Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Vijay Shah

Tragedy Drama

3  

Vijay Shah

Tragedy Drama

ઋણાનુંબંધ

ઋણાનુંબંધ

8 mins
14.6K


નાનકડું ખોબલા જેવું રામપર ગામ. હજારેકની વસ્તી એમાં ત્રીજા ભાગ ગરાસિયાનો, ત્રીજા ભાગપાટીદારનો અને ત્રીજા ભાગની ભીલ અને કોળી જેવી ખેતમજૂરની વસ્તી…!

સુંદર મઝાનું ગામ… સવાર પડે ને ભેંસો અને ગાયો નીકળે ચરવા… બે ચાર ઘરે વલોણું હોય જેમાંથી ઘમર... ઘમ…ઘમર ઘમ અવાજો આવતા હોય.. ગામનો ચોતરે રામજી મોટા શીવના મંદિરમાંપૂજા કરતા હોય… અને એય બળદના ગળે બાંધેલા ઘુઘરાનો મધુર ધ્વનિ ગામના પાદરને રણકાવતો હોય…

તે વેળા તો ગામના પાદરે આવેલા તળાવે કપડાં ધોવા કે કુવાને પાણીયારે પાણી ભરવા પનિહારીઓ જતી… એટલે સવાર પડે અને નિંદ્રામાં પડેલું ગામ જાગૃત થાય… હવે તો જાણે લાઈટોઆવી, નળ આવ્યા… ગામમાં ટ્રેક્ટરો આવ્યાં… ઘણું બધું આવ્યું… ગામમાં ડેરીનું મથક આવ્યું… સહકારી સોસાયટી થઈ… કૂવામાં મોટરો નંખાઈ… પણ એ બધું આવતાં ગામડાના સુંદર સવારની જે મઝા માણવા મળતી તેમાં ઓટ આવીગઈ… જા કે આ બધી પ્રગતિને જાનારો હું નજરોનજર સાક્ષી છું.

ગામના માણસોએ પ્રગતિ સામે ઘણુંબધું ભૂલી ગયા… ઘણુંબધું નવું શીખ્યા. પરંતુ એકાળઝાળ જેવું દુઃસ્વપ્ન હજુ કોઈ ભૂલી શક્યું નથી.

રામજી મોટાના શબ્દો હજુ મને યાદ આવે છે… અને શરીરમાં ધ્રૂજારી થવા લાગે છે… આખીદુનિયાથી બળેલાઝળેલા માણસ જયારે ઘેર આવે અને ત્યાં જા શાંતિ ન મળે તો કાં તો એ ગાંડો થઈજાય અથવા તો ઝેર પી લે…

સોમાનું કંઈક એવું જ થયું હતું…

મણી – એની પત્ની. ભારે કર્કશા. આખો દિવસ કટકટ કર્યા જ કરે… નાની નાની વાતમાંઝઘડો કરે… ટોકે… ભોળો સોમો આંખ આડા કાન કરીને જીવ્યા કરે.

પણ તે દિવસે…

એનાથી રહ્યું ન ગયું…

એના હાથ ખેંચાતા હતા…

એના પગ ખેંચાતા હતા…

મોંમાથી ફીણ નીકળતું હતું….

આકુળ – વ્યાકુળ એનું શરીર આમથી તેમ અમળાતું હતું જીવ ભરાતો હતો. અચાનક ધડાકો થયો. એ ખાટલા પરથી જમીન પર પછડાયો. ઉપરથી ક્રોધિત થયેલી મણીનોઆ અવાજ સંભળાયો.

“મુઓ પીટ્યો પાછો ઢેંચીને આવ્યો લાગે છે…” દુઃખતા દેહને ઊભો કરી એ ઉપર ચઢી… “તમે, વાંટામાં કંઈ પીને આયા કે શું ?”

“ના”

“તંઈ આમ આખલાની જેમ જમીન પર કાં આમ રડાવો છો ?”

“મેં તો ઝેર પીધું છે.”

