Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Others

3  

Mariyam Dhupli

Others

જજમેન્ટલ

જજમેન્ટલ

6 mins
14.1K


‘સાહિત્ય એકેડેમી’ ટેક્ષી ડરાઇવરને પહોંચવાના સ્થળનું નામ કહી ટેક્ષીમાં હું ગોઠવાયો ને બાજુની સીટ ઉપર પહેલેથી એક યાત્રી ગોઠવાયેલા હતા. હતા નહીં હતી.

ટેક્ષી આગળ વધી ને ટૂંકા સફરમાં સહયાત્રીનો સાથ સંવાદ મેળવવાની આશા એ એક ઔપચારિક "હેલો…" કહી નાખ્યું. પણ ઉત્તરમાં એ શરીરે કોઈ પ્રતિક્રિયા ન દર્શાવી. કદાચ અજાણ્યા યુવક જોડે વાતો કરવી સ્વાભાવમાં ન હોય. પણ મહાનગરોની યુવતીઓ હવે એટલી પણ અંતર્મુખી નથી રહી. પણ પછી એના પહેરવેશ પર ધ્યાન ગયું કે દાખલો બેસી ગયો.

ડોક્ટરનો સફેદ કોટને હાથમાં વંચાઈ રહેલ ફાઈલ. મારો પહેરવેશ એક લેખકને શોભે એવોજ, સાદો સીધો કુરતો અને આંખે એક ચસ્મો !

બે ભિન્ન વિશ્વની વ્યક્તિઓ. અમે તો ભાઈ કલ્પનામાં વિહરવાવાળા લોકો. નવા શહેરની સાથે ધીરે ધીરે અનુકૂલન સધાઈ રહ્યું હતું. મારા બે ત્રણ નાટકો સાહિત્ય વિશ્વ સામે પુસ્તક રૂપે આવી ચૂક્યા હતા. પુસ્તકો પ્રોમોટ કરવા એક ફેસબુક પેજ પણ બનાવ્યું હતું પણ આટલી સિદ્ધિ મહાનગરમાં ઓળખ ઊભી કરવા પર્યાપ્ત ક્યાંથી?

હજુ તો ઘણા અંતરો કાપવાના હતા. પણ હમણાં પૂરતું આ નાનું અંતર કાપવા એક સંગાથ મળી જાય તો બસ... એ વિચારે ફરી એક વાર ગળું ખંખેરી હું નમ્ર પણે પ્રયત્ન કરી રહ્યો…

"હાય... આમ અવિનાશ..."

યુવાન હાથો એ ફાઈલમાંના પાના ફેરવ્યા સંપૂર્ણ મૌન પૂર્વક,  આંખો ઉઠાવ્યા વિનાજ, એક શબ્દ પણ ઉચ્ચાર્યા વિનાજ. આવું અપમાન? આટલું અભિમાન? ફક્ત એક કોટનું?

પહેલાના સમયમાં સામાજિક મતભેદો જાતિવાદને નામે થતા. ઊંચી જાતિ - નીચી જાતિ, ઉચ્ચ કુળ - નિમ્ન કુળ. હવે સમાજ એમાંથી નીકળ્યો પણ નવા મતભેદના ચક્રવ્યૂહમાં ફસાયો. વ્યવસાયિક મતભેદો ! સામેની વ્યક્તિ કયો વ્યવસાય કરે છે, ક્યાં કામ કરે છે ને સૌથી મહત્વનું એ વ્યવસાય એને કેટલા આર્થિક આંકડાઓ સુધી પહોંચાડે છે - એને આધારેજ સંબંધો રચાય છે, માન અપાય છે અને મિત્રતા બંધાય છે.

 

મારી પડખે ગોઠવાયેલી આ મેડિકલ ફિલ્ડની યુવતી સમાજના 'જજમેન્ટલ' વ્યવહારનો મારો એકમાત્ર અનુભવ નથી. એક નાનકડા ટાઉનની નાનકડી કોલોનીમાં જ્યારે ઉછેર પામતો હતો ત્યારે માધ્યમિક કક્ષાના અભ્યાસ સુધી કોલોનીનાં બધાજ ભણતા યુવકોને એકસમાન આદર, પ્રેમ ને માન મળતું. પણ સમયની સાથે અભ્યાસનું રૂપ પણ બદલાયું. બધાજ યુવકો પોતાના જુદા જુદા પ્રવાહોમાં ગોઠવાઈ કોલેજના અભ્યાસમાં પરોવાયા. હું તો બાળપણથીજ કલ્પનાનો જીવ. સાહિત્ય સિવાય મારું ઠેકાણું અન્ય ક્યાં? કેટલાક મિત્રો મારી જોડે આર્ટ્સમાં, કેટલાક કોમર્સમાં પણ આખી કોલોનીમાંથી એકમાત્ર યુવક વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ્યો 'અનુજ'

વિજ્ઞાન પ્રવાહમાં એના પ્રવેશે એને કોલોનીનો હીરો બનાવી નાખ્યો.

