Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mariyam Dhupli

Inspirational Others Tragedy

4  

Mariyam Dhupli

Inspirational Others Tragedy

લીમડો

લીમડો

6 mins
14.3K


દુકાન પર આવી ગોઠવાયેલા નીરજની આંખો વારંવાર શેરીના નાકા ઉપર પહોંચી રહી હતી. પિતાજી હજી દુકાન પહોંચ્યા ન હતા. પણ ગમે તે ક્ષણે પહોંચી શકે. દરરોજ વહેલી સવારે સમાચારપત્ર અચૂક દુકાનમાં આવી પડતું. પણ ખબર નહીં કેમ આજેજ જાણીજોઈને આવવામાં મોડું પડી રહ્યું હતું. એને જાણે ખબર પડી ગઈ હોય કે નીરજ આજે એને વાંચવા કેટલો ઉતાવળીયો અને અધીરો બન્યો હતો ! કેમ ન હોય ઘણા દિવસોથી જેની અનન્ય ઉત્સુકતા જોડે રાહ જોઈ રહ્યો હતો એ લોટરીનું પરિણામ આજેજ તો સમાચારપત્રમાં છપાવાનું હતું. એની જમા કરેલી તમામ પુંજી એ લોટરીના પરિણામમાં જ તો રોકાણ પામી હતી. પિતાજીના આગમન પહેલાં સમાચારપત્ર મળીજ રહેવું જોઈએ.

સમાચારપત્રના દુરદુર સુધી કોઈ અણસાર ન દેખાઈ રહ્યા ન હતા. આંખોની આગળ દુકાન સામે ઉભું વર્ષો જૂનું લીમડાનું વૃક્ષ હવાથી ઝણઝણી રહ્યું હતું. લીમડા પર તકાયેલી નીરજની આંખો પણ લીમડા જેવી કડવી બની રહી. પોતાના જીવનની તુલના અનાયાસે જ એ કડવા જીવ જોડે થઇ રહી. પોતાના જીવનમાં ભરેલી કડવાશ અને પિતાનો કડવો સ્વભાવ એ વૃક્ષને પણ શરમાવી દે એવા હતા. પોતે ભણીગણી કંઈક બને, જીવનમાં આગળ વધે, લક્ષ્ય પ્રાપ્તિ, ધ્યેય યુક્ત જીવન, તનતોડ મહેનત વગેરે વગેરે... આમાંથી પિતાની કેટલી ફિલોસોફી તો એના સમજણને પણ પરે હતી. કડક અને કડવા પિતા આગળ માનું પણ કંઈ ચાલતું નહીં. એકના એક દીકરા સાથે આમ હિટલર બની ફરવું કેટલું યોગ્ય ? ભણવામાં જરાયે રસ -રુચિ હતી નહીં એતો નીરજના કહ્યા વિનાજ એના પરિણામ પત્રોએ સાબિત કરી આપ્યું હતું. ભણવું ન હોય તો સીધી રીતે પિતાની જોડે દુકાનનું કામ શીખવું પડશે. ઘરમાં રહેવું હોય તો કડવા પિતાની એ ધમકીભરી શરત અનુસરવા સિવાય કોઈ વિકલ્પ પણ ન હતો. હિટલર પિતાના શબ્દો કેટલા સખત હૃદયમાં વાગતા હતા.

"જ્યાં સુધી જીવનમાં શું કરવું છે એની સમજ બુદ્ધિમાં ન પડે ત્યાં સુધી સીધો દુકાનમાં મદદ કર. કંઈક તો શીખીશ અને શીખેલું કદી વેડફાય નહીં."

તેથીજ અહીં આમ દુકાનમાં ગ્રાહકો જોડે પોતાનું જીવન વ્યય કરવું પડી રહ્યું હતું.

એને જે પ્રવૃત્તિમાં રસ હતો એનાથી પિતાને એટલીજ ચીડ અને ઘૃણા હતી. અરે, પણ પોતાનો મિત્ર દીપક પણ તો લોટરી રમતો હતો અને અગણિત વાર જીત્યો પણ હતો. ઘણીવાર એ નીરજને સમજાવતો.

"આમ દુકાને બેસી જાતને ઘસવાથી કંઈ મળશે નહીં. કાચબાની જેમ ઘસડાતો રહીશ. બધા આગળ નીકળી જશે. આતો અતિ ઝડપી યુગ છે. જેને દોડતા ન આવે તેને કંઈજ ન મળે."

દીપકની વાત પિતા કેવા સાંભળી ગયા હતા ! એ દિવસે દીપકને એવો ખખડાવ્યો હતો કે દુકાનની આસપાસના ઘણા મીટરો દૂરથીજ પોતાનો રસ્તો બદલી લેતો. પરંતુ નીરજના અંતરમાં દીપકની વાત ઊંડાણમાં ઉતરી ચૂકી હતી. જે પોતાનો રસ્તો બદલવાનો નામજ લઇ રહી ન હતી. દુકાને બેસી કામ કરવા માટે પિતા એને એક નાનકડો પગાર આપતા. બહારની કોઈ વ્યક્તિને કામ પર રાખવા કરતા પોતાનોજ પુત્ર કંઈક શીખે અને ઘરના પૈસા ઘરમાંજ રહે. ઘણા મહિનાઓથી પોતાના પગારની રકમ જમા રાખી, એક મોટી બચત કરી પિતાની જાણ બહાર બધીજ રકમ એણે દીપકને હવાલે કરી દીધી હતી. લોટરીમાં પોતાનું ભાગ્ય અજમાવી આખરે પણ એણે પોતાની ગમતી પ્રવૃત્તિમાં જીવન રોકાણ કરવા પહેલું ડગતો માંડીજ દીધું. મનમાં ક્રાંતિકારી જેવા ઉઠેલા ભાવો આજે અધીર અને વ્યાકુળ હતા. પણ સમાચારપત્ર ક્યાં રહી ગયું હતું ?

આંખો ફરીથી શેરીના નાકે પહોંચી પણ નીરાશ પરત થઇ.

"એક ચાનું પાકીટ આપજો."

સામેના એપાર્ટમેન્ટમાં રહેતા શર્મા સાહેબ પોતાના પાંચ વર્ષના પુત્ર જોડે દર વખત જેમ ઘરનો સામાન ખરીદવા આવ્યા હતા.

"પપ્પા ચોકલેટ... ચોકલેટ... ચોકલેટ..."

ફરીથી એ નાનકડો છોકરો દર વખતની જેમ નિયમિત ચોકલેટ ખરીદવા માટે ડૂસકાંઓ ભરી રહ્યો હતો. આ એક નિયતક્રમ હતો. ચોકલેટ માટે રડવું, જીદ કરવું, જમીન પર શરીર રગડવું, હાથો અફાળવા... પણ એના પિતા પણ નીરજના પિતા જેમ હિટલરનીજ આવૃત્તિ હતા. ટસના મસજ ન થાય. ચોકલેટ ન અપાવે તે ન જ અપાવે. નીરજને એમને જોઈનેજ તિરસ્કાર છૂટતો. એ નાનકડા છોકરાની હતાશામાં એને પોતાના હતાશ જીવનનું પ્રતિબિંબ દેખાતું. હવે બાળક ચોકલેટ ન માંગે તો કોણ માંગે ? આખરે શર્મા સાહેબની સરકારી નોકરીને અતિ ઊંચો પગાર આખરે શું કામના ? જો પોતાના એકના એક દીકરાના કોડ પુરા ન કરાવી શકે તો આટલું બધું ધન ભેગું કરી ક્યાં જવાના ? કોઈએ સાચુંજ તો કહ્યું છે, કંજૂસનું ધન કાંકરા બરાબર ! પોતાના બાળકોને રિબાવવાની આ વિચિત્ર ટેવ પિતાઓમાં ક્યાંથી વિકસતી હશે ?

આજે આ બાળકના રુદનથી નીરજને વધારે પડતીજ અકળામણ થઇ ઉઠી. સમાચારપત્રની રાહમાં કડવો થયેલો નીરજ ચાના પાકીટની જોડે એક ચોકલેટનો ડબ્બો પણ ઊંચકી લાવ્યો. કાઉન્ટર ઉપર ચોકલેટનો ડબ્બો નિહાળતાંજ બાળકનું રુદન થંભી ગયું. પોતાના નાનકડા હાથને પગની પાની વડે ઊંચાઈ આપી ચોકલેટનો ડબ્બો ધીમે રહી સરકાવી લીધો. પણ એ ડબ્બો હજુ નાનકડા હાથ યોગ્ય રીતે થામી શકે એ પહેલાજ શર્મા સાહેબે ઝડપથી ઝુંટવી લઇ ફરીથી કાઉન્ટર પર પરત મુક્યો.

"આની જરૂર નથી."

બાળકનું રુદન ફરી વેગ પકડ્યું. નીરજની ચીડ વધુ જોર પકડી રહી.

"મફતમાં આપું છું. પૈસા આપવાની જરૂર નથી."

પોતાની કંજુસાઈ પર નીરજે છોડેલા કટાક્ષ સામે શર્મા સાહેબ ધીમેથી મંદ મંદ હસ્યાં. નીરજની વધેલી ચીડ વેધક બની આંખોના ઉતરી આવી. એ નફરતને કળી ગયેલા શર્મા સાહેબે અત્યંત ધીરજ જોડે ચાનું પાકીટ હાથમાં ઉઠાવી પૈસાની ચુકવણી કરી. પોતાના રડમસ બાળકને જમીન ઉપરથી ઉઠાવી ગોદમાં લઇ એના ચ્હેરા ઉપરના આંસું સાફ કરી નાખ્યા.

"પ્રશ્ન પૈસાનો નથી. એને ચોકલેટની એલર્જી છે . ચોકલેટ ખાવાથી એના આખા શરીર ઉપર લાલ પીડાદાયક ચાઠાં ઉપસી આવે છે. ડોક્ટરે સ્પષ્ટ ના પાડી છે. એટલે એના ભલા માટેજ..."

પોતાનું વાક્ય અધૂરું જ છોડી શર્મા સાહેબ જતા રહ્યા. નીરજની આંખો હજી પણ પહોળી હતી. વિચારોમાં મૌન બનેલા નીરજને કંઈક ખડકાટનો અવાજ સંભળાયો. સમાચારપત્ર દુકાનમાં આવી પડ્યું હતું. વિચારોને ખંખેરતા ખૂબજ ઉતાવળે નીરજે આખું સમાચારપત્ર ખોળવી નાખ્યું. લોટરીનું પરિણામ મોટા અક્ષરે વચોવચ છપાયું હતું. પોતાના હાથમાંના કાગળિયા પર છપાયેલા આંકડાઓ સાથે વિજેતા આંકડાઓ જરાયે મેળ ખાતા ન હતા.

એકજ ક્ષણમાં મહેનતની બધીજ પૂજી હાથમાંથી સરી પડી. હ્નદય જાણે બેસી પડ્યું. વિચારોએ જાણે કામ કરવું બંધ કરી નાખ્યું. સફળતા માટે લીધેલો ટૂંકો માર્ગ ખુબજ મોંઘી રીતે નિષ્ફ્ળ નીવડ્યો.

શોકમાં ગરકાવ નીરજને પિતાના આગમનની પણ જાણ ન થઇ. શોક્ગ્રસ્ત સમાચારપત્ર થામી ઉભેલા નીરજને પિતાએ ઢંઢોળ્યો. ડરથી છોભીલો પડી નીરજ ધ્રુજતા હાથ જોડે સમાચારપત્ર સંકેલવા મથી રહ્યો. હાથમાંની લોટરીનું કાગળ પિતાના પગને સ્પર્શ્યું. લોટરીનું કાગળ ઊંચકી પિતાએ નીરજના હાથમાં થમાવ્યું. શરમથી ઝૂકેલી આંખો આગળ પિતાએ એક પરબીડિયું ધર્યું. પરબીડિયું જોતાંજ નીરજની આંખો ચમકી. આ પરબિડિયામાંજ પોતાની બચતના પૈસા સચકીને દીપકને હવાલે કર્યા હતા. હિટલર જેવા કડકાઈભર્યા અવાજથી દુકાન ગુંજી ઊઠી.

"સારું થયું કે મારો મિત્ર સુરેશ તને દીપક જોડે જોઈ ગયો. શંકા તો મને હતી જ કે એ આળસુ અને નકામો છોકરો આમ સહેલાઈથી તારો પીછો છોડશે નહીં. ધમકાવીને આ રકમ પરત લઇ આવ્યો. તને આ અંગે એક પણ શબ્દ ન કહેવાની ધમકી પણ આપી હતી. નહીંતર આ બધીજ મહેનતની કમાણી..."

પિતાજીનો પારો હજી ઊંચો ચઢે એ પહેલાજ કેટલાક ગ્રાહકો દુકાનમાં આવી પહોંચ્યાં. ગ્રાહકોને સેવા પુરી પાડવામાં વ્યસ્ત પિતાને પાછળથી નીરજ પ્રેમથી તાકી રહ્યો. હાથમાંના પરબિડિયાને ચૂમીને સંભાળીને ગજવામાં સરકાવી દીધું અને સાચા હૃદયે પિતાની મદદ કરવા શીઘ્ર પહોંચ્યો.

દુકાનની આગળ ઉભેલું વર્ષો જૂનું પેલું કડવું લીમડાનું વૃક્ષ હજી પણ હવાથી ઝણઝણી રહ્યું હતું...


Rate this content
Log in

Similar gujarati story from Inspirational