ફરીથી એનો દેહ આમરડાયો… આંખો ઊંચે ચઢી ગઈ… મોંમાંથી ફીણ નીકળવા માંડ્યું…

“એ સવજીભાઈ ! રામજી મોટા ! વિનુભાઈ… દોડો… કંઈક કરો મરણપોક જેવી મણીનીચીસથી અડધું ગામ તેને ફળીયે એકઠું થઈ ગયું.”

સોમો – મણી દુનિયાના રીતરિવાજના ફંદાનું એક કજોડું હતા. કર્કશા મણી અને સરળ સોમા વચ્ચે કાયમ કંઈકને કંઈક ટકટકારો થયા કરતો. દર વખતે તો સોમો આવું કંઈક બને એટલે ઊભો થઈને બબડતો બબડતો ઘર છોડીને બહાર નીકળી જાય… ગામલોક પણ જાણે કે આજે પછી કંઈ નવા જૂની થઈ… બહુ નવાઈ હવે સમય વીતતા લોકોને લાગતી નહીં….

પણ… આજે કંઈક નવું જ હતું…

બપોરના ૧૨ વાગે અચાનક મણીની મરણપોક – કાયમ બબડીને જતાં રહેતાં સોમાએ એને મારી કે શું થયું ? લોક બેગું થવા માંડ્યું.

“લ્યા સોમલાએ ઝેર પીધું -”

“ઝેર ?” હા, શું કરે બિચારો ! આ કર્કશા ? મારા જેવો હોય તો તો ક્યારનીયે પોટલું પકડાવીને પોબારા ગણાવી દીધા હોય… પણ આ ભોળિયાએ એને અત્યાર સુધી સાચવી અને અંતેકમોતે !!!

વાત વાયરા વેગે વહેતી થઈ… નાનું ખોબલા જેવું રામપર ગામ, આવું તો કેટલાંય વર્ષો બાદએકાદ વખત બંને… અને કોઈક કંઈક જાવા… સાંભળવા.. કોઈક કરુણાથી…સહાનુભૂતિથી… મદદરૂપ થવાના હેતુથી આવવા લાગ્યું…

રામજી મોટા કહેતા હતા… “અલ્યા શેરેક ઘી પાઈ દો હમણાં. અમળાતા જીવને રાહતથશે…”

વિનીયો કહે – “ઘી સાથે મીઠું પીવડાવીને ઊલટી કરાવો… ઝેર પેટમાંથી નીકળતાં તરત જ સોમલાને આરામ થઈ જશે.”

ભઈ લો બોલ્યો – “મારા આતાએ ઝેર પીધું હતું ત્યારે મોરથુથુ પાયેલું. ઝેરનું મારણ ઝેર.”

કોઈક કહે – “અલ્યા, બોડકા જઈ ડોક્ટર તેડી આવો – સૌથી સારો ઉપાય. આ સાડાબારની બસ આવી.”

કોઈ ઘી લેવા દોડ્યું, કોઈ મીઠાને પાણીમાં ઓગાળવા લાગ્યું. કોઈ મોરથુથુ ભાંગવા બેઠું, કોઈ ડોક્ટરને તેડવા ગયું પણ સોમલાનો અમળાતો દેહ ન અટક્યો .- જીવ નીકળતા પહેલાં બહું મુંઝાતો હતો… વાટકી ભરીને કપાસના જીવડાને મારવાની દવા પી ગયો હતો.

બહાર ઓટલા પર ઘરડેરા જુવાનીયા વ્યાકુળ હૈયે બેઠા હતા. અંદર બૈરામંડળ બેઠું હતું… મણી રડતી હતી… એનું સાડા છ મહિનાનું ધાવણું છોકરું પણ દૂધ ન મળવાથી રડતું હતું… મણીને કોઈક છાનું રાખતું તો કોઈક છૂપો ટોણો પણ મારી લેતું જીવ્યો ત્યાં લગી તો દુભવ્યો. હવે મરવા ટાણેતો શાંતિ રાખ – કર્કશા, છપ્પરપગી.

“રાંડ ! કોને છપ્પરપગી કહે છે ? એ તો મારા નસીબ ફૂટલા કે આવો બાંયલો ધણી મળ્યો… કોઈ હોય તો પથ્થરમાંથી લાત – મારીને પૈસા પેદા કરે… આતો મારા પિયરના પૈસે લહેર કરતો હતો. રડતી મણી અચાનક લડવા માંડી, કોઈકે એને સલાહ આધી ગમે તેમ તોય તારો ધણી છે એ જીવતો રે'શે તો તું ઊજળી રહીશ સમજી?”

બહાર ઘરડેરાઓ કપાસની નવી જાતોને ગાળો દેતા હતા. આ કપાસને બીજા પાકોની નવીનવી જાતો આવી અને લોકોને ઝેરી દવાઓ જાડે કામ કરતા થવું પડ્યું, પહેલાના સમયમાં નહોતી આ દવાઓ અને નહોતી આ જીવાતો…

“અને જુવાનીયાઓ પણ આછકલા ! કંઈક થયું ને લાગે ઝટકો અને પી લે ઝેર ! હું તો કહું છું કે ઝેર તો ઘરમાં રાખવું જ નહીં. સહેજ ચણભણ થઈ અને બૈરી ધમકી આપે કે હું ઝેર ખાઈ લઈશ… ઘરમાં ઝેર હોય તો યાદ આવે ને… ન હોય તો શું ખાય ? ચૂલાની રાખ?”

“અરે અમારા શનીયાનો ટબુડો… એક દિવસે એ બાટલી જાડે રમવા માંડ્યો એ તો સારું થયું કેશનીયાની નજર પડી ગઈ. તે લઈ લીધી નહીંતર નાના છોકરાને શું ખબર… શીશી ખોલીને પી જાયતો !”

અંદરથી… ઓ… ઓ! અવાજ આવ્યો… કદાચ સોમલાએ ઊલટી કરી હતી. .. રામજી મોટાનું ઘી અને વિનીયાનું મીઠું એક સામટા બહાર આવ્યા હતા. બેભાન સોમલો હાથપગ પછાડતો રહ્યો. ઝેર ધીમે ધીમે આખા શરીરમાં પ્રસરી રહ્યું હતું.

રામજી મોટા બોલ્યા, "અલ્યા કોઈ સોમલાના મોટાભાઈને તો બોલાવો – ભરૂચ હોસ્ટપિટલમાં લઈ જઈએ."

“મણી કહે, મારા પિયરથી મારા ભાઈઓ તથા બાપાને બોલાવો. છેલ્લે છેલ્લે મળી તો લે.”

રામજી મોટાએ છણકો કર્યો – "અલી ! હજી એ મર્યો નથી, જીવે છે. બેશરમ, હમણાં ડોક્ટરઆવશે અને એ બચી જશે. સમજી. છેલ્લે છેલ્લે એટલે શું ?

સાડા બારની બસ આવવાનો ખખડાટ થયો.

પેલો ડોક્ટરને તેડવા ગયેલો જુવાનીયો વિલે મોઢે પાછો ફર્યો ડોક્ટરે ના પાડી. ઝેર પીધાને બે કલાક થઈ ગયા એટલે ના જીવે તો પોલીસ કેસ થાય.

સોમલાનો ભાઈ આકસ્મીક રીતે જ આવી ગયો.

“કુન ! ભરુચ લઈ જશે !”

“પણ – પૈસા…”

વાસ્તવિકતા નગ્ન સ્વરૂપે દૈત્ય બની નાચવા લાગી… પૈસા ક્યાં હતા ? ટેક્ષીમાં નાખીને ભરૂચમાં લઈ જવાના ઓછામાં ઓછા પચાસ રૂપિયા જાઈએ. હોસ્પિટલમાં ડોક્ટરને ખવડાવવા૧૦૦ની નોટ જાઈએ – દવાદારૂ વગેરેનો ખર્ચ ઓછામાં ઓછો અઢીસો – ત્રણસોનો તો ખરો જ.

