Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Vishnu Prajapati

Inspirational Romance

1.0  

Dr Vishnu Prajapati

Inspirational Romance

લોન્ગ ડ્રાઈવ

લોન્ગ ડ્રાઈવ

7 mins
14.1K


સિઝનના પહેલા વરસાદનું વાતારવણ બરાબર જામ્યું હતું. ઠંડી હવાની લહેરખી અને સાથે સાથે ફ્લેટની ગેલેરીની દિવાલ અને ફર્સ પર અથડાઇને આવતા છાંટા વૈભવીના અંગેઅંગમાં રોમાંચ ઉત્પન્ન કરી રહ્યા હતા. જીવનનો પાંચમો દાયકો પુરો થવાને ત્રણ વર્ષની વાર હતી છતાંપણ મન તો આજેય વરસાદની આહલાદકાતાને માણવા બાવીસનું બની જતું હતું.

પહેલો વરસાદ વરસે એટલે વૈભવી કાયમ વરસાદના વૈભવને મન ભરીને માણતી. પણ પિતાના ઘરને છોડીને સાસરે આવ્યા પછી તો કેટકેટલાય શોખની જીવનમાંથી બાદબાકી થઇ ગઇ હતી. હવે તો વરસાદ વરસે એટલે કપડા સુકવવાની ચિંતા. દરેકને ગરમાગરમ નાસ્તો તૈયાર કરી આપવાની જવાબદારી. કોઇકને મેથીના ગોટા તો કોઇકને દાળવડાં, સાસુ ને તો ખાસ ડુંગળી અને બટાકાના પતીકાના ભજીયા જોઇએ તો સસરાને ચણાના લોટના પુડલા અને વરસાદથી ભીના થઇને જો કોઇ ઘરમાં આવે તો તેના કપડાં ફરી ધોવા, ઘરને સાફ કરવું અને કોઇને શરદી થાય તો ઉકાળો બનાવી આપવો અને આ બધુ સાચવતા સાચવતા વૈભવીનું આખુ ચોમાસું કોરુ મુકીને રીસાઇને ચાલ્યું જાય.

પપ્પાના ઘરે તો ખુલ્લા આંગણામાં મન મુકીને ન્હાવાનું થતું જ્યારે વહુ બન્યા પછી તો સાસરે બધાની નજરોથી દૂર રહીને કે કોઇ જોઇ ન લે તેવી રીતે કપડા સુકવવાના કે અગાસી ધોવાના બહાને પહેલા વરસાદમાં નાહી લેવાનું થતું. તેમાં પતિનો સાથ તો ક્યારેય ન મળે.

સગાઇ પછી અને લગ્નના ત્રણેક વર્ષ સુધી વૈભવી અને વૈભવ પહેલા વરસાદમાં લોંગ ડ્રાઇવ પર જતા.

મમ્મી પપ્પા સામે અગત્યનું કામ છે તેમ ખોટુ બોલીને પણ તેઓ નીકળી જતા. રોડની સાઇડ પર વેચાતી મગફળી અને મકાઇની લુફ્ત લેવાની પણ મજા કોઇ ઓર હતી. જો કે અત્યારે તો ઉંમર અને જીવનની જવાબદારીમાં એ બધુ ભૂતકાળ બની ગયું હતુ.

વૈભવીને આજે વર્ષો પછી પહેલા વરસાદની લોંગ ડ્રાઇવની જુની યાદો તાજી થતા ગરમા ગરમ ચાની ચુસ્કી લેતા અને છાપામાં વરસાદના સમાચાર વાંચતા વૈભવને પુછી લીધું, ‘કહું છું સાંભળો છો ?’

અને દરેક પત્નીની આ પંચ લાઇન પર દરેક પતિ જે રીતે પ્રત્યુત્તર આપે તે રીતે જ વૈભવે તેની તરફ સહેજ પણ લક્ષ્ય આપ્યા વિના બોલ્યો, ‘ના...! આમ તો હું કોઇનું સાંભળતો જ નથી... પણ તારુ સાંભળ્યા વિના ચાલે એમ નથી.’