બધાજ વાલીઓની આંખોનો આદર્શ સિતારો. જ્યારે પણ એ પેલો લેબનો સફેદ કોટ ચઢાવી કોલોનીમાં પ્રવેશે કે દરેક વાલીઓની દ્રષ્ટિ ગર્વથી એના ઉપર તકાઈ રહે ને પરત ફરી અમારા ઉપર અપમાનજનક ભાવો સાથે એવી ઠોકાય જાણે કે કહ્યા વિનાજ કહેતા હોય... "કંઈક તો શીખો !"

એ મારા જીવનનો સમાજના 'જજમેન્ટલ' વ્યવહારનો પહેલો કડવો અનુભવ. તમે તમારી રુચિના ક્ષેત્રમાં ગમે તેટલા પરિશ્રમી, ધગશી કે 'પેશનેટ' હોવ, પણ વાત આખરે આંકડાઓ ઉપર આવીનેજ અટકે.

અમારા બધાજ યુવકોની વચ્ચે અનુજનું ભવિષ્ય આંકડાઓની આર્થિક ડોટમાં સૌથી આગળ પહોંચવાનું નિશ્ચિત હોય એ રીતે અમારી 'જજમેન્ટલ' કોલોનીનો એ સુપર હીરો અને અમે બધા ઝીરો…

યુનિવર્સીટીના દ્વિતિય અભ્યાસ તબક્કામાં પણ એજ પરિસ્થિતિ. એકજ કેમ્પસ અને ત્રણ ભિન્ન પ્રવાહોની કોલેજો. એ

કજ સામાન્ય કેમ્પસ પર ત્રણ જુદા પ્રકારના વિદ્યાર્થીઓ. બધીજ યુવતીઓ મોટેભાગે વિજ્ઞાન પ્રવાહ કે કોમર્સના વિદ્યાર્થીઓના ગ્રુપમાં જોડાવું પસંદ કરતી. એટલુંજ નહીં અમારી આર્ટ્સવાળી યુવતીઓ પણ એજ ગ્રુપમાં હરવાફરવાને પ્રાધાન્ય આપતી.

કેન્ટીન, રીસેસ, લાઈબ્રેરી કે એન્યુઅલ ફંક્શન જ્યાં જુઓ ત્યાં સાઇન્સ અને કોમર્સના એ 'કૂલ ડૂડઝ'નીજ બોલબાલા. અમારી જોડે ફરતી યુવતીઓ એટલે 'બહેનજીઓ'. અમે સાહિત્ય જીવો જાણે એકલા અટૂલા સમુદ્ર દ્રીપો સમા ! સાહિત્યની સાદગીમાં રાચતા જીવોમાં કોઈને રસ જ નહીં. જ્યારે સાચી વાત તો એજ કે સાહિત્ય ક્ષેત્રના માનવીઓ જેવા રસિક વ્યક્તિઓ અન્ય ક્યાંય ન જડે !

આજે જ્યારે પણ બાળકોનું પરિણામ આવે કે ગુણોને આધારેજ કારકિર્દીની પસંદગી નિશ્ચિત થઈ જાય.

૯૦%ની ઉપર એટલે 'સાઇન્સ'નું ફોર્મ હાથમાં. ૭૦ / ૮૦ કે તેની વચ્ચેનાઓની 'કોમર્સ'માં ટિકિટ કપાઈ જાય.પણ જો ૬૦ની નીચે ટકા દેખાય કે એકજ વાત : "કઈ નહીં તો 'આર્ટ્સ'માં તો મળીજ રહેશે." એટલે બાળકોની કારકિર્દી રિઝલ્ટના આંકડાઓ નક્કી કરે.. એમાં એમના રસ, રુચિનું સ્થળ ક્યાં? ૯૦%થી ઉપર લાવનાર જો આર્ટ્સનું ફોર્મ ભરે એ વાત જજમેન્ટલ સમાજ કઈ રીતે પચાવે?

યુનિવર્સીટીમાંથી નીકળી વ્યવસાયમાં પરોવાઈએ કે ત્યાં પણ સમાન દ્રશ્ય. ડોક્ટર, એન્જીનીઅર બની ગયેલા બાળકોના વાલી છાતી ફુલાવી ચાલે.

કોમર્સ ગ્રેજ્યુએટના વાલીઓ પણ બાળકના આવકના આંકડાઓ પર હરખાય. પણ જો કોઈ વાલી કહે કે મારો દીકરો લખે છે, તો સામેથી ફરી પુછાય, "એ તો ઠીક પણ કમાવા માટે શું કરે છે?" એટલે પેન પકડી બેસવું એ ફક્ત નવરાશની પ્રવૃત્તિ માત્ર ! પણ મારી પડખેના આ મહાનુભવ જેમ મેડિકલ ફાઈલ પકડી બેસો એટલે સફળ જીવનનું ચિન્હ !

આ બધાની વચ્ચે વાલીઓ પણ આ 'જજમેન્ટલ' સમાજમાં માન, આદર ને પ્રતિષ્ઠા મેળવવાની લાલચમાં બાળકોને વધુ આંકડાઓ પાડી આપતી કારકિર્દીઓ તરફ જ ધકેલે છે.