ભલભલા ભૂપતિઓના પાણી રૂઠેલી કુદરતે છેલ્લી ત્રણ સિઝનમાં ઉતારી નાંખેલા. ઉપરાઉપરી પડતો દુકાળ.. વધતા જતા દવા–ખાતરોના ભાવ, અને સામે આવક નહિવત… લોકોદેવામાં ડૂબી ગયેલા… કોઈની હિંમત ન ચાલી…ગામના માણસને બચાવવા અઢીસો રૂપિયા કાઢે .. ફક્ત અઢીસો… અઢીસો… શું અઢી રૂપિયા પણ ખેડૂત પાસે નહોતા…

મણીને પૂછ્યું – “પૈસા છે?” એની તો આ મોંકાણ થઈ છે. અને હજી તો લોક કંઈક નક્કી કરે તે પહેલા તો... સોમલો ખેંચાયો... જોરથી ડચકું ખાધું. છાતીમાં બને તેટલી હવા ખેંચવા પ્રયત્ન કર્યો… મોંમા ફીણ ઊભરાઈ આવ્યું અને શાંત થઈ ગયો.

મણી માથે હાથ દઈને રોવા વળગી, “તમે આ શું કર્યું ? લોકોના મેણાટોણા ખાવા મને જીવતી રાખી… ઉં..હું…હું…ઉં…હું…હું…હું… ”

કનુ એક ખૂણામાં ઊભો ઊભો સોમલાના દેહને જાતો હતો. એક આંખ ખેંચાઈ ગયેલી અને મોં ઉપર ફીણ ફીણ… અને કાળું પડી ગયેલું શરીર…

અચાનક શું થયું કે ઊભા થઈને મણીને એક લપડાક લગાવી દીધી… રાંડ કર્કશા ! તારા લીધે જ મારા ભાઈએ ઝેર પીધું. છપ્પરપગી….

લોકોએ કનુને પકડ્યો… મણી તો બરાડા જ પાડવા માંડી…! હાય હાય ! હજુ તો એમનો દેહ ઘરમાં છે ને, મને મારે છે. નખ્ખોદીયો… ન જાણે કે પછી શું યે કરશે… નીચા વરણની બાઈઓ બોલતાં શરમાય તેવી ગંદી અને બિભત્સ ગાળો બોલવાનું ચાલું કરી દીધું… એના નસીબને…સોમલાને… કનિયાને… એના ઘરવાળાને… બધાંને … છેલ્લે કશું ન ચાલ્યું તો દૂધ માટે ટળવળતા એના છોકરાને ટીપી નાખ્યો… બેચાર બૈરાં એને ઢસડીને બહાર લઈ ગયાં…

એક પ્રકારનો ખળભળાટ મચી ગયો.

માથે વાદળ ઘેરાતાં હતાં….

કનુ પોક દઈને રડતો હતો… રામજી મોટાએ એને છાનો રાખીને ઝટપટ સ્મશાન ભેગા કરવા કહ્યું – “કનુ ! આપઘાતનો કેસ છે. પોલીસ આવી પહોંચે અને ચીરફાડ થાય તે પહેલાં એને જલદીથી અગ્નિદાહ દઈ દેવડાવ. વળી માથે વાદળા ઘેરાય છે…”

“પણ મારો ભઈ લો ! કનુ વળી હિબકે ચડ્યો… એનો તો મા જણ્યો ભાઈ હતો ને… ગમે તેમતો પણ એક લોહી હતું ને…”

એને રડતો મૂકીને સોમલાના દેહને બાંધવા માંડ્યા…

બહાર ચણભણ થતી હતી.

“સોમલાને પેલો ગામનો તલાટી વારંવાર તેડતો હતો. હજી મહેસૂલ અને પંચાયતવેરો ભર્યો નહતો….” તલાટી જ મૂઓ વારં વાર તેડ્યા કરે. પચાસ રૂપિયા તો ભરવાના… પણ તોય રોજતવાઈ…. પણ જાણે ભાગી ન જવાના હોય… એ બિચારો કરે પણ શું ? ઉપરથી રોજ એની ઝાટકણી થતી હોય તે પચાસ રૂપિયા પણ ન ભરી શક્યો. બિચારો રાતદિવસ વૈતરું કૂટતો હતો. પણ કુદરત જ રૂઠી હોય ત્યાં શું ? પહેલાં તો એના સાળા પાસેથી ઉછીના લાવતો હતો, પણ આ વખતે તો એણે પણ હડધૂત કરી નાખ્યો… પછી… પછી શું આ વખતે તો એની મોટીબેનને ત્યાં ગયો તો… ગઈ કાલે જમણી બબડતી હતી. દાડો ઊગ્યો નથી ને દોડતા હતા મારા ભઈ પાસે – આ વખતે એની દસા સારી નહોતી તો ધીર્યું કોઈએ ? તમારી બેને પણ ખાલી હાથે પાછા વાળ્યા ને ? મણીની આ ટકટકથી સોમલો કંટાળી ગયો હતો. તે જમ્યો પણ નહોતો.

"પણ આજે અચાનક શું થયું ?"

“થાય શું ? આજે સવારે સીમમાં ચાર લેવા ગયેલો. પાછો આવ્યો ત્યારે ચૂલામાં હડતાળ.”

“હં !" કોઈ કે હોકારો પૂર્યો.

“મૂરખ બૈરી ! જાણે છે કે ગઈ કાલનો જમ્યો નથી તો થોડી ખીચડી ન બાફી દઈએ… એ ભૂખ્યો બિચારો આવ્યો હશે અને ચૂલો ટાઢો જોઈ ગુસ્સે થઈ ગયો હશે. પાછી બૈરાની કટકટ – બળતામાં ઘી હોમાયું હશે અને ગુસ્સાનો માર્યો પી ગયો હશે… તર્કમાં વાસ્તવિકતા ભળી હતી.”

સોમલાને ગામમાંથી કાંધે ચઢાવીને ઝટપટ કાઢ્યો. ગામને પાદર તળાવના કિનારે લાકડાખડકીને સોમલાને ચિતા પર ચડાવ્યો… ચિતા સળગી ન સળગી ત્યાં તો આકાશમાં વાદળો ઘેરાવામાંડ્યા અને એક કડાકો થયો.

રામજી મોટા પ્રાર્થના કરવા માંડ્યા… ક્યાંક વીજળી પડી. થોડી વારમાં દેકારો મચી ગયો.. સોમાના ઘર પર વીજળી પડી હતી.. મણી અને તેનો છોકરો બળીને ભડથું થઈ ગયા… અર…ર….ર….ર…

અમંગળના એંધાણ સમો કમોસમી વરસાદ પણ વરસવા માંડ્યો અને અડધી બળેલી લાશવાળી ચિતા ઠરવા માંડી…

ગામમાં એક જ દિવસે ત્રણ મોત… !

કાચાપોચાનાં હાડ બેસી જાય તેવી વિકૃત થઈ ગયેલી મણીની લાશ… અડધી બળેલી સોમાનીલાશ અને એનું છોકરું ત્રણે ત્રણને વરસતા વરસાદમાં આખરે મીઠું નાખીને દાટવા પડ્યા.

“કે'નારા કહે છે કે… સોમલો જ વીજળી થઈને પડ્યો અને મણીને ભરખી ગયો.. એનો અવગતીયો જીવ મણીને આમેય ન જીવવા દેત !”

કોઈ કહે છે… હશે, ગતભવના ઋણાનુબંધ… ગમે તે હોય.. રામપર ગામ હજીએ દુઃસ્વપ્ન જેવા અવગતીયા મોતને ભૂલી નથી શક્યું !


Rate this content
Log in

Similar gujarati story from Tragedy