વૈભવીના અંદરથી ઉભરતા રોમાંચને ત્યાં જ જાકારો મળી ગયો હોય તેમ ધીરેથી બોલી, ‘ કહું છું ચલોને.. આજે લોંગ ડ્રાઇવ પર જઇએ.. બહુ વર્ષો થયા...! મમ્મી-પપ્પા ગામડે ગયા છે.. એ હોય તો ન નીકળવા દે. વિધાન નવુ બાઇક લાવ્યો છે... ચલોને લટાર મારી આવીએ.’

અને ત્યાં જ વૈભવે નજર ઉંચી કરીને જોયું અને હસ્યો, ‘હવે ઉંમર થઇ, ધોળા આવી ગયા છે. છોકરાઓને લોંગ ડ્રાઇવ પર જાય એવડા થયા. મમ્મી-પપ્પા ભલે ન હોય પણ ઘરમાં હવે દિકરો અને વહુ છે. એમને કેવુ લાગે ? મને તો મારી ખુરશી અને તને તારુ રસોડું જ બરાબર છે અને તે આ જોયું શહેરમાં કેટકેટલી જગ્યાએ પાણી ભરાયા છે, નાહકના ક્યાંક ફસાઇ જઇશું અને ભારે વરસાદની આગાહી છે જો વધારે વરસાદ પડ્યો તો ?’

જે વૈભવ પચ્ચીસ વર્ષ પહેલા જેમ વધુ વરસાદ વરસતો તેમ વધુ લોંગ ડ્રાઇવની મજા લેતો તે આજે ખુરશીમાં લપાઇ ગયો હતો.

‘જાવ ને હવે તમે ઢીંચણ સુધીના પાણીમાંથી’યે બાઇક બહાર કાઢી લેતા.. અને આપણે વીંટળાઇને ભારે વરસાદમાં પણ લોંગ ડ્રાઇવ કરતા અને યાદ છે એક જ મકાઇડોડાને વારાફરતી વહેંચીને ખાતા ! પેલી ગરમાગરમ મગફળી મારા દુપટ્ટે બાંધી ચાલુ બાઇકે તમને ખવડાવતી. કહું છું ચાલોને આજેય... ફરી લોંગ ડ્રાઇવની ઇચ્છા છે. બાઇક પર ઘરની વસ્તુઓની ખરીદ કરવામાં, સંસારની જવાબદારી અને આપણાં વિધાનને સ્કુલે મુકવામાં ને લેવામાં આપણાં વર્ષો ચાલ્યા ગયા, આજે ચલોને લોંગ ડ્રાઇવ પર...!’ વૈભવી આજે યુવાનીના મુડમાં આવીને વૈભવને કહી રહી હતી.

‘હા... હા... એ તો યુવાનીનું જોશ હતું... અને રોમાન્સના દિવસો હતા... ઘરની કોઇ જવાબદારી નહોતી અને મન થાય તેમ જીવવાનું. પહેલા તો વરસાદ વધેને વધુ જોમ ચઢે અને હવે તો વરસાદ વધે તો ચિંતા થાય કે ઘરે કેમ પહોંચીશું...? એક વખતનું યુવાન મન આજે જીવનની ભાગદોડમાં ઘરડું થઇ ગયું છે.’ અને વૈભવે તો ફરી છાપામાં નજર નાંખી દીધી.

પણ આજે વૈભવીની લોંગ ડ્રાઇવની તીવ્ર ઇચ્છા હતી એટલે તે વૈભવને મનાવવા બોલી, ‘બહુ વર્ષો પછી આજે બાઇક પર પાછળની સીટ પર બેસીને પલળતાં પલળતાં દૂર જવાની ઇચ્છા થઇ છે.. મમ્મી-પપ્પા ગામડે ગયા છે. નહિતર આપણને વરસાદમાં બહાર નીકળવા જ ન દે..!’

અને આખરે વૈભવે નમતું જોખ્યું. ‘સારુ...ચલ જઇએ..આપણી જુની લોંગ ડ્રાઇવ પર.. બસ... ખુશ...!’ દરવાજા પાસે લટકતી પુત્ર વિધાનના બાઇકની ચાવી સામે નજર કરી. પોતાનું જૂનું બાઇક વેચીને વિધાનને લગ્ન પછી નવું બાઇક લઇ આપ્યું હતું અને પોતે બસમાં અપડાઉન કરતાં.. હવે આપણો સમય ગયો અને છોકરાઓનો સમય આવી ગયો.. પુત્ર માટે પોતાની લટકાવેલી ખુશીઓની જૂની યાદ તાજી કરી વૈભવે ચાવી હાથમાં લીધી અને વૈભવીના મુખ પર તાજગી આવી ગઇ.

અને ત્યાં જ વિધાન અને તેની પત્ની વિધિ એકબીજાના હાથમાં હાથ પરોવી ડ્રોઇંગરૂમમાં આવ્યા.

‘પપ્પા અમે બહાર જઇએ છીએ.’ વિધાને કહ્યું અને તે તેના બાઇકની ચાવી શોધવા લાગ્યો.

‘મમ્મી... મારા બાઇકની ચાવી ક્યાં..?’ વિધાને મમ્મી તરફ ઇશારો કર્યો.

અને ત્યાં જ તેના પપ્પાએ તેના બાઇકની ચાવી તેની સામે ધરી.

‘શું પપ્પા લોંગ ડ્રાઇવ પર જવાનો ઇરાદો હતો કે શું...? કોઇ દી નહીને આજે મારા બાઇકની ચાવીને હાથ લગાવ્યો.’ વિધાને મજાકના મુડમાં કહ્યું.

‘હા.. થયું કે અમે પણ જોઇ લઇએ કે નવુ બાઇક કેવું ફાવે છે..?’ તેના પપ્પાએ ચાવી હાથમાં ફેરવતા ફેરવતા કહ્યું.

‘શું મમ્મી-પપ્પા.. તમે પણ….! ઘરડાં થયા હવે તમે...આ ઉંમર લોંગ ડ્રાઈવની નહિ ઘરમાં શાંતિથી આરામ કરવાની છે. અમારા જેવા યુવાનો માટે છે આ પહેલો વરસાદ...’ વિધાને ચાવી પોતાના હાથમાં લેતા કહ્યું. અને એકક્ષણમાં તેમની લોંગ ડ્રાઇવ પુરી થઇ ગઇ.

વિધાને તેની મમ્મી તરફ જોઇને કહ્યું, ‘મમ્મી આજે મસ્ત મસ્ત દાળવડા બનાવજે અને પેલા પુડલા પણ... ડુંગળી મસાલેદાર કરજે... અમે થોડીવાર પહેલા વરસાદની મજા લઇને આવીએ છીએ.’ અને તેઓ બન્ને ઘરનો ઉંબરો ઓળંગી ગયા.

વૈભવી પોતાના બધા સપનાઓને ક્ષણવારમાં સંકોચી રસોડા તરફ ચાલી અને તેની ભીની આંખો જોઇ વૈભવ તેની પાસે આવ્યો અને તેના ખભે હાથ મુકી બોલ્યો, ‘અરે... ગાંડી... હવે છોડને આપણી લોંગ ડ્રાઇવના સપના...! છોકરાઓને મજા કરવા દે...!’

પણ વૈભવી તેનો હાથ હટાવી ડુંગળી સમારવા બેઠી. તેને ડુંગળીની આડશમાં પોતાની ઇચ્છાઓના આંસુને વહાવી દીધા.

વૈભવ સમજી ગયો હતો કે વૈભવી ખુશ નથી એટલે તેને એક યુક્તિ વિચારી અને બોલ્યો,’ એક કામ કર ચલ આપણે અહીં જ લોંગ ડ્રાઇવ કરીએ.. અને હું તને સરસ મજાની લોંગ ડ્રાઇવ પર લઇ જવુ.’

‘અહીં..! કેવી રીતે...?’ વૈભવીને કાંઇ સમજ ન પડતા પુછ્યું.

વરસતા વરસાદમાં ગેલેરીની નાની દિવાલ પર વૈભવ બેસી ગયો અને વૈભવીને તેને પાછળથી પકડી બેસી જવા કહ્યું. જાણે બાઇકનું સ્ટીયરીંગ પકડ્યું હોય તેમ બન્ને હાથ હવામાં લહેરાવી પગેથી કીક મારી બાઇક શરુ કરને લોંગ ડ્રાઇવ શરુ કરી.Mઅને વૈભવી મન મનાવીને તેને પાછળ પકડી બેસી ગઇ.

વૈભવે એક હાથ તેના હાથ પર મુકીને કહ્યું, ‘વૈભવી, આટલી ઉંમરે મને સમજાયું કે સાચી લોંગ ડ્રાઇવ શું છે..?