આજે જો મારા શરીર પર પણ કોઈક એવીજ કારકિર્દીનો સંકેત સૂચવતા વસ્ત્રો હોત તો મારા હાઈ,  હેલોનો જવાબ મળ્યો હોત...! માન પણ જળવાયું હોત અને કદાચ નવા શહેરમાં એક નવી મિત્ર પણ મળી ગઈ હોત !

ટેક્ષીને બ્રેક લાગી અને મારા વિચારોને પણ. મારે હજી આગળ જવાનું હતું. કદાચ યુવતી એ અહીંજ ઉતરવાનું હશે. "મેડમ મહાલક્ષ્મી…" પણ એ ફાઈલ માંજ ડૂબી ચૂકી હતી. ડરાઇવરના શબ્દોનો કોઈ પ્રત્યાઘાત જ નહીં. ગાડીની બારીના કાચ પર કોઈ યુવતી એ બહાર તરફથી ટકોરા પાડ્યા ને વાઈબ્રેશન તરફ એની આંખો ઊઠી. બહાર ઉભેલી યુવતી એ ઈશારો કર્યો કે પર્સ ખોલી, ડરાઇવરને પૈસા ચૂકવી, ઉતાવળે પોતાના ઘટાદાર વાળ ખસેડી એણે કાન માના આધુનિક અતિસુક્ષ્મ ઈયર ફોન કાઢ્યા. “એટલે મારા હાઈ, હેલો એ કાન સુધી પહોંચ્યાજ ન હતા ?”

સફેદ કોટ વ્યવસ્થિત કરતી એ ખૂબજ ઉતાવળે ટેક્ષી માંથી ઉતરી. "આટલું મોડું. શો નો ઓલમોસ્ટ ટાઈમ થઇ ગયો !" ગુસ્સામાં એ અજાણી યુવતી બોલી રહી. એને આશ્વાસન આપતી સફેદ કોટ વાળી યુવતી મધુરતાથી હળવા સ્વરમાં બોલી : "ડોન્ટ વરી યાર! કોસ્ચ્યુમ તો ચઢાવીજ દીધું છે ને આખે રસ્તે ડાઈલોગ  પણ રિહર્સ કરી નાખ્યા છે. હવે ફક્ત સ્ટેજ ઉપર જઈ એક્શન !"

“એટલે કે એ ડોક્ટર નહીં એક્ટર ?”

હું આગળ કંઈક વિચારું એ પહેલાંજ મારા પગ પાસે છૂટી ગયેલ મેડિકલ ફાઈલ... નહીં... નહીં... ડાઈલોગની સ્ક્રીપટ ફાઈલ ઉઠાવવા એ ફરી ટેક્ષીની અંદર ઝૂકી અને પહેલીવાર મારા ચ્હેરા ઉપર એની આંખો ઠરી.

"ઓ માઇ ગોડ... ..આઈ કાન્ટ બીલીવ ધીઝ!" મારા ચ્હેરાની વધુ નજીક આવતા એ વધુ ઊંચા અવાજે ચીખી ઊઠી.

"મિસ્ટર અવિનાશ શાહ ! ઘી ઓથર !" પોતાની ફાઈલ સાથે એક પેન મારી આગળ ધરતા એ એકી શ્વાસે બોલ્યે જ ગઈ. "ઓટોગ્રાફ પ્લીઝ... આમ યોર બિગ ફેન સર... આજનું અમારું નાટક આપનાજ પુસ્તક પર આધારિત છે. ફેસબુક પર હું તમને રેગ્યુલર ફોલો કરું છું. સાહિત્ય વિશે આપના દરેક કોલમ અચૂક વાંચું છું." પોતાના પર્સમાંથી મોબાઈલ કાઢી એણે પરવાનગી માંગી : "સેલ્ફી પ્લીઝ..." મારી જોડે સેલ્ફી લઈ, પોતાની ઓળખને સંપર્કની માહિતીનો કાર્ડ આપી, મને પોતાની મિત્રતાની ભેટ આપી, મારી કારકિર્દીને સંપૂર્ણ માન અને આદર આપી જઈ રહેલી એ ચંચળ યુવતીનો વ્યવહાર જાણે કટાક્ષમાં મને પૂછી રહ્યો :

"હું ઇઝ જજમેન્ટલ? સમાજ કે હું જ?"

ગાંધીજી કહેતા કે સમાજની કુટેવો સુધારવા પહેલા આપણી વ્યક્તિગત કુટેવોજ સુધારવી, સમાજ આપોઆપ સુધરી જશે. સમાજને 'જજમેન્ટલ' હોવાનો દોષ આપવા પહેલાં અન્ય વ્યક્તિઓનો આપણી અપરિપક્વ માન્યતાઓ અને કાલ્પનિક ધારણાઓ દ્વારા અભિપ્રાય બાંધવાની પોતાનીજ કુટેવ સુધારવી રહી... આખરે સમાજ એવો માનવીને માનવી એવો સમાજ...


Rate this content
Log in