Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Dharmendra Trivedi

Others

3  

Dharmendra Trivedi

Others

પાંખોને મળ્યું આકાશ

પાંખોને મળ્યું આકાશ

5 mins
15.1K


સવાર-સવારમાં એક સુંદર ટેક્સ્ટ મેસેજ આવ્યો. આ ટચુકડા મેસેજે મને વિચારતો કરી મૂક્યો. આ મેસેજનો સાર કંઈક આવો હતો : “એક નાનકડું પક્ષી એક મધમાખીને પૂછે છે, ‘તું આટલી મહેનત કરીને મધ એકઠું કરે છે અને માણસ તેને છીનવી જાય છે તો તને દુ:ખ નથી થતું ?’ મધમાખીએ જવાબ આપ્યો; “ના રે ના, માણસો મધ ભલેને ચોરી લે, તેઓ મારી મધ બનાવવાની કળા થોડા છીનવી શકવાના છે ?’’

માણસની ચાલાકી અને પ્રકૃતિની સહજતાનું આ જીવંત રૂપક છે. પૃથ્વીમંડળ પર વસતા કરોડો-અબજો જીવોમાંનો એક જીવ જ્યારે બુધ્ધિવશ પોતાની સહજતા છોડી દે છે ત્યારે તે ઈન્ટેલેક્ચ્યુઅલ તો બને છે પણ કુદરત સાથેનું તાદાત્મ્ય ગુમાવી બેસે છે. આજે જેની વાત કરવાની છે તે એવી ઘટના છે જે માનવોની અંદર હજુય ટકી રહેલા કુદરત સાથેના નાતાને ઉજાગર કરે છે.

મે મહિનાના દિવસો આગ તો ઓકતા હોય જ છે, પરંતુ ઘરની અંદરની ગરમી રાત્રે છેક બે વાગ્યા પછી પણ માંડમાંડ ઓસરે છે. મારા ઘરમાં એ.સી. હોવા છતાં હું અને મારો પરિવાર રોજ રાત્રે એ.સી.ની કૃત્રિમ ઠંડકની લાલચને વશ થયા વગર જ ખુલ્લી હવામાં, ખાટલામાં પડ્યાં પડ્યાં તારા મઢેલા ખુલ્લા કાળાડિબાંગ આકાશને જોવાની લાલચે, મારા ઘરના બીજા માળે ધાબે સૂવા જતાં રહીએ છીએ.

દીકરી આકાશ અને તેમાં ચમકતા તારલાઓ વિષે બાળસહજ અગણિત પ્રશ્નો પૂછતી પૂછતી ક્યારે સૂઈ જાય તેની મને અને તેને પોતાને પણ ખબર પડતી નથી ! મે મહિનાની આવી જ એક રાત્રે અંદાજે ૧૧ વાગ્યે અમદાવાદથી મારા મિત્ર તન્મયભાઈનો ફોન આવ્યો. વહેલી સવારથી લઈને મોડી રાત સુધી મુખ્યમંત્રીની સતત સાથે રહેનાર મારા આ જૂના મિત્રનો આમ અચાનક મોડી રાત્રે ફોન આવતા મને થોડીક ચિંતા થઈ.

ફોન પર તન્મયભાઈએ કહ્યું કે મારા ઘરના આંગણામાં આવેલા એક વૃક્ષ પર બુલબુલે માળો બનાવ્યો છે અને તેમાં એક બચ્ચું પણ છે. મને થયું કે આ તન્મયભાઈ આટલી વ્યસ્તતા વચ્ચે અચાનક પ્રકૃતિપ્રેમી ક્યાંથી બની ગયા? પછી મૂળ વાત આવી. બોલ્યા કે “આ બુલબુલને બિલાડીએ મારી નાખ્યું છે અને બચ્ચું સાવ નાનું છે. અમારા ઘરમાં મુશ્કેલી ઊભી થઈ છે... બાળકો કહે છે કે આને આપણે રાખી લઈએ અને આપણે જ ઉછેરીએ. મને યાદ આવ્યું કે ચાલો ‘ધમા’ની સલાહ લઈએ. હવે તું કહે કે આ બુલબુલને રાખીને ઉછેરી શકાય કે નહીં?” મને આનંદ એ વાતનો થયો કે ગુજરાતના સર્વોપરી નેતા અને સતત સરકારી ઓફિસરો સાથે કામ પાડનાર તન્મયભાઈને આવો નાજુક પ્રશ્ન થયો. જે વિષય પ્રત્યે કદી ચિંતન કરવાનું થયું જ ન હોય તે વિષય સાથે કામ પાડવાનું થાય ત્યારે આવો મુદ્દો મનમાં ઊગી આવે તે તેમની અંદર ક્યાંક પડેલા પ્રકૃતિ પ્રત્યેના પ્રેમ અને સમજણ દર્શાવે છે. મેં એવા કિસ્સા પણ જોયેલા છે જેમાં લોકો શિકારી પક્ષીના બચ્ચાંને દાળ-ભાત ખવરાવતા હોય અને જ્યારે બચ્ચું મરી જાય ત્યારે અમારા જેવાને પૂછવા આવે... “હેં ધમુ, આવું કાં થ્યું ? અમે તો રોજ એને સારીપેઠે ખવરાવતાં હતાં...”

