Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer
Become a PUBLISHED AUTHOR at just 1999/- INR!! Limited Period Offer

Neha Gandhi

Others

2  

Neha Gandhi

Others

આંખોનાં મૃગજળ

આંખોનાં મૃગજળ

14 mins
7.1K


 

દરિયો! પળે પળે બદલાતો છતાં ત્યાંનો ત્યાં જ... કયારેક ભરતી, ક્યારેક ઓટ! તો પણ કાયમી કિનારો તો ખરો જ! હરેક પળે નવી લહેરો ઊઠતી અને વિખરાતી... છતાં પાણી તો એનું એ જ! દરિયા જેટલી વિશાળતા અને ઊંડાણ બીજે ક્યાં હશે? એના ઊંડાણમાં પણ કેટલા રહસ્યો હશે? વિશાલની આંખોની જેમ! ઉફ્ફ, ફરી પાછી વિચાર શ્રુંખલા ત્યાં જ આવીને અટકી અને પૂર્વાના ચહેરા પર સહજ સ્મિત આવી ગયું.

વિશાલ – આ એક નામમાં જ એની દુનિયા સમાઈ જતી. જ્યારે પણ પૂર્વા વિશાલની સાથે દરિયા કિનારે આવતી ત્યારે હંમેશા એને કહેતી... ”દરિયા કિનારે આવીને હું કન્ફ્યુઝ થઈ જાઉં છું કે કોનામાં ખોવાઈ જાઉં? તારી આંખોના ઊંડાણમાં કે આ દરિયામાં?” અને વિશાલ હંમેશાની જેમ હસીને એના ગાલ પર ટપલી મારીને કહેતો, ”જ્યાં પણ ખોવાવને, મેડમ... પાછા તો અહીં મારી પાસે જ આવવાનું છે! સમજી ને...!” અને પૂર્વા ફરી પાછી એની ભૂખરી રમતિયાળ આંખોમાં થોડી વાર તાકી રહેતી અને પછી એમાં પોતાનો ચહેરો જોઈ નજર ઢાળી દેતી.

પૂર્વા અને વિશાલ ઘણી વાર આજ કિનારે આથમતો સૂર્ય જોવા આવતા. શહેરથી થોડે દૂર આવેલો આ દરિયા કિનારો રજાના દિવસો સિવાય ખાસ ભીડ-ભાડવાળો ના રહેતો. એટલે જ વિશાલને ખૂબ ગમતો. એ હંમેશા કહેતો... “હું તને એવી જગ્યાએ લઈ જવું પસંદ કરું જ્યાં મારા સિવાય તું બીજું કઈ જ ન જોઈ શકે! ખુદને પણ નહિ.” અને પૂર્વા કહેતી, “તો તો તારે તારી આંખો પણ બંધ કરી દેવી પડશે, કારણ કે જયારે પણ હું એમાં જોઇશ, હું ખુદને તો જોઈ જ લઈશ.” પૂર્વાને દરિયા કિનારે બેસીને દરિયાને જોયા કરવું ખૂબ જ ગમતું. દરિયાનાં ઊછળતાં મોજાંનો અવાજ, ભીની રેતીમાં પડતાં પગલાં, દરિયાની ખારી હવા, કિનારાના નારીયેળીના ઝાડ અને... બધું જ! દરિયા વિષે બધું જ પૂર્વાને ખૂબ જ ગમતું. અને કિનારે બેસી કલાકો સુધી દરિયાને નિહાળ્યા કરવો, એમાં ખોવાઈ જવું એને અજબ ખુશી આપતું હતું. વિશાલ આ વાત સારી રીતે જાણતો હતો. તેથી જ તો... એ અને પૂર્વા બીજે કશે જવા કરતાં આ દરિયા કિનારે જવું ખૂબ પસંદ કરતાં.

પૂર્વાને ઘણીવાર નવાઈ લાગતી . હંમેશા મસ્તી કરતો, હસતો હસાવતો વિશાલ પોતાના દરિયા સાથેના મૌનને કઈ રીતે માણી શકતો હશે? પૂર્વા દરિયા કિનારે આવીને એવી ખોવાઈ જતી કે એની સાથે વિશાલ છે, એ પણ વિશાલે યાદ કરાવવું પડતું અને છતાંય પૂર્વાના આ ખોવાઈ જવાપણાને માણવા માટે વિશાલ આ દરિયા કિનારે પૂર્વા સાથે ઘણી વાર આવતો. બંને કલાકો સુધી એકબીજાનો હાથ પકડી બેસી રહેતા... ચાલતા... ટહેલતા અને દરિયો માણતા. વિશેષ તો પૂર્વા સાંભળતી અને વિશાલ બોલતો. ક્યારેક પૂર્વાને ચીડવવા માટે વિશાલ કહેતો, “મને તો આ દરિયાની ઈર્ષ્યા આવે છે. તું જેટલો એને જુએ છે, એનામાં ખોવાય છે એવું તો મને પણ નથી જોતી...!” અને પૂર્વા એના સમગ્ર વ્યક્તિત્વથી હસી ઊઠતી. વિશાલની મીઠી ટકોરના જવાબમાં એની આંખમાં જોઈ એક સ્મિત આપતી અને વિશાલ... એની સાચી ખોટી ફરિયાદો સમેત પીગળી જતો. હાર સ્વીકારી લેતો... જાણે કહેતો હોય... પૂર્વા, તું આમ જોઈશને તો હું બધું જ હારી જઈશ, તારી આ સ્મિતભરી નજર પર... અને પૂર્વા ભીની રેતીમાં અજાણપણે વિશાલનું નામ લખતી ઝડપાઈ જતી.

દરિયાકિનારાના એક એક ફેરિયાઓ પણ હવે તો વિશાલ અને પૂર્વાને ઓળખી ગયા હતા. એકવાર દરિયા કિનારે બેઠાં હતાં ત્યારે વિશાલ અચાનક જ ખૂબ બધા ફુગ્ગા લઇ આવ્યો હતો. પૂર્વાને નવાઈ પણ લાગી અને થોડો ગુસ્સો પણ. અને વળી ફુગ્ગા પણ કેવા? ચકલી, બંદર, જોકર જેવા અલગ અલગ મુખાકૃતિવાળા... જાણે કોઈ નાના બાળક માટે લેતું હોય...! પૂર્વાના કોઈ પ્રશ્ન પહેલાં જ વિશાલે કહી દીધું, અત્યારથી આમ ફુગ્ગા લેતા રહીશું તો આપણા બાળક માટે લેતી વખતે બે ફાયદા થશે... એક તો ફુગ્ગા ખરીદતા આવડી જશે અને બીજું કાયમી ગ્રાહકને ઓળખીને આ ફુગ્ગાવાળો પણ સારો માલ આપશે. હવે આને શું કહેવું? એમ વિચારતી પૂર્વા એ વિચારોમાં અટવાઈ જતી કે આટલા બધા ફુગ્ગા બાઈક પર ઘરે કેવી રીતે લઇ જવાશે...અને એની એ સમસ્યા હજુ તો ઉકેલ પામે એ પહેલાં જ એને દેખાયું કે વિશાલ ત્યાં કિનારા પર નાના બાળકોથી વીંટળાયેલો છે અને સહુને એક એક ફુગ્ગો વહેંચી રહ્યો છે.

વિશાલ અને પૂર્વા,  મિત્રતા ઉંમરના એવા વળાંક પર આવી જયારે લાઈફ પાર્ટનર વિષે વિચારવાની જરૂર પડે અને એ બંને પાસે બીજું કશું હતું જ નહિ- એકબીજા સિવાય... કે જે તેઓ વિચારી શકે. અભ્યાસ અર્થે આ શહેરમાં આવેલો વિશાલ પૂર્વાની જ સોસાયટીમાં ચાર વર્ષ રહ્યો. એ જ કોલેજમાં સાથે ભણતી પૂર્વા, મિત્રોનો સાથ અને પૂર્વાના પરિવારની હૂંફમાં વિશાલને પોતાના પરિવાર... પોતાના પિતાની કમી ખૂબ ઓછી અનુભવાતી. પૂર્વાનો સહજ અને સરળ સ્વભાવ... અને વિશાલનો અલ્લડ મિજાજ અને મસ્તીખોરપણું... જાણે એકબીજામાં ભળી બંનેને સંપૂર્ણ બનાવતું હતું. પૂર્વાના માતા-પિતા પણ આ સંબંધને મુક સંમતિ આપી રહ્યા હતા.

