Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others Inspirational Romance

2  

Mariyam Dhupli

Others Inspirational Romance

પ્રસ્તાવ

પ્રસ્તાવ

6 mins
7.3K


આજે ચૌદમી ફેબ્રુઆરી વેલેન્ટાઈન દિવસ. આજે વિશાલ એની પ્રેમિકાની આગળ લગ્નનો પ્રસ્તાવ મૂકે અને બસ એ સ્વીકારી લે એટલે એની જવાબદારીમાંથી એ મુક્ત. પતિ વિનાજ પોતે નોકરી કરી એણે વિશાલને ભણાવ્યો, ઉચ્ચ શિક્ષણ અપાવ્યું અને સરસ નોકરી મળે એ માટે અથાક દોડાદોડી કરી. હવે બસ એની ગમતી જીવન સાથી મળી જાય. વિશાળ એનું કૌટુંબિક જીવન આરંભે એટલે એની બધીજ મેહનત ફળી જાય.

એકલા હાથે દીકરાને ઊછેરતા એ મા કરતા વધુ એની મિત્રજ હતી અને તેથી જ આજે હોટેલના ટેબલથી લઈ બૂકે સુધીની બધીજ વ્યવસ્થા એણે જાતેજ કરી હતી. બસ વિશાળ કોલ કરી શુભ સમાચાર આપે એ આશાએ નીતિ મોબાઇલને તાકી રહી હતી. ત્યાંજ મોબાઇલ રણક્યો: "હેલ્લો, મમી જલ્દી હોટેલ આવતી રહે.." "શું થયું વિશાલ સૌ ઠીક તો છે?" એનું હૈયું ધડકી ઉઠ્યું. "તું પલીઝ અહીં આવ પછી વાત કરીએ." કેહતા વિશાલે કોલ કાપ્યો. એક પણ ક્ષણ વેડફ્યા વિનાજ એ ભાગી. રીક્ષામાં આખા રસ્તે એના મગજમાં સો વિચારો ઉઠ્યા. બસ એના દીકરાની લાગણી ન દુભાવી જોઈએ. આખું જીવન એને ખુશ જોવા એ બધુંજ કરી છૂટી હતી.

હોટેલ આવતાં જ એ સીધી બુક કરાવેલ ટેબલ પર પહોંચી. વિશાલ અને એની ગર્લફ્રેન્ડ સાથે જ બેઠા હતા. એણે સીધુજ વિશાલની આંખોમાં જોયું. વિશાલે ખુશીથી માથું હલાવ્યું અને અંકીતાના હાથમાં પહેરાવેલ વીંટી દેખાડી. નીતિ આગળ વધી બંનેને વળગી પડી.

આંખોમાં આંસુ સાથે બોલી: "હું તો ડરી જ ગઈ. પણ આમ કબાબમાં હડ્ડી થવા શું કરવા બોલાવી? એન્જોય યોર ઇવનિંગ માઇ કિડ્સ. હું નીકળું." વિશાલે એનો હાથ પકડી અટકાવીઃ

"તને કોઈ મળવા આવ્યું છે." કહેતાં એણે દૂરના ટેબલ તરફ ઈશારો કર્યો. "સોહમ?" આટલા વર્ષો પછી પણ એને જોતા હજી એનું હૃદય એવુંજ ધબક્યું જેવું એને છેલ્લી વાર મળતા સમયે ધબક્યું હતું.

એ એમજ ઊભી રહી સ્થિર. શું કરે, શું ન કરે? વર્ષો એના વિના વિતાવ્યા પથ્થર બની. નિર્ણય પણ તો એનોજ હતો. પોતાના સ્વાભિમાનને સાચવવા એને કેટલી સજાઓ આપતી ગઈ.

એક પછી એક. એ સ્વીકારતો ગયો. માતા પિતાની મરજીથી લગ્ન થયા ત્યારે પણ એ એને સમજ્યો. પોતે દૂર પરદેશ જતો રહ્યો. લગ્ન ન કર્યા. જયારે પણ દેશ આવે મિત્રોથી એની ખબરઅંતર પૂછતો રહે. પતિની નબળી આર્થિક પરિસ્થિતિ, શિક્ષકની નોકરી અને નાના બાળકની જવાબદારી વચ્ચે એ પીસાઈ રહી હતી.

આડકતરી રીતે એને સહાય કરવા સોહમ જયારે પણ પ્રયાસ કરતો નીતિનું સ્વાભિમાન એના પ્રયાસને હડસેલી દેતું. સોહમ એના જીવનનો ભગવાન બને એ એને ક્યારેય મંજૂર નહોતું. પોતાનું જીવન તો સંઘર્ષ પણ પોતાનો જ.