મેં તન્મયભાઈને કહ્યું કે “બુલબુલ પોતાના બચ્ચાંને જીવડાં, કીડી-મંકોડા જેવો પ્રોટીનયુક્ત ખોરાક ખવરાવે. તમે ખવરાવી શકો તેમ હો તો રાખો...” ફોન પર છવાયેલા મૌનથી મને તન્મયભાઈના મનોમંથનનો અંદાજ આવી જ ગયો. તેમણે પૂછ્યું કે તો આનું કરવું શું ? મેં બચ્ચાને બીજા દિવસે અમદાવાદથી ગાંધીનગર લઈ આવવા કહ્યું. બાળપણમાં મેં ઉછેરેલા એક કાબરના બચ્ચાંનો અમારી સાથેનો સમયખંડ મારા સ્મૃતિપટ પર ફરી તાજો થઈ ગયો. એ કાબરના બચ્ચાને ઉછેરવાના મારા, મારા નાના ભાઈ સૌમિત્ર, મારી મા અને પિતાજીના અમારા સહિયારા અભિયાન ઉપર મારા પિતાશ્રી જનક ત્રિવેદીએ લખેલો લલિત નિબંધ “કાબર : એક અનુબંધ” માત્ર સાહિત્યપ્રેમીઓએ જ નહીં પરંતુ પ્રકૃતિપ્રેમીઓએ પણ વાંચવા જેવો છે.

બીજા દિવસે સવારે ૧૧ વાગ્યે તન્મયભાઈ તેમની ગાડીમાં એક નાનકડા ખોખામાં બચ્ચાને લઈ આવ્યા. મને એમ કે બચ્ચું ૧૦/૧૫ દિવસનું હશે. પરંતુ જેવું ખોખાનું ઢાંકણ ખોલ્યું તો અંદર ચાર પાંચ પિપળાના પાનમાં રૂના સરસ મજાના નાનકડા માનવસર્જિત માળામાં માણસના અંગુઠાના પ્રથમ વેઢા જેટલું બુલબુલનું નાનકડું બચ્ચું ! તન્મયભાઈએ ગર્વભેર કહ્યું કે મારા બાળકોએ આ માળો બનાવી આપ્યો છે.

બાળકોએ આ ગરમીમાં ઠંડક માટે રૂમાં આછું આછું પાણી પણ છાંટેલું. મને ખુશી થઈ કે તન્મયભાઈ જેવા અતિવ્યસ્ત વ્યક્તિનાં બાળકો ભૌતિકવાદી બની નથી ગયાં. તેમની બધાની અંદર પ્રકૃતિ સાથેની નાળ હજુ પણ અકબંધ છે.

બુલબુલના “ટેટા”ની બંધ આંખો પર પ્રકાશ પડતાં તેણે ભુખની સહજ વૃત્તિથી પ્રેરાઈને પોતાની નાનકડી ચાંચ પહોળી કરીને તીણા આક્રંદ સાથે ભોજનમાંગ શરૂ કરી ! પ્રકૃતિના સર્જનની આ સહજ અભિવ્યક્તિ મને એટલી બધી સ્પર્શી ગઈ કે મારા મોંમાંથી અચાનક દુ:ખ, પ્રેમ અને અચરજના મિશ્રણ જેવા ઉદ્ગારો સરી પડ્યા ! “અલ્લ્લે લે... બચુલાને ભૂખ લાગી છે?” મને આવું કાલું બોલતો જોઈને તન્મયભાઈ પણ હસી પડ્યા. બચ્ચું તો સાવ ચોવીસ કલાકનું જ હતું... કુદરતે મોકલ્યું હતું સાવ તેવું જ...

