Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Romance

4  

Mariyam Dhupli

Inspirational Romance

પહેલું પુસ્તક

પહેલું પુસ્તક

7 mins
14K


સરિતાની ખુશી ચરમસીમાએ હતી. આજે ઘણા દિવસો પછી એની વાંચનની ભૂખ સંતોષાવાની હતી. સવારે જ એની સૌથી ખાસ બહેનપણી મયુરી એની તબિયત પૂછવા આવી હતી. ભેટમાં કોઈ તાજું ગરમાગરમ બેસ્ટ સેલર પુસ્તક આપી ગઈ હતી. બે મહિના અગાઉ અકસ્માતમાં ઘવાયેલા ઘૂંટણની સર્જરી થઇ હતી. ધીરે ધીરે હવે થોડું ઘણું ચાલવા પણ લાગી હતી. આમ છતાં તબીબ તરફથી સખત આરામની સૂચનાઓથી ડરીને આકાશે તો એની નોકરી પણ છોડાવી દીધી હતી.

"પહેલા સંપૂર્ણ વિશ્રામ લઇ લે. એકવાર સાજી થઇ જા પછીજ નોકરી. તને શાની ચિંતા ? હું છું ને !"

આકાશની સ્પષ્ટ સૂચના એના અનન્ય પ્રેમની સાબિતીજ તો હતી. એનું વાતેવાતે "હું છું ને !" સરિતાની સાચી ઔષધિ બની રહી હતી. સરિતાને પોતાના ભાગ્ય પર વિશ્વાસ જ ન આવતો ... આકાશ જેવો જીવનસાથી ભાગ્યશાળી નાજ પ્રારબ્ધમાં હોય. એક નાનકડા ગામના ખૂણેથી આવી શહેરની હોસ્ટેલમાં અભ્યાસ પૂરો કરી, પોતાની તનતોડ મહેનતે શહેરમાં નોકરી મેળવી પગ ઉપર ઉભા થવાનું કાર્ય કઈ નાનુસુનું ?

આકાશ સાથે એની પહેલી મુલાકાત કોલેજના પુસ્તકાલયમાં થઇ હતી. પુસ્તકો પ્રત્યેનો લગાવ અને અનન્ય આકર્ષણ બન્નેના હૃદયમાં એકસમાન. પુસ્તકાલયના બાંકડા ઉપર એકબીજાના હાથમાં પોતાના મનગમતા સાહિત્ય પ્રકારને જોતા જોતા અને પુસ્તકના સાહિત્ય વિભાગમાંથી સમાન શ્રેણીના પુસ્તકો ઉઠાવતા ઉઠાવતા બન્નેની આંખો મળી .હાસ્ની અદલાબદલી શબ્દો ની અદલાબદલીમાં પરિણમી. શબ્દોની વહેંચણી લાગણીઓ અને વિચારોની વહેંચણી સુધી પહોંચી. વિચારોની ગુણવત્તા અને સામ્યતા વ્યક્તિત્વ આકર્ષણ તરફ ઝૂક્યા અને એ સંવેદનાઓનો ઝુકાવ ક્યારે પ્રેમના સેતુમાં બંધાઈ ગયો એ વિચારવાનો સમય જ ક્યાં મળ્યો ?

સમાજના મધ્યમ વર્ગની પુત્રી ને ગામડાંથી શહેરમાં જીવન નિર્વાહ માટે પહોંચેલા નવયુવાન જોડે જીવન વસાવવાની પરવાનગી ન મળી. પણ આકાશના ભીતરની સચ્ચાઈ અને એના ચરિત્રની સાદગીમાં રંગાયેલી સરિતા આકાશ નેજ પોતાનો જીવનસાથી બનાવવાના નિર્ણય પણ અડગ રહી. પોતાના માતાપિતાને એકદિવસ તો મનાવીજ લેશે. જે દિવસે આકાશના પ્રેમની પવિત્રતા તેઓ ઓળખશે ત્યારે પોતાની પુત્રીના જીવન નિર્ણય પર અનન્ય ગર્વ લેશે, એની સરિતાના હૃદય ને પાક્કી ખાતરી હતી. લગ્ન જીવનના બે વર્ષ પછી આજે પણ આકાશ અને સરિતા હાર માન્યા વિના એમનો પ્રેમ જીતવા અથાક કોશિશ કરી રહ્યા હતા.

આકાશ પોતાના વૃદ્ધ માતાપિતાને શહેરમાં આવી એમની જોડે વસવા કેટલીવાર મનાવી ચુક્યો હતો. પણ ગામની માટીને છોડી એ ઘરડા મૂળ હવે શહેરની માટીમાં નવેસર થી રોપાવા તૈયાર ન હતા. આમછતાં આકાશ અને સરિતા બન્ને મળીને દૂર બેઠા પણ એમની સંપૂર્ણ કાળજી દાખવી રહ્યા હતા. આર્થિક રીતે એમને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે એની પુરી તકેદારી રાખી રહ્યા હતા. રજાઓમાં ગામમાં એમનો સહવાસ રૂપી આશીર્વાદ લેવા અચૂક પહોંચી પણ જતા.

