Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Crime Inspirational Others

3  

Mariyam Dhupli

Crime Inspirational Others

કાચબો

કાચબો

7 mins
14.1K


મુખ્ય બજારની મધ્યમાં આવેલી અમારી વરસો જુની પેઢીઓથી કાર્યરત હાર્ડવેર અને પ્લમ્બિંગની નાનકડી દુકાનના એક અંધારિયા ખુણામાં હું ગોઠવાયો હતો. રવિવાર કે રજાના દિવસોના નિશ્ચિત ક્રમના એક ભાગ સ્વરૂપ. મારી બારમા ધોરણની બોર્ડની પરીક્ષાઓ અત્યંત નજીક આવી રહી હતી. ટેવ પ્રમાણે મારા પુસ્તકોની થેલી સાથે ઉપાડી લાવ્યો હતો. મધ્યમવર્ગીય પરિવારનો એકનો એક પુત્ર હતો. છતાં મારા ભણતર પર સંપૂર્ણ ધ્યાન આપી શકું એ અર્થે પિતાજી કદી પોતાના દુકાનના કાર્યોમાં એકના એક પુત્ર તરફથી પણ કોઈ પણ પ્રકારની મદદની અપેક્ષા સેવતા નહીં. એ એમના હૃદયની ઉદારતા હતી .

પણ પિતાજીની તનતોડ મહેનતનો હું એકમાત્ર સાક્ષી હતો. મર્યાદિત નફામાંથી મદદ માટે કામવાળાઓ રાખવા એ નાનકડી દુકાનની અલ્પ સંખ્યા ધરાવતી આવકની તદ્દન બહાર હતું. આમતો મારા બધાજ દિવસો શિક્ષણ અને રમતગમત પાછળ હકારાત્મક રીતે ખર્ચાતા પરંતુ રજાના દિવસોમાં હું પિતાજીને હાથ આપવા પહોંચી જતો . એમના ધંધા પાછળ ખર્ચાયેલા વરસોનાં અનુભવો મને આડકતરી રીતે વ્યવ્યસાયિક તાલીમ પણ આપી રહ્યા હતા, એ બાબત એ સમયે મારી યુવાન બુદ્ધિ કળી શકી ન હતી. જો કોઈ ગ્રાહકો ન હોય એ સમયે હું પુસ્તકોમાં અચૂક ડોકિયું કરી લેતો .

એ દિવસે પણ ગ્રાહકોની અવરજવર નહિવત હતી. પિતાજી આખા અઠવાડિયાની ખરીદી અને વેચાણની રસીદો ગોઠવવામાં વ્યસ્ત હતા. પોતાની આગળ ઉઘાડા રાખેલ એક મોટા પુસ્તકમાં એ બધાજ ખાતાઓને ક્રમબદ્ધ તપાસી રહ્યા હતા . ક્યારેક એમની દ્રષ્ટિ નવા ખરીદાયેલા માલની ગણતરી કરી રહી હતી તો ક્યારેક વધેલા માલની સંખ્યા ચકાસી રહી હતી. મારા અંધારિયા ખુણામાં હું મારા પુસ્તકોમાં ટેવ પ્રમાણે પરોવાયેલો હતો.

"આ નળની કિંમત ?"

દુકાનની બહાર તરફથી દેખાઈ રહેલ કાચની કેબિનમાં ગોઠવાયેલા નળની કિંમત પૂછતાં ગ્રાહકે દુકાનમાં પ્રવેશ કર્યો.

"૩૦૦ રૂપિયા."

ગ્રાહકને નળની કિંમત જણાવી પિતાજી ફરીથી પોતાના હિસાબખાતા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા.

"૩૦૦ રૂપિયા ?" ગ્રાહકને આંચકો લાગ્યો. પોતાના હાથમાંના નળને એમણે પિતાજી આગળ ધર્યો. " આજ છે કે ? મેડ ઈન જર્મની ?"

દુકાનના કેબિનમાં ગોઠવાયેલ નળની જ અન્ય આવૃત્તિ પિતાજીએ સંભાળ પૂર્વક હાથમાં લીધી.