‘શું છે મને સમજાવો...!’ વૈભવી પણ હવે ભીની થઇ હતી.

અને વૈભવે જીવનની લોંગ ડ્રાઇવ સમજાવતા કહ્યું.. ‘આ દિકરાઓની જવાબદારીઓમાં આપણાં કેટલાય ચોમાસા ગયા એ આપણી જિંદગીની લોંગ ડ્રાઇવ..! મમ્મી-પપ્પાના ડરથી આપણે સૂનમૂન બેસી રહેતા અને વિચારોથી દૂર દૂર ચાલ્યા જતા તે આપણા જીવનની લોંગ ડ્રાઇવ...! શિયાળાની રાબ, ઉનાળાની લસ્સી અને વરસતા વરસાદમાં વૈભવી તારા હાથના ગરમા ગરમ ગોટા, પુડલા, દાળવડા ને ભજીયા એ જ જીવનની ખરી લોંગ ડ્રાઇવ...! ખુલ્લા આકાશમાં અને વરસતા વરસાદમાં પલળવા માટે જાણી જોઇને રેઇનકોટ ભૂલી જતા તે આપણા જીવનની લોંગડ્રાઇવ…! તારા હાથની ફોલેલી ગરમાગરમ મગફળી ને સાચા આંસુને છુપાવી દેવા ડુંગળી સમારતી એ જીવનની ખરી લોંગ ડ્રાઇવ...! છોકરાઓની ખુશીઓ માટે આપણે આપણી ખુશીઓને ભૂલી જવી એ જ આપણા જીવનની લોંગ ડ્રાઇવ...! કમાઇ કમાઇને મારે ઘરડા થઇ જવું એ અને સૌને સાચવતા સાચવતા તારે ઘરડી થઇ જવું એ આપણા જીવનની લોંગ ડ્રાઇવ...! આપણી લાગણીઓને કોઇ ન સમજે તોય જીવતા જવું અને આપણી ખુશીઓની ચાવી હસતા મુખે દિકરાઓને આપી દેવી તે આપણી લોંગ ડ્રાઇવ...! આપણે આપણાં મમ્મી પપ્પાના બોલને ઉથાપી નહોતા શકતા અને આપણાં છોકરાઓ આપણને સ્પષ્ટ ના કહી દે, આ છે આપણી લોંગ ડ્રાઈવ....!’

વૈભવી ઘણા વર્ષો પછી વૈભવને પાછળ વળગીને પાછળ બેસી રહી. વરસતા વરસાદથી અને લાગણીઓથી બન્ને તરબતર હતા. તેમને ખ્યાલ નહોતો કે વિધાન અને વિધિ તેમને જોઇ રહ્યા છે. તે બન્ને સાવ નાસમજ તો નહોતા જ.

તેમને મમ્મી પપ્પાની અનોખી લોંગ ડ્રાઇવ જોઇ. બંને શરીરે ભીના તો હતા આંખોથી પણ ભીના થઈ ગયા..

થોડીવાર પછી વિધાન તેમની પાસે આવ્યો અને બોલ્યો, ‘સોરી મમ્મી-પપ્પા, આ તો અમે રેઇનકોટ લેવા ઉપર આવ્યા એટલે અમને સાચી ખબર પડી કે તમે અમારી ખુશીઓ માટે તમારી જિંદગીની કેટકેટલીય પહેલા વરસાદની લોંગ ડ્રાઇવ ચૂકી ગયા છો.. પણ હવે તમારે લોંગ ડ્રાઇવ પર જવાનું છે. આ ચાવી... પહેલો વરસાદ અને પહેલી લોંગ ડ્રાઇવના તમે જ ખરા હકદાર છો.’

વૈભવે ચાવી હાથમાં લીધી અને બન્ને દરવાજે પહોંચ્યા ત્યાં વિધિ બોલી, ‘ મમ્મી પહેલા વરસાદના ગોટા, પુડલા અને બટાકાવડા હું બનાવીને તૈયાર કરુ છું... તમે આ રેઇનકોટ લેતા જાવ.’

પણ બન્ને રેઇનકોટ ભૂલીને લોંગ ડ્રાઇવ પર નીકળી ગયા.


Rate this content
Log in

Similar gujarati story from Inspirational