નાગું પૂગું... હજી તો પીછાં ઉગવાને પણ બહુ જ વાર હતી. મને પણ એ ચિંતા થઈ કે આવડા બચ્ચાને હું ઉછેરીશ કેવી રીતે ? કારણ કે આ બચ્ચાને ઉછેરવા ચોવિસે કલાક અને સાતેય દિવસ જેટલો સમય અને એક મા જેટલો ભોગ આપવો પડે. અચાનક મને ઈન્દ્રોડા નેચર પાર્કના સ્નેકકીપર અને જેમને હું અને તમામ પ્રકૃતિપ્રેમીઓ ઉંચા દરજ્જાના પક્ષીવિદ માનીએ છીએ. તે નુરમોહમ્મદ ઠેબા યાદ આવી ગયા. મને બરાબર ખ્યાલ હતો કે મેં જે ઉંમરે કાબરના બચ્ચાને ઉછેરેલું તેટલી ઉંમરનો ઠેબાભાઈને એક દીકરો છે. ઠેબા કુટુંબનો પક્ષીપ્રેમ લોહીમાં લઈને જન્મેલો નૌશાદ આમ તો પોતે પણ ટેટા જેવડો જ છે ! મેં ઠેબાભાઈને આખી વાત કરી તો એમણે તરત જ કહ્યું નૌશાદને ફોન કરો, એ રાખશે. નૌશાદ સાથે વાત કરીને હું તેને આ બચ્ચું આપવા ગયો.

નૌશાદની આંખોમાં આ બચ્ચાને જોઈને જે ભાવો પ્રગટ્યા તે જોઈ મને લાગ્યું કે આ બચ્ચું હવે મોટું થવાનું એ ચોક્કસ. નૌશાદે લગભગ બાર જેટલા દિવસ સુધી લાગલગાટ આ બચ્ચાની સેવા કરી. તેનું ભોજન, પાણી, ગરમીમાં તેને ઠંડક મળી રહે અને રાત્રે હૂંફ... તમામ બાબતોનો ખ્યાલ રાખતાં રાખતાં, અચાનક જ નુરમહમ્મદભાઈને ઈન્દ્રોડા પાર્કમાં આ બચ્ચાની ઉંમરનાં બચ્ચાં ધરાવતો બુલબુલનો એક માળો મળી આવ્યો.

તેમણે આ બચ્ચાને યોજનાપૂર્વક ચોરીછુપીથી તે માળામાં દાખલ કરી દીધું... અને આ નોંધારા બચ્ચાને મળી ગઈ એક પાલક મા... હવામાં પાંખો વિંઝીને ઉડ્ડયન કરવા માટે જરૂરી પ્રોટિનયુક્ત આહાર મળવા લાગતાં જ બીજા બચ્ચાં સાથે ઉછરી રહેલુ આપણા લેખનું નાયક એવું આ બચ્ચુ એક દિવસ ડગમગ કરતું. પોતાના નાનકડા માળાની કિનારી પર આવી બેઠું. થોડી વાર ચારે તરફ ફેલાયેલી સૃષ્ટિને અચંબાભરી નજરે જોઈ રહ્યું. પોતાને પોકારી રહેલા મુક્ત આકાશ તરફ મોં કરીને પોતાની બન્ને પાંખો ફેલાવી અને પ્રથમ ધીમે ધીમે અને પછી ઝડપભેર પાંખો ફફડાવી. બન્ને પાંખોમાં હવા ભરાતા બચ્ચું પહેલાં તો અસ્થિર પણે હવામાં ઉંચકાયું અને પછી પોતાના જીન્સમાં રહેલી પ્રકૃતિદત્ત આવડત થકી પોતાના માળાની ચારેતરફ એક બે ચક્કર લગાવીને તેણે જીવનની એક નવી દિશા તરફ પ્રયાણ કર્યું...!


Rate this content
Log in