈસે જાયગી?" બેઠેલી મા-હ્‌લા પૂછતી હતી. એનો સ્વર જ કહેતો હતો કે એની છાતી વલોવાતી હતી.

શારદુના શરીરને ઉઠાવવાનું કામ કોઈ પહેલવાનનું હતું.

રતુભાઈએ શિવ સામે એક પલભર નજર કરી. ને શિવે કહ્યું: "હમ્! હવે પૂછવાનું શું છે? જુઓ, રતુભાઈ!" શિવ રતુભાઈના કાન પાસે ગયો, "હું તો અત્યારથી કન્યાદાન દઈ દઉં છું. પ્રભુ તમને...."

"બસ થયું, શિવ!"

એમ કહેતેકને અખાડેબાજ રતુભાઈએ શારદુના ભર્યા દેહને પોતાની ભુજાઓ ઉપર લીધો. પોતાની છાતી પર ધારદુની છાતી આવી. પોતાના ખભા પર શારદુનું માથું આવ્યું. જમણા હાથમાં કદળી-પગની પિંડીઓ આવી.

- અને અંતરમાં પ્રાર્થના આવી: "જીવનના દેવ ! જીવનનો એક જ જ્યોતિકણ આપજો."


Rate this content
Log in

Similar gujarati story from Classics