Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Others

2.6  

Mariyam Dhupli

Inspirational Others

એ નહીં આવે તો ?

એ નહીં આવે તો ?

5 mins
14.1K


કોફીશોપમાં પહોંચવાને મને એક કલાક થઇ ચુક્યો હતો. આઠ કોફી પી ચુક્યો હતો. નવમી કોફીનો ઓર્ડર પણ આપી દીધો હતો. સાત વાગ્યાનો સમય આપ્યો હતો અને સાડા સાત પણ થવા આવ્યા હતા.

એક કલાકથી 'એ આવશે કે એ નહીં આવશે ?'નો કોયડો ઉકેલી રહેલું મન પણ ધીમે રહી નિરાશા તરફ સરકી રહ્યું હતું. એક એક ક્ષણ વેઠવી મુશ્કેલ થઇ રહી હતી. હૈયાના ધબકાર ઢોલ જેમ વાજી રહ્યા હતા. એ નહીં આવે તો ? એકજ પ્રશ્ન વારંવાર શરીર અને આત્માને ધ્રુજાવી રહ્યો હતો.

જેના વિના એક ક્ષણ જીવવાનું સ્વપ્ને પણ વિચારી શકતો ન હતો એના વિના એક આખુ વર્ષ કઈ રીતે પસાર કરી શક્યો ? અને આજે અગણિત આશાઓ અને અપેક્ષાઓ જોડે એને મળવા અહીં દોડી તો આવ્યો હતો પણ મનના કેન્દ્રમાં તો પેલો એકજ પ્રશ્ન ઊંડા મૂળ નાખી બેઠો હતો . જો એ નહીં આવે તો ? એ પ્રશ્ન આગળ જાણે એક અંધારી ગુફા પડી હતી. આગળ ક્યાં જઈશ ? શું કરીશ ? કઈ રીતે એના વિના જીવીશ ? જીવી પણ શકીશ ?

એના જીવનમાં આવ્યા પછી એજ તો મારુ જીવન હતી . એનો સાથ , એનો પ્રેમ, એનો સ્નેહ એના આગમનથી જીવન જાણે મંજાયેલા વાસણ જેવું ચમકદાર ઉજળું થઇ ઉઠ્યું હતું. એના સાનિંધ્યમાં જીવનની મોટામાં મોટી સમસ્યાઓ કેવી નિરર્થક બની રહેતી ! મન ભારે હોય કે હૈયું ડૂબી રહ્યું હોય, એના હાથના સ્પર્શ માત્રથી બધુજ શાંત થઇ રહેતું. એ ફક્ત સ્પર્શ નહીં મારુ યોગ, મારુ ધ્યાન, મારુ અધ્યાત્મ હતું. એના પડખે આવી બેસવાથી જ આત્મા અનેરી શાંતિ ધારણ કરી લેતી. આજે મારી પડખેની ખાલી બેઠક જાણે મને હર ઘડી ભયભીત કરી રહી હતી. એ પણ એજ પ્રશ્ન વારંવાર પૂછી રહી હતી, જો એ નહીં આવે તો ?

જયારે એ વહેલી સવારે મારી આંખો આગળ આવી ઉભી રહેતી ત્યારે દુનિયા સામે આખો દિવસ ઝઝૂમવા હું માનસિક રીતે સજ્જ થઇ જતો. મારા વાળમાં ફરતી એની નમણી સુંવાળી આંગળીઓ મારા શરીરને કેવી સ્ફૂર્તિ અર્પી જતી ! એની મધુર શ્વાસો અનુભવવાને એક મહિનો વીતી ચુક્યો હતો. એ મીઠી સુગંધ મારા અંતર્મનમાં જાણે ઘૂંટાઈને પીગળી ચુકી હતી .

ચટર પટર વાતો, આખો દિવસ. કોઈ પણ વિષય, કોઈ પણ મુદ્દો. એક ગરમ ચાનો કપ હાથમાં હોય અને એના મીઠા મધુર શબ્દો હવામાં ઉછળતા કાનને સ્પર્શતા રહે. ફક્ત એટલુંજ મળી જાય તો સ્વર્ગની શી જરૂર ? પણ આજે મારી આસપાસનો સન્નાટો અને હવાનું મૌન મારા ખભા ઉલાળી મને પૂછી રહ્યા હતા. જો એ નહીં આવે તો ?

પુસ્તકનો એ કીડો હતી. વાંચવું એને ઘણું ગમતું પણ વાંચીને સંભળાવવું એને એનાથીયે વધુ પ્રિય હતું. અગણિત પુસ્તકો સાંભળ્યા હતા એના મોઢે, તદ્દન રેડિયો સમા. વાંચતા વાંચતા ક્યારેક એ ખડખડાટ હસી પડતી ત્યારે વાતાવરણમાં એક જાદુઈ સંગીત ગુંજી રહેતું અને હું એ સંગીતમાં મારા દરેક દુઃખ, મારી દરેક પીડા, મારી દરેક ચિંતાઓને ઓગળતી જોઈ રહેતો. ક્યારેક વાંચન સમયે આંખોમાંથી મોતી જેવા આંસુ વહી પડતા. કરુણાનું દર્દ એનાથી જરાયે ન સહેવાતું. મારા ખોળામાં માથું નાખી એ દરેક મોતીને સહજતાથી વહાવી દેતી.

ક્યારેક થાકીને મારી આંખ લાગી ગઈ હોય તો એનો મીઠો ટહુકો મારા જાગ્રત કાનમાં મધુરતાથી વહેતો. " ઊંઘી ગયા ?" અને હું ઘેન ખંખેરી મારી અભિનય -કલા સફળતાથી અજમાવતો. "નહીં, ફક્ત આંખો બંધ છે પણ સાંભળું છું. હા, તો પછી શું થયું ?" અને એ વાર્તા જગત આગળ વધતું અને મારી આંખો ફરીથી જડાઈ જતી.

એનું રિસાઈ જવું જેટલું સરળ હતું એટલુંજ કઠિન એને મનાવવું. નાની સૂક્ષ્મ વાતો સહેલાઈથી એના હય્યાને સ્પર્શી જતી. પછી આખો દિવસ એની ફરતે દોડતા રહો, કાન પકડો, કંઈક લાવી આપો, થાક્યા વિનાજ માફી માંગતા રહો. પણ આમ સહેલાયથી તો એની માફી મળવાથી રહી. કદાચ માઉન્ટ એવરેસ્ટ ચઢવું સહેલું હશે પણ એના રીસામણા

દૂર કરવા, બાપ રે બાપ ! પણ આજે એ રિસામણાઓ મારી પલકો ઉપર રાખવા હું સજ્જ હતો. મનાવી લઈશ એને. પરંતુ રિસાવવા માટે પણ જો એ નહીં આવે તો ?

રવિવારની સાંજે ચોપાટી ઉપર એની જોડે થતી પાણીપુરી ખાવાની હરીફાઈઓ, આર્ટ ગેલેરીમાં સાથે હાથોમાં હાથ પરોવી વિતાવેલો કલાત્મક ગુણવત્તાયુક્ત સમય, સિનેમાઘરમાં નિહાળેલી એને ગમતી સાઇન્સ ફિક્શન, એની પ્રિય ચોકલેટ બ્રાઉની, ટીવી પર આવતા એના ગમતા કોમેડી શો, એની ગમતી ગઝલોનો સંગ્રહ.. બધુજ સૂક્ષ્મમાં સૂક્ષ્મ યાદો જોડે હૃદયમાં હાજર હતું. પણ ફક્ત એજ ગેરહાજર હતી. મારા ઘરમાંથી, જીવનમાંથી, શ્વાસોમાંથી. એ ગેરહાજરીને હાજરીમાં પરિવર્તિત કરવા જો એ નહીં આવે તો ?

મારો જન્મદિવસ શું એ પહેલીવાર ચુકી જશે ? મને શુભકામનાઓ પાઠવવા, દર વર્ષની જેમ મારી કેક કાપવા, મને જાદુની જપ્પી આપવા, મારી પીસાની ચૂમી હેત વરસાવવા, મારી જોડે એની ગમતી સેલ્ફી ખેંચવા, ટેવ પ્રમાણે પોતાના હાથે તૈયાર કરેલ ગ્રીટિંગ કાર્ડ આપવા જો એ નહીં આવે તો ?

નવમી કોફી સમાપ્ત થઇ ચુકી હતી અને કદાચ મારી અપેક્ષાઓ અને હકારાત્મકતા પણ. એણે પાક્કું વચન ક્યાં આપ્યું હતું ? પ્રયાસ અને પ્રયત્ન કરી જોવાની વાતજ તો કરી હતી. એના જીવનમાં આવ્યા પછીનો એના વિનાનો આ મારો પહેલો જન્મદિવસ હતો, એ ઉદાસ મન સ્વીકારી ચૂક્યું હતું. હોઠ ઉપર આછું હાસ્ય અને આંખોના ભારે ભેજ જોડે બિલની ચુકવણી કરી હું હારેલા મને કોફી શોપમાંથી બહાર નીકળી આવ્યો. વ્યવસાયમાં ભોગવેલી આર્થિક પછાડ પછી સમૃદ્ધિ અને વૈભવતા જે રીતે મારાથી રિસાઈ બેઠી હતી, એની આડઅસર સ્વરૂપે મારી સૌથી પ્રિય કાર તો હાથમાંથી નીકળી ગઈ હતી. ભાગ્ય હવે ટેક્ષીથી જ કામ ચલાવી રહ્યું હતું. મનમાં ઉમટી પડેલા હતાશાના મોજાઓ અને ભગ્ન હૃદયની અસહ્ય પીડા સમેટવાનો નિષ્ફ્ળ પ્રયાસ કરતો હું ટેક્ષીનો દરવાજો થામી રહ્યો કે પાછળથી એક મીઠો, મધુર ટહુકો હવાને ગુંજાવી રહ્યો :

"હેપ્પી બર્થડે પાપા."

ઝડપથી આવીને મારા ખભે આવી વીંટળાયેલા એ નમણાં, સુંવાળાં હાથ એકજ ક્ષણમાં હૃદયની દરેક હતાશા અને પીડાને શોષી રહ્યા. ચટર પટર શબ્દો વાતાવરણને હેતથી રંગી રહ્યા. એ આવી ગઈ. સાચેજ આવી ગઈ. ફક્ત મને મળવા. હજારો માઈલનું અંતર કાપી, મારા જન્મદિવસની શુભેચ્છા પાઠવવા, મને જાદુની જપ્પી આપવા, મારી પિસાની સ્નેહથી ચૂમવા, મને જીવંત હોવાનો અનુભવ કરાવવા.

આર્થિક પડતી પછી થયેલા ડિવોર્સમાં એની કસ્ટડી એની આર્થિક રીતે સદ્ધર માને મળી હતી. છતાં સોળ વર્ષની મારી દીકરી એક વર્ષથી વિદેશ સ્થાયી થઇ ચુકેલી એની માને મનાવી આખરે પણ મારો જન્મદિવસ મનાવવા આવીજ ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational