Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapana Vijapura

Inspirational Tragedy

2.5  

Sapana Vijapura

Inspirational Tragedy

ગાંધારી

ગાંધારી

6 mins
14.8K


પુષ્પા સ્તબ્ધ નજરે રાજેશના ફોનને તાકી રહી હતી. હવે આ ઉમરે રાજેશ આવું કરે? એની આંખોને વિશ્વાસ આવતો ના હતો ! આખી જિંદગી રાજેશ સાથે કાઢી પણ એ રાજેશને ઓળખી શકી ના હતી. રાજેશના ફોનમાં કોઈ સ્ત્રીને મળવાનું અને મળવા માટે ટીકીટ મોકલવાની વાત હતી ને મોકો મળે તો કોર્ટ મેરેજની વાત હતી ! પુષ્પાના હાથમાંથી ફોન પડતાં પડતાં રહી ગયો. રાજેશ ફોન હંમેશાં પોતાની પાસે રાખતો. પુષ્પા પણ કદી ફોન અડતી ના હતી. પણ આજ અચાનક કોઈનો ફોન નંબર જોઈતો હતો એટલે એણે રાજેશનો ફોન હાથમાં લીધો. અને આ મેસેજ વાંચી પુષ્પા ડઘાઈ ગઈ ! ૪૫ વરસનાં લગ્નજીવન પછી પોતાની વફાદારીનો આ બદલો ? પુષ્પાની આંખોમાં આંસું આવી ગયાં. હ્રદયને જાણે કોઈએ મસળી નાખ્યું. રાજેશને એ દિલથી ચાહતી હતી.

રાજેશ ભારત જઈ રહ્યો હતો, કોઈ કારણથી અને એના હાથમાં આ મેસેજ આવ્યો. તો શું એ કોઈ સ્ત્રીને મળવા જઈ રહ્યો છે? કામનું બહાનું છે. પુષ્પા પર આભ તૂટી પડ્યું. દીકરાને કાંઈ કહે? ના ના દીકરો વહુને કહે અને વહુ એના પીયરયાને ! ના ના દીકરો જીવ પણ બાળે ! તો શું રાજેશને પૂછું? અને રાજેશ ઝઘડો કરશે... વચ્ચે ભૂતકાળ લાવશે... કે તે મને આમ કીધું હતું તેથી મેં આમ કર્યું. એ કોઈ દિવસ પોતે કરેલી ભૂલનો દોષ પોતા પર લેતો નથી. હંમેશાં તે આમ કર્યુ, એટલે મેં આમ કર્યુ. ના મારે આ વાતની ચર્ચા કરવી નથી !

વળી, એક વસ્તુ એને ખટકતી કે રોજ સવારે રાજેશ ઊઠે તો એનો પારો આસમાન પર રહેતો ! ગુસ્સાથી એનો દિવસ ઊગતો ! પણ પુષ્પા ચૂપચાપ પોતના કામ કરે રાખતી ! રાજેશ એવું વર્તન કરતો કે જાણે બધી મુશ્કેલીઓ પુષ્પાને લીધે જ હોય છે. બધાં દોષ પુષ્પાને જ મળતા ! પણ એ રાજેશની વાતને અવગણતી ! હવે તો એને આદત પડી ગઈ હતી ! જોઈએ શું થાય છે. પણ પુષ્પા આખો દિવસ ભીની આંખો લુછતી રહી ! અઠવાડિયામાં રાજેશની ફ્લાઈટ છે ! પણ પુષ્પાએ નક્કી કર્યુ કે એ કાઈ બોલવાની નથી.

એ રાજેશનો સામાન પેક કરવામાં મદદ કરતી રહી. રાજેશના ચહેરાના હાવભાવ પારખવાની મિથ્યા કોશિશ કરતી રહી ! આખી આખી રાત જાગતી રહી ! વિચારતી રહી મેં એવો મોટો શું ગુનો કર્યો ? મારા પ્રેમમાં કમી રહી કે પછી બીજી કાઈ વાત જેનું રાજેશને આટલું બધું દુઃખ લાગ્યું કે જેથી એ મને છોડવા તૈયાર થયો છે ! તળિયાના કવર એ ભીંજવતી રહી. ૪૫ વરસની તપસ્યાનો આ બદલો મળ્યો ! મેં આ માણસની પાછળ જાત ખસી નાખી ! કેટલી કુરબાની આપી ! કેટલી મોટી એની કમજોરીને એણે છુપાવી જે દામ્પત્ય જીવન માટે શરીર સુખ જરૂરી છે ! પોતાની જવાની તરસતા કાઢી નાખી તો પણ એ રાજેશને વફાદાર રહી ! કોણ જવાન છોકરી શરીર સુખ વગર રહી શકે છે? હા, રાજેશમાં એ કમજોરી હતી ! અને એને જ્યારે આ કમજોરીની ખબર પડી ત્યારે એ ૨૮ વરસની હતી ! બસ ત્યારથી એણે આ વાતને મહત્વ જ ન આપ્યું પણ રાજેશ આ પોતાની કમજોરીને ભૂલી શકતો ના હતો અને કોઈ પણ રીતે પોતાને સંપૂર્ણ પુરુષ સાબિત કરવા પ્રયત્ન કરતો. એને માનસિક અસર હતી પોતાની કમજોરીની ! પરંતુ પુષ્પા એ આ બધી પરિથિતિમાં એની સાથે રહી એનો સાથ છોડ્યો નહીં.

લગ્ન કરી ૪૫ વરસ પહેલા એ આ ઘરમાં આવી હતી મા બાપ ભાઈ બહેન બધાં સગા વહાલા બધાને મૂકીને! રાજેશ પર વિશ્વાસ મૂકીને આવી હતી ! રાજેશનો સ્વભાવ થોડો વિચિત્ર હતો. જલ્દી માફ કરી દેવું એનાં સ્વભાવમાં ના હતું. તેથી ક્યારેક પુષ્પાના પીયરીયાને લીધે અણબનાવ થતો. એના પીયરીયા કાઈ પણ બોલી જાય તો બધો દોષ પુષ્પા ઉપર આવતો. અને જેવી રીતે પોતાના મગજમાં વિચાર્યુ હોય એ રીતે જો ઘરનાં લોકો માફી ના માગે તો પુષ્પાને મેણા ટોણા મારી વરસો સુધી દુઃખ આપ્યા કરતો. પણ એવું તો બધાં ના જીવનમાં ચાલતું જ રહે કરી એ ધીરજ રાખતી! પણ હવે? હવે શું કરું? આ તો બીજી સ્ત્રીને મળવાની વાત આવી! શું કરું? કહું કે ચૂપ રહું?

આજ રાજેશની ફ્લાઈટ હતી. રાજેશને હજુ સુધી પુષ્પાના દિલમાં ચાલતી ગડમથલની ખબર ના હતી. એને તો એમ જ હતું કે મારું રહસ્ય રહસ્ય જ છે. પણ જેનું કોઈ નથી એનો ઈશ્વર તો છે જ એ વાત એ ભૂલી ગયો હતો. પુષ્પા પણ જાણે કાંઈ નથી બન્યું એમ આંખ આડે કાન કરી બેસી હતી. આંખો પર સ્વેચ્છાએ પાટા બાંધેલા હતા. રાજેશની દરેક હરકત સામે જિંદગીભર એજ કામ કર્યુ હતું. આંખ આડે કાન કર્યા હતાં. તો શું હવે પણ ચૂપ રહું ? આજ સાંજે એની ફ્લાઈટ હતી. આજ જો હારી ગઈ તો જિંદગીની બાજી હારી જશે ! આ ઉમરે એ ક્યાં જશે ! દીકરો અને વહુ એનાં ઘરમાં સુખી છે. પણ આજ પુષ્પાએ દ્રઢ નિર્ણય કરો. હવે એ રાજેશને જે કરવું હશે એ કરવા દેશે ! એ ગાંધારી બની જશે ! આંખે પાટા બાંધી દેશે ! અને જ્યારે એની સાચી હકીકત બહાર આવશે ત્યારે એને આંખે પાટા બાંધવાની જરૂર નહીં પડે ! કારણ એની આંખોના પાટા આ સમાજ ખોલી નાખશે ! ગાંધારીએ પોતાના પતિ અંધ હોવાના કારણે આંખે પાટા બાંધેલા ! અને પુષ્પાએ પોતાના પતિ બેવફા હોવાને કારણે આંખે પાટા બાંધ્યા છે ! ગાંધારી ગાંધારીમાં ફર્ક છે એક ગાંધારીએ પતિના પ્રેમમાં પાટા બાંધેલા કે મારાં પતિ આ દુનિયાના જોઈ શકે તો હું શા માટે જોઉં? ગાંધારીએ જિંદગીભર આંખે પાટા રાખ્યા ! પણ આ ગાંધારીએ પતિના દોષ છૂપાવવા આંખે પાટા અને મોઢા પર તાળા રાખ્યા ! પુષ્પાને જયશ્રી મરચંટની એક અછાંદસ કવિતા યાદ આવી ગઈ !

