Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pravina Kadkia

Fantasy

3  

Pravina Kadkia

Fantasy

લિખિતંગ લાગણીઓ..!

લિખિતંગ લાગણીઓ..!

4 mins
7.1K


શું સંબોધન કરું? દિલને ખાત્રી છે યોગ્ય સ્થળે સાચી વ્યક્તિને જ સંદેશો મળશે. શંકાને ત્યાં સ્થાન નથી. આજે મન અને કલમ બન્ને વશમાં નથી. પ્રિયે, તમારો જન્મ દિવસ, જો તમે હયાત હોત તો, ૭૫ વર્ષ પૂરાં કર્યા હોત. આજના દિવસ માટે શુભકામના, જ્યાં પણ હો ત્યાં આનંદ મંગલ હશે!

આ દિલ છે ને તે, કશું સાંભળતું પણ નથી અને માનતું પણ નથી. રહી રહીને કહે છે એક વાર તમારો સંદેશો મને મળશે. આજે ૨૧ વર્ષ અને છ મહિના થઈ ગયા. આ આંખે મોતિયો પણ આવી ગયો. તાર, ટપાલ કે ફોન કશું જ ન આવ્યું. ભલેને તમને કદાચ મારી યાદ ન સતાવતી હોય પણ મને?  આગમનના ભણકારા વાગે છે. નોકરી પરથી નીકળતાં પહેલાંની ફોનની ઘંટડી સંભળાય છે.

'બસ અડધો કલાકમાં આવ્યો'.

એનો અર્થ, 'જમવાની થાળી પીરસ. ખૂબ ભૂખ લાગી છે.’ તમે આખો દિવસ કામમાં ખાવાનું પણ ભૂલી જતાં.

ઘણીવાર વિચાર આવે છે,  શું ખરેખર હું એકલી છું? પોતાની જાતને જવાબ મળી રહે છે, 'અરે પગલી, પાર્થિવ દેહ નથી તો શું થયું. તેમની હાજરી, ગેરહાજરીમાં મોજૂદ છે.'

'તું અને હું ક્યાં ભિન્ન હતાં?

સાચું કહું, તમે માનશો તો ખરાંને ? એવો એક શ્વાસ નથી જેમાં તમારી યાદ કે ખુશ્બુ સમાયા ન હોય! સમય તો થંભતો નથી. આ શ્વાસ પણ ખૂટતો નથી. એક જિંદગી જીવવાની છે, કેમ વ્યર્થ જવા દેવાય? માન્યતા એવી છે કે એક લાખ, ચોર્યાસી હજાર યોનીમાંથી પસાર થયા પછી આ અમૂલ્ય માનવ દેહ પ્રાપ્ત થાય છે. ભવભવના બંધનમાંથી તમે હાથતાળી દઈને સરી ગયા. હવે આ પાછળ રહ્યો તે દેહનું શું? ઘણી વાર વિચાર આવે છે, શામાટે રાજા રામમોહન રોયે ભારતમાંથી સતી થવાનો રિવાજ નાબૂદ કર્યો હતો? હસતાં નહીં, ૨૧મી સદીમાં પણ આવો વિચાર આવે. જ્યારે સ્ત્રીઓ ચંદ્ર પર આરોહણ કરે છે. ફરીવાર લગ્ન કરવાને માટે કોઈ બંધન નથી.

"અરે, જીવ માર્ગ બદલીને પાછળની જિંદગી યાદોના સહારે પૂરી કરી લે. બાળકોનો સુનહરો સાથ છે, તારા પર ઈશ્વરે કરેલી કૃપાનો વરસાદ છે."

આ જીવન જીવવા માટેનું ખરું કારણ છો "તમે" મારો પ્રથમ પ્યાર હતાં. મેં તમને દિલોજાનથી ચાહ્યા હતાં. તન અને મન સમર્પિત કર્યા હતાં. સુંદર બે ફૂલ આપણાં બગીચામાં ખીલ્યા હતાં. પ્રેમનાં જળથી તેમનું સિંચન કરી તેમને સુંદર વ્યક્તિ બનાવ્યા. આજે ફુલવાડી ખૂબ મઘમઘી રહી છે. ખાનગી વાત કહું, 'મારા માળી વગરના બગીચાની હું મહેક માણું છું.' બગીચાનું વૃક્ષ ફૂલ અને ફળોથી સુશોભિત બની લહેરાઈ ઉઠ્યું છે.