વિશાલ ફરી એકવાર પૂર્વાના મનમાં આ નામનો પડઘો પડ્યો અને એ ઊઠી. ઘર તરફ પાછાં પડતાં પગલામાં માત્ર પોતાનાં જ પગલાંની છાપ જોઈ એને અચાનક એકલતા ઘેરી વળી. વિશાલની ગેરહાજરીએ તીવ્રતાથી એના મનનો કબજો લઇ લીધો. એને ક્યાં કોઈ ફરિયાદ હતી... વિશાલ સામે? એને તો માત્ર જવાબ જોઈતો હતો કે શા માટે? શા માટે વિશાલ આજે એનાથી દૂર છે? પણ પૂર્વાને પ્રશ્નો પૂછવાની આદત જ નથી. અરે... ક્યારેય મોડા પડવાનું કારણ પણ નથી પૂછ્યું પૂર્વા એ તો! ...પણ વિશાલને પણ તો આદત હતી... વગર પૂછ્યે બધું કહી દેવાની! નાનામાં નાની વાત એ પૂર્વાને કહી દેતો. એ ભલે બાઈકમાં પડેલા પંક્ચરની હોય કે પછી શેવિંગ ક્રીમ ખલાસ થઈ જતા સાબુ ઘસીને કરેલી દાઢીની હોય! અને પાછો પૂર્વાનો હાથ પોતાના ચહેરા પર ફેરવી પૂછતો પણ ખરો, “જરા જોને, સાબુથી કરેલી દાઢી તને વાગે એવી તો નથી ને!” અને એના ખડખડાટ હાસ્યમાં પૂર્વા ખોવાઈ જતી. આટલું બધું બોલવાવાળો... કહેવાવાળો આમ અચાનક જતો રહે? ઓહ વિશાલ... આમ કેમ કર્યું? પૂર્વાના આંસુ પૂછી રહ્યા... પણ જવાબ ક્યાં? પૂર્વાને યાદ આવી ગયો એ અકસ્માત, જયારે એણે વિશાલને છેલ્લી વાર જોયો હતો, સ્પર્શ કર્યો હતો, અનુભવ્યો હતો અને જ્યારે એ ભાનમાં આવી ત્યારે એને ખબર પડી હતી કે વિશાલ હવે એની પાસે, એની સાથે ન હતો. વિશાલ ક્યાં છે? એ વિષે બીજા કોઈએ પણ ક્યાં એને સંતોષ થાય એવો જવાબ આપ્યો હતો? પૂર્વાના માતા-પિતા, પૂર્વા અને વિશાલના મિત્રો, ...અરે હોસ્પિટલના ડોકટરો પણ એક જ વાત કરી રહ્યા હતા. “તું એક વાર ઠીક થઈ જા. બરાબર જોતી થઇ જા પછી વાત.” એ અકસ્માતમાં થયેલી ગંભીર ઈજાને કારણે પૂર્વાની આંખોનું તેજ જતું રહ્યું હતું. ડોકટરોનાં પ્રયત્નોથી થોડા જ દિવસોમાં પૂર્વા ફરી પાછી બધું જોઈ શકતી હતી. પરંતુ તે વખતે એ અંધાર અવસ્થામાં પૂર્વાએ જે ક્ષણો વિતાવી ત્યારે એક જ વાતનો આઘાત એને રહી રહીને થતો હતો... કે હવે એ વિશાલને ક્યારેય જોઈ નહિ શકે. પણ એને ક્યાં ખબર હતી કે ઠીક થઈ ગયા પછી પણ એની નજર વિશાલને જોવા તરસ્યા કરશે! એ આખી દુનિયાને જોઈ શકતી, પરંતુ વિશાલ... એને ક્યાય ના દેખાતો.