એક વાર તો સોહમ એ સીધોજ લગ્નનો પ્રસ્તાવ મૂકી દીધો. શાળાની બહાર રસ્તામાંજ: "ડિવોર્સ હિમ નીતિ. હું તારો અને વિશાલનો પૂરો ખ્યાલ રાખીશ. આ વખતે હું તમને સાથેજ કેનેડા લઈ જઈશ. બધું ઠીક થઈ જશે. વિશ્વાસ રાખ મારી ઉપર અને એની જીદ્દી અને સ્વાભિમાની નીતિ કેવી ભડકી ઉઠી હતી:

"તું મહાન બની શું સાબિત કરવા ઈચ્છે છે? હું મારા વિશાલનું ખ્યાલ નથી રાખી શકતી? લોકો એમ જ કહેશે ને કે અમીર મિત્ર સાથે લગ્ન કરી ખુશીનું શોર્ટ કટ લીધું? તું જતો રહે મારા જીવન માં ઝાંકવાનું બંધ કર ને જા તારું નવું જીવન વસાવ."

આ શબ્દોએ સોહમને અંદરથી તોડી જ નાખ્યો. એ કદી દેશ પરત જ ના થયો. કામમાં પોતાને એવો ડુબાવ્યો કે પોતાના મનનો અવાજ પોતાના મગજ સુધીના પહોંચી શકે.

નીતિના પતિના મૃત્યુના સમાચાર મળ્યા ત્યારે એણે સંપર્ક સાધવા પ્રયાસ કર્યો પણ કદાચ નીતિના બદલાયેલા જીવન સાથે એનો ફૉન નંબર પણ બદલાઈ ચૂક્યો હતો. એ એની નીતિને બરાબર જાણતો હતો. એની જીદ્દ અને એનું સ્વાભિમાન અને જેટલું સ્વાભિમાન એ રાખતી એટલોજ પ્રેમ એના માટે વધતો જતો. એ દેશ ગયો. ફરી નીતિને મળ્યો.

"નીતિ જીદ્દ છોડ. આવતી’રે મારી જોડે. તને કદાચ મારી જરૂર ન હોય. પણ વિશાલને એક  પિતાની જરૂર છે. હું એક શ્રેષ્ઠ  પિતા બનવા બધું કરી  છૂટીશ. માની જા નીતિ." "આવી ગયો ફરી ઈશ્વર બનવા. બિચારી નીતિ. તારા વિના એ કશુંજ કરી શકશે નહિ." "જો નીતિ તું વાતને અન્ય દિશા એ ન ફેરવ."

"સોહમ પરિસ્થિતિનો ફાયદો ઉઠાવતા તો કોઈ તારા થીજ શીખે." "નીતિ, હવે તું મારા પ્રેમનું અપમાન કરી રહી છે." "પ્રેમ? જો તું મને સાચો પ્રેમ કરતો હોઈ તો મને ને વિશાલને શાંતિથી જીવવા દે. કરવા દે મને મારી ફરજ પુરી. મને કોઈની દયા કે ભીખ ન જોઈએ. વિશાલનો પ્રેમ હું કોઈની જોડે ન વહેંચીશ. સમજ્યો?"

"હું તો સમજ્યો પણ અફસોસ તું મારા પ્રેમ ને સમજીજ નહિ. ઠીક છે. હું જાઉં છું. જ્યારે પણ તારો નિર્ણય બદલાઈ મને કહેજે." એને પોતાનો બીઝ્નેસ્સ કાર્ડ આપતા કહ્યું. નીતિ એ કાર્ડના ટુકડેટુકડા કરી નાખ્યા. "જસ્ટ લિવ મી અલોન." "પણ હું તારી રાહ જોઈશ.” "હું પણ તો જોઉં તારો પ્રેમ મારી કેટલી પ્રતિક્ષા વેઠી શકે?"

એ દિવસે એણે અંતિમ વાર એને જોઈ હતી. ગુસ્સા વાળી, જીદ્દી, આત્મનિર્ભર એની નીતિ. વર્ષો પસાર થતા ગયા એના વિનાજ છતાં એની સાથેજ.

એની યાદોને એણે પોતાની કમજોરી નહિ પોતાની શક્તિ બનાવી. એની હર સફળતા નીતિને નામ. એની દરેક કામયાબી નીતિને સમર્પિત. એની ઢાળ, એની છાયા, એનું સમ્માન એની નીતિ. આવાજ વીતતા વર્ષોની કોઈ ક્ષણમાં એની નજર ફેસબુકના વિશાલના પ્રોફાઈલ પર પડી. બિલકુલ નીતિનોજ ચેહરો.

