Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Zaverchand Meghani

Classics

0  

Zaverchand Meghani

Classics

નગર-લક્ષ્મી

નગર-લક્ષ્મી

2 mins
291


શ્રાવસ્તી નગરીમાં દુકાળ પડ્યો. પ્રજામાં હાહાકાર થઈ રહ્યો. પોતાના ભક્તજનોને ભેગા કરીને બુદ્ધ ભગવાને સવાલ કર્યો : 'બોલો પ્રિયજનો, ભૂખ્યાને અન્ન દેવા તમારામાંથી કોણ કમર બાંધે છે ?'

ગુરુદેવનો સવાલ સાંભળીને રત્નાકર શેઠે માથું નીચું ઢાળ્યું અને હાથ જોડીને જવાબ દીધો : 'આવા વિશાળ નગરને માટે અન્ન પહોંચાડવાની મારી શક્તિ નથી, પ્રભુ.'

ત્યારપછી ગુરુદેવનાં નિરાશ નયનો સેનાપતિ જયસેનના મોં પર પડયાં. જયસેને જવાબ વાળ્યો : 'છાતી ચીરીને હૃદયનું લોહી દેવાથી જો પ્રજાનો પ્રાણ ઊગરી શકે તો પલવારમાં હું કાઢી આપું, પ્રભુ ! પણ મારા ઘરમાં એટલું અનાજ કયાંથી હોય !'

નિઃશ્વાસ નાખીને ધર્મપાલ બોલી ઊઠયો : 'હું તો ભાગ્યહીન છું પ્રભુ ! મારા સોના સરખા ખેતરમાંથી દુકાળે બધો કસ શોષી લીધો, હું રાજ્યને કર પણ કેવી રીતે ભરી શકીશ ?' 

બધા એક બીજાના મોં સામે જોવા લાગ્યા. કોઈ જવાબ દેતું નથી. ચુપચાપ બની ગયેલી એ મેદિનીની અંદર, ભૂખથી પીડાતા એ પ્રજાજનોની સામે, બુદ્ધ ભગવાનની કરુણાળુ આંખો સંધ્યાકાળના ઉદાસ તારાની માફક ચોંટી રહી.

ત્યાર પછી એ સમુદાયની અંદરથી એક રમણી ઊભી થઈ. લાલ લાલ એનું લલાટ છે અને શરમમાં નીચે નમેલું એનું માથું છે. ગૌતમ પ્રભુના સાચા શિષ્ય અનાથ પીંડદની એ દીકરી સુપ્રિયા હતી. વેદનાથી એની આંખમાં આંસુ ભરાઈ આવેલાં. બુદ્ધદેવના ચરણની રજ લઈને મધુર કંઠે એ બાઈ બોલી :

'હે દેવ ! આજે જ્યારે સહુએ નિઃશ્વાસ નાખી આપને નિરાશ બનાવ્યા છે, ત્યારે હું એક પામરમાં પામર સેવિકા આપની આજ્ઞા માથે ચડાવી લઉં છું. અનાજ વિના આજે જે માનવી કલ્પાંત કરી રહ્યાં છે, તે બધા મારા જ સંતાનો સરખાં મને લાગે છે. નગરમાં આંગણે આંગણે અનાજ પહોંચાડવાનો ભાર આજે હું મારે માથે ધરી લઉ છું.'

સાંભળનારા સહુ લોકોને નવાઈ લાગી. ગુરૂદેવના માનીતા શિષ્યોમાંથી કોઈ હાંસી કરવા લાગ્યું, કોઈ ગુસ્સે થઈ ગયું, કોઈને લાગ્યું કે સુપ્રિયા પાગલ બની ગઈ છે. સખ્ત અવાજે સહુ એને પૂછવા લાગ્યાં : 'એ ભિખ્ખુની દીકરી ! તું પોતે પણ ભિખ્ખુની ! એટલું બધું અભિમાન કયાંથી આવી ગયું કે તું આવું વિકટ કામ તારે માથે ઉપાડી લે છે? તારા ઘરમાં એવા શા ભંડાર ભર્યા છે, ભિખારણ ?' 

બધાની પાસે માથું નમાવીને સુપ્રિયા બેલી : 'મારી પાસે બીજું કાંઈ યે નથી; રહ્યું છે ફક્ત આ એક ભિક્ષાપાત્ર. હું તો પામર નારી છું, સહુથી ગરીબ છું. પરંતુ હે પ્રિયજનો! તમારી દયાના બળે જ ગુરુદેવની આજ્ઞા સફળ થશે, મારી શક્તિથી નહિ, મારો ભંડાર તો તમારા સહુના ઘરેઘરમાં ભર્યો છે. તમારી સહુની ઈચ્છા સાચી હશે તો મારું આ પામર ભિક્ષાપાત્ર પણ એક અક્ષયપાત્ર બની જશે. હું તમારે દ્વારે દ્વારે ભટકીશ ને તમે જે દેશો તે ભૂખ્યાંને ખવરાવીશ. માતા વસુંધરા જીવતી છે ત્યાં સુધી શી ખેાટ છે ?'

ગુરૂદેવે આશીર્વાદ દીધા. લોકોએ પોતાના ભંડાર એ ભિખ્ખુનીના ભિક્ષાપાત્રમાં ઠાલવ્યા અને આખી નગરી ભૂખ મરામાંથી ઊગરી ગઈ.


Rate this content
Log in

Similar gujarati story from Classics