વિશાલ માટેની પૃચ્છામાં સૌ તરફથી પૂર્વાને એક સરખો જ જવાબ સંભળાતો... ગંભીર અકસ્માતમાં વિશાલ એને ત્યાં જ ઘાયલ અવસ્થામાં મૂકીને ભાગી ગયો. શું આ શક્ય હતું? પૂર્વાનું મન આક્રંદ કરી ઉઠતું... ના... મારો વિશાલ ક્યારેય એવું ન કરે. અરે, એ તો હંમેશા કહેતો, “પૂર્વા, મને કઈ થઈ જશે એની ફિકર મને ક્યારેય નથી થતી, પણ એવું કઈ થઈ ગયું તો તું કેમની જીવી શકીશ?” અને પછી ખડખડાટ હસીને બીજો જવાબ પણ એ જ આપી દેતો, “પણ તારે એવી ચિંતા કરવાની જરૂર નથી.આ બંદા માટે એક નહિ તો બીજી... મળી જ જવાની છે...” પૂર્વા મનમાં જ આ બધી વાતો ફરી ફરીને યાદ કરી, હજારો વખત એ સમય જીવી લેતી જયારે બંને સાથે હતાં. એની દરેકે દરેક વાતમાંથી એ કૈંક એવું શોધવા પ્રયત્ન કરતી જે એને વિશાલ સુધી પહોંચાડી શકે. શું એક અકસ્માત કારણ હોઈ શકે? કે વિશાલ એનાથી આમ દૂર થઈ જાય? હા, એ અકસ્માતમાં સામેના વાહનસવારને પણ ગંભીર ઈજા થઇ હતી, કદાચ... કોઈનો જીવ પણ ગયો હોઈ શકે? પૂર્વાના માતા-પિતા અને મિત્રો બધાનું એવું જ કહેવું હતું ને! સામેના વાહન ચાલકનું સ્થળ પર મૃત્યુ જોઈ વિશાલ ત્યાંથી ભાગી ગયો હતો. એમના સૌના કહેવા મુજબ તો પૂર્વાને પણ આસપાસના લોકો એ જ હોસ્પિટલમાં પહોંચાડી હતી. પરંતુ કોઈ પણ એને વિશાલ વિષે કેમ કઈ કહેતા ના હતા? શક્ય છે કે વિશાલ પણ ઘાયલ થયો હોય? તો એની સાથે  હોસ્પિટલમાં કેમ ના દેખાયો? જયારે આંખોમાં અંધારા અંજાઈ ગયા હતા ત્યારે પૂર્વા વિશાલના અવાજની એક માત્ર રોશની મેળવવા છટપટતી રહી હતી. થોડા દિવસો તો પૂર્વા એ એમ જ વિશાલની રાહ જોવામાં વિતાવી દીધા. વિશાલનો મોબાઈલ નંબર પણ ‘અસ્તિત્વમાં નથી’નો એકનો એક મેસેજ સંભળાવ્યા કરતો હતો. પૂર્વા એના રૂમ પર પણ આંટો મારી આવતી. એના સ્ટડી ટેબલ અને કબાટમાં ગોઠવેલા પુસ્તકો સિવાય બીજું કંઈ જ ના મળ્યું. એના કોઈ કપડાં... કોઈ સામાન... કોઈ નિશાની કંઈ જ નહિ. અરે... થોડા જ દિવસો પહેલા વિશાલ નામનું વાવાઝોડું આ રૂમમાં રહેતું હશે એવો કોઈ જ અણસાર પણ નહિ. એના પાપાનો મોબાઈલ નંબર પણ ‘અસ્તિત્વમાં નથી’ નો મેસેજ સંભળાવી રહ્યો. પૂર્વાના આગ્રહને માન આપીને એના પપ્પા વિશાલના પપ્પા જ્યાં રહેતા હતા એ ઘરે પણ જઈ આવ્યા. પરંતુ ત્યાં ન તો વિશાલની કોઈ ભાળ મળી, ન એના પપ્પા! પાસ પડોશના લોકોને મળીને માત્ર એટલી જ જાણકારી મેળવી શક્યા કે, અચાનક જ એના પપ્પા આ ઘર છોડીને બીજે ક્યાંક જતા રહ્યા છે. એ નવા ઘર વિષે પણ કોઈ ખબર ન મળી શકી. પૂર્વા એના મિત્રોને પૂછી પૂછીને પણ થાકી ગઈ. સૌના મોઢે એક જ વાત હતી, “પૂર્વા, જે તને મરવા માટે રસ્તા પર મૂકીને ભાગી ગયો એને ભૂલી જા.” કહેનાર માટે તો કેટલું સહેલું હતું ‘ભૂલી જા’ કહેવું. ખરેખર તો એ બંનેના મિત્રો પણ પૂર્વા અને વિશાલના પ્રેમના સાક્ષી હતા, છતાં વિશાલ વિષે પૂર્વાના પ્રશ્નોના જવાબમાં સૌ નજર ઢાળી દેતા અને પૂર્વાને એક જ વસ્તુ સમજાવવાનો પ્રયત્ન કરતા, ભૂલી જા વિશાલને!

“પણ કેવી રીતે?”  પૂર્વાના આ એક પ્રશ્નની સામે સૌ હારી જતા.