જીવન બહુ ભૌતિક સુખસગવડ વાળું કે સંપૂર્ણ આરામદાયી તો નજ હતું. પણ આ નાનકડા ઘરમાં પ્રેમ અને સ્નેહની કોઈ કમી ન હતી. બે ટંકનું ભોજન ઇશ્વર પહોંચાડી દેતા હતા અને માથા ઉપર છત હતી, ભાડેની હતી તો શું ? જ્યાં સંતોષ અને પ્રેમ એકબીજામાં ભળી જાય ત્યાં ફરિયાદો માટે કોઈ સ્થાનજ ન રહે.

દરરોજ આખા દિવસના ભાગદોડ પછી સરિતા પલંગ ઉપર આરામ કરતી ટેલિવિઝન જોતી હોયને પડખેના ટેબલ પર બેઠો આકાશ એની વાર્તાઓ લખતો હોય. હા, લખવું, અભિવ્યક્ત કરવું આકાશને ખૂબજ ગમતું. કોલેજકાળથી એના આ લેખનપ્રેમની સરિતા એકમાત્ર સાક્ષી હતી. કેટલી બધી વાર્તાઓ એણે લખી હતી. એક પછી એક કેટલું વિષય વૈવિધ્ય ! કેવી શબ્દોની પકડ ! પાત્રો અને વિષયની કેવી માર્મિક ગૂંથણી ! વાંચનની ટેવથી વધુ નિખરતું એ સાહિત્યનું સ્વરૂપ.

સરિતા એક માત્ર વાચક હતી એ અતિ ગુણવત્તાયુક્ત સાહિત્યની. એ ઘણીવાર આકાશને કહેતી કે 'આ વાર્તાઓનું સાચું સ્થાન આ બંધ સંગ્રહી રાખેલ પાનાંઓ નથી. એમનું ખરું સ્થાન તો કોઈ જાણીતી સંપાદન સંસ્થાને હાથે છપાયેલી કોઈ ખુબજ પ્રખ્યાત પુસ્તકમાંજ છે.'

અને આકાશ કહેતો 'નહીં ...હમણાં નહીં..' ઉતાવળે આંબા ન પાકે.' હજી શબ્દો પર ખુબજ કસરત કરવી બાકી છે. હજી સાહિત્યના ઉંડાણોમાં ઘણી ડૂબકીઓ લગાવવાની છે. હજી વાંચનને અનુભવોના નિચોડનો કસબ અજમાવતા શીખવાનું છે. હજુ ગામ્ભીર્ય અને સહજતાનું સંતોલન બેસાડવાનું છે. હજુ ઘણું શીખવાનું છે ઘણું. મારું પુસ્તક 'હું ' બની શકવા તૈયાર હોય ત્યારે જ. જયારે વાચકો આકાશનું પુસ્તક નહીં આકાશ ને વાંચી શકે ત્યારે.એ માટે હજી સમય છે.

સરિતા તો અગણિત પુસ્તકો પી ચુકી હતી. પુસ્તકો એના રગેરગમાં લોહી બની વહેતા હતા અને એના શ્વાછોસ્વાસમાં નીતરતા હતા. સાહિત્યનો ખરો વિવેચક તો સાહિત્યનો ઊંડો વાચક જ હોઈ શકે. વાંચન જેના જીવનમાં નિયત દિનચર્યા સમું વણાઈ ચૂક્યું હોય એને સાહિત્યની ગુણવત્તાની પરખ ન હોય એતો શક્યજ નથી. સરિતા જાણતી હતી કે આકાશની વાર્તાઓ ગુણવત્તાની દ્રષ્ટિ એ નહીં પણ આર્થિક રીતે પ્રેસના પગથિયાં ચઢવા તૈયાર ન હતી. ઘરનું ભાડું, લાઈટ બિલ, રોજિંદા જીવનની જરૂરિયાતો, માતાપિતાનું ગુજરાન બધુજ અસ્થાયી નોકરી ના પગારમાંથી પૂરું પાડવાનું હતું. સરિતાનો પગાર પણ ઊંચા આંકડાવાળો તો નજ હતો. જ્યાંસુધી નોકરી ને 'સ્થાયી'નું બિરુદ ન મળે ત્યાંસુધી વધારાના કોઈ પણ ખર્ચનો અવકાશ ન હતો.

જીવનમાં ફરજોને હમેશા અગ્રતાક્રમ આપતા આકાશને જોઈ સરિતાના હૃદયમાં આકાશ માટેનો પ્રેમ નવી ઊંચાઇઓએ પહોંચી જતો. અકસ્માત સમયે જયારે સરિતાના ઘૂંટણની સર્જરી કરવાની પરિસ્થિતિ ઉભી થઇ ત્યારે પોતાની આવકમર્યાદાનો વિચાર કર્યા વિનાજ શહેરની સૌથી અગ્રણી અને જાણીતી હોસ્પિટલ આકાશે પસંદ કરી હતી.