સ્વેછાએ

મેં મારી આંખે બાંધી લીધા

ગાંધારી ના પાટા,

હવે સુખના સ્વપ્નો

તૂટ્યાં કાચની કરચો બનીને

આંખોમાં ખૂંચતાં નથી

ન તો દુઃખનો ડર

રાતની રાત મને જગાડી શકે છે

મારો તો હવે એક જ જવાબ છે

'હું કશું જોઈ શકતી નથી'

હું સતત સૌને કહ્યા કરું છું

લોકો માની લે છે, પણ,

શું હું માનું છું મારા આ સ્વૈચ્છિક અંધાપાને?

હા

ગાંધારીના પાટા મેં સ્વેચ્છાએ મારી આંખે બાંધી લીધા છે.

જયશ્રી વિનુ મરચંટ,

પુષ્પાના આ સ્વેચ્છાએ બાંધેલા ગાંધારીના પાટાનો રાજેશે બરાબર લાભ ઉઠાવ્યો ! ચૂપચાપ રહી જુલમ સહેતી પૂષ્પાએ આજ પણ આંખ આડા કાન કરી રહી હતી ! રાજેશને સરસ મજાનું ભોજન કરાવ્યું. એનાં બુટની પોલીશ કરી આપી ! પૈસા એના માથેથી ઉતારી ગરીબની પેટીમાં નાખ્યા ! બેગો કારમાં મૂકી એરપોર્ટ પર એને મૂકવા પણ ગઈ એરપોર્ટ પર પણ રાજેશ મેણા મારતો રહ્યો અને જતા જતા કહ્યું પણ ખરું કે આવીને તારો ફેંસલો કરું છું ! પણ આ ગાંધારીએ પાટાના છોડ્યાં. રાજેશ ભારત જવા રવાના થયો ! આંખમાં આંસું સાથે એ ઘરે આવી. ઈન્ટરનેટ પર બેઠી. રાજેશની ઈમેઇલનો પાસવર્ડ મેળવ્યો. એનાં ઈમેઇલમાં ગઈ!! રાજેશના બધાં રહસ્ય એક ક્ષણમાં સામે આવી ગયા!

કોઈ રેશમા નામની છોકરીના ફોટા મળી આવ્યાં. એની સાથે છૂપી રીતે મળવાનું તથા કોર્ટમાં લગ્ન કરવા અને પછી પુષ્પાને કેવી રીતે જીવનમાંથી દૂર કરવી એ બધાં પ્લાન મળી આવ્યાં!!પુષ્પા ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી ! કોને કહું કોને કહું? સવારે બા પપ્પાને કહું? આ મૌન તોડું આ પાટા ખોલી ફેંકી દઉં? રડતાં રડતાં એ સુઈ ગઈ! ૨૪ કલાક પછી પુષ્પાએ ભારત કોલ કર્યો. રાજેશ ભારત પહોંચી ગયો હતો!

એ દિવસે સવારે ફોનની રીંગ સંભળાઈ! રાજેશને ગયાને બે અઠવાડિયાં થવા આવ્યા હતા. ફોન પુષ્પાની બહેનનો હતો ! કહે, "મોટીબેન, રાજેશ અહીં કોઈ રેશમા નામની સ્ત્રી સાથે હોટેલમાં રહી રહ્યો છે અને અમે એવું સાંભળ્યું છે કે એની સાથે કોર્ટ મેરેજ કર્યા છે."

પુષ્પા મૌન રહી ! ગાંધારીના પાટા આપોઆપ ખૂલી ગયા ! હવે મૌનના તાળા પણ તૂટી જશે ! હા, પુષ્પાની જિંદગી ઉજડી ગઈ હતી ! પણ બનાવટની દુનિયામાંથી એ મુક્ત થઈ ગઈ હતી ! ૪૫ વરસનું જુઠ હવે દુનિયા સામે આવી ગયું હતું ! પુષ્પાએ રિસીવર મૂકી નિરાંતનો શ્વાસ લીધો ! આરામ ચેર પર બેસી ગઈ ! હવે રડવાનું છૂપાવવાનું કોઈ કારણ ન હતું ! બસ દૂર દૂર સુધી આકાશના વાદળ વિખેરાઈ ગયાં હતાં સત્યનો સૂરજ ઝગમગ થઈ રહ્યો હતો ! આજ ગાંધારીની આંખોથી બનાવટના પાટા ખૂલી ગયાં હતાં!


Rate this content
Log in

Similar gujarati story from Inspirational