એમના એક મિત્ર, સાહિરના જન્મદિનની પાર્ટી માટે સહુ ભેગા થવાના હતા... એ જ કિનારે. અને એની બેનપણી આશીતાએ પૂર્વાને ખૂબ આગ્રહ કર્યો એ પાર્ટીમાં જોડવા. પૂર્વા કેમેય કરીને માનતી ન હતી. એના પપ્પાએ સમજાવી કે કોઈના આગ્રહને માન આપવું એ પણ પ્રેમ જ છે. એક પ્રેમ માટે બીજાની અવગણના કેમ કરે છે? પૂર્વા કમને તૈયાર તો થઈ, પણ એને એની પોતાની જાત વિશાલ વિના અધૂરી લાગતી હતી. શું કરશે એ એવી પાર્ટીમાં જઈને જ્યાં વિશાલ એની સાથે ન હોય? એની મસ્તી, એના તોફાન... એના ગીતો ન હોય? આખા ગ્રુપમાં વિશાલ જ તો હતો, જે સહુને પકડી પકડીને ગીતો ગવડાવતો અને ગ્રુપમાં સહુના નામ પણ આપ્યા હતા... આપણાં ગ્રુપના કિશોર કુમાર... લતા... અને મુકેશ... અને હા... તે વખતે પ્રતીકે મુકેશનું ગીત ગાયેલું ત્યારે એ સેડ સોંગ પછી પણ સહુને કેવા હસાવી હસાવીને થકવી નાખેલા. એ જ ગીતનું રીમિક્સ વર્ઝન સંભળાવીને! વિશાલ સાથે સેડ સોંગ પણ જો હસવા અને હસાવવાનું બહાનું બનતા હોય તો તો જન્મદિનની પાર્ટીનો હસી-ખુશીનો માહોલ એ વિશાલ વિના કેવી રીતે જીવી શકાશે? પૂર્વા ભાંગેલા મને તૈયાર થઇ અને પાર્ટીમાં સહુ મિત્રોએ એને આવકારી ત્યાં જ એનું ધ્રુસકું છૂટી ગયું. આ જ દરિયા કિનારાની સાક્ષીએ પૂર્વા અને વિશાલનો પ્રેમ પાંગર્યો હતો, આ કિનારો એમના પ્રેમ પ્રકરણનું અભિન્ન અંગ હતો અને આજે અહીં... પૂર્વા એકલી? એના વિશાલ વિના?  સમી સાંજની ઊતરી રહેલી ભરતીના પાછા ફરતાં મોજાં પણ જાણે પૂર્વાના દુખમાં સહભાગી બનતા હોય એમ મંદ-મંદ ઓસરી રહ્યા હતા. ડૂબતા સૂરજને પણ પૂર્વાની ભીની આંખો એ જ પ્રશ્ન પૂછી રહી... ક્યાં છે મારો વિશાલ? 

પૂર્વાને યાદ આવી ગયું જયારે સૌ મિત્રો સાથે એક વાર આ દરિયા કિનારે આવ્યા હતા. રજાનો દિવસ ન હોવાથી ઓછી ચહલપહલ હતી. અને સૌ આંધળી ખિસકોલી રમ્યા હતા. વિશાલ પૂર્વાના હાથે જ જાણી જોઈને પકડાઈ જતો અને હસીને સ્વીકારી પણ લેતો કે એ બહાને મને સ્પર્શ તો કરે છે! બધા મિત્રો ખૂબ મજાક ઉડાવતા, પણ વિશાલને પૂર્વાનો એ સંકોચ પણ પૂર્વા જેટલો જ પસંદ હતો. છેલ્લી વાર જયારે પૂર્વાનો દાવ આવ્યો ત્યારે... વિશાલ તો શું... કોઈ જ એની આસપાસ ન હતાં એવું પૂર્વાને લાગ્યું. કોઈ અવાજ નહિ, કોઈ ધમાલ મસ્તી નહિ... અને થોડીક જ પળોમાં પૂર્વાએ આંખનો પાટો ખોલી કાઢ્યો અને બધા જ ખડખડાટ હસી પડ્યા હતા. સૌએ સાથે મળીને નક્કી કર્યું હતું કે, કોઈએ પોતાની હાજરી વર્તાવા દેવી નહિ અને એમ જ કર્યું! પરંતુ એ થોડી ક્ષણોમાં પૂર્વાએ અનુભવેલી એકલતા, કોઈ પાસે ન હોવાનો ડર, ન જોઈ શકવાની શરત... અને માત્ર  થોડી જ પળોમાં એ કેવી બેબાકળી થઇ ગઈ હતી. જયારે આજે તો એ બધાને જોઈ શકે છે, સૌ એની આસપાસ છે, પણ એ જ નથી; જેને એ જોવા માંગે છે, ફરી એક વાર પકડી લઈ આઉટ કરવા માંગે છે. તે દિવસે તો પૂર્વાની ભીની આંખ જોઈ વિશાલે કાન પકડીને સોરી કહ્યું હતું. આજે ક્યાં છે... વિશાલ? તને કંઈ જ નહિ કહું, પ્લીઝ... આજે તો આંખ પર પાટો પણ નથી, છતાં તું મને નથી દેખાતો. પૂર્વાનું મન પોકારી ઉઠતું, પણ કોઈ જવાબ ન મળતો.

એ ગોઝારા અકસ્માતને છ મહિના થઇ ગયા. આ છ મહિનામાં પૂર્વા વિશાલના દરેક દોસ્તોને પૂછતી, પ્લીઝ... જે પણ ખબર હોય એ મને કહો! એ કશે જતો રહ્યો છે? બીજી કોઈ તકલીફ છે? પોલીસ કેસથી ડરે છે? મને જણાવો પ્લીઝ! પણ સૌ નીચી નજરથી એક જ વાત ગોખી રાખેલા જવાબની જેમ બોલતા, ‘વિશાલ અકસ્માત પછી પૂર્વાને ત્યાં જ સ્થળ પર ગંભીર હાલતમાં મૂકી ભાગી ગયો.’ આ જવાબ પૂર્વા કોઈ પણ રીતે સ્વીકારવા તૈયાર ન હતી. એનું મન ના કહી રહ્યું હતું. પૂર્વાના માતા-પિતા પણ એને આ જ સમજાવવાનો પ્રયત્ન કરતા, કે આ જ હકીકત છે. પરંતુ મન ક્યાં કોઈની દલીલો આગળ ઝુકે છે?

આજે તો પૂર્વા મન મક્કમ કરી ઘર તરફ વળી. બસ! હવે એ જાતે જ જશે, વિશાલના રૂમ પર. એના મિત્રોને શોધશે, કોઈ સંબંધી... કોઈ સગપણ... કોઈ તો ભાળ મળશે વિશાલની! અને જો મળી જાયને તો એ કંઈ જ નહિ પૂછશે. ફક્ત વિશાલ છે... એ જ એના માટે પૂરતું છે. પૂર્વા વિશાલના રૂમ પર ગઈ. એના રૂમની એક ચાવી પૂર્વાના ઘરે અને બીજી મકાન માલિક મમતા આંટી પાસે રહેતી હતી. માયાળુ અને ઓછાબોલા મમતા આંટી પણ વિશાલને ખુબ સારી રીતે જાણતા હતા અને વિશાલ અને પૂર્વાના સંબંધને પણ. પૂર્વાએ ચાવી વડે રૂમ ખોલ્યો. એને યાદ આવ્યું... એક વાર આમ જ રૂમ ખોલતા અચાનક જ અંદરથી વિશાલ આવીને એને વળગી પડ્યો હતો... અને પૂર્વાથી ચીસ પડાઈ ગઈ હતી. વિશાલે મસ્તી કરવા જ મમતા આંટીને મનાવીને પોતાને રૂમમાં પૂરી દીધો હતો. પછી પૂર્વાને ફોન કરીને કહ્યું,  “મારા સબમીશનની ફાઈલ રૂમમાં રહી ગઈ છે. પ્લી...ઝ... લઇ આવી દે ને.” અને જેવો પૂર્વાએ રૂમમાં પગ મૂક્યો... વિંઝાતા પવનની જેમ વિશાલ આવીને એને વળગી પડ્યો હતો. “આ... આ...” પૂર્વાની ચીસ સાંભળીને મમતા આંટી પણ આવી ગયા હતા. પછી તો વિશાલને પ્રેમથી ટોક્યો પણ હતો કે શા માટે આને આમ પજવે છે? અને વિશાલ પાસે જવાબ હાજર જ હતો, ”હું પજવીશ નહિ, તો મારી ગેરહાજરીમાં એ મારા વિષે શું યાદ કરશે?” અને એ... સાચું જ તો કહેતો હતો.

વિશાલ!... કાશ... આજે પણ આમ દરવાજો ખોલતા જ એ પોતાને વળગી પડે અને પોતાની ચીસ સાંભળી મમતા આંટી એને ખીજાવા માટે આવી જાય! પૂર્વા આવા જ વિચારોમાં રૂમમાં દાખલ થઇ. એના સ્ટડી ટેબલ પર હાથ ફેરવ્યો. એના પુસ્તકો... કબાટ... અને પલંગ... બધું જ એટલું વ્યવસ્થિત હતું કે જાણે વિશાલ અહીં નથી એમ એની ગેરહાજરી પૂરાવતું હતું. પૂર્વા થોડીવાર ત્યાં જ રોકાઈ, જાણે વિશાલની ગેરહાજરીને પણ પોતાની નજરમાં ભરી લેવા માંગતી હોય... પણ વિશાલના પલંગ પર બેસતા જ એનાથી આંસુ ના રોકી શકાયા. એનું મન, આંખો, હૃદય, સમગ્ર અસ્તિત્વ આક્રંદ કરી ઉઠ્યું. દરેકે દરેક નિશાની જાણે કહેતી હતી... વિશાલ હવે અહીં નથી. એ તને છોડીને જતો રહ્યો છે. પણ પૂર્વાનું મન આ વાત ક્યાં સ્વીકારતું હતું? ક્યાં હતો વિશાલ? શું થયું? અરે... જતો રહ્યો તો મને પણ મળ્યા વગર? કેવી રીતે માની લઉં? મનમાં ને મનમાં આમ સામસામી દલીલો કરતી પૂર્વા આંખોથી ભીંજાતી રહી.

હળવેથી એને ખભા પર કોઈનાં મૃદુલ સ્નેહાળ હાથનો સ્પર્શ અનુભવાયો. અને એણે પાછળ ફરીને જોયું... મમતા આંટી એની પાછળ જ ઊભા હતા. એમની કમર પર હાથ વીંટાળી પૂર્વા ખૂબ રડી. મમતા આંટી પણ એના માથે હાથ ફેરવી એને સ્પર્શ વડે સાંત્વન આપી રહ્યા. “પૂર્વા, રડી લે. આજે બધું જ ખાલી કરી નાખ. તારી આંખોના દરિયાને ઠલવાઈ જવા દે.” પૂર્વા રડતા-રડતા પૂછી રહી... “આંટી, તમે જ કહો! શું મારો વિશાલ મને છોડીને જઈ શકે? મને... એના અસ્તિત્વના એક હિસ્સાને રોડ પર મરવા માટે મૂકીને ભાગી જઈ શકે? આ બધા મને કંઈ જ નથી કહેતા. તમે તો કહો... પ્લીઝ... આંટી...” મમતા આંટીએ પૂર્વાને રડી લેવા દીધી. એનો ઊભરો શાંત થાય ત્યાં સુધી એના માથે... પીઠ પર હાથ પસવારતા રહ્યા. પછી સાથે લાવેલી બોટલમાંથી પૂર્વાને પાણી પીવડાવ્યું. પૂર્વા કૈંક સ્વસ્થ થઇ. મમતા આંટી એને હાથ પકડી બહાર લઇ જવા મથ્યા. આંખોથી પૂછેલા પૂર્વાના પ્રશ્નનો એમણે કઈ જ ઉત્તર ન આપ્યો અને એને સાથે લઈ એ જ કિનારે આવી ગયા. કશું જ બોલ્યા વિના મમતા આંટી પૂર્વાના હાથમાં હાથ પરોવી ચાલતા રહ્યા. આથમતી સાંજ જાણે બંને વચ્ચેની મૌનની દીવાલને વધુ ઘેરી બનાવતી હતી. પવનથી ઉડી ઉડીને ચહેરા પર આવતી વાળની લટો ખસેડવા જેટલી પણ પૂર્વા સ્વસ્થ ન હતી. પેલો ફુગ્ગાવાળો ફેરિયો... પેલી સંતાકૂકડીની રમત... એનાથી ભીની રેતીમાં અનાયાસે જ લખાઈ જતું વિશાલનું નામ... પેલી નારીયેળીની હાર... ઊછળી ઊછળીને ઘૂઘવતા દરિયાનાં મોજાં... બધું જ જાણે એને પોકારી પોકારીને વિશાલની ગેરહાજરીનો અહેસાસ કરાવતું હતું. પૂર્વાથી આ મૌનનો ભાર ન સહેવાતા એ ચાલતા-ચાલતા અટકી ગઈ. મમતા આંટીએ એની તરફ જોયું. તદ્દન ખાલી આંખો... એમાં તગતગતી ભીનાશ અને હવે તો... કોઈ પ્રશ્ન પણ નહિ! મમતા આંટી અંદરથી ધ્રુજી ઉઠ્યા. એમણે પૂર્વાને બંને ખભા પકડી હલબલાવી. પૂર્વા જાણે હોશમાં આવી. ભીની આંખે દયાની અરજી કરતી હોય એમ પૂર્વાએ મમતાઆંટીને પૂછ્યું, ”આંટી, તમે સાચું કહો, શું આ બધા કહે છે એ શક્ય છે? વિશાલ આમ જતો રહે?”

“પૂર્વા, તારું મન શું કહે છે?” મમતા આન્ટીએ હેતાળ વિશ્વાસથી પૂર્વાને પૂછ્યું, જાણે એના મનનો તાગ લેવાના હોય.

“ક્યારેય નહિ. મારો વિશાલ આવું કયારેય ન કરે જે આ બધા મને જણાવી રહ્યા છે.” પૂર્વા જોરજોરથી માથું ધુણાવતા બોલી.

“તો પછી તારા મનને પણ સમજાવી દે, કે આ બધા જૂઠું બોલી રહ્યાં છે.” મમતા આંટી પૂર્વાના માથે હાથ પસવારતા બોલ્યા.

“તો સાચું શું છે એ મને કહો... પ્લીઝ...” આંસુ ભરેલી તગતગતી આંખે પૂર્વા પૂછી રહી, “આંટી, તમે સચ્ચાઈ જાણો છો, પ્લીઝ, એક વાર મને કહો! ક્યાં છે વિશાલ?” પૂછતાં પૂર્વાએ બંને હાથ વડે મમતાઆંટીના ખભા હચમચાવી નાખ્યા.

“બેટા, સચ્ચાઈ તારી કલ્પના કરતા પણ કડવી છે... તું...”

“આંટી પ્લીઝ... વિશાલ જ્યાં પણ છે, માત્ર એ છે એ જ મારા માટે ઘણું છે. શું એ કોઈ તકલીફમાં છે? શું એ કશે બીજે... ના, ના... એવું તો ના હોય, પ્લીઝ આંટી”

“પૂર્વા ,” એની આંખના આંસુ લૂછતાં મમતાઆંટી કહી રહ્યા. “તું વિશાલની ખુશી ઈચ્છે છે ને!, તો હવે પછી ક્યારેય આ આંખમાં આંસુ ન આવવા દઈશ.” પૂર્વા ડોકું હલાવી હા કહી રહી, પણ એની આંખો અવિરત વહેતી હતી. મમતાઆંટી બોલી રહ્યા હતા, “પૂર્વા, વિશાલની આંખમા આંસુ હોય એની તું કલ્પના પણ કરી શકે છે?... તો પછી... લૂંછી નાખ આ આંસુ...” પૂર્વા વિસ્ફારિત આંખે મમતાબેનને તાકી રહી.

“હા પૂર્વા, આ આંસુ ભલે તારાં છે, પણ એનાથી તને વિશાલની આંખો ભીંજવવાનો હક નથી ને!”

પૂર્વા સમગ્ર અસ્તિત્વથી પ્રશ્ન પૂછી રહી અને જવાબ મેળવી એક બે પળમાં જ  શાંત થઇ ગઈ. હા, એ એક્સિડન્ટ પછી ઘાયલ થયેલી પૂર્વાને બ્રેઈન ડેડ એવા અપૂર્વની આંખોએ રોશની આપી. એ વાત આજે એને મમતા આન્ટીએ જણાવી અને એનો વલોપાત, એની પીડા, એની દરેક શંકા ડૂબતા સુરજની સાથે જાણે સમગ્ર દરિયાને કેસરિયો કરી રહી. પૂર્વા ખૂબ જોરથી મમતાઆંટીને વળગી પડી. બંને એકબીજાને મૌનથી સાંત્વના આપી રહ્યા. પૂર્વાના ડૂસકાં શમી ગયા. મમતાઆંટી સાથે પૂર્વા એ જ દરિયા કિનારે પાછી ફરી જે દરિયો એ વિશાલની આંખોમાં જોતી હતી અને હવે વિશાલની આંખો વડે જોતી હતી.

 

 

 


Rate this content
Log in