"તું ચિંતા ન કર. હું છું ને ! પૈસાની વ્યવસ્થા થઇ ગઈ છે."

અને દર વખતની જેમ ફરીથી એના "હું છું ને !" વાળું જાદુ કામ કરી ગયું હતું. આટલી મોટી સર્જરી બાદ ક્યારે ફરી ઘર આવી પહોંચી અને થોડા મહિનાઓમાં તો ચાલવા પણ લાગી. પ્રેમની ઔષધિ એટલે પ્રેમની ઔષધિ. એની આગળ કોઈ દુઃખ, કોઈ પીડા, કોઈ તાણની અસર જ નહીં.

સવારે મયુરી એ ભેટમાં આપેલ પુસ્તક લઇ એ પલંગ ઉપર ગોઠવાઈ. ટેવ પ્રમાણે તકિયો ગોદમાં લઇ પુસ્તક તકિયા પર ગોઠવ્યું. મયુરીના કહેવા અનુસાર આટલા ટૂંકા સમયમાં આ પુસ્તકની અગણિત કોપીઓ વેચાઈ ગઈ હતી. ફક્ત એકજ મહિનામાં બેસ્ટ સેલર બની ચૂકેલા એ પુસ્તકમાં ડૂબી જવા સાહિત્યનો જીવ તળપાપડ થઇ રહ્યો હતો. સાહિત્યના જગતમાં ઓહાપો મચાવનાર એ પુસ્તકને વાંચવા માટે સરિતાએ નાક ઉપરથી ચશ્માંનો ખૂણો વ્યવસ્થિત કર્યો. એક નજર ઘડિયાળ પર પડી. હજી આકાશને ઘરે આવવામાં એક કલાક રહ્યો હતો. સર્જરી પછી અનેપક્ષિત ખર્ચાઓ ને પહોંચી વળવા રાત્રે ઓવરટાઇમ કરીને પરત થતા આકાશની જોડેજ રાત્રીનું ભોજન કરવાનું હતું.

ખૂટેલી ધીરજ જોડે વાર્તા સંગ્રહની સૌ પ્રથમ વાર્તા વાંચવાનો આરંભ કર્યો. શરૂઆતના કેટલાક વાક્યો વાંચતાજ ચ્હેરા પરની રેખાઓ તણાઈ ગઈ. વાંચવાની ઝડપ વધારીને આગળ ચ્હેરો વધુને વધુ ગંભીર બની રહ્યો. અત્યંત ઉતાવળે એક પછી એક વાર્તાઓનું પરિચિત શિર્ષક ઉથલાવતા હાથોમાં આછી ધ્રુજારી અનુભવાઈ. ચહેરાનો રંગ ઉડવા લાગ્યો. પુસ્તક ગુસ્સા સાથે સંકેલી એ શીઘ્ર ઉભી થઇ.

આકાશની અલમારીનો ખૂણે ખૂણો શોધી નાખ્યો. એનાં વાર્તાસંગ્રહની ફાઈલ કશેજ ન જડી.

પલંગ ઉપર પડેલા પુસ્તકને થામી એની ઉપર ચમકતા કોઈ નામચીન લેખકના નામને એ શંકાથી નિહાળી રહી. કેટલો સમય એ એમજ શોકથી સ્તબ્ધ પુસ્તકને તાકતી બેસી રહી.

બારણે વાગેલી ઘંટડીથી એની તંદ્રા તૂટી. આકાશ આવી ગયો હતો. એ રીતસર બારણે ધસી ગઈ. સરિતા ના હાથમાંનું પુસ્તક નિહાળતાંજ આકાશ ચોંક્યો.

"આકાશ તારી વાર્તાઓ..."

આકાશના ચહેરાના તટસ્થ ભાવો નિહાળી સરિતાના હાથમાંથી પુસ્તક સરી પડ્યું. અચાનક હોસ્પિટલમાં આકાશે ઉચ્ચારેલા આશ્વાસનના શબ્દો કાનમાં પડઘો પાડી રહ્યા.

"તું ચિંતા ન કર, હું છું ને ! પૈસાની વ્યવસ્થા થઇ ગઈ છે."

ધ્રુસકે ધ્રુસકે બાળક સમી રડી રહેલી સરિતાને ગળે વળગાવી આકાશે દર વખતની જેમજ પોતાના જાદુઈ શબ્દો પ્રયોજ્યા.

"મારુ સાચું જીવન પુસ્તક તો તુજ છે. જો તારા જેવું પ્રેરણાદાયી પુસ્તક આંખોની સામે હોય તો એના વાંચનથી અભિપ્રેરિત થઇ હજી આનાથીયે વધુ ઉમદા પુસ્તકો લખીશું. ચિંતા ન કર, હું છું ને !"

અને આકાશના ખભે વીંટળાયેલા સરિતાના હાથની પકડ હજી વધુ મજબૂત બની રહી.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational