Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sapan Pathak

Crime Inspirational Tragedy

4  

Sapan Pathak

Crime Inspirational Tragedy

હાથના કર્યા હૈયે વાગ્યા

હાથના કર્યા હૈયે વાગ્યા

5 mins
22.1K


‘બેન, તમારું સ્ટેશન આવી ગયું.’ કંડક્ટરના શબ્દો કાને અથડાયા અને વૈદેહી જાણે ફ્લેશબેકમાંથી બહાર આવી. આખા દિવસ દરમિયાન બનેલી ઘટનાઓ એક પછી એક તેનાં માનસપટ પર પડઘાવા માંડી.

‘ઓ બેન, બસમાંથી ઉતરવાની તસ્દી લેશો કે બસને આગળ જવા દઉં?’

ફરી એજ કર્કશ અવાજ કાને અથડાતા, વૈદેહી, કશુંય બોલ્યા વગર ઝટ બસમાંથી નીચે ઉતરી ગઈ; પણ તેનું મનતો હજુય વિચારોના વમળમાં ચકરાવા ખાતું હતું.

‘રોલ નંબર સત્તર...?’

‘બેન, આજે એ સ્કુલે નથી આવ્યો; એના પપ્પા મરી ગયાને એટલે એ થોડા દિવસ સ્કુલે આવી શકશે નહીં.’ સવારે વર્ગખંડમાં એના એક પ્રશ્નની સામે મળેલા આ ઉત્તરે તેના મનમાં અનેક પ્રશ્નાર્થો ખડા કરી દિધા હતા.

આ મહિનામાં નાનકડા ગામમાં આ ત્રીજું જુવાન મોત હતું. ગામની શાળામાં હજુ થોડા મહિના પહેલાં જ વૈદેહી શિક્ષિકા તરીકે જોડાઈ હતી. શાળા નાની હતી એટલે માત્ર બે જ શિક્ષિકાઓ શાળામાં શિક્ષણકાર્ય કરાવતી. સાથે બાળકોનું મધ્યાહ્ન ભોજન બનાવવા માટે એક સંચાલિકા બહેન અંજુ. ગામમાં ઉપરાછાપરી થયેલાં મરણનાં કારણો જાણવાની તેને ઉત્કંઠા જાગી. વૈદેહી સ્વભાવે સંવેદનશીલ. વળી મરનાર તમામ યુવકો તેની શાળામાં અભ્યાસ કરતા બાળકોના જ પિતા હતા. તેણે શાળાના બીજા શિક્ષિકા બહેન સાથે આ બાબતે ચર્ચા કરવાનો પ્રયત્ન કરી જોયો, પણ એ વ્યર્થ સાબિત થયું.

‘જુઓ વૈદેહીબેન, આપણે અહીં ૧૦:૩૦થી ૫:૦૦ નોકરી કરવા બંધાયેલા, એ સિવાય ગામમાં શું થાય છે અને શું નહીં એમાં ખોટુ માથું ક્યાં મારવું? સરકાર આપણને છોકરાઓને ભણાવવાનો પગાર આપે છે, પારકી પંચાતનો નહીં.’ આવા એકદમ રુક્ષ અને ઉદ્ધત જવાબથી વૈદેહીનું મન ઉદાસ થઈ ગયું. પરંતુ આજે તો વૈદેહીને એના મનમાં ઉદભવેલા પ્રશ્નો શાંતિથી બેસવા દે એમ નહોતા. એણે અંજુને આ બાબતે પૂછવાનું નક્કી કર્યું. વળી ગામમાં જ રહેતી હોવાથી એની પાસે સચોટ ઉત્તર મળવાની તેને આશા જાગી.

‘વૈદેહીબેન, આ બધું હલકી ગુણવત્તાનો દેશી દારૂ પીવાનું પરિણામ છે.’ અંજુએ ગંભીર અવાજે વૈદેહીને વાત જણાવતા કહ્યું.

‘દારૂ? પણ, આપણે ત્યાં તો દારૂબંધી, નહીં ?’ વૈદેહી એ પૂછેલા પ્રશ્નના જવાબમાં ખૂંધા હાસ્ય સાથે અંજુએ વાત આગળ વધારી.

‘બેન, આ અંગ પર પહેરેલો સફેદ સાડલો પણ એનું જ પરિણામ છે. નખ્ખોદ જાય ગામના સરપંચનું, એના મળતિયાઓ જ આ દારૂનો ધંધો ચલાવે છે. જ્યાં વાડ જ ચીભડાં ગળે ત્યાં કહેવું કોને?’

‘સરપંચ…?’

સરપંચનું નામ સાંભળતા જ વૈદેહીની આંખો ઘૃણાના ભાવથી છલકી ઊઠી.

‘આખા ગામના જુવાનિયાઓ મોતના ખપ્પરમાં હોમાતા હોય, તો સરપંચને કોઈએ તો રજૂઆત કરવી જોઈએ ને?’ વૈદેહીના અવાજમાં હવે સરપંચ પ્રત્યેનો આક્રોશ સ્પષ્ટ જણાઈ આવતો હતો. રૂંધાતા કંઠે અને છલકાતી આંખો સાથે અંજુએ ઉત્તર આપ્યો, 'બેન, રજૂઆત પણ કરેલી, રામજીની વિધવાએ. એના વરનેય દારૂ જ ભરખી ગયેલો.પણ...’ ગળે ડૂમો ભરાઈ આવતા અંજુ બોલતાં બોલતાં અટકી પડી.

‘પણ....પણ શું?’ વૈદેહીએ અંજુને વાત આગળ વધારવા કહ્યું.

‘સાલી મરદની જાત, વિધવાને ય ન છોડી, તે કૂવો પૂર્યો બિચારીએ. નપાવટ વાળ ધોળા થયા તોયે જુવાની ઓસરતી નથી આ સરપંચની. પાછી એની મોટી રાજકીય વગ અને પૈસાનું જોર, કોઇ એનો વાળ પણ વાંકો ના કરી શક્યું.’

અંજુની વાતો સાંભળી વૈદેહીની આંખો પણ આંસુથી છલકાઈ ઊઠી. એને એમ લાગ્યું કે એણે કોઈપણ હિસાબે સરપંચને રજૂઆત કરવી જ પડશે, પણ એની નજર સામે સરપંચની કામુક આંખો આવી ગઈ. આમ પણ શાળાના એક કાર્યક્રમમાં સરપંચ સાથે થયેલી મુલાકાતમાં, વૈદેહી, તેની વાસનાલોલુપ નજર પારખી ગઈ હતી. તે અંદરથી પડી ભાંગી. સરપંચનો સામનો કરવા માટેની હિંમત જાણે ખૂટી રહી હતી. સમાજ અને દેશના હિત માટે કંઈ પણ કરી છૂટવાની પ્રેરણા તો તેને લોહીના વારસામાં જ મળી હતી, શહીદ પિતા પાસેથી. વૈદેહીને લાગ્યું કે જાણે તેના શહીદ પિતા તેને આ નેક કાર્ય કરવા માટે હાકલ કરી રહ્યાં હતા. તેણે મન મક્ક્મ કર્યું અને પંચાયત તરફ ડગ માંડ્યા.

‘હું અંદર આવી શકું?’ પ્રશ્નનો જવાબ હકારમાં મળતા જ તે સીધી સરપંચના ટેબલ સામે જઈને ઊભી રહી.

‘સાહેબ, હું આપણા ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા છું.’

‘સારી રીતે જાણું છું. બાજુના શહેરમાં વિધવા મા સાથે રહો છો, દેશ માટે શહીદ થયેલા પિતાનું એકમાત્ર સંતાન, સવારે ૯:૩૦ની બસ પકડો છો, સાંજે ૬:૩૦ વાગે ઘરે પહોંચો છો...’

‘તમને... તમને આ બધું કઈ રીતે ખબર?’ સરપંચને વચ્ચેથી અટકાવતા જ વૈદેહીએ પૂછ્યું.

‘સરપંચ છું ગામનો, અહીં ગામમાં નવું કૂતરું ય આવે તો તેની આખી નસલની ભાળ મેળવી લઉં.’ વૈદેહી પર પોતાનો પ્રભાવ પાડવાના ઈરાદાથી તેણે રોફ પૂર્વક કહ્યું.

‘તો તો ગામનાં સીમાડે ચાલતા દારૂના ધંધા વિશે પણ જાણતા જ હશો, એ ધંધો બંધ કેમ નથી કરાવતા?’ એક ઘા અને બે કટકા જેવો સીધો જ વેધક પ્રશ્ન વૈદેહીએ સરપંચને પૂછ્યો. સરપંચ પણ અણધારેલો પ્રશ્ન સંભળી ઘડીભર સ્તબ્ધ થઈ ગયો. બે-ચાર ઊંડા શ્વાસો ભરી વૈદેહીને ધમકીભરી સલાહ આપતા બોલ્યો, ‘ફક્ત ૧૦:૩૦થી ૫:૦૦ આ ગામમાં રહેવાનું; છોકરાઓને ભણાવવાનું; પણ અહીંની બીજી વાતોમાં માથું મારવાનું નહીં અને જો એમ કરશો તો...’ સરપંચે અધૂરું મૂકેલું વાક્ય ઘણું બધું કહી રહ્યું હતું.

‘સરપંચ તો ગામનો મોભી, પિતા સમાન ગણાય. ગામનું અહિત થતું હોય તો એને રોકવું એ તો તમારી ફરજ કહેવાય. તમારા મોઢે આવી વાતો ન શોભે.’

સરપંચ અને વૈદેહીની વચ્ચેની ચર્ચા હવે ઉગ્ર બની રહી હતી. વૈદેહી તો જાણે આજે આ પાર કે પેલે પાર કરી લેવાના મૂડમાં હતી.

‘ગામમાં થયેલા ત્રણ-ત્રણ જુવાન મરણની જવાબદારી કોની? મેં તો સાંભળ્યું છે કે તમારા સાથીદારો જ...’ વૈદેહીનાં વાક્બાણો હવે સરપંચનાં હ્રદય સોંસરવા ઉતરી રહ્યાં હતાં.

‘એય છોકરી, જબાન પર કાબૂ રાખ. તું હજી ઓળખતી નથી હું કોણ છું અને રહી વાત મરણની તો એ લોકોના ઘરે કોઇ જબરદસ્તી દારૂ પાવા નહોતું ગયું. એ હતા જ સાલા દારૂડિયા, પીને મર્યાં. ગામમાંથી એટલી ગંદકી દૂર થઈ.’ સરપંચના આવા બેજવાબદાર વલણથી વૈદેહી ખિન્ન થઈ ગઈ.

‘તમે શું બોલો છો એનું ભાન છે તમને? આ નશાનાં ખપ્પરમાં પોતાના સ્વાર્થ ખાતર ગામનાં જુવાનિયાઓનો ભોગ આપતા તમને જરાય શરમ નથી આવતી, ઉપરથી કહો છો કે ગામની ગંદકી દૂર થઈ. હજુ કેટલાના ભોગ આપશો આ ખપ્પરમાં?’

સરપંચની લાલચોળ આંખોમાંથી નીકળતો લાવા જ્વાળામુખી માફક ફાટીને બહાર આવે એ પહેલાં જ ગામનો એક જુવાનિયો દોડતો દોડતો સરપંચ પાસે આવીને સમાચાર આપતા બોલ્યો, 'સાહેબ, તમારો દીકરો આકાશ... ઝેરી દારૂની અસરથી...’

તે વાક્ય પૂરું ન કરી શક્યો, પણ તેના ચહેરાની ઉદાસી બાકીનું બધું જ કહી રહી હતી. સરપંચના અશ્રુપાતે ધગધગતા લાવાને ઠારી દીધો હતો. વૈદેહી પણ નિસ્તેજ બની ઊભી રહી. પહાડ જેવા શરીરને ખુરશીના આધારે માંડ ટેકવી ઉભેલા સરપંચના મોંમાંથી રુંધાયેલા અવાજે શબ્દો સરી પડ્યાં, ‘હાથના કર્યા હૈયે વાગ્યા...’


Rate this content
Log in

Similar gujarati story from Crime