એજ આત્મવિશ્વાસ એજ સ્વાભિમાન. એણે ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલાવી અને વિશાલે સ્વીકારી. પોતાનાજ શહેર અને વિસ્તારનાએ વ્યક્તિ એને શું કરવા એટલા ગમવા માંડ્યા એ વિશાલ સમજી ન શક્યો.

એમનાં વિચારો, એમની જીવનશૈલીથી એ ઘણો પ્રભાવિત થતો ગયો. ઔપચારિકતાથી શરૂ થયેલ આ સંબંધ એક અનેરી મૈત્રીમાંજ ફેરવાઈ ગયો. વિશાલે પિતાના ખાલી પાનાં ઉપર જાણે સોહમનું ચિત્ર દોરવા માંડ્યું. તો સોહમને તો જાણે નીતિ ફરી મળી ગઈ.

એક દિવસ અનાયાસે જ જ્યારે વિશાલે અંકીતાની વાત છેડી ત્યારે સોહમને વિશાલે પોતાના પર રાખેલ આ વિશ્વાસનું ઋણ ચૂકવવાનું જ યોગ્ય લાગ્યું. એણે પોતાના અને નીતિના સંબંધની બધી જ હકીકત સંપૂર્ણ પારદર્શિતા સાથે વિશાલ સામે મૂકી દીધી. વિશાલને આઘાત લાગ્યો.

આ સંબંધથી નહિ પણ એની નિષ્ફળતાથી. માની મહેનત, ત્યાગ, હિમ્મત, આત્મનિર્ભરતાથી તો એ વાકેફ હતો. પણ એની સહનશક્તિની પરાકાષ્ઠા જાણી એ નિશબ્દ બન્યો. મારા પ્રેમના ભાગ ન પડે એ માટે એણે પોતાના સાચા પ્રેમને હડસેલ્યો. સોહમને જેટલી પણ વાર એણે પોતાનાથી દૂર કર્યો હશે તેટલા જ ટૂકડાઓમાં એ અંદરથી વિખેરાઈ હશે? તો બીજી તરફ સોહમમાં એને એ વ્યક્તિ દેખાયો જે સાથે ન હોવા છતાં દરેક કદમ એનીમાં સાથેજ ચાલ્યો.

એની દરેક જીદ્દ એના દરેક સ્વાભિમાન સાથે એને વધુ ને વધુ ચાહતો ગયો. વિશાલ એ એને ભારત આવી માને મળવા રાજી કર્યો.

બધુંજ પ્લાન મુજબ બંધબેસતું થયું અને પરિણામ સ્વરૂપ આજે વર્ષો પછી બંને સામસામે. વિશાલ માનો હાથ પકડી બોલ્યો: "હું બધું જાણું છું. મા કોઈને પ્રેમ કરવું, કોઈની અથાક પ્રતિક્ષા કરવું, સ્વાર્થ વિના તેને સ્વીકારતા જવું, બસ એજ એમનો વાંક?”

આ કેવી સજા? આ કેવી જીદ્દ? તારા સ્વાભિમાનને તારૂં અભિમાન ન બનાવ." નીતિ હજી પણ સ્તબ્ધ મૂર્તિ જેમ વિશાલના શબ્દ સાંભળી રહી: "આવ મા." કહેતા વિશાલ એને સોહમની નજીક લઈ ગયો. એક વડીલની માફક એણે પ્રસ્તાવ મુક્યો: "વિલ યુ મેરી માઇ મોમ?" નીતિ કંઈ કહે એ પહેલાંજ સોહમ નીચે બેસી એક હાથ આગળ ધરી પૂછી રહ્યોઃ "મારી જીદ્દી સ્વાભિમાની નીતિ વિલ યુ બી માઇ વેલેન્ટાઇન? જો નહિ તો પણ હજી મારો પ્રેમ તારી પ્રતીક્ષા કરવા સક્ષમ છે અને આજીવન રહેશે."

નીતિ સોહમને વળગી પડી. એના પ્રેમ અને ધીરજે આજે એની જીદ્દને પીગળાવી દીધી. આજે આ પ્રેમના ધૈર્યથી એને સ્વાભિમાન અને ગર્વ સોહમના રૂપમાં આજીવન મળી ગયા.

એ દિલ ખોલીને રડી. આજે વર્ષો પછી એ હળવી થઈ. આજે સોહમનો પ્રસ્તાવ સ્વીકારી એનો પરિવાર સંપૂર્ણ થયો. બમણો પ્રેમ, બમણો પ્રસ્તાવ અને આજે ઉજવાયો બમણો વેલેન્ટાઈન.


Rate this content
Log in