જ્યારે આધેડ ઉંમરના પતિ અને પત્નીને પ્રેમથી સમજમાં કુટુંબમાં જોઉં છું, ત્યારે તમારી કલ્પના કરવાનો આનંદ આવે છે. પ્રિયે મારી જુવાની વિદાય થઈ ચૂકી છે. તમે જુવાનીમાં વિદાય થયા હતાં. હવે, તમને આજે કલ્પનામાં પણ હું આધેડ વિચારી શકતી નથી. હા, સાથે હોત તો નજરે ભાળ્યું હોત! ખેર, માથા પર ટાલ અને મુખ પર મારી જેમ કરચલીઓ કલ્પવી પણ મુશ્કેલ છે. કદાચ મારી જેમ મોતિયો પણ ઉતરાવ્યો હોત. હસતાં નહીં, રડવું નથી એટલે કાલીઘેલી ભાષામાં તમને રીઝવવાનો પ્રયત્ન છે. કહે છે ને, બુઢાપો આવે ત્યારે બાળક બની જવાય! બાળપણની નિખાલસતા અને સ્મિત જાળવી રાખવાનો નમ્ર પ્રયાસ છે.

જિંદગીનો રાહ ફંટાયો છે. બાળકો સુખી છે. તેમના સંસારમાં વ્યસ્ત છે. તમારા પ્યાર અને પ્રોત્સાહને એકલતાની જિંદગી જીવવા માટે દિશા બતાવી છે. તમારી હાજરીમાં બંધન નહીં, અનુકૂળતા સાંપડી હતી. આજે એ બધા જીવન જીવવા માટે સહાય રૂપ બન્યા છે. જીવનમાંથી અજ્ઞાનને, અંધકારને તિલાંજલી આપી પ્રકાશની દિશામાં આગળ વધવા ડગ માંડ્યું છે. સમાજને યા જરૂરિયાતવાળાની વહારે ધાવા સતત પ્રયત્નશીલ રહું છું. બાળકો પણ સંસ્કારી છે. સહુ પ્રથમ ઘર અને પછી સમાજ. સંપ ત્યાં જંપ.

દિલની વાત આજે તમારી સમક્ષ ઠાલવતાં સંતોષની લાગણી ફરી વળી છે. એકલી છું, એકલતા સતાવતી નથી. પ્રવૃત્તિમય જિંદગી સત્કર્મોથી ભરપૂર બની જીવન જીવવા માટે પ્રાણવાયુ પૂરો પાડે છે. એક મક્કમ નિર્ણય જાત સાથે કર્યો છે. એક જિંદગી જીવવાની છે. એળે નહી જવા દંઉ. એક ખાનગી વાત કહું? વચન આપો તમે હસશો નહીં. નાનપણથી કબીરનું ભજન ગમતું હતું. પેલી ઝીની રે ઝીની ચદરિયા. તેની અંતિમ પંક્તિ છે, દાસ કબીરને ઐસી ઠાની જ્યોં કી ત્યોં ધર દીઈ ચદરિયા ઝીની રે ઝીની. ઈશ્વરને મેં કાનમાં કહ્યું, 'જો હું કબીર નથી. મારી ચાદર તો મેલી છે. પણ એક વચન આપું છું. હું મારી આ મેલી ચાદર તને ધોઈને, ચોખ્ખી કરીને પાછી આપીશ."

એટલે તો, "ચાહે તને કોઈ સમજે કે ન સમજે તું તારા પથ પર ચાલતી રહે. દુનિયાને સમજાવવાની કોઈ આવશ્યકતા નથી. તારી મુસાફરી અંતિમ શ્વાસ સુધી અટકવી ન જોઈએ. એકલી આવી હતી. એકલી જવાની છે. શું સાથે લઈને આવી હતી કે ચિંતા છે? કશું સાથે લઈ જવાની નથી એનાથી પરિચિત છે. તને સાથ કોનો છે તે તું જાણે છે. એક સર્જનહારનો અને બીજો પતિએ તારામાં મૂકેલા સંપૂર્ણ વિશ્વાસનો! માતા અને પિતાએ ખૂબ સુંદર સંસ્કાર આપી ઉછેરી હતી. બસ તો ચિંતા છોડીને જીવન ગુજાર."

ખબર નહીં કેમ આજે હૃદયના ભાવ તમારી સમક્ષ ઠાલવીને હળવી ફૂલ જેવી બની ગઈ છું. શાંતિ હૃદયમાં શાંતિથી સૂતેલી છે. મસ્તકથી પગની પાની સુધી તેનું સામ્રાજ્ય છવાયું છે. ક્યારે, કયા હાલમાં, કયા સમયે અંતિમ પળ આવી પહોંચશે તેનો અંદાઝ પણ નથી. જો કદાચ મુલાકાત સંભવ ન હોય તો, પ્રેમે વિદાય આપો.

 


Rate this content
Log in

Similar gujarati story from Fantasy