"જી હા, એજ છે. પણ મેડ ઈન ચાઈના છે."

પોતે ખરીદીમાં છેતરાયા હોવાનો એમને વિશ્વાસજ ન બેઠો.

"પણ કઈ રીતે ? એની ઉપર 'મેડ ઈન જર્મની' લખ્યું છે. પુરા છસો રૂપિયા ચૂકવીને આવ્યો છું." પડોશની દુકાન તરફ આંગળી ચીંધતા નળના ખરીદી સ્થળથી એમણે પિતાજીને અવગત કર્યા.

પિતાજીના ચ્હેરા ઉપર એક ધૈર્યયુક્ત પરિપક્વ હાસ્ય છવાઈ રહ્યું.

"સાહેબ એતો મારા આ નળ પર પણ લખાયુંજ છે. પણ એકવાર જૂઠું બોલી હંમેશ માટે હું મારા ગ્રાહક ન ખોવી શકું. નળ ચાઈનામાં તૈયાર થયા છે અને ત્યાંથીજ ફેક્ટરીમાંથી 'મેડ ઈન જર્મની' લખાવી ઈમ્પોર્ટ કરવામાં આવે છે. જર્મનીના 'ઓરીજનલ' નળની કિંમત ૨૦૦૦થી તો શરૂ થાય. ગુણવત્તા શોધતા ગ્રાહકો છેતરાઈ જાય અને વેચનાર સારો એવો નફો મેળવી જાય."

ગ્રાહકના ચ્હેરા પરના હાવભાવો બદલાઈ ગયા. પોતાના હાથમાંના થેલામાંથી એક અન્ય નળ બહાર કાઢી એમણે ટેબલ પર મુક્યો.

"હું તો આ નળ બનાવવા આવ્યો હતો. પણ એમણે કહ્યું કે હવે એ રીપેર ન થાય એટલે ..."

પિતાજીની અનુભવી આંખો હાથમાં ઊંચકેલા એ જુના નળને ચારે તરફથી ચકાસી રહી.

"અમિત બેટા , જરા મારો ઓજારોનો ડબ્બોતો આપ."

પુસ્તકો બાજુ પર ગોઠવી હું પિતાજીની પડખે આવી ઉભો રહ્યો. એમના અનુભવી હાથોએ થોડીજ ક્ષણોમાં નળને અંદરના ભાગથી ખોલી મુક્યો. અંદર તરફથી એક તૂટી ગયેલ રબરની નાનકડી રિંગ સાવચેતીથી બહાર કાઢી, એની જગ્યાએ એક નવી રબરની રિંગ ગોઠવી નળને ફરીથી એમણે સ્ક્રુ લગાવી દીધું.

"લો સાહેબ , આ નળ ફરીથી નવો થઇ ગયો. ફક્ત એક નાનકડી રિંગ બદલવાની હતી. હું બે - ત્રણ રિંગ વધારાની આપું છું. થોડા મહિના પછી જરૂર પડે આપ જાતેજ બદલી શકશો. "

પિતાજીની પ્રમાણિકતાથી પ્રભાવિત ગ્રાહકે રિંગ માટેની અતિમામૂલી કિંમત ચૂકવી પોતાનો નળ રીપેર કરાવી લીધો.

"મારુ નામ જોસેફ છે. આપનો બિઝનેઝ કાર્ડ મળશે ?"

અમારી નાનકડી દુકાન હજી બિઝનેઝ કાર્ડ રાખવા જેટલી સમૃદ્ધ ન હતી." જી , બિઝનેઝ કાર્ડ તો નથી. હું દુકાનનો નંબર લખી આપું છું ."

પિતાજી પાસેથી દુકાનનો નંબર લઇ આખરે એમણે વિદાય લીધી. પિતાજી ફરીથી પોતાના કાગળિયાઓ જોડે વ્યસ્ત થયા અને હું મારા પુસ્તકોમાં પરોવાયો.

પણ મન અભ્યાસમાં લાગી રહ્યું ન હતું. પડખે ઉભી હાર્ડવેરની ઊંચી શો રૂમ જેવી ઇમારત મારી દ્રષ્ટિ સામે અડગ ઉભી હતી. એની સરખામણીમાં અમારી નાનકડી દુકાન જેલ જેવી ભાસી રહી હતી. એકજ ક્ષણમાં એક ગ્રાહક પાસે મોટો ફાયદો કેવી ચતુરાઈથી આટોપી લીધો હતો ! વ્યવસાયિક સ્પર્ધાઓમાં તો બધુજ ન્યાયયુક્ત. નહીંતર ફક્ત એક રિંગ બદલી થોડી નનામી રકમ મેળવી પ્રગતિ થોડી સાધી શકાય ? હવે એ વિશાળ દુકાનની સફળતા અને અમારી દુકાનની વરસો જુની એક સમાન પરિસ્થિતિનું કારણ હું સમજી ચુક્યો હતો.

પ્રમાણિકતાની ઝંડી થામી કાચબા જેવી ઝડપે આગળ વધનારાઓનું વ્યવસાયિક ઝડપી સ્પર્ધાત્મક જગતમાં કોઈ સ્થાન નથી . પિતાજી તરફ મારી આંખો ફરીથી મંડાય. તેઓ હજી પણ નિરાંતે પોતાના કાગળિયાઓ ફેરવી નોંધ લખવામાં વ્યસ્ત હતા.

થોડા દિવસો પછી એક એવાજ અન્ય રજાના દિવસે હું અને પિતાજી દુકાનમાં નવા આવેલા માલની સગવડ કરી રહ્યા હતા કે પેલો પરિચિત ચ્હેરો ફરી દુકાનમાં પ્રવેશ્યો. મારો ચ્હેરો જરા સંકોચાયો. ફરીથી ઓછી રક્મ ચુકવી કોઈ અંગત ફાયદાનો ચતુર સોદો મારી દીર્ઘ દ્રષ્ટિ આગળ તરી રહ્યો.

"સાહેબ પેલા નળ 'મેડ ઈન જર્મની 'વાળા ...નહીં ..નહીં ..." હસીને પોતાની ભૂલ સુધારતા એમણે પોતાનો પ્રશ્ન પૂર્ણ કર્યો." એટલે કે 'મેડ ઈન ચાઇના 'વાળા, હજી પણ સ્ટૉકમાં છે કે ? "

પિતાજીએ સ્ટોકમાંથી એક નળ એમના હાથમાં થમાવ્યો .

"નહીં સાહેબ, એક નહીં, એવા ત્રણસો જોઈશે ."

અમારી નાનકડી રિટેલ દુકાનમાં આટલી બધી માત્રામાં એકજ પ્રકારના નળ ક્યાંથી હોવાના ? પિતાજીએ સહજતાથી સત્ય જણાવ્યું.

"એટલા બધા જોઈતા હોય તો આપ સીધાજ હોલસેલ માર્કેટમાંથી ખરીદતા હોવ તો એ વધુ વ્યાજબી રહેશે."

ગ્રાહકના ચ્હેરા ઉપર આછું હાસ્ય રેલાઈ ગયું .

"જાણું છું. હું એક કોન્ટ્રાકટર ફર્મમાં કામ કરું છું. શહેરની મોટી મોટી ઇમારતો, ઓફિસ, હોસ્પિટલ, શાળાઓના બાંધકામના કોન્ટ્રેક્ટ અમારી ફર્મને મળે છે. હું માર્કેટિંગ મેનેજર છું. બજારની ખરીદી અંગેના નિર્ણયો મારે હિસ્સે છે. અમારી ફર્મને આપ જેવા પ્રમાણિક સપ્લાયર મળી રહેશે તો અમને સાચેજ ગર્વ થશે. બાકી આ આંધળા વ્યવસાયિક સ્પર્ધાવાળા બજારમાં કોઈની ઉપર આંખો બંધ કરી વિશ્વાસ ન મુકાય. પણ આપની ઉપર મને સંપૂર્ણ વિશ્વાસ છે. આ મારો બિઝનેસ કાર્ડ છે. હું આપના કોલની રાહ જોઇશ."

પિતાજીના હાથમાં આવેલો એ બિઝનેસ કાર્ડ એમના ચરિત્રની જીત હતી અને અમારી નાનકડી દુકાનની પ્રગતિનું સૌ પ્રથમ પગથિયું. એ દિવસે પિતાજીએ મને જીવનનું સૌથી મહત્વનું શિક્ષણ ભેટ આપ્યું,જે શાળાના કોઈ પણ પુસ્તકમાંથી હું કદી ગ્રહણ ન કરી શક્યો હોત. ફક્ત નફા અને ખોટના યાંત્રિક હિસાબી ખાતાઓનું જ્ઞાન સફળતા માટે પર્યાપ્ત નથી. સફળતાનું તો એકજ સાદું ગણિત .

'જેવી નીયત એવી બરકત.'

નહીંતર પેલી વિશાળ શોરૂમ જેવી હાર્ડવેરની દુકાનની પડખે આવેલી એક નાનકડી જેલ જેવી દુકાને આટલો મોટો ઓર્ડર સફળતાથી કઈ રીતે પાર પાડી આપ્યો ?

આજે પિતાજી આ દુનિયામાં નથી. પણ એમનું દરેક શિક્ષણ મારા લોહીમાં વહે છે. મને ગર્વ છે કે હું તદ્દન મારા પિતાજી જેવોજ છું. આજના અતિઝડપી યુગમાં જીવતો કાચબો. પણ કાચબાની ઝડપ ભલે ધીમી હોય,એ લક્ષ્ય સુધી ચોક્કસતાથી પહોંચે છે. પેલું અંગ્રેજીમાં શું કહેવાય ? હા, 'સ્લોલી બટ સ્યોરલી.'

આજે મારી નોકરીની આવક જીવનનિર્વાહ માટે પર્યાપ્ત છે. છતાં દુકાનની વધારાની આવક કુટુંબના ભરણપોષણ માટે ઘણી લાભદાયી નીવડે છે. જેલ જેવી નાનકડી દુકાન ખાસ્સી એવી વિસ્તરી ચુકી છે. સેલ્સમેન અને ડેટા ઓપરેટરનો એક નાનકડો સ્ટાફ પણ છે. પિતાજીનો પસીનો આજે પણ દુકાનની આવકમાં બરકત બની વહી રહ્યો છે અને પ્રમાણિકતાની એ બરકત દુકાનના સેલ્સ અને પ્રોફિટને દર વરસે વધુને વધુ ઊંચે લઇ જાય છે. સાચું કહું તો મારી નોકરીના પગાર સામે પણ એ આંકડાઓ અતુલ્ય છે .

આજે વરસો પછી આ બધીજ યાદો મનમાં ફરીથી ઉઠવાનું કારણ સવારે બનેલી એક ઘટના. પડખેની શોરૂમ જેવી હાર્ડવેરશોપને

સરકારે સિલ્ડ કરી નાખી છે. એ પરિવારના કેટલાક સભ્યો આંતરરાષ્ટ્રિય બિઝનેઝ ટ્રીપ કરતી વખતે કાળા નાણાં જોડે રંગે હાથ પકડાયા. એમના વસવાટ સ્થળો અને દરેક વ્યવસાયિક ઇમારતો પર કરવેરા વિભાગની રેડ પડી છે. અઢળક કાળું ધન સરકારે કબઝે લીધું છે. પરિવારના સભ્યો પુલિસની ધરપકડ હેઠળ છે. એક વરસો જુની રાજાશાહી ઇમારત જાણે અચાનકથી એકજ ઝટકે જમીનદોસ થઇ ગઈ છે !

માફ કરશો વાતની દોર અહીંજ સમેટવી પડશે. કારણકે રસ્તાની સામી તરફથી જૉસેફ અંકલ અમારી દુકાન તરફ આવી રહ્યા છે. દર વખતની જેમજ એમનો હસતો પ્રફુલ્લિત ચ્હેરો અમારી દુકાન માટે અન્ય એક મોટા ભાવિ કોન્ટ્રાકટની આગાહી આપી રહ્યો છે...


Rate this content
Log in

Similar